સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

  • (1) ખાંડ તથા ખાંડસરીનાં કારખાનાં ક્યાં સ્થપાયાં છે ? શા માટે ?

    ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ભારતમાં ખાંડ ઉદ્યોગનું બીજું સ્થાન છે. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.

    ક્યાં સ્થપાયાં છે?

    ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડનાં કારખાનાં છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડિનાર તથા તલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે.

    શા માટે?

    ખાંડ તથા ખાંડસરીનાં કારખાનાં તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકનાં સ્થળોએ જ સ્થાપવામાં આવે છે, તેનાં કારણો નીચે મુજબ છે:

    • શેરડી એક એવો કાચો માલ છે જેમાં પાણીની માત્રા રહેલી હોય છે.
    • શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી ચોવીસ કલાકમાં તેનું પીલાણ કરવું જરૂરી છે.
    • જો સમય વીતી જાય તો તેમાંથી ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે.
  • (2) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકનોંધ લખો.

    લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોનાં યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય.

    ઐતિહાસિક પૃષ્ઠભૂમિ:

    • ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે.
    • આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થપાયું, પણ તે બંધ થઈ ગયું.
    • પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું.
    • ૧૯૦૭માં ઝારખંડના જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી આ ઉદ્યોગને નવી દિશા પ્રાપ્ત થઈ અને ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું.

    પ્રાપ્તિસ્થાનો અને સંચાલન:

    • અન્ય મુખ્ય કેન્દ્રોમાં પશ્ચિમ બંગાળમાં બર્નપુર, કર્ણાટકમાં ભદ્રાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમનો સમાવેશ થાય છે.
    • લોખંડ-પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.
    • ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.
    • ટાટા સિવાયના લોખંડ-પોલાદના કારખાનાનો વહીવટ ‘સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ' (SAIL) ને સોંપવામાં આવ્યો છે.

    વૈશ્વિક સ્તરે, લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.

  • (3) ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંકનોંધ લખો.

    આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ અસંભવ જ થઈ જાય છે. ઉદ્યોગોનું મહત્ત્વ નીચે મુજબ છે:

    • આર્થિક વિકાસનો આધાર: જે દેશો ઔદ્યોગિક દૃષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે, તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. જેમ કે, યુ.એસ.એ., રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યાં છે.
    • સંસાધનોનો મહત્તમ ઉપયોગ: જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી તે કુદરતી સંસાધનોનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી. ઉદ્યોગો કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને તેને ઉપયોગમાં લાવી શકાય તેવી વસ્તુઓમાં પરિવર્તિત કરે છે.
    • વિદેશી હૂંડિયામણ: ઉદ્યોગોના વિકાસ વગરના દેશોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચીને, તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ઉદ્યોગો વિકસવાથી નિકાસ વધારીને વિદેશી હૂંડિયામણ મેળવી શકાય છે.
    • રાષ્ટ્રીય ઉત્પાદનમાં ફાળો: ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ૨૯% ફાળો છે.
  • (4) સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.

    વસ્ત્ર ઉદ્યોગનું ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે. ઉત્પાદન અને રોજગારીની દૃષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે અને ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.

    વિકાસ:

    • સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ મુંબઈમાં સ્થપાઈ હતી. ત્યાર બાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ.
    • શરૂઆતનાં વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે મિલો સ્થપાઈ હતી, કારણ કે ત્યાં સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેનાં બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતા હતી.

    મુખ્ય કેન્દ્રો અને ઉપનામો:

    • મુખ્ય અને પરંપરાગત કેન્દ્રોમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇંદોર અને ઉજ્જૈનનો સમાવેશ થાય છે.
    • મહારાષ્ટ્રના મુંબઈને 'સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર' (Cottonopolis of India) કહે છે.
    • ગુજરાતમાં અમદાવાદનેપૂર્વનું માન્ચેસ્ટર' તથા ‘ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા' પણ કહે છે.
    • તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે.

    સમસ્યાઓ અને નિકાસ:

    • આ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
    • ભારત રશિયા, યુનાઈટેડ કિંગ્ડમ, યુ.એસ.એ., સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.

  • (1) પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.

    ઉદ્યોગો થકી થતા પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટે નીચેના ઉપાયો કરવા જરૂરી છે:

    • ઔદ્યોગિક આયોજન: ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરીને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય.
    • ટેકનોલોજી અને ઇંધણ: ઉપકરણોની ગુણવત્તા તથા ઇંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે.
    • હવા પ્રદૂષણ નિયંત્રણ: હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર અને પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
    • જળ શુદ્ધિકરણ: ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતાં પહેલાં શુદ્ધિકરણ કરીને જળ પ્રદૂષણ નિવારી શકાય છે.
    • ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ: જૂની મશીનરી અને પરિવહનના સાધનોને બદલીને અવાજનું પ્રદૂષણ ઘટાડી શકાય છે.
  • (2) ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.

    ઉદ્યોગોને મુખ્યત્વે માનવશ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્રોતના આધારે કેટલાંક જૂથોમાં વહેંચવામાં આવે છે:

    ૧. શ્રમિકોના આધારે (કદના આધારે):

    • મોટા પાયા પરના ઉદ્યોગો: જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે. દા.ત. સુતરાઉ કાપડ ઉદ્યોગ.
    • નાના પાયાના ઉદ્યોગો: જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને શ્રમિકોની સંખ્યા ઓછી હોય. દા.ત. ખાંડસરી ઉદ્યોગ.

    ૨. માલિકીના ધોરણે:

    • ખાનગી ઉદ્યોગો
    • જાહેર ઉદ્યોગો
    • સંયુક્ત ઉદ્યોગો
    • સહકારી જૂથો

    ૩. કાચા માલના સ્રોતના આધારે:

    • કૃષિ આધારિત ઉદ્યોગો: જે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત હોય. દા.ત. સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ખાંડ, કાગળ વગેરે.
    • ખનીજ આધારિત ઉદ્યોગો: જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાય છે. દા.ત. લોખંડ અને પોલાદ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, પરિવહનના ઉપકરણો વગેરે.

૩. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

  • (1) ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય કેટલાં કેન્દ્રો છે ? તે કયાં આવેલાં છે ?

    ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છે, જે જાહેર ક્ષેત્રનાં છે. તે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા ખાતે આવેલાં છે.

  • (2) સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે ?

    સિમેન્ટ બનાવવા માટે મુખ્યત્વે ચૂના પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઈટ અને ચીકણી માટી જેવા કાચા માલની જરૂર પડે છે.

  • (3) ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે ?

    ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ, કંડલા, હજીરા, ભરૂચ અને વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે.

  • (4) ગુજરાતના કાગળ ઉદ્યોગનાં ચાર કેન્દ્ર જણાવો.

    ગુજરાતમાં કાગળ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો પૈકી અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા ઉલ્લેખનીય છે.


૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

  • (1) નીચેનાં નગરોમાંથી ક્યા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે ?

    (B) મુંબઈ
  • (2) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ ક્યો છે ?

    (A) દ્વિતીય
  • (3) ભારતનું ક્યું નગર ‘સિલિકોન વેલી' તરીકે જાણીતું બન્યું છે ?

    (B) બેંગાલુરુ
  • (4) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ?

    (D) હજીરા
  • (5) નીચેનામાં કઈ જોડી ખોટી છે ?

    (D) આંધ્રપ્રદેશ-બર્નપુર