સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

  • (1) રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટૂંકનોંધ લખો.

    રાષ્ટ્રીય ધોરી માર્ગો (National Highway) દેશના આર્થિક અને સુરક્ષાની દૃષ્ટિએ અતિ મહત્ત્વના છે. આ માર્ગોના નિર્માણ અને જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે.

    વ્યાપ અને જોડાણ:

    • આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને મોટા-મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરો તથા મુખ્ય બંદરોને એક-બીજા સાથે જોડવામાં આવ્યાં છે.
    • તેમજ, આ સડકો ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પડોશી દેશો સાથે પણ જોડે છે.

    મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને માર્ગો:

    • રાષ્ટ્રીય ધોરી માર્ગ-44 દેશમાં સૌથી લાંબો છે જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે.
    • સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્લી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકાતા એ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.
    • ગુજરાતમાંથી ૨૭, ૪૧, ૪૭, ૪૮, ૧૪૧, ૧૪૭ વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે.

    વસ્તી આધારિત લંબાઈ:

    • જનસંખ્યાના આધારે જોઈએ તો ચંડીગઢ, પુડુચેરી, દિલ્લી, ગોવા જેવાં રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે.
    • જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં તેની લંબાઈ પ્રમાણમાં ઓછી છે.
  • (2) ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા-કયા છે ?

    સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે, કારણ કે તેના નિર્માણ કે સમારકામમાં ખર્ચ થતો નથી. આંતરિક જળપરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે:

    • (૧) રાષ્ટ્રીય જળમાર્ગ ૧: આ જળમાર્ગ ગંગાનદી પર હલ્દિયા-અલ્હાબાદ વચ્ચે ૧૬૨૦ કિમીનો છે. (રાજ્યો: ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ)
    • (૨) રાષ્ટ્રીય જળમાર્ગ ૨: આ જળમાર્ગ બ્રહ્મપુત્રાનદી પર ઘુબરી-સાદિયા વચ્ચે ૮૯૧ કિમીનો છે. (રાજ્યો: અસમ)
    • (૩) રાષ્ટ્રીય જળમાર્ગ ૩: આ જળમાર્ગ પશ્ચિમ કિનારાની નહેર પર કોલમ-કટ્ટાપુરમ વચ્ચે ૨૫૦ કિમીનો છે. (રાજ્યો: કેરળ, તમિલનાડુ)
    • (૪) રાષ્ટ્રીય જળમાર્ગ ૪: આ જળમાર્ગ ગોદાવરી-કૃષ્ણાનદી પર કાકિનાડા-પુડુચેરી વચ્ચે ૧૦૭૮ કિમીનો છે. (રાજ્યો: આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી)
    • (૫) રાષ્ટ્રીય જળમાર્ગ ૫: આ જળમાર્ગ બ્રહ્માણીનદી પર ગોએનખલી-તાલ્ચર વચ્ચે ૫૮૮ કિમીનો છે. (રાજ્યો: ઓડિશા, પશ્ચિમ બંગાળ)

    આ ઉપરાંત, નદી-નહેર પરિવહનની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યો મહત્ત્વનાં છે.


૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

  • (1) સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?

    સામૂહિક સંચારતંત્ર દ્વારા એક સાથે અનેક લોકોને માહિતી કે સંદેશા પહોંચાડી શકાય છે. સમૂહ સંચારમાં મુખ્યત્વે બે માધ્યમોનો સમાવેશ થાય છે:

    ૧. મુદ્રિત માધ્યમ:

    • અખબારો
    • પત્રિકાઓ

    ૨. ઇલેક્ટ્રોનિક માધ્યમ:

    • આકાશવાણી (રેડિયો)
    • દૂરદર્શન (ટેલિવિઝન)

    પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે, જેના આકાશવાણી અને દૂરદર્શન મુખ્ય બે વિભાગો છે. આ ઉપરાંત, કૃત્રિમ ઉપગ્રહો પણ સંચારતંત્રનું નિયમન કરે છે, જેના દ્વારા સમાચાર, હવામાનની વિગતો, શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે.

  • (2) ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ-વસ્તુઓ કઈ-કઈ છે ?

    ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ-વસ્તુઓ નીચે મુજબ છે:

    • કાચું લોખંડ અને ખનીજ
    • ઇજનેરી સામાન: જેમ કે, સાઈકલ, પંખા, સિલાઇ મશીન, મોટરો, રેલવેના ડબ્બા.
    • કમ્પ્યૂટર સોફ્ટવેર
    • રસાયણો અને તેના સંબંધિત ચીજવસ્તુઓ
    • રત્નઆભૂષણ
    • ચામડું અને ચામડાનો સામાન
    • સુતરાઉ કાપડ
    • માછલી અને તેની પેદાશો
    • હસ્તકલાની વસ્તુઓ
    • ચા-કૉફી
    • શણની ચીજવસ્તુઓ તથા સીવેલાં તૈયાર કપડાં

૩. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

  • (1) ગુજરાતમાં રજ્જુમાર્ગ કયા સ્થળોએ આવેલા છે ?

    ગુજરાતમાં રજ્જુમાર્ગ (રોપ-વે) પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે ઉપલબ્ધ છે. ઉપરાંત જૂનાગઢમાં ગિરનારમાં પણ રજ્જુમાર્ગની કામગીરી ચાલુ થઈ છે.

  • (2) વ્યક્તિગત સંચારતંત્રમાં અસરકારક સાધનો કયાં છે ?

    વ્યક્તિગત સંચારતંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક સાધનો છે. તેના દ્વારા ઈ-મેલ, ઈ-કોમર્સ અને સોશ્યલ મીડિયા મારફતે સંદેશા વ્યવહાર થાય છે.

  • (3) આંતરિક વ્યાપાર કોને કહેવાય છે ?

    આંતરિક વ્યાપાર એટલે એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે.

  • (4) પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો ?

    પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા હતા.


૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

  • (1) એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે ?

    (B) ભોટિયા
  • (2) ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે ?

    (C) 44 નંબર
  • (3) રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી કોની છે ?

    (B) કેન્દ્ર સરકાર