પાઠ 6 રાષ્ટ્રીય શાયર... ઝવેરચંદ મેઘાણી - સ્વાધ્યાય

પાઠ ૬: રાષ્ટ્રીય શાયર... ઝવેરચંદ મેઘાણી

સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરી

ધોરણ 6 ગુજરાતી


૧. વાતચીત (ચર્ચા માટેના પ્રશ્નોના નમૂનારૂપ જવાબો):

(૧) કઈ વાત/પ્રસંગ તમને ગમ્યાં? કેમ?

જવાબ: મને ચૌદ વર્ષની ચારણકન્યા હીરબાઈનો પ્રસંગ ખૂબ ગમ્યો, કારણ કે તેણે પોતાની વાછરડીને મારનાર વિકરાળ સિંહને લાકડીથી ડરાવીને હાંકી કાઢ્યો, જે તેની અદ્ભુત બહાદુરી અને નીડરતા દર્શાવે છે.

(૨) કવિ કે લેખક કોને કહેવાય?

જવાબ: જે કવિતા (પદ્ય) ની રચના કરે તેને 'કવિ' કહેવાય અને જે વાર્તા, નવલકથા કે નિબંધ જેવા ગદ્ય સાહિત્યની રચના કરે તેને 'લેખક' કહેવાય.

(૩) તમને યાદ હોય તે કવિ અને લેખકોનાં નામ કહો.

જવાબ: મને યાદ છે તેવા કવિઓ અને લેખકો: નર્મદ, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, ગિજુભાઈ બધેકા અને રવીન્દ્રનાથ ટાગોર.

(૪) તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો?

જવાબ: હું તેમને પૂછું કે, "તમને વાર્તા કે કવિતા લખવાનો પહેલો વિચાર ક્યાંથી આવે છે?", "તમે નવું લખવા માટે ક્યાંથી પ્રેરણા મેળવો છો?" અને "સારા લેખક બનવા માટે મારે કેવા પુસ્તકો વાંચવા જોઈએ?"

(૫) એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા?

જવાબ: બાળપણમાં ડુંગરાળ પ્રદેશો, નદી-પર્વતો સાથેનો તેમનો ઘનિષ્ઠ નાતો, કલાપી અને રવીન્દ્રનાથ ટાગોરની કવિતાઓનો પ્રભાવ, તથા હડાળા દરબાર પાસેથી સાંભળેલી સોરઠી બહારવટિયા અને સંતોની વાતોએ તેમને કવિ અને લેખક બનવાની પ્રેરણા આપી.

(૬) તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે?

જવાબ: હું મારા પરિવાર સાથે સાપુતારા અને ગિરનારના પ્રવાસે ગયો હતો, ત્યાં મેં લીલાછમ જંગલો, ઊંચા પર્વતો અને વહેતા ઝરણાં જોયાં છે. કુદરતના ખોળે બેસીને મને ખૂબ જ શાંતિ અને આનંદનો અનુભવ થયો છે.

(૭) તમને કે તમારાં ભાઈ/બહેન/મિત્રોને શું ભેગું કરવું ગમે? તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો.

જવાબ: મને અને મારા મિત્રોને જૂના સિક્કા, અલગ અલગ દેશની પોસ્ટની ટિકિટો અને દરિયાકિનારેથી સુંદર છીપલાં ભેગાં કરવા ગમે છે. અમે જ્યાં પણ ફરવા જઈએ ત્યાંથી આ વસ્તુઓ શોધીએ છીએ અને વડીલોની મદદ લઈને તેને એક સુંદર બોક્સમાં સાચવીને એકઠી કરીએ છીએ.

(૮) “હજારો વર્ષની જૂની.” પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો.

(આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં જાતે શિક્ષકના માર્ગદર્શન હેઠળ ઝવેરચંદ મેઘાણીના બુલંદ કંઠની કલ્પના કરીને લયબદ્ધ રીતે ગાવાની છે.)

(૯) એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને “શાબાશ ઝવેરચંદ” કહેવાનું મન થાય?

જવાબ: મેઘાણીએ કોઈ પણ પ્રકારની આધુનિક સગવડ (વાહન કે રેકોર્ડિંગ મશીન) ન હોવા છતાં, સૌરાષ્ટ્રના ગામેગામ રખડીને, ઘોડા અને ઊંટ પર મુસાફરી કરીને લોકોના કંઠે સચવાયેલું જે અદ્ભુત લોકસાહિત્ય અને લોકગીતો શોધીને કાગળ પર ઉતાર્યાં, તે મહાન કામ માટે મને તેમને "શાબાશ ઝવેરચંદ" કહેવાનું મન થાય છે.


૨. પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યોની સામે [✓] કે [×] કરો:

  • (૧) "સિંધુડો"નાં કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. [✓]
  • (૨) ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. [✓]
  • (૩) ઝવેરચંદ પહાડ, ઝરણાં, વનરાજી વચ્ચે મોટા થયા. [✓]
  • (૪) પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે "ચારણ કન્યા" ગીત રચ્યું. [✓]
  • (૫) ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. [×]
    (કેટલીક વાર્તાઓમાં તેમણે પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી પણ બનાવી છે)
  • (૬) મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરાં એમ બધાં માટે ગીતો, વાર્તાઓ લખ્યાં છે. [✓]
  • (૭) હીરબાઈ, આલેક કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સત દેવીદાસ વગેરે જીવતાં જાગતાં માણસો હતાં. [✓]
  • (૮) ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. [✓]

૩. નીચે આપેલાં વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શો થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો:

  • (૧) બુલંદ અવાજેમોટા અવાજે
  • (૨) વિકરાળ રાક્ષસભયાનક
  • (૩) ખમીરવંતો અભિમન્યુજોશીલો
  • (૪) આકાંક્ષા હતીતીવ્ર ઇચ્છા
  • (૫) હાકોટા સાંભળીબૂમો

૪. વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખરું [✓] કરો:

  • (૧) પાનો ચઢાવવો[✓] પ્રોત્સાહન આપવું
  • (૨) જપ્ત કરવું[✓] બળજબરીથી લેવું
  • (૩) ખજાનો ખોલવો[✓] મૂલ્યવાન ભંડાર ખોલવો
  • (૪) આંખમાં પાણી આવી જવું[✓] આંસુ નીકળી આવવાં

૫. પ્રશ્નોના જવાબ લખો:

(૧) મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યાં હતાં?

જવાબ: ઝવેરચંદ મેઘાણીને 'પહાડનું બાળક', 'વિલાપી', 'જનકરાજા' અને 'રાષ્ટ્રીય શાયર' જેવાં ઉપનામ મળ્યાં હતાં.

(૨) લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી?

જવાબ: લોકસાહિત્ય એકઠું કરવા મેઘાણીને ગામડે ગામડે રખડપટ્ટી કરવી પડતી હતી. તે સમયે વાહનવ્યવહારની પૂરતી સગવડ નહોતી, તેથી ઘોડા કે ઊંટ પર બેસીને જવું પડતું. ભોજનની સગવડ પણ રહેતી નહીં. ગીતો નોંધવા માટે રેકોર્ડિંગની સગવડ ન હોવાથી મોડી રાત સુધી જાગીને બધું જાતે જ કાગળ પર લખવું પડતું હતું.

(૩) ઝવેરચંદ પોતાને “પહાડનું બાળક” કેમ માનતા હતા?

જવાબ: ઝવેરચંદના પિતા પોલીસ જમાદાર હતા અને તેમની નોકરી દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર જેવા ડુંગરાળ પ્રદેશોમાં હતી. ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ, પહાડો, ઝરણાં અને નદીઓના ઊંડા ધરા તેમના બાળપણના સાથી હતા. આમ, ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો, તેથી તેઓ પોતાને "પહાડનું બાળક" માનતા હતા.

(૪) ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા?

જવાબ: લાખાપાદર ગીરનાકા પરનું એક નાનકડું પોલીસથાણું હતું. ત્યાંની ઊંચી ભેખડો, પહાડભેદતી ગોમુખી ગંગા અને ઊંડા ધરાનું કુદરતી સૌંદર્ય ઝવેરચંદને ગાય-વાછરડાની જેમ પોતાની તરફ ખેંચતું હોવાથી રજા પડતાં જ તેઓ લાખાપાદર પહોંચી જતા હતા.

(૫) “વેણીના ફૂલ” અને “કિલ્લોલ' પુસ્તકો કેમ ગમી જાય એવાં છે?

જવાબ: "વેણીનાં ફૂલ" અને "કિલ્લોલ" પુસ્તકોમાં ખાસ કરીને બાળકો અને કિશોરો માટે ખૂબ જ સરસ, મજા પડે તેવાં ગીતો આપેલાં છે, તેથી આ પુસ્તકો કોઈને પણ તરત ગમી જાય એવાં છે.


૬. કારણ લખો:

  • (૧) “સિંધુડો”ના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે...
    “સિંધુડો” ના કાવ્યો શૌર્ય જગાડનારા હતાં અને તેનાથી લોકોમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઊઠે તેમ હતો, તેથી સરકારે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને તેમને બે વર્ષની સજા ફટકારી.

  • (૨) ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે...
    નાનપણમાં જૈન પાઠશાળામાં સ્તવનો ગાવાની તેમને રઢ હતી. મારવાડી શેઠ સમક્ષ તેમણે રચેલી પ્રથમ પદ્યરચનાથી શાળાને પચીસ રૂપિયાનું ઈનામ મળ્યું. કવિતા કોઈ પણ રચે પણ ગાવાની તો ઝવેરચંદે જ, આ ઉત્સાહથી તેમનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો.

  • (૩) ઝવેરચંદના મિત્રોએ તેમને “વિલાપી' નામ આપ્યું કારણ કે...
    હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઝવેરચંદને કલાપીનાં કાવ્યોનો પરિચય થયો. તેઓ કલાપીનાં કાવ્યો ખૂબ જ દર્દભરી રીતે ગાતા હતા, આથી તેમના મિત્રોએ તેમને "વિલાપી" નામ આપ્યું હતું.

  • (૪) કૉલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે…
    ઝવેરચંદનો પોશાક બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં જુદો હતો. તેઓ લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે છોગાવાળો ચોકડીદાર ફેંટો અને પગમાં સ્લિપર પહેરતા હતા. સાથે ગંભીર વિચાર કરતી મોટી આંખો અને મરદાનગીભરી ચાલને કારણે સૌનું ધ્યાન તેમના તરફ ખેંચાતું હતું.

  • (૫) મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે...
    આ લોકોના કંઠમાં અને સ્મૃતિમાં પરંપરાથી જળવાયેલાં લોકગીતો, ભજનો અને કથાઓનો અખૂટ ખજાનો સચવાયેલો હતો, જે એકઠો કરીને મેઘાણીને તેને કાગળ પર ઉતારવો હતો.

૭. મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું? ઘટનાનો સાચો ક્રમ લખો:

  1. સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે.
  2. એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે.
  3. જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. / લોકો વાત કરે તે નોંધ લે.
  4. મળેલી વાત પરથી વાર્તા બનાવે.
  5. ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે.
  6. આવાં ગીત અને વાર્તાઓ ભેગાં થાય એટલે તેની ચોપડી છપાવે.

૮. કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો:

વર્ણનની વિગત ઝવેરચંદ મેઘાણી તમને પ્રભાવશાળી લાગતાં સ્ત્રી/પુરુષ:
(દા.ત. મહાત્મા ગાંધી)
પહેરવેશ બેંગલોરી ઘાટની ટોપી, લાંબો સફેદ કોટ, ધોતિયું, સ્લિપર સાદી પોતડી અને ખાદીની શાલ
શારીરિક દેખાવ ભીનો વાન, બેઠી દડીનું શરીર, ટચાક જેવી મોટી આંખો, ગૂંચળિયાળા વાળ પાતળું શરીર, ચશ્મા અને હાથમાં લાકડી
સ્વભાવ શરમાળ, ઓછાબોલો અત્યંત શાંત, સરળ, સત્યવાદી અને નીડર
આપેલું નામ વિલાપી, પહાડનું બાળક, રાષ્ટ્રીય શાયર બાપુ, મહાત્મા, રાષ્ટ્રપિતા
વિશેષતા લોકસાહિત્યવાળા, બુલંદ કંઠના સ્વામી અહિંસાના પૂજારી, સાદાઈના પ્રતીક

૯. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો:

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક અને 'રાષ્ટ્રીય શાયર' હતા. તેમનો જન્મ 1896માં ચોટીલામાં થયો હતો. બાળપણથી જ તેમને ડુંગરાળ પ્રદેશો અને પ્રકૃતિ પ્રત્યે અત્યંત લગાવ હતો, જેથી તેઓ પોતાને 'પહાડનું બાળક' કહેતા. તેમનો સ્વભાવ શરમાળ અને ઓછાબોલો હતો, પરંતુ તેમનો અવાજ બુલંદ અને શૌર્ય જગાડનારો હતો. ગાંધીજીની આગેવાની હેઠળના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે મેઘાણીનાં રચેલાં 'સિંધુડો' કાવ્યસંગ્રહનાં શૌર્યગીતોએ લોકોમાં દેશભક્તિની આગ લગાડી દીધી હતી, જેના લીધે તેમને જેલની સજા પણ થઈ. તેમણે સૌરાષ્ટ્રના ગામેગામ રખડીને ચારણો અને ગૃહિણીઓ પાસેથી લોકગીતો અને કથાઓ એકઠી કરી 'સૌરાષ્ટ્રની રસધાર' જેવું અમૂલ્ય સાહિત્ય આપ્યું. લોકસાહિત્ય પ્રત્યેના તેમના આ અનોખા સમર્પણને કારણે ગુજરાત તેમને હંમેશા યાદ રાખશે.


૧૦. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો:

  • (૧) ચ્યાં: તું અત્યારે ચ્યાં જાય છે?
  • (૨) સેતર: મારા બાપુજી સવારથી સેતરે ગયા છે.
  • (૩) નેહાર: અમારા ગામના બધા છોકરા રોજ નેહાર ભણવા જાય છે.
  • (૪) અડાળી: મહેમાન માટે અડાળીમાં ગરમાગરમ ચા લાવો.

૧૧. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો:

(સાવજ, રોળકોળ, હોંકારા, વોડકી, ભાઈ, નેસ, ડાંગ)

અમે બધાં મિત્રના નેસ માં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. રોળકોળ હોવાથી હજી અંધારું ઊતર્યું નહોતું. તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતાં જોયું કે સિંહે ગાયની વોડકી નો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજ ની સામે થયેલી.


૧૨. પ્રવૃત્તિ: ગુજરાતના જાણીતા સાહિત્યકારો વિશે માહિતી

(પુસ્તકાલયનો ઉપયોગ કરીને મેળવેલી માહિતીનું નમૂનારૂપ કોષ્ટક)

સાહિત્યકારનો પ્રકાર નામ જાણીતી કૃતિઓ
બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા દિવાસ્વપ્ન, વાર્તાનું શાસ્ત્ર
લોકકથાકાર જોરાવરસિંહ જાદવ આપણા કસબીઓ, મરદ કસુંબલ રંગ ચડે
કવિ ઉમાશંકર જોશી નિશીથ, વિશ્વશાંતિ