ધોરણ 8 સામાજિક વિજ્ઞાન : સત્ર 2ની બ્લ્યુપ્રિન્ટ મુજબના પ્રશ્નો

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન : સત્ર 2ની બ્લ્યુપ્રિન્ટ (2025-26) મુજબના પ્રશ્નો

પ્રશ્ન ક્રમાંક 1 એ પ્રકરણ 5: “અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા” માંથી પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 1 નિબંધાત્મક, આ પ્રશ્નો 3 ગુણના 2 પુછાશે. કુલ 6 ગુણ

૧. વુડના ખરીતામાં (Wood's Despatch - 1854)શિક્ષણ સંબંધી કઈ-કઈ ભલામણો કરવામાં આવી હતી? સવિસ્તાર સમજાવો.

ઉત્તર: ઈ.સ. 1854 ના વુડના ખરીતામાં (નીતિપત્રમાં) નીચે મુજબની ભલામણો કરવામાં આવી હતી:
  • ભારતમાં ભારતીય શિક્ષણ-પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ-પ્રણાલી અપનાવવામાં આવે.
  • દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવે અને અલગ શિક્ષણખાતું શરૂ કરવામાં આવે.
  • લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે કોલકાતા, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) માં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવે.
  • શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી અને વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવો.
  • ગ્રાન્ટ ઈન એઇડ પદ્ધતિ દ્વારા કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવે અને સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન અપાય.

૨. મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો સ્પષ્ટ કરો અને તેમની શિક્ષણ યોજના વિશે ટૂંકનોંધ લખો.

ઉત્તર:
  • વિચારો: મહાત્મા ગાંધીજી માનતા હતા કે પ્રચલિત અંગ્રેજી શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન-ઘડતર કરવામાં અને તેને રોજગારી અપાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેમના મતે કેળવણી એટલે "બાળક અને મનુષ્યનાં શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ".
  • શિક્ષણ યોજના (વર્ધા શિક્ષણ યોજના): ગાંધીજીએ ઈ.સ. 1936માં પાયાની કેળવણી, નઈ તાલીમ કે બુનિયાદી શિક્ષણની યોજના રજૂ કરી. આ યોજના મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો અને શિક્ષણ માતૃભાષામાં જ આપવું. શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાની તેમણે હિમાયત કરી હતી.

૩. રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો વર્ણવી, તેમણે સ્થાપેલી 'શાંતિનિકેતન' સંસ્થા વિશે માહિતી આપો.

ઉત્તર:
  • વિચારો: કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી હતા અને માનતા કે પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ સાચું જ્ઞાન મળી શકે. તેઓ કઠોર શિસ્તના વિરોધી હતા અને બાળકમાં સર્જનાત્મક વિકાસ થાય, કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિ વિકસે તેવી મુક્ત શિક્ષણ વ્યવસ્થાના હિમાયતી હતા. બાળકમાં સંગીત, અભિનય અને ચિત્રકળા જેવી યોગ્યતાઓ વિકસવી જોઈએ.
  • શાંતિનિકેતન: ટાગોરે પોતાના વિચારોને અમલમાં મૂકવા ઈ.સ. 1901માં બંગાળમાં 'શાંતિનિકેતન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાએ અનેક વિદ્વાનો રાષ્ટ્રને આપ્યા અને આગળ જતાં તે 'શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી' તરીકે વિખ્યાત થઈ.

૪. ભારતમાં સ્ત્રી-શિક્ષણની શરૂઆત અને તેના વિકાસમાં કયા-કયા શિક્ષણ-સુધારકો અને સંસ્થાઓએ ફાળો આપ્યો?

ઉત્તર:
  • ભારતમાં સ્ત્રી-શિક્ષણની શરૂઆત શ્રીરામપુરમાં ખ્રિસ્તી પાદરીઓ અને કેટલાક અમીર કુટુંબોએ કરી હતી. રાજા રામમોહનરાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી-શિક્ષણની જોરદાર હિમાયત કરી હતી.
  • ઈ.સ. 1849-50માં બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથુને બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી.
  • મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને મહર્ષિ કર્વેએ કન્યાશાળાઓની સ્થાપના કરી. મહર્ષિ કર્વેએ 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટી (એસ.એન.ડી.ટી.) સ્થાપી.
  • ગુજરાતમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ 19મી સદીમાં કન્યાઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કરાવ્યું, જ્યારે અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ 1850માં 'છોડીઓની નિશાળ' સ્થાપી.

૫. રાજા રામમોહનરાય અને બ્રહ્મોસમાજ દ્વારા સામાજિક સુધારા ક્ષેત્રે થયેલી પ્રવૃત્તિઓ સવિસ્તાર વર્ણવો.

ઉત્તર:
  • રાજા રામમોહનરાયે ઈ.સ. 1815માં 'આત્મીય સભા' અને ઈ.સ. 1828માં 'બ્રહ્મોસમાજ'ની સ્થાપના કરી સામાજિક સુધારાની પ્રવૃત્તિઓ હાથ ધરી.
  • તેમણે 1821માં 'સંવાદ કૌમુદી' નામની પત્રિકા દ્વારા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં ઝુંબેશ ચલાવી, જેના પરિણામે ઈ.સ. 1829માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો.
  • તેમના પ્રયત્નોથી જ ઈ.સ. 1839માં નરબલિ પ્રથા અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા (મારવા) વિરુદ્ધ પણ કાયદા કરવામાં આવ્યા.

૬. સ્વામી વિવેકાનંદનો યુવાનોને આપેલો ઉપદેશ અને રામકૃષ્ણ મિશન દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરો.

ઉત્તર:
  • સ્વામી વિવેકાનંદે (જેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું) પોતાના ગુરુના નામ પરથી ઈ.સ. 1897માં 'રામકૃષ્ણ મિશન' નામની સંસ્થા સ્થાપી હતી, જેનો મુખ્ય હેતુ સમાજસેવા હતો.
  • ઉપદેશ: તેમણે સ્પષ્ટ માન્યતા આપી કે "જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ અથવા નિરાધાર બાળકોનાં મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી." તેઓ કહેતા કે "પહેલાં અન્ન પછી ધર્મ."
  • તેમણે યુવાનોને જાગૃત કરવા એક પ્રસિદ્ધ ઉદ્બોધન આપ્યું: "ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો."

૭. અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં શિક્ષણની પ્રારંભિક વ્યવસ્થા કેવી હતી? તે સમયની શાળાઓ અને અભ્યાસક્રમનું વર્ણન કરો.

ઉત્તર: અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં શિક્ષણની કોઈ ઔપચારિક વ્યવસ્થા ન હતી.
  • શાળાઓ: શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી. શાળાઓ માટે કોઈ અલગ મકાન ન હતું, ગામનાં વડ કે અન્ય વૃક્ષની છાયામાં અથવા જાહેર સ્થળોએ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા.
  • અભ્યાસક્રમ: કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે અલગ-અલગ ધોરણોની વ્યવસ્થા ન હતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક નક્કી કરતા.
  • પદ્ધતિ: શિક્ષક મૌખિક શિક્ષણ આપતા (શરૂઆત આંકથી કરાવાતી અને પછી કક્કો-મૂળાક્ષર). શિક્ષકનો નિશ્ચિત પગાર ન હતો; વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ મુજબ વેતન મળતું.

૮. વિધવાવિવાહને પ્રોત્સાહન આપવા માટે ભારતના વિવિધ સામાજિક સુધારકો અને સંસ્થાઓએ કેવા પ્રયત્નો કર્યા?

ઉત્તર: મધ્યકાલીન ભારતમાં વિધવાઓને પુનઃલગ્નની મનાઈ હતી, જેને દૂર કરવા અનેક પ્રયાસો થયા.
  • બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 'સોમપ્રકાશ' મુખપત્ર દ્વારા વિધવા પુનર્વિવાહની જોરદાર હિમાયત કરી અને તેને કાયદેસર બનાવવા પ્રયત્ન કર્યો. બ્રહ્મોસમાજે પણ ઝુંબેશ ચલાવી.
  • મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, જ્યોતિરાવ ફૂલે, મહર્ષિ કર્વે વગેરેએ વિધવા-આશ્રમોની સ્થાપના કરી.
  • ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ સુધારણા માટે પ્રયાસ કર્યા અને નર્મદે એક વિધવા સાથે લગ્ન કરીને દાખલો બેસાડ્યો.
  • આ પ્રયત્નોના ફળસ્વરૂપે ગવર્નર જનરલ કાઉન્સિલમાં જે. બી. ગ્રાન્ટે બિલ રજૂ કર્યું અને ઈ.સ. 1856 માં 'વિધવા પુનઃલગ્ન અધિનિયમ' કાયદો પસાર કરવામાં આવ્યો.

૯. મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને મહારાષ્ટ્રના અગ્રગણ્ય સુધારકો દ્વારા પ્રાથમિક અને કન્યા શિક્ષણ માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા?

ઉત્તર:
  • મહારાજા સયાજીરાવ ગાયકવાડ: વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં ઈ.સ. 1901માં પ્રાથમિક શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક બનાવ્યું. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી.
  • મહારાષ્ટ્રના સુધારકો: મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યાશાળાઓ અને વિધવાઓની કેળવણી માટે શાળાઓ સ્થાપી. મહાદેવ ગોવિંદ રાનડે અને રમાબાઈ રાનડેએ કન્યાશાળાઓની સ્થાપના કરી, જ્યારે મહર્ષિ કર્વેએ 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટી (એસ.એન.ડી.ટી.) ની સ્થાપના કરી.

૧૦. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સામાજિક ક્ષેત્રે કયા-કયા દૂષણો પ્રવર્તતા હતા? તેને દૂર કરવા માટે સામાજિક સુધારકોએ કેવી ભૂમિકા ભજવી?

ઉત્તર:
  • સામાજિક દૂષણો: 19મી સદીમાં ભારતમાં અંધશ્રદ્ધા, બાળલગ્ન, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતાવેંત દૂધપીતી કરવી, સતીપ્રથા, જ્ઞાતિભેદ અને વિધવા પુનર્વિવાહ પર મનાઈ જેવા અનેક સામાજિક દૂષણો પ્રવર્તતા હતા.
  • સુધારકોની ભૂમિકા: રાજા રામમોહનરાયે સતીપ્રથા અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ લડત ચલાવી 1829 અને 1839 માં કાયદાઓ ઘડાવ્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને મહર્ષિ કર્વેએ વિધવાવિવાહ અને સ્ત્રી શિક્ષણ માટે લડત ચલાવી 1856 માં કાયદો પસાર કરાવ્યો. કેશવચંદ્ર સેને બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને ઠક્કરબાપા તથા મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણ અને અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે નોંધપાત્ર કામગીરી કરી.
પ્રશ્ન ક્રમાંક 2 એ પ્રકરણ 5: અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા” માંથી પૂછાશે. આ પ્રશ્નમાં 1 ગુણના 4 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.

૧. બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. ઈ.સ. 1828માં 'બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી? (A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (B) સ્વામી વિવેકાનંદ (C) રાજા રામમોહનરાય (D) દયાનંદ સરસ્વતી

જવાબ: (C) રાજા રામમોહનરાય

૨. સતીપ્રથા પર પ્રતિબંધ ફરમાવતો કાયદો કોણે અને ક્યારે પસાર કર્યો? (A) વિલિયમ બેન્ટિકે (1829) (B) ડેલહાઉસીએ (1856) (C) જે.બી. ગ્રાન્ટે (1856) (D) કર્ઝને (1905)

જવાબ: (A) વિલિયમ બેન્ટિકે (1829)

૩. 'સંવાદ કૌમુદી' નામની પત્રિકા દ્વારા સતીપ્રથા વિરુદ્ધ ઝુંબેશ કોણે ચલાવી? (A) કેશવચંદ્ર સેન (B) રાજા રામમોહનરાય (C) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (D) નર્મદ

જવાબ: (B) રાજા રામમોહનરાય

૪. 'સોમપ્રકાશ' નામના મુખપત્ર દ્વારા વિધવા પુનર્વિવાહની જોરદાર હિમાયત કોણે કરી? (A) મહર્ષિ કર્વે (B) જ્યોતિરાવ ફૂલે (C) મહાદેવ ગોવિંદ રાનડે (D) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

જવાબ: (D) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

૫. વિધવા પુનર્વિવાહ કાયદો (1856) ગવર્નર જનરલની કાઉન્સિલમાં બિલ સ્વરૂપે કોણે રજૂ કર્યો? (A) વિલિયમ બેન્ટિક (B) ડેલહાઉસી (C) જે. બી. ગ્રાન્ટ (D) કેશવચંદ્ર સેન

જવાબ: (C) જે. બી. ગ્રાન્ટ

૬. ઈ.સ. 1870માં 'ઇન્ડિયન રિફોર્મ એસોસિયેશન'ની સ્થાપના કરી બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ કોણે ચલાવી? (A) કેશવચંદ્ર સેન (B) ઠક્કરબાપા (C) મામાસાહેબ ફડકે (D) દુર્ગારામ મહેતાજી

જવાબ: (A) કેશવચંદ્ર સેન

૭. ઈ.સ. 1930ના 'શારદા અધિનિયમ' દ્વારા કન્યાની લગ્નની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? (A) 12 વર્ષ (B) 14 વર્ષ (C) 15 વર્ષ (D) 18 વર્ષ

જવાબ: (B) 14 વર્ષ

૮. અનુસૂચિત જાતિના બાળકો માટે ગોધરામાં શાળા કોણે સ્થાપી હતી? (A) ડૉ. ભીમરાવ આંબેડકર (B) ઠક્કરબાપા (C) મામાસાહેબ ફડકે (D) મહાત્મા ગાંધી

જવાબ: (C) મામાસાહેબ ફડકે

૯. સ્વામી વિવેકાનંદે 1897માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? (A) બ્રહ્મોસમાજ (B) રામકૃષ્ણ મિશન (C) માનવધર્મસભા (D) આત્મીય સભા

જવાબ: (B) રામકૃષ્ણ મિશન

૧૦. સ્વામી વિવેકાનંદે કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં હાજરી આપી હતી? (A) લંડન (B) ન્યૂયોર્ક (C) શિકાગો (D) પેરિસ

જવાબ: (C) શિકાગો

૨. ખાલી જગ્યા પૂરો:

૧૧. રાજા રામમોહનરાયે ઈ.સ. 1815માં '....................' ની સ્થાપના કરી હતી. જવાબ: આત્મીય સભા

૧૨. બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ.સ. 1839માં '....................' અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. જવાબ: નરબલિ પ્રથા

૧૩. ગુજરાતમાં ઈ.સ. 1844માં દુર્ગારામ મહેતાજીએ .................... માં માનવધર્મસભાની સ્થાપના કરી. જવાબ: સુરત

૧૪. વિધવા પુનર્વિવાહ કાયદા અંતર્ગત કોલકાતામાં .................... ના લગ્ન કાલિમતી દેવી સાથે થયાં હતાં. જવાબ: શ્રીચંદ્ર વિદ્યારત્ન

૧૫. સામાજિક સુધારક .................... એ એક વિધવા સાથે લગ્ન કરી સમાજમાં દાખલો બેસાડ્યો હતો. જવાબ: નર્મદ

૧૬. ઈ.સ. 1872માં પસાર થયેલા '....................' દ્વારા 12 વર્ષથી નીચેની વયનાં છોકરા કે છોકરીનાં લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યાં. જવાબ: લગ્નવય સંમતિધારો

૧૭. આઝાદી પછી ઈ.સ. 1978માં કન્યાના લગ્નની ઉંમર .................... વર્ષ કરવામાં આવી. જવાબ: 18

૧૮. મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા દૂર કરવા પોતાના આશ્રમમાં .................... નામના અનુસૂચિત જાતિના ભાઈને પરિવાર સહિત વસાવ્યા હતા. જવાબ: દુદાભાઈ

૧૯. આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈને આશ્રમો .................... એ સ્થાપ્યા હતા. જવાબ: ઠક્કરબાપા

૨૦. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ .................... હતું. જવાબ: નરેન્દ્રનાથ દત્ત

૩. ખરા-ખોટા જણાવો:

૨૧. વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો ઈ.સ.1856માં પસાર કર્યો હતો. જવાબ: ખોટું (ઈ.સ. 1829માં પસાર કર્યો હતો).

૨૨. પ્રાચીન ભારતમાં વિધવાવિવાહની પ્રથા હતી, પરંતુ મધ્યકાલીન ભારતમાં તે પ્રથા બંધ થઈ ગઈ હતી. જવાબ: ખરું

૨૩. ડેલહાઉસીએ ઈ.સ. 1856માં વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાનાં લગ્નને કાયદેસર બનાવ્યાં. જવાબ: ખરું

૨૪. કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી 1870માં 'ઇન્ડિયન રિફોર્મ એસોસિયેશન'ની સ્થાપના થઈ હતી. જવાબ: ખરું

૨૫. શારદા અધિનિયમ (1930) મુજબ છોકરાની લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી હતી. જવાબ: ખરું

૨૬. રામકૃષ્ણ મિશનની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી. જવાબ: ખોટું (સ્વામી વિવેકાનંદે કરી હતી).

૨૭. ડૉ. ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો મળે તે માટે આજીવન સંઘર્ષ કર્યો. જવાબ: ખરું

૪. એક-બે શબ્દોમાં / વાક્યમાં ઉત્તર આપો:

૨૮. કયા ગવર્નર જનરલે અને ક્યારે સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો?

જવાબ: વિલિયમ બેન્ટિકે ઈ.સ. 1829માં.

૨૯. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા મુખપત્ર દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી?

જવાબ: સોમપ્રકાશ.

૩૦. 'વિધવા પુનઃલગ્ન અધિનિયમ, 1856' ગવર્નર જનરલ કાઉન્સિલમાં કોણે રજૂ કર્યો?

જવાબ: જે. બી. ગ્રાન્ટે.

૩૧. કયા બ્રહ્મોસમાજી નેતાએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?

જવાબ: કેશવચંદ્ર સેને.

૩૨. ઈ.સ. 1872ના કાયદા મુજબ કેટલી ઉંમરથી નીચેનાં બાળલગ્ન ગેરકાયદેસર ગણાયાં?

જવાબ: 12 વર્ષથી નીચેનાં.

૩૩. 'ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.' - આ સૂત્ર કોણે આપ્યું હતું?

જવાબ: સ્વામી વિવેકાનંદે.

૩૪. સ્વામી વિવેકાનંદે કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં 'ભાઈઓ અને બહેનો' કહીને સંબોધન કર્યું હતું?

જવાબ: અમેરિકાના શિકાગો શહેરમાં (ઈ.સ. 1893માં).

૫. યોગ્ય જોડકાં જોડો:

જોડકું ૧: કાયદા અને સાલવારી

વિભાગ 'અ' (કાયદો) વિભાગ 'બ' (વર્ષ)
(1) સતીપ્રથા પર પ્રતિબંધ(A) 1930
(2) વિધવા પુનઃલગ્ન અધિનિયમ(B) 1872
(3) લગ્નવય સંમતિધારો(C) 1829
(4) શારદા અધિનિયમ(D) 1856

સાચો જવાબ: (1 - C), (2 - D), (3 - B), (4 - A)

જોડકું ૨: સુધારકો અને તેમની કામગીરી

વિભાગ 'અ' (સુધારક) વિભાગ 'બ' (સંસ્થા/કાર્ય)
(1) રાજા રામમોહનરાય(A) માનવધર્મસભા
(2) દુર્ગારામ મહેતાજી(B) અનુસૂચિત જાતિના બાળકો માટે ગોધરામાં શાળા
(3) મામાસાહેબ ફડકે(C) બ્રહ્મોસમાજ
(4) સ્વામી વિવેકાનંદ(D) રામકૃષ્ણ મિશન

સાચો જવાબ: (1 - C), (2 - A), (3 - B), (4 - D)

પ્રશ્ન ક્રમાંક 3 એ પ્રકરણ 6 (સ્વાતંત્ર્ય-ચળવળો: ઈ.સ. 1885થી ઈ.સ. 1947) માંથી પૂછાશે.
(અ) ટૂંકજવાબી પ્રશ્નો: 3 પ્રશ્નો પૂછાશે (દરેકના 2 ગુણ = કુલ 6 ગુણ).
(બ) હેતુલક્ષી પ્રશ્નો: 4 પ્રશ્નો પૂછાશે (દરેકનો 1 ગુણ = કુલ 4 ગુણ)

પ્રશ્ન 3 (અ) ટૂંકજવાબી પ્રશ્નો (દરેકના 2 ગુણ)

૧. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયાં-કયાં પરિબળો જવાબદાર હતાં?

જવાબ: ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ માટે નીચેનાં પરિબળો જવાબદાર હતાં:
  • બ્રિટિશ શાસન નીચે દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ, જેથી અજાણતા જ રાષ્ટ્રીય એકતાનાં બીજ રોપાયાં.
  • અંગ્રેજોની આર્થિક શોષણની નીતિથી ખેડૂતો અને કારીગર વર્ગ પાયમાલ થયો, જેનાથી અન્યાય સામે અસંતોષ ઊભો થયો.
  • પાશ્ચાત્ય શિક્ષણને કારણે બુદ્ધિજીવીઓનો એક વર્ગ ઊભો થયો અને સ્વશાસન તથા સ્વતંત્રતાની ઝંખના જન્મી.
  • તાર, ટપાલ અને રેલવેની શરૂઆતથી એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકોના સંપર્કમાં આવ્યા.

૨. મવાળવાદી નેતાઓ કોણ-કોણ હતા અને તેમની કાર્યપદ્ધતિ કેવી હતી?

જવાબ:
  • સુરેન્દ્રનાથ બેનર્જી, વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે 'મવાળવાદી' નેતાઓ હતા.
  • તેમની કાર્યપદ્ધતિ બંધારણીય માર્ગે ચાલવાની હતી. તેઓ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ સભાઓ, ચર્ચાઓ અને ઠરાવો દ્વારા કરીને સરકારને અરજીઓ મોકલતા હતા.

૩. જહાલવાદી નેતાઓમાં કોનો સમાવેશ થતો હતો અને તેમણે કયાં વર્તમાનપત્રો શરૂ કર્યાં?

જવાબ:
  • જહાલવાદી નેતાઓમાં 'લાલ-બાલ-પાલ' ની ત્રિપુટી એટલે કે લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલનો સમાવેશ થતો હતો.
  • બાળ ગંગાધર ટિળકે 'ધી મરાઠા' (અંગ્રેજીમાં) અને 'કેસરી' (મરાઠીમાં), લાલા લજપતરાયે 'ધી પંજાબી' અને 'ધી પ્યુપિલ', જ્યારે બિપિનચંદ્ર પાલે 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ્' વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં.

૪. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? તેનું શું પરિણામ આવ્યું?

જવાબ: ઈ.સ. 1905માં વાઇસરોય કર્ઝને વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા. તેના વિરોધમાં સમગ્ર દેશમાં બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા 'બંગભંગ આંદોલન' ચલાવવામાં આવ્યું. આ આંદોલનની ઉગ્રતાના કારણે છેવટે ઈ.સ. 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા.

૫. રોલેટ એક્ટને ગાંધીજીએ 'કાળો કાયદો' શા માટે કહ્યો?

જવાબ: ઈ.સ. 1919ના રોલેટ એક્ટમાં એવી જોગવાઈ હતી કે કોઈપણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય અને ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. આ કાયદાએ લોકોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂક્યો હોવાથી ગાંધીજીએ આ કાયદાને 'કાળો કાયદો' કહ્યો હતો.

૬. ખેડા સત્યાગ્રહ વિશે ટૂંકમાં માહિતી આપો.

જવાબ: ઈ.સ. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો, છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાને બદલે કડકાઈથી ઉઘરાવવાનું નક્કી કર્યું. આથી ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે ખેડૂતોએ મહેસૂલ ન ભરવાનો સત્યાગ્રહ કર્યો. અંતે સરકારે ગરીબ ખેડૂતોનું મહેસૂલ નહિ લેવાની શરત સ્વીકારી અને સત્યાગ્રહ સફળ થયો. આ લડતમાં મોહનલાલ પંડ્યાએ ખેતરમાંથી ડુંગળીનો પાક કાઢી લાવીને 'ડુંગળી ચોર' નું બિરુદ મેળવ્યું હતું.

૭. જલિયાંવાલા બાગના હત્યાકાંડ વિશે જણાવો.

જવાબ: પંજાબના અમૃતસરમાં 13 એપ્રિલ 1919 (વૈશાખીના દિવસે) ના રોજ લોકો પોતાના પ્રિય નેતાઓ ડૉ. સૈફુદ્દીન કિચલુ અને ડૉ. સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા જલિયાંવાલા બાગમાં એકઠા થયા હતા. ત્યારે લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે કોઈપણ ચેતવણી આપ્યા વિના નિઃશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો, જેમાં 1000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનાના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો 'નાઈટહૂડ'નો ખિતાબ ત્યજી દીધો.

૮. ચૌરીચૌરાની ઘટના શું હતી? તેનું શું પરિણામ આવ્યું?

જવાબ: ઈ.સ. 1922માં અસહકાર આંદોલન દરમિયાન ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચૌરીચૌરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો. આથી રોષે ભરાયેલા લોકોએ પોલીસસ્ટેશનને આગ લગાડી દીધી, જેમાં 22 જેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. આ હિંસક ઘટનાના સમાચાર મળતાં અહિંસામાં માનતા ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખી દીધું.

૯. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે બહિષ્કાર કર્યો?

જવાબ: ઈ.સ. 1927માં ભારતના બંધારણીય સુધારા માટે નિમાયેલા 'સાયમન કમિશન' ના તમામ 7 સભ્યો અંગ્રેજ હતા. તેમાં એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. હિંદના લોકોનાં દુઃખ-દર્દ ભારતીયો જ બરાબર સમજી શકે તેવા કારણસર ભારતના તમામ પક્ષોએ 'સાયમન ગો બેક' ના નારા સાથે તેનો સખત બહિષ્કાર કર્યો હતો.

૧૦. સુભાષચંદ્ર બોઝે યુવાનોને કયાં સૂત્રો આપ્યાં અને આઝાદ હિંદ ફોજમાં કઈ બ્રિગેડ બનાવી?

જવાબ: સુભાષચંદ્ર બોઝે યુવાનોને 'ચલો દિલ્લી' અને 'તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા' જેવાં પ્રેરણાદાયી સૂત્રો આપ્યાં.તેમણે આઝાદ હિંદ ફોજમાં ગાંધી, પંડિત નેહરુ, મૌલાના આઝાદના નામ પરથી લશ્કરી બ્રિગેડ બનાવી અને મહિલાઓ માટે અલગથી 'લક્ષ્મીબાઈ બ્રિગેડ' ની રચના કરી હતી.

પ્રશ્ન 3 (બ) હેતુલક્ષી પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

(A) બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? (A) ખુદીરામ બોઝ (B) વીર સાવરકર (C) વાસુદેવ બળવંત ફડકે (D) ચંદ્રશેખર આઝાદ

જવાબ: (C) વાસુદેવ બળવંત ફડકે

૨. "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ" - આ વિધાન કોનું છે? (A) બાળ ગંગાધર ટિળક (B) લાલા લજપતરાય (C) સુભાષચંદ્ર બોઝ (D) ગાંધીજી

જવાબ: (A) બાળ ગંગાધર ટિળક

૩. ઈ.સ. 1905માં બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? (A) લોર્ડ ડેલહાઉસીએ (B) લોર્ડ કર્ઝને (C) લોર્ડ રિપને (D) લોર્ડ લિટને

જવાબ: (B) લોર્ડ કર્ઝને

૪. ક્યા પુસ્તકને પ્રતિબંધિત થનારું વિશ્વનું પહેલું પુસ્તક માનવામાં આવે છે? (A) ગીતાંજલિ (B) 1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ (C) સત્યના પ્રયોગો (D) ડિસ્કવરી ઓફ ઇન્ડિયા

જવાબ: (B) 1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ (લેખક: વિનાયક સાવરકર)

૫. કોની આગેવાની નીચે 1928માં 'નેહરુ અહેવાલ' (Nehru Report) તૈયાર કરવામાં આવ્યો હતો? (A) જવાહરલાલ નેહરુ (B) મોતીલાલ નેહરુ (C) વલ્લભભાઈ પટેલ (D) ગાંધીજી

જવાબ: (B) મોતીલાલ નેહરુ

૬. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પ્રથમ કોની પસંદગી કરી હતી? (A)જવાહરલાલ નેહરુની (B) વલ્લભભાઈ પટેલની (C) વિનોબા ભાવેની (D) સુભાષચંદ્ર બોઝની

જવાબ: (C) વિનોબા ભાવેની

૭. સરહદ પ્રાંતમાં 'સરહદના ગાંધી' તરીકે કોણ ઓળખાતું હતું? (A) ખાન અબ્દુલ ગફાર ખાન (B) સૈયદ અહમદ ખાન (C) મૌલાના આઝાદ (D) લિયાકત અલી ખાન

જવાબ: (A) ખાન અબ્દુલ ગફાર ખાન

(B) ખાલી જગ્યા પૂરો:

૮. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલને ................... નું બિરુદ મળ્યું. જવાબ: સરદાર

૯. ગાંધીજીએ ................... સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરુદ આપ્યું. જવાબ: ખેડા

૧૦. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ................... નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. જવાબ: ફોરવર્ડ બ્લોક

૧૧. સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જથી ................... નું અવસાન થયું. જવાબ: લાલા લજપતરાય

૧૨. 8મી ઓગસ્ટ, 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ................... નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. જવાબ: 'હિંદ છોડો'

(C) એક-બે શબ્દોમાં ઉત્તર આપો:

૧૩. મહારાષ્ટ્રના પુણેમાં પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કોણે કરી?

જવાબ: દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ.

૧૪. ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે તેમની ગાડી પર બોમ્બ કોણે ફેંક્યો હતો?

જવાબ: ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ.

૧૫. અસહકારનું આંદોલન મોકૂફ રહ્યા બાદ ચિત્તરંજનદાસ અને મોતીલાલ નેહરુએ કયા પક્ષની સ્થાપના કરી?

જવાબ: સ્વરાજ પક્ષની.

૧૬. આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે કરી હતી?

જવાબ: રાસબિહારી બોઝની સહાયથી કેપ્ટન મોહનસિંઘે (જેનું સુકાન પછીથી સુભાષચંદ્ર બોઝે સંભાળ્યું).

૧૭. ઈ.સ. 1946માં બ્રિટિશ વડાપ્રધાને કયા મિશનને ભારત મોકલવાની જાહેરાત કરી?

જવાબ: કેબિનેટ મિશન.

(D) ખરા-ખોટા જણાવો:

૧૮. જલિયાંવાલા બાગ હત્યાકાંડથી વ્યથિત થઈને ગાંધીજીએ 'કેસરે હિંદ' નો ઇલકાબ ત્યજી દીધો. જવાબ: ખરું.

૧૯. સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને તેમાંથી બે ભારતીય હતા. જવાબ: ખોટું (બધા જ સભ્યો અંગ્રેજ હતા, એક પણ ભારતીય ન હતો).

૨૦. સુભાષચંદ્ર બોઝનો જન્મ ગુજરાતના કટક શહેરમાં થયો હતો. જવાબ: ખોટું (ઓડિશાના કટક શહેરમાં થયો હતો).

પ્રશ્ન ક્રમાંક 4 (અ) અને 4 (બ) એ પ્રકરણ 7 “આધુનિક ભારતમાં કલા”માંથી પૂછાશે.
પ્રશ્નમાં 4 (અ) ના 4 હેતુલક્ષી પ્રશ્નો અને 4 (બ) ના 4 હેતુલક્ષી પ્રશ્નો એમ કુલ 8 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.

૧. બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. ઈ.સ. પૂર્વે 7000ના કાળના ચિત્રો મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે? (A) અજંતાની (B) ભીમબેટકાની (C) ઇલોરાની (D) બાદામીની

જવાબ: (B) ભીમબેટકાની

૨. કયા કાળને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય (સુવર્ણકાળ) ગણવામાં આવે છે? (A) રાજપૂતકાળ (B) મુઘલકાળ (C) ગુપ્તકાળ (D) મૌર્યકાળ

જવાબ: (C) ગુપ્તકાળ

૩. અજંતાની ગુફા નં. 1 નું કયું ચિત્ર ખૂબ જ વિખ્યાત છે? (A) નટરાજ (B) પદ્મપાણિ બુદ્ધ (C) દેવી સરસ્વતી (D) રાધા-કૃષ્ણ

જવાબ: (B) પદ્મપાણિ બુદ્ધ

૪. કઈ ચિત્રશૈલીને 'ગુજરાત શૈલી' તરીકે પણ ઓળખવામાં આવે છે? (A) પાલ શૈલી (B) રાજપૂત શૈલી (C) જૈન શૈલી (D) કાંગડા શૈલી

જવાબ: (C) જૈન શૈલી

૫. કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી? (A) બાબર (B) અકબર (C) શાહજહાં (D) જહાંગીર

જવાબ: (D) જહાંગીર

૬. જહાંગીરના દરબારના વિખ્યાત ચિત્રકારો કોણ હતા? (A) મન્સૂર અને બિશનદાસ (B) રવિશંકર રાવળ અને નંદલાલ (C) મોલારામ અને રવિ વર્મા (D) શૈખ ઝિયાઉદ્દીન અને ગુલામઅલી

જવાબ: (A) મન્સૂર અને બિશનદાસ

૭. કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર કોણ હતો? (A) નંદલાલ બોઝ (B) રાજા રવિ વર્મા (C) મોલારામ (D) જામિની રોય

જવાબ: (C) મોલારામ

૮. કયા ગુજરાતી કલાગુરુએ 1924માં 'કુમાર' નામના માસિકનો પ્રારંભ કર્યો હતો? (A) રમેશભાઈ પંડ્યા (B) પીરાજી સાગરા (C) સોમાલાલ શાહ (D) રવિશંકર રાવળ

જવાબ: (D) રવિશંકર રાવળ

૯. કયા ચિત્રકારના ચિત્રોમાં ઐતિહાસિક ઘટના જેમ કે 12 માર્ચ 1922 ના રોજ ગાંધીજી પરના મુકદ્દમાનું આલેખન જોવા મળે છે? (A) રવિશંકર રાવળ (B) નંદલાલ બોઝ (C) રાજા રવિ વર્મા (D) જામિની રોય

જવાબ: (A) રવિશંકર રાવળ

૨. ખાલી જગ્યા પૂરો:

૧૦. વડોદરામાં મહારાજા સયાજીરાવે કલાના શિક્ષણ માટે '...............' ની સ્થાપના કરી હતી. જવાબ: કલાભવન

૧૧. મુંબઈમાં ઈ.સ. 1858માં '...............' ની સ્થાપના થઈ હતી, જે કલા ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન આપે છે. જવાબ: સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ

૧૨. પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્રો (જેમ કે દેવી સરસ્વતી) ભારતમાં '...............' એ બનાવ્યાં છે. જવાબ: રાજા રવિ વર્મા

૧૩. '...............' શૈલીના ચિત્રોમાં મુખ્યત્વે બૌદ્ધ સંપ્રદાય, જાતક કથાઓ અને બોધિસત્ત્વના ચિત્રો જોવા મળે છે. જવાબ: પાલ

૧૪. જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથાસરિતસાગર ગ્રંથોમાં '...............' શૈલીના લઘુચિત્રો મુકવામાં આવ્યાં છે. જવાબ: જૈન

૧૫. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજાઓના આશ્રય નીચે '...............' શૈલી પ્રચલિત થઈ હતી. જવાબ: રાજપૂત

૧૬. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને '...............'શૈલી વિકસાવી. જવાબ: કાંગડા (પહાડી)

૧૭. બિહારની મિથિલા ચિત્રશૈલી '...............' ચિત્રકલા તરીકે પણ ઓળખાય છે. જવાબ: મધુબની

૩. ખરા-ખોટા જણાવો:

૧૮. જૈન શૈલીના ચિત્રો મોટે ભાગે તાળપત્રો (તાડપત્રો) અને હસ્તપ્રતો પર આલેખાયેલા લઘુચિત્રો છે. જવાબ: ખરું

૧૯. રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ અને રાસલીલા એ પાલ શૈલીના મુખ્ય વિષયો છે. જવાબ: ખોટું (તે રાજપૂત શૈલી અને કાંગડા શૈલીના વિષયો છે)

૨૦. રવિશંકર રાવળે બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં પોતાનું ચિત્ર 'બિલ્વમંગળ' રજૂ કર્યું હતું અને તેમને સુવર્ણપદક મળેલ. જવાબ: ખરું

૨૧. વારલી ચિત્રકલા ગુજરાતના આદિવાસીઓની ચિત્રકલા છે. જવાબ: ખોટું (વારલી ચિત્રકલા મહારાષ્ટ્રની જનજાતિઓની છે)

૨૨. પીઠોરા ચિત્રકલા એ ગુજરાતની જાણીતી ચિત્રકલા છે. જવાબ: ખરું

૪. એક-બે શબ્દોમાં / વાક્યમાં ઉત્તર આપો:

૨૩. બૃહદેશ્વરના મંદિરની દીવાલોને કયા મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે?

જવાબ: પદ્માભારત અને મહાકાવ્યોના (નોંધ: પુસ્તક મુજબ પદ્માભારત અને મહાકાવ્યોના ચિત્રો)

૨૪. આધુનિક ભારતમાં 'નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ' ક્યાં આવેલી છે?

જવાબ: નવી દિલ્હીમાં.

૨૫. ચેન્નઈમાં 'મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ'ની રચના કોણે કરી હતી?

જવાબ: દેવીપ્રસાદ રોય ચૌધરીએ.

૨૬. ગુજરાતમાં 'કલાભવન' ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

જવાબ: મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા.

૨૭. ભારતમાં આવેલ મુઘલ સમ્રાટો પૈકી કયા બાદશાહે પોતાના દરબારમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

જવાબ: જહાંગીરે.

૨૮. કઈ શૈલી ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી?

જવાબ: મુઘલ શૈલી.

૨૯. કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણપદક મળ્યો હતો?

જવાબ: 'બિલ્વમંગળ' નામના ચિત્રને.

૫. યોગ્ય જોડકાં જોડો:

જોડકું ૧: ચિત્રશૈલી અને તેના વિસ્તારો/વિષયો

વિભાગ 'અ' (ચિત્રશૈલી) વિભાગ 'બ' (વિસ્તાર / વિષય)
(1) પાલ શૈલી(A) બુંદી, કિશનગઢ, બિકાનેર
(2) જૈન શૈલી(B) બૌદ્ધ ધર્મ (જાતક કથાઓ)
(3) રાજપૂત શૈલી(C) તાળપત્રો પર હસ્તપ્રત
(4) મુઘલ શૈલી(D) પશુ-પંખી અને પ્રાણીઓની સાઠમારી

સાચો જવાબ: (1 - B) પાલ શૈલી - બૌદ્ધ ધર્મ (2 - C) જૈન શૈલી - તાળપત્રો પર હસ્તપ્રત (3 - A) રાજપૂત શૈલી - બુંદી, કિશનગઢ, બિકાનેર (4 - D) મુઘલ શૈલી - પશુ-પંખી અને પ્રાણીઓની સાઠમારી

જોડકું ૨: પ્રાદેશિક ચિત્રકલાઓ અને રાજ્ય

વિભાગ 'અ' (ચિત્રકલા) વિભાગ 'બ' (રાજ્ય)
(1) મધુબની (મિથિલા)(A) મહારાષ્ટ્ર
(2) કલમકારી(B) ગુજરાત
(3) વારલી(C) બિહાર
(4) પીઠોરા(D) આંધ્રપ્રદેશ

સાચો જવાબ: (1 - C) મધુબની - બિહાર (2 - D) કલમકારી - આંધ્રપ્રદેશ (3 - A) વારલી - મહારાષ્ટ્ર (4 - B) પીઠોરા - ગુજરાત

પ્રશ્ન ક્રમાંક 5 એ પ્રકરણ 8 “સ્વતંત્રતા પછીનું ભારત” માંથી પૂછાશે. આ પ્રશ્ન ટૂંકજવાબી પ્રશ્નો પ્રકારનો રહેશે, જેમાં પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ હશે (કુલ 3 પ્રશ્નો પૂછાશે, જેના કુલ 6 ગુણ છે)

પ્રશ્ન 5 માટેના સંભવિત ટૂંકજવાબી પ્રશ્નો (દરેકના 2 ગુણ):

૧. દેશી રજવાડાંઓના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા જણાવો.

જવાબ: દેશને સ્વતંત્રતા મળ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી અને તેમનામાં દેશભક્તિ જાગ્રત કરી. પોતાની વ્યવહારુ બુદ્ધિ અને સચિવ વી. પી. મેનનના પ્રયત્નોથી તેમણે હૈદરાબાદ,જૂનાગઢ અને કાશ્મીર સિવાયના લગભગ બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં સફળતાપૂર્વક વિલીનીકરણ કરાવ્યું.

૨. જૂનાગઢ અને હૈદરાબાદનું ભારતસંઘ સાથે જોડાણ કેવી રીતે થયું?

જવાબ:
  • જૂનાગઢ: જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ, ભારત સરકારે લોકમત લેવડાવ્યો જેમાં પ્રચંડ બહુમતીથી જનતાએ ભારતસંઘ સાથે જોડાણને સમર્થન આપ્યું અને જૂનાગઢનું વિલીનીકરણ થયું.
  • હૈદરાબાદ: હૈદરાબાદમાં ભારત સરકારે પોલીસ પગલું ભરીને નિઝામના હિતોના રક્ષણની બાંહેધરી આપી, ત્યારબાદ તેનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.

૩. જમ્મુ અને કાશ્મીરનું ભારતસંઘમાં વિલીનીકરણ કયા સંજોગોમાં કરવામાં આવ્યું?

જવાબ: કાશ્મીરના મહારાજા હરિસિંહે શરૂઆતમાં ભારત સાથેના જોડાણખત પર સહી કરી ન હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું, તેથી હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી અને ભારત સાથેના જોડાણખત પર સહી કરી દીધી, જેનાથી કાશ્મીર ભારતનો ભાગ બન્યું.

૪. ફ્રેન્ચ સંસ્થાનોનું ભારતસંઘમાં વિલીનીકરણ કઈ રીતે થયું?

જવાબ: ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું છતાં પુડુચેરી, માહે, યનામ, કરાઈકલ અને ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો. સ્થાનિક પ્રજાએ ફ્રેન્ચ સરકાર સામે 'ભારત છોડો'નું એલાન આપ્યું અને ફ્રાન્સે લોકોનો મિજાજ જોઈને ૧૩ ઓક્ટોબર, ૧૯૫૪માં પોતાની તમામ વસાહતો ભારત સરકારને સુપરત કરી વિદાય લીધી.

૫. ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝ શાસનમાંથી કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા?

જવાબ: પોર્ટુગીઝો આ પ્રદેશો ભારતને સોંપવા તૈયાર ન હતા, તેથી સ્થાનિક લોકોએ 'ગોવા મુક્તિ આંદોલન' શરૂ કર્યું. સમજાવટના ઉપાયો કારગત ન નીવડતા ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની નીચે 'ઓપરેશન વિજય' નામની લશ્કરી કાર્યવાહી કરી. પરિણામે ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ પોર્ટુગીઝ શાસકોએ શરણાગતિ સ્વીકારી અને આ પ્રદેશો ભારતસંઘમાં જોડાયા.

૬. રાજ્ય પુનઃરચના પંચની રચના શા માટે કરવામાં આવી અને તેના અધ્યક્ષ કોણ હતા?

જવાબ: ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે અલગ રાજ્યોની રચનાની માંગ ઊભી થઈ અને આંદોલનો થયાં. આ પરિસ્થિતિને ઉકેલવા ભારત સરકારે ભાષા આધારિત રાજ્યોની રચના માટે 'રાજ્ય પુનઃરચના પંચ'ની રચના કરી, જેના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉ. ફઝલઅલી હતા.

૭. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે અને કયા સંજોગોમાં કરવામાં આવી?

જવાબ: રાજ્ય પુનઃરચના પંચની ભલામણ મુજબ મુંબઈ રાજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. આના વિરોધમાં મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે અલગ રાજ્યોની માંગ સાથે 'મહાગુજરાત આંદોલન' શરૂ થયું. પરિણામે ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.

૮. પંચવર્ષીય યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો કયા-કયા હતા?

જવાબ: પંચવર્ષીય યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ સાધવી, આર્થિક અસમાનતા ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન મેળવવું, ભાવસ્થિરતા લાવવી અને દેશનો શૈક્ષણિક વિકાસ કરવાનો હતો.

૯. પંચવર્ષીય યોજનાઓને કારણે ભારતને કયા ફાયદા થયા છે? (કોઈપણ ચાર)

જવાબ:
  • કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જીને અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતો થયો છે.
  • દૂધ-ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધ્યું છે.
  • રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે.
  • લોકોના આરોગ્યમાં સુધારો થયો છે, સરેરાશ આયુષ્ય વધ્યું છે અને શિક્ષણનું પ્રમાણ (સાક્ષરતા) વધ્યું છે.

૧૦. આઝાદી પછીના વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે?

જવાબ: ભારતે ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર અને પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે પોતાના ઉપગ્રહો છોડવા માટે GSLV (જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) તૈયાર કર્યા છે અને મંગળ ગ્રહ પર પહોંચવા જેવા અભિયાનોમાં સંપૂર્ણ સ્વાવલંબન સિદ્ધ કર્યું છે.

પ્રશ્ન ક્રમાંક 6 એ પ્રકરણ 12 “ઉદ્યોગ” માંથી પૂછાશે. આ પ્રશ્નમાં 1 ગુણના કુલ 6 હેતુલક્ષી પ્રશ્નો (કુલ 6 ગુણ) પૂછાશે.

૧. બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. જે ઉદ્યોગોમાં માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા અને રૂ. 10 કરોડથી વધુ મૂડી રોકાણ હોય તેવા ઉદ્યોગોને કયા ઉદ્યોગો કહેવાય છે? (A) ટચૂકડા ઉદ્યોગો (B) મોટા કદના ઉદ્યોગો (C) નાના કદના ઉદ્યોગો (D) મધ્યમ કદના ઉદ્યોગો

જવાબ: (B) મોટા કદના ઉદ્યોગો

૨. નીચેનામાંથી કયો ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગનું ઉદાહરણ છે? (A) સુતરાઉ કાપડ ઉદ્યોગ (B) ડેરી ઉદ્યોગ (C) કાગળ ઉદ્યોગ (D) સિમેન્ટ ઉદ્યોગ

જવાબ: (C) કાગળ ઉદ્યોગ

૩. 'અમૂલ' (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) એ કયા ક્ષેત્રના ઉદ્યોગનું ઉત્તમ ઉદાહરણ છે? (A) સાર્વજનિક ક્ષેત્ર (B) ખાનગી ક્ષેત્ર (C) સંયુક્ત ક્ષેત્ર (D) સહકારી ક્ષેત્ર

જવાબ: (D) સહકારી ક્ષેત્ર

૪. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ તથા રસાયણ ઉદ્યોગ એ કાચા માલના આધારે કયા પ્રકારના ઉદ્યોગો છે? (A) કૃષિ આધારિત (B) ખનીજ આધારિત (C) પશુ આધારિત (D) સમુદ્ર આધારિત

જવાબ: (B) ખનીજ આધારિત

૫. ટિસ્કો (TISCO) અને રિલાયન્સ કયા ક્ષેત્રના ઉદ્યોગો છે? (A) ખાનગી ક્ષેત્રના (B) સાર્વજનિક ક્ષેત્રના (C) સંયુક્ત ક્ષેત્રના (D) સહકારી ક્ષેત્રના

જવાબ: (A) ખાનગી ક્ષેત્રના

૬. 25 લાખ રૂપિયાની મૂડીરોકાણની મર્યાદામાં તથા સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલતા ઉદ્યોગને શું કહેવાય? (A) મધ્યમ કદના ઉદ્યોગો (B) ટચૂકડા ઉદ્યોગો (C) મોટા કદના ઉદ્યોગો (D) ગૃહઉદ્યોગ

જવાબ: (B) ટચૂકડા ઉદ્યોગો

૨. ખાલી જગ્યા પૂરો:

૭. કુટુંબના સભ્યો દ્વારા, સાદા ઓજારો વડે અને નજીવા મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગોને .................... કહે છે. જવાબ: ગૃહઉદ્યોગ

૮. રૂ. 5 કરોડથી વધુ અને રૂ. 10 કરોડથી ઓછું મૂડી રોકાણ હોય તેવા ઉદ્યોગોને .................... કદના ઉદ્યોગો કહેવાય. જવાબ: મધ્યમ

૯. જે ઉદ્યોગની માલિકી સરકારની હોય અને જેનું સંચાલન સરકાર કરે તેને .................... ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. જવાબ: સાર્વજનિક

૧૦. મારૂતિ લિમિટેડ એ .................... ક્ષેત્રના ઉદ્યોગનું એક ઉદાહરણ છે. જવાબ: સંયુક્ત

૧૧. મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ એ .................... આધારિત ઉદ્યોગ છે. જવાબ: સમુદ્ર

૧૨. ઔષધ, ફર્નિચર અને મકાનનિર્માણ ઉદ્યોગો .................... આધારિત ઉદ્યોગો છે. જવાબ: વન

૩. ખરા-ખોટા જણાવો:

૧૩. રેલવેના સાધનો અને મોટા વાહનો બનાવતા ઉદ્યોગો એ મોટા કદના ઉદ્યોગો છે. જવાબ: ખરું

૧૪. કાપડ ઉદ્યોગ અને વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખનીજ આધારિત ઉદ્યોગો છે. જવાબ: ખોટું (તે કૃષિ આધારિત ઉદ્યોગો છે).

૧૫. ટચૂકડા ઉદ્યોગોમાં ધાતુ, ચામડું અને માટી વગેરેના ઉપયોગ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. જવાબ: ખરું

૧૬. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે. જવાબ: ખોટું (તે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો છે).

૧૭. જે ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય છે. જવાબ: ખરું

૪. એક-બે શબ્દોમાં / વાક્યમાં ઉત્તર આપો:

૧૮. ઉદ્યોગોનું કદના આધારે કેટલા અને કયા-કયા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય?

જવાબ: ૫ પ્રકારમાં - (૧) ગૃહઉદ્યોગ, (૨) ટચૂકડા ઉદ્યોગો, (૩) નાના કદના ઉદ્યોગો, (૪) મધ્યમ કદના ઉદ્યોગો, અને (૫) મોટા કદના ઉદ્યોગો.

૧૯. કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કયા-કયા પ્રકારમાં થાય છે?

જવાબ: (૧) કૃષિ આધારિત, (૨) પશુ આધારિત, (૩) સમુદ્ર આધારિત, (૪) વન આધારિત, અને (૫) ખનીજ આધારિત ઉદ્યોગો.

૨૦. નાના કદના ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી હોય છે?

જવાબ: રૂ. 25 લાખથી વધુ અને રૂ. 5 કરોડથી ઓછી.

૨૧. માલિકીના આધારે ઉદ્યોગોના કયા-કયા પ્રકાર પાડી શકાય?

જવાબ: (૧) સાર્વજનિક ક્ષેત્ર, (૨) ખાનગી ક્ષેત્ર, (૩) સહકારી ક્ષેત્ર, અને (૪) સંયુક્ત ક્ષેત્ર.

૨૨. 'સહકારી ક્ષેત્ર' ના ઉદ્યોગો કોના દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેમના દ્વારા જ ચલાવવામાં આવે છે.

૫. યોગ્ય જોડકાં જોડો:

જોડકું ૧: ઉદ્યોગનું કદ અને મૂડીરોકાણની મર્યાદા

વિભાગ 'અ' (ઉદ્યોગનું કદ) વિભાગ 'બ' (મૂડીરોકાણ મર્યાદા)
(1) ટચૂકડા ઉદ્યોગો(A) રૂ. 10 કરોડથી વધુ
(2) નાના કદના ઉદ્યોગો(B) રૂ. 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું
(3) મધ્યમ કદના ઉદ્યોગો(C) રૂ. 25 લાખ સુધી
(4) મોટા કદના ઉદ્યોગો(D) રૂ. 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું

સાચો જવાબ: (1 - C), (2 - D), (3 - B), (4 - A)

જોડકું ૨: ઉદ્યોગનો પ્રકાર અને તેનું ઉદાહરણ

વિભાગ 'અ' (ઉદ્યોગનો પ્રકાર) વિભાગ 'બ' (ઉદાહરણ)
(1) સાર્વજનિક ક્ષેત્ર(A) અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ)
(2) ખાનગી ક્ષેત્ર(B) સુતરાઉ કાપડ ઉદ્યોગ
(3) સહકારી ક્ષેત્ર(C) સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા
(4) કૃષિ આધારિત ઉદ્યોગ(D) રિલાયન્સ

સાચો જવાબ: (1 - C), (2 - D), (3 - A), (4 - B)

પ્રશ્નપત્રનો પ્રશ્ન ક્રમાંક 7 એ પ્રકરણ 13 “માનવ-સંસાધન” માંથી પૂછાશે. આ પ્રશ્નમાં 7 (અ) ના 2 ટૂંકજવાબી પ્રશ્નો (કુલ 4ગુણ) અને 7 (બ) ના 4 હેતુલક્ષી પ્રશ્નો (કુલ 4 ગુણ) પૂછાશે.

પ્રશ્ન 7 (અ) ટૂંકજવાબી પ્રશ્નો (દરેકના 2 ગુણ)

૧. વસ્તી-ગીચતા એટલે શું? તેનું સૂત્ર જણાવો.

જવાબ: પૃથ્વીનીસપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી-ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. તેનું સૂત્ર આ મુજબ છે: વસ્તી-ગીચતા = (દેશની કુલ વસ્તી) / (દેશનું કુલ ક્ષેત્રફળ).

૨. વસ્તી-વિતરણને અસર કરતાં ભૌગોલિક પરિબળો કયા-કયા છે?

જવાબ: વસ્તી-વિતરણને અસર કરતાં ભૌગોલિક પરિબળો નીચે મુજબ છે: (1) પ્રાકૃતિક રચના (મેદાનોમાં વધુ વસ્તી, પર્વતોમાં ઓછી), (2) આબોહવા (વિષમ આબોહવાવાળા રણમાં ઓછી વસ્તી), (3) જમીન (ફળદ્રુપ જમીનમાં ગીચ વસ્તી), (4) જળ (મીઠા જળની ઉપલબ્ધતાવાળા ક્ષેત્રોમાં ગીચ વસ્તી), અને (5) ખનીજ (ખનીજ સંસાધનવાળા વિસ્તારોમાં વધુ વસ્તી).

૩. દુનિયામાં વસ્તીનું વિતરણ અસમાન છે, તે સમજાવો.

જવાબ: પૃથ્વીસપાટી પર વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે. વિશ્વની 90% થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વિસ્તારમાં વસવાટ કરે છે. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો માત્ર એશિયા અને આફ્રિકા ખંડમાં જ વસવાટ કરે છે.

૪. વસ્તી-વિતરણ પર આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો કેવી રીતે અસર કરે છે? ઉદાહરણ આપો.

જવાબ:
  • આર્થિક પરિબળો: ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની તક ઊભી કરતા હોવાથી વસ્તી મોટી સંખ્યામાં ત્યાં આકર્ષિત થાય છે (દા.ત. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ).
  • સાંસ્કૃતિક પરિબળો: પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થાનો વસ્તીને આકર્ષિત કરે છે (દા.ત. વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી).

૫. ભારતમાં વસ્તીનું સ્થાનિક વિતરણ અસમાન છે. કારણ આપો.

જવાબ: ભારતમાં જમીન સમતળ હોય, નદી કિનારાનાં મેદાનો હોય તથા ઔદ્યોગિક શહેરી ક્ષેત્રો હોય ત્યાં વસ્તી વધુ જોવા મળે છે. આથી દેશની માત્ર આશરે 5.66% વસ્તી ધરાવતું રાજસ્થાન વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું છે, જ્યારે ઉત્તરપ્રદેશ 7.26% ક્ષેત્રફળ ધરાવે છે છતાં ત્યાં 16.51%વસ્તી વસે છે.

૬. સ્ત્રી-પુરુષનું પ્રમાણ (Sex Ratio) એટલે શું? તેનું સૂત્ર જણાવો.

જવાબ: પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી-પુરુષનું પ્રમાણ કહે છે. તેનું સૂત્ર: સ્ત્રી-પુરુષનું પ્રમાણ = (મહિલાની વસ્તી / પુરુષની વસ્તી) x 1000.

૭. સાક્ષરતા દર એટલે શું? તેનું સૂત્ર લખો.

જવાબ: 7 વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષરજ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. તેનું સૂત્ર: સાક્ષરતા દર = (7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી / 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી) x 100.

પ્રશ્ન 7 (બ) હેતુલક્ષી પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

(A) બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. ઈ.સ. 1999માં વિશ્વની વસ્તી આશરે કેટલી હતી? (A) 4 અબજ (B) 5 અબજ (C) 6 અબજ (D) 7 અબજ

જવાબ: (C) 6 અબજ

૨. વસ્તી-વિતરણ શબ્દનો અર્થ શું છે? (A) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે. (B) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યા. (C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. (D) આપેલ પૈકી કોઈ નહિ.

જવાબ: (C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે.

૩. વર્ષ 2011 પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી-ગીચતા કેટલી છે? (A) 54 (B) 382 (C) 124 (D) 551

જવાબ: (B) 382

૪. ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ સૌથી વધુ (1084) છે? (A) ગુજરાત (B) પંજાબ (C) કેરલ (D) ઉત્તરપ્રદેશ

જવાબ: (C) કેરલ

૫. ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે? (A) મિઝોરમ (B) લક્ષદ્વીપ (C) કેરલ (D) બિહાર

જવાબ: (C) કેરલ (93.91 %)

૬. વર્ષ 2011 પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા કેટલી હતી? (A) 382 (B) 54 (C) 124 (D) 943

જવાબ: (B) 54

(B) ખાલી જગ્યા પૂરો:

૭. દક્ષિણ ગોળાર્ધ કરતા ................... ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. જવાબ: ઉત્તર

૮. ભારતની વસ્તીના આશરે ................... % લોકોની વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. જવાબ: 60

૯. ક્ષેત્રફળની દૃષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે જ્યારે ................... દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. જવાબ: મધ્યપ્રદેશ

૧૦. ભારતમાં ................... રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો (63.82%)છે. જવાબ: બિહાર

૧૧. ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ ................... છે (ઈ.સ. 2011 ના વર્ષ પ્રમાણે). જવાબ: 943

(C) ખરા-ખોટા જણાવો:

૧૨. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે. જવાબ: ખરું

૧૩. કેનેડા અને એન્ટાર્કટિકામાં લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. જવાબ: ખોટું (આબોહવા તીવ્ર હોવાથી લોકો ત્યાં વસવાટ કરવાનું પસંદ કરતા નથી)

૧૪. વિકસિત દેશોમાં આશરે 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે. જવાબ: ખરું

૧૫. ભારતમાં 2011 ની વસ્તીગણતરી મુજબ સાક્ષરતા દર 74.04% છે. જવાબ: ખરું

(D) એક-બે શબ્દોમાં / વાક્યમાં ઉત્તર આપો:

૧૬. વિશ્વમાં સૌથી વધારે વસ્તી-ગીચતા કયા પ્રદેશમાં છે?

જવાબ: દક્ષિણ મધ્ય એશિયામાં.

૧૭. જળની ઉપલબ્ધતા વસ્તી વિતરણને કેવી રીતે અસર કરે છે?

જવાબ: જ્યાં બિનક્ષારીય (મીઠું) જળ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં લોકો વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે (દા.ત. નદી ખીણો).

૧૮. સાંસ્કૃતિક પરિબળથી આકર્ષાયેલાં ગીચ વસ્તીવાળાં શહેરોના બે ઉદાહરણ આપો.

જવાબ: વારાણસી અને જેરુસલેમ (અથવા વેટિકન સિટી).

૧૯. સાક્ષરતાની ગણતરી માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?

જવાબ: 7 વર્ષ કે તેનાથી વધુ.

(E) યોગ્ય જોડકાં જોડો:

જોડકું ૧:

વિભાગ 'અ' વિભાગ 'બ'
(1) ભારતની સરેરાશ વસ્તી-ગીચતા (2011)(A) 54
(2) વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા (2011)(B) 943
(3) ભારતનું સ્ત્રી-પુરુષ પ્રમાણ (2011)(C) 74.04%
(4) ભારતનો સાક્ષરતા દર (2011)(D) 382

સાચો જવાબ: (1 - D), (2 - A), (3 - B), (4 - C)

જોડકું ૨:

વિભાગ 'અ' (રાજ્ય) વિભાગ 'બ' (વિશિષ્ટતા)
(1) કેરલ(A) સૌથી મોટું રાજ્ય (ક્ષેત્રફળની દૃષ્ટિએ)
(2) ઉત્તરપ્રદેશ(B) સૌથી ઓછો સાક્ષરતા દર
(3) રાજસ્થાન(C) સૌથી વધુ સાક્ષરતા દર અને સ્ત્રી-પુરુષ પ્રમાણ
(4) બિહાર(D) દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય

સાચો જવાબ: (1 - C), (2 - D), (3 - A), (4 - B)

પ્રશ્ન ક્રમાંક 8 એ પ્રકરણ 14 “આપત્તિ-વ્યવસ્થાપન” માંથી પૂછાશે.
8 (અ) નિબંધાત્મક પ્રશ્નો: 3 ગુણના પ્રશ્નો પૂછાશે (કુલ 6 ગુણ).
8 (બ) હેતુલક્ષી (બહુવિકલ્પી - MCQ): 1 ગુણના 6 પ્રશ્નો પૂછાશે (કુલ 6 ગુણ)

પ્રશ્ન 8 (અ) નિબંધાત્મક પ્રશ્નો (દરેકના 3 ગુણ)

૧. દાવાનળ એટલે શું? દાવાનળ માટેના કારણો અને અસરો જણાવી, તેને અટકાવવાના ઉપાયો વર્ણવો.

જવાબ:
  • અર્થ: જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે.
  • કારણો: દાવાનળ કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી ફાટી નીકળે છે. આ ઉપરાંત માનવપ્રવૃત્તિઓ જેવી કે સળગતી બીડી કે સિગારેટ બુઝાવ્યા વિના ફેંકવી, પશુ ચરાવનારાઓએ બનાવેલ ચૂલા બેદરકારીથી ન ઓલવવા, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઈનમાં અકસ્માત કે પર્યટકોની બેદરકારી વગેરે કારણોસર દાવાનળ થાય છે.
  • અસરો: દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે ત્યાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણીય સમતુલા જોખમાય છે. તેનો નાશ પામેલો વિસ્તાર પૂર્વવત થતાં દાયકાઓ વીતી જાય છે.
  • ઉપાયો: તેને અટકાવવા માટે જંગલની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ અને વનવિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી જોઈએ.

૨. ભૂસ્ખલન એટલે શું? ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો અને તેની અસરો સવિસ્તાર સમજાવો.

જવાબ:
  • અર્થ: ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું. પર્વતીય ક્ષેત્રોમાં માટી અને કાટમાળ નીચે સરકી જાય છે તેને ભૂસ્ખલન કહેવાય છે.
  • કારણો: ભૂસ્ખલન માટે ભૂકંપ, વાદળ ફાટવાની ઘટના કે પૂર જેવી કુદરતી આપત્તિઓ જવાબદાર છે. આ ઉપરાંત માનવ પ્રવૃત્તિઓ જેવી કે પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનીજ ખનન પ્રવૃત્તિ, નિર્વનીકરણ (જંગલો કાપવા), પર્વતો કાપી બનાવાતા માર્ગો અને કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ વગેરે મુખ્ય કારણો છે.
  • અસરો: માટી અને કાટમાળ નીચે દટાઈ જતાં અનેક લોકો મૃત્યુ પામે છે. વાહનવ્યવહાર માટેના માર્ગોને ભારે નુકસાન થાય છે અને પર્વતીય ઢોળાવો પરની માનવવસાહતોમાં ભારે તારાજી સર્જાય છે. રસ્તા-પુલ પુનઃ બાંધવામાં સેંકડો રૂપિયાનો ખર્ચ થાય છે, જે આર્થિક નુકસાની લાવે છે.

૩. ઔદ્યોગિક અકસ્માત કયા સંજોગોમાં થાય છે? તેનાથી બચવા કેવા પગલાં લેવા જોઈએ?

જવાબ:
  • સંજોગો (કારણો): ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ન થાય તે માટે નિયમો હોય છે, તેમ છતાં ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી ઔદ્યોગિક અકસ્માતો થાય છે. દા.ત. જંતુનાશકો કે રસાયણો બનાવતાં કારખાનાઓમાં ગેસ-ગળતર કે આગ, અને રિફાઈનરીઓમાં વિસ્ફોટ.
  • બચાવના પગલાં (ઉપાયો): (૧) ગેસ-ગળતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ. (૨) અકસ્માત સ્થળે બચાવ કામગીરી કે આગ લાગી હોય તો ત્યાં કૂતુહલવશ ટોળું ન કરવું જોઈએ, જેથી રાહતકાર્યમાં મદદરૂપ થવાય. (૩) બચાવ કામગીરીની ખાસ તાલીમ કે ખાસ પોશાક (સાધનો) વિના બચાવ કાર્યમાં ન જોડાવું. (૪) પોલીસ અને અગ્નિશામક (ફાયર બ્રિગેડ) તથા એમ્બ્યુલન્સનાં વાહનો માટે રસ્તો ખુલ્લો કરી આપવો.

૪. તીડ-પ્રકોપ વિશે સવિસ્તાર ટૂંકનોંધ લખો.

જવાબ:
  • તીડ એક પ્રકારના કીટક છે જે મોટા ઝૂંડમાં રહેવાનું પસંદ કરે છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તેની 11,000 પ્રજાતિઓ છે.
  • આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તીડ પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે 'ખાઉધરાં તીડ' તરીકે ઓળખાય છે.
  • તે પવનની દિશામાં આગળ વધે છે અને રસ્તામાં આવતી તમામ પ્રકારની વનસ્પતિ અને ખેતીપાકોનો સફાયો કરી દે છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવી પડે છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
  • ઉપાયો: ખેતરમાં ઊતરતા અટકાવવા લોકો ઢોલ-નગારાં કે મોટા અવાજો કરે છે. હાલમાં તીડનાં ટોળાંની સંભવિત દિશા જાણીને ખેતીવાડી વિભાગની સૂચના મુજબ દવાઓનો છંટકાવ કરી ખેતીના નુકસાનને ઘટાડી શકાય છે.

૫. મહામારીની પરિસ્થિતિ કોને કહેવાય? મહામારી વખતે લોકોના બચાવ માટે કયા પગલાં લેવા જોઈએ?

જવાબ:
  • અર્થ: ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. તેમાં સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય (Viral) રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે (દા.ત. ઈબોલા, સ્વાઈન ફ્લૂ, કોરોના વગેરે).
  • બચાવના પગલાં: (૧) આવા અજ્ઞાત રોગોનો પ્રકોપ થાય અને દવા ઉપલબ્ધ ન હોય ત્યારે ચેપ અન્યત્ર ન ફેલાય તે માટે લોકડાઉન અને જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરેન્ટિન (Quarantine) કરવાં પડે છે. (૨) સંક્રમિત લોકો માટે અલગ વોર્ડ કે હોસ્પિટલોની વ્યવસ્થા કરવી જોઈએ. (૩) વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના માર્ગદર્શન મુજબ અમલીકરણ કરવું જોઈએ. (૪) રોગપ્રતિકારક રસીઓ શોધાય ત્યાં સુધી બહારથી આવતા લોકોને ડૉક્ટરી તપાસ વિના પ્રવેશવા દેવા જોઈએ નહિ.

પ્રશ્ન 8 (બ) હેતુલક્ષી પ્રશ્નો - બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) (દરેકનો 1 ગુણ)

૧. નીચેના પૈકી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે? (A) પૂર (B) ઔદ્યોગિક અકસ્માત (C) ભૂસ્ખલન (D) સુનામી

જવાબ: (B) ઔદ્યોગિક અકસ્માત

૨. નીચેના પૈકી કઈ આપત્તિની પૂર્વ આગાહી શક્ય છે? (A) દાવાનળ (B) ભૂકંપ (C) તીડ-પ્રકોપ (D) જ્વાળામુખી

જવાબ: (C) તીડ-પ્રકોપ

૩. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ કયા નામે ઓળખાય છે? (A) દાવાનળ (B) મહામારી (C) તીડ-પ્રકોપ (D) ઔદ્યોગિક અકસ્માત

જવાબ: (A) દાવાનળ

૪. પર્વતીય વિસ્તારોમાં માટી અને કાટમાળનું નીચે સરકી જવાની ઘટનાને શું કહે છે? (A) ભૂકંપ (B) ભૂસ્ખલન (C) વાવાઝોડું (D) જળપ્રલય

જવાબ: (B) ભૂસ્ખલન

૫. તીડ પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે અન્ય કયા નામે ઓળખાય છે? (A) રણ તીડ (B) ખાઉધરાં તીડ (C) વિનાશક તીડ (D) પાકભક્ષક તીડ

જવાબ: (B) ખાઉધરાં તીડ

૬. ગુજરાતના કયા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ જવલ્લે જ (ભાગ્યે જ) બને છે? (A) સાપુતારા (ડાંગ) (B) ઈડર (સાબરકાંઠા) (C) અંબાજી-દાંતા (બનાસકાંઠા) (D) આપેલ તમામ

જવાબ: (D) આપેલ તમામ

૭. ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી ગેસ-ગળતર થાય તો બચાવ માટે કઈ દિશામાં દોડવું જોઈએ? (A) ગેસ જ્યાંથી નીકળતો હોય તે દિશામાં (B) પવનની દિશામાં (C) પવનથી વિરુદ્ધ દિશામાં (D) કોઈ પણ દિશામાં

જવાબ: (C) પવનથી વિરુદ્ધ દિશામાં

૮. કોઈ રોગનો ચેપ લાગ્યો હોય તેને અન્યત્ર ફેલાતો અટકાવવા દર્દીને અલગ રાખવાની પ્રક્રિયાને શું કહે છે? (A) ક્વોરેન્ટિન (Quarantine) (B) લોકડાઉન (C) વેક્સિનેશન (D) ઓપરેશન

જવાબ: (A) ક્વોરેન્ટિન (Quarantine)

૯. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કોરોના વાઈરસના રોગ માટે કયું નામ આપવામાં આવ્યું હતું? (A) COVID-20 (B) COVID-19 (C) CORONA-19 (D) SARS-2

જવાબ: (B) COVID-19

૧૦. નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી? (A) વાવાઝોડું (B) ભૂસ્ખલન (C) સુનામી (D) તીડ-પ્રકોપ

જવાબ: (B) ભૂસ્ખલન

૧૧. 'COVID-19' નું પૂરું નામ શું છે? (A) Corona Viral Disease 2019 (B) Corona Virus Disaster 2019 (C) corona virus disease of 2019 (D) Covid Viral Disease 19

જવાબ: (C) corona virus disease of 2019

૧૨. માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે જંતુનાશકો બનાવતાં કારખાનાઓમાં થતા અકસ્માતને કેવી આપત્તિ કહેવાય? (A) કુદરતી (B) માનવસર્જિત (C) આકાશી (D) જૈવિક

જવાબ: (B) માનવસર્જિત

પ્રશ્ન ક્રમાંક 9 એ પ્રકરણ 17 “ન્યાયતંત્ર” માંથી પૂછાશે.
આ પ્રશ્નમાં 9 (અ) નિબંધાત્મક પ્રશ્નો (3 ગુણના 2 પ્રશ્નો = 6 ગુણ) અને 9 (બ) હેતુલક્ષી પ્રશ્નો (1 ગુણના 4 પ્રશ્નો = 4 ગુણ) પૂછાશે.

પ્રશ્ન 9 (અ) નિબંધાત્મક પ્રશ્નો (દરેકના 3 ગુણ)

૧. સર્વોચ્ચ અદાલત (Supreme Court) ની સત્તા અને કાર્યો સવિસ્તાર વર્ણવો.

જવાબ: સર્વોચ્ચ અદાલત નીચે મુજબની સત્તા અને કાર્યો ધરાવે છે:
  • વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે.
  • સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે.
  • બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે.
  • નાગરિકના હકોનું જતન કરવા માટે બંધારણ સાથે સુસંગત ન હોય તેવા કારોબારીનાં કોઈ પગલાં કે આદેશને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે.
  • તે પોતાના અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે અને દેશની કોઈપણ કોર્ટના આદેશનો અનાદર કે કાયદાના તિરસ્કાર બદલ શિક્ષા કરી શકે છે.

૨. વડી અદાલત (High Court) ની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.

જવાબ: વડી અદાલતની સત્તા અને કાર્યો આ મુજબ છે:
  • દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે.
  • બંધારણની કલમ-226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો-હુકમો જારી કરવાની સત્તા ધરાવે છે.
  • તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે અને તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે.
  • તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે.

૩. લોકઅદાલતના ઉદ્દેશો અને તેના ફાયદા જણાવો.

જવાબ:
  • ઉદ્દેશ: ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોકઅદાલતો કાર્યરત છે. કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે.
  • ફાયદા: (1) લોકઅદાલતના માધ્યમથી અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે. (2) નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે. (3) લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે.

૪. ભારતીય ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજી (PIL) નું મહત્ત્વ સમજાવો.

જવાબ:
  • ન્યાયતંત્રનું કામ સમાજના તમામ વર્ગને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું છે.
  • જાહેર હિતની વાત હોય તેના માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે, જેમાં વ્યક્તિગત હિત નહિ પણ સમાજના હિતની વાત હોય છે.
  • ન્યાયતંત્રને લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજીનો ફાળો મોટો છે.
  • ક્યારેક અદાલત પોતે પણ જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને સુઓ મોટો (SUO MOTO) કહેવામાં આવે છે.

૫. ન્યાયતંત્રની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાવી, ન્યાયની દેવીના પ્રતીક વિશે માહિતી આપો.

જવાબ:
  • ભારતીય બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે. ન્યાયતંત્રમાં કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને તે નિષ્પક્ષ અને સચોટ ન્યાય આપે છે.
  • ન્યાયની દેવીનું પ્રતીક: ન્યાયની દેવીની 'આંખે પાટા અને હાથમાં ત્રાજવું' છે, જે સૂચવે છે કે ગમો-અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોલે છે. તેના હાથમાં 'તલવાર' છે જે સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવશે.

૬. ભારતીય વ્યવસ્થામાં નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કયા-કયા સીમાચિહ્નરૂપ ન્યાયિક ચુકાદાઓ આપવામાં આવ્યા છે?

જવાબ: ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે અને અદાલતોએ નાગરિકોના અધિકારોના રક્ષણ માટે નીચે મુજબના શકવર્તી ચુકાદાઓ આપ્યા છે:
  • કેશવાનંદ ભારતી ચુકાદો: કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્યના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચે બહુમતીથી મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં સંસદ કે ધારાસભાઓમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી.
  • જસ્ટીસ પુટ્ટસ્વામી ચુકાદો: જસ્ટીસ પુટ્ટસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકાર (Right to Privacy) નું રક્ષણ કરવા જણાવ્યું હતું.
  • આ ઉપરાંત દેશની પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત પણ અદાલતના ચુકાદાને આધારે કરાઈ છે.

પ્રશ્ન 9 (બ) હેતુલક્ષી પ્રશ્નો (દરેકનો 1 ગુણ)

(A) બહુવિકલ્પી પ્રશ્નો (MCQs):

૧. ચોરી, લૂંટફાટ, ખૂન કે મારામારી જેવા દાવાઓ કેવા દાવા કહેવાય છે? (A) દીવાની દાવા (B) ફોજદારી દાવા (C) મહેસૂલી દાવા (D) કૌટુંબિક દાવા

જવાબ: (B) ફોજદારી દાવા

૨. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓને શું કહેવાય છે? (A) દીવાની દાવા (B) ફોજદારી દાવા (C) લવાદ દાવા (D) જાહેર દાવા

જવાબ: (A) દીવાની દાવા

૩. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત કઈ છે? (A) જિલ્લા કોર્ટ (B) સેશન્સ કોર્ટ (C) ન્યાયિક (જ્યુડિશિયલ) મેજિસ્ટ્રેટની કોર્ટ (D) હાઇકોર્ટ

જવાબ: (C) ન્યાયિક (જ્યુડિશિયલ) મેજિસ્ટ્રેટની કોર્ટ

૪. ગુજરાત રાજ્યની વડી અદાલત (High Court) કયા શહેરમાં આવેલી છે? (A) ગાંધીનગર (B) વડોદરા (C) રાજકોટ (D) અમદાવાદ

જવાબ: (D) અમદાવાદ

૫. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? (A) મુંબઈ (B) કોલકાતા (C) દિલ્હી (D) ચેન્નઈ

જવાબ: (C) દિલ્હી

૬. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? (A) 15 ઓગસ્ટ 1947 (B) 26 જાન્યુઆરી1950 (C) 28 જાન્યુઆરી1950 (D) 1 મે 1960

જવાબ: (C) 28 જાન્યુઆરી1950

૭. કયા ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર (Privacy)આપે છે તેમ ઠરાવ્યું હતું? (A) કેશવાનંદ ભારતી કેસ (B) જસ્ટીસ પુટ્ટસ્વામી વિરુદ્ધ ભારત સરકાર (C) વિશાખા ગાઇડલાઇન્સ (D) ગોલકનાથ કેસ

જવાબ: (B) જસ્ટીસ પુટ્ટસ્વામી વિરુદ્ધ ભારત સરકાર

(B) ખાલી જગ્યા પૂરો:

૮. સિવિલ જજની કોર્ટ ................. લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે. જવાબ: 25

૯. જ્યારે અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, તેને ................. કહેવામાં આવે છે. જવાબ: સુઓ મોટો (SUO MOTO)

૧૦. લોકઅદાલતનો સૌપ્રથમ પ્રયોગ ................. રાજ્યથી શરૂ થયો હતો. જવાબ: ગુજરાત

૧૧. ન્યાયની દેવીએ પોતાના હાથમાં ................. અને ................. ધારણ કરેલ છે. જવાબ: ત્રાજવું, તલવાર

૧૨. ભારતની બધી જ અદાલતોમાં ................. અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. જવાબ: સર્વોચ્ચ

(C) ખરા-ખોટા જણાવો:

૧૩. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ન્યાયિક મેજિસ્ટ્રેટની છે, જે ત્રણ વર્ષ સુધીની કેદની અને ₹ 10,000 સુધીના દંડની સજા કરવાની સત્તા ધરાવે છે. જવાબ: ખરું

૧૪. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કરે છે. જવાબ: ખોટું (રાષ્ટ્રપતિ કરે છે).

૧૫. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) તરીકે પણ કાર્ય કરે છે. જવાબ: ખરું.

૧૬. પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત અદાલતના ચુકાદાને આધારે કરાઈ છે. જવાબ: ખરું.

(D) એક શબ્દમાં / વાક્યમાં ઉત્તર આપો:

૧૭. F. I. R. નું પૂરું નામ શું છે?

જવાબ: First Information Report (પ્રથમ દર્શિય નોંધ).

૧૮. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?

જવાબ: રાજ્યપાલ (વડી અદાલત સાથે ચર્ચા-વિચારણા કરીને).

૧૯. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?

જવાબ: રાષ્ટ્રપતિ દ્વારા (સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને).

૨૦. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને કઈ પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે?

જવાબ: મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા દ્વારા.

પ્રશ્ન ક્રમાંક 10 એ પ્રકરણ 18 “સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા” માંથી પૂછાશે. આ પ્રશ્નમાં 2 ગુણના કુલ 2 ટૂંકજવાબી પ્રશ્નો (કુલ 4 ગુણ) પૂછાશે.

પ્રશ્ન 10 ટૂંકજવાબી પ્રશ્નો.

૧. સામાજિક અસમાનતા માટે સામાન્ય રીતે કઈ-કઈ બાબતો જવાબદાર ગણી શકાય?

જવાબ: સામાજિક અસમાનતા માટે નીચેની બાબતો જવાબદાર છે:
  • લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણી વાર વંચિત રહી જાય છે.
  • ઘણી વાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે.
  • સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે.
  • સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, જેથી સામાજિક વિકાસ રુંધાય છે.

૨. સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે?

જવાબ:
  • સમાજમાં ભેદભાવને પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે, જ્યારે અન્ય વર્ગ પ્રત્યે અણગમો રખાય છે.
  • આવી સ્થિતિને કારણે વર્ગવિગ્રહ ઊભો થાય છે અને તેની ગંભીર અસર સમાજ ઉપર પડે છે.
  • સમાજનો કોઈ એકાદ વર્ગ આર્થિક અને સામાજિક રીતે અપ્રગટ અવસ્થામાં આવી જાય છે. વિકાસ માટેની કોઈ સુવિધા ન મળતાં આવા વર્ગ શોષિત અને વંચિત રહે છે, અને મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે.

૩. સામાજિક ન્યાય માટે સરકારે કઈ-કઈ યોજનાઓ અમલમાં મૂકી છે?

જવાબ: ભારતે સ્વતંત્રતા બાદ સમાનતા ઊભી કરવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે:
  • સંસદ, રાજ્યનાં ધારાગૃહો તેમજ પંચાયતોમાં કેટલાક મતવિસ્તારો સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે.
  • શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે, જેથી વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે.
  • સામાજિક પછાતવર્ગોને આત્મનિર્ભર બનાવવા નાના વ્યવસાયો, ગૃહઉદ્યોગો કે લઘુઉદ્યોગો માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજની લોન અને રિક્ષા જેવાં વાહનો ખરીદવા લોનની સુવિધા આપવામાં આવે છે.

૪. સામાજિક ન્યાયના પ્રયાસો રૂપે ભારતના બંધારણમાં કઈ-કઈ જોગવાઈઓ કરવામાં આવી છે?

જવાબ: ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ, વિચરતી જાતિઓ અને પછાત વર્ગોના રક્ષણ માટે નીચેની જોગવાઈઓ છે:
  • ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
  • દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ બંધારણમાં છે.
  • પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે.
  • પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

૫. સંયુક્ત રાષ્ટ્રો (U.N.) દ્વારા કયા મૂળભૂત માનવ-અધિકારોની ઘોષણા કરવામાં આવી છે?

જવાબ: માનવને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા નીચેના અધિકારો અપાયા છે:
  • પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર.
  • કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર.
  • શિક્ષણ મેળવવાનો અધિકાર.
  • અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર.
  • સંપત્તિનો અને ગોપનીયતાનો અધિકાર.

૬. સામાજિક ન્યાય એટલે શું?

જવાબ: 'સામાજિક ન્યાય' એ શબ્દપ્રયોગમાં 'સામાજિક' શબ્દ સમાજમાં રહેનારા તમામ લોકોના સંદર્ભે છે, જ્યારે 'ન્યાય' શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે.

૭. અગાઉના સમયમાં ભારતીય સમાજમાં કયા પ્રકારની સામાજિક અસમાનતા જોવા મળતી હતી?

જવાબ: અગાઉના સમયમાં સમાજમાં સ્ત્રી-પુરુષને સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સમાજમાં મોટા ભાગે દીકરા-દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો.

પ્રશ્ન ક્રમાંક 11 એ પ્રકરણ 19 “સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા” માંથી પૂછાશે. આ પ્રશ્નમાં 2 ગુણના કુલ 3 ટૂંકજવાબી પ્રશ્નો (કુલ 6 ગુણ) પૂછાશે.

પ્રશ્ન 11 ટૂંકજવાબી પ્રશ્નો.

૧. સરકાર દ્વારા લોકોની કઈ-કઈ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાના પ્રયત્નો થાય છે?

જવાબ: એક સમયે અન્ન, વસ્ત્ર અને ઓટલો એ દરેક માનવ માટે સુલભ બને તેવા પ્રયત્ન થતા હતા. પરંતુ જ્યારથી નાગરિકો મુક્તિના શ્વાસ લેવા લાગ્યા છે, તેમ-તેમ આ પાયાની જરૂરિયાતોમાં શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને પોષક આહારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધી બાબતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ અને સરકાર તેના માટે રોજગારીની તકો ઊભી કરે છે.

૨. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસની ખેડૂતોના જીવનધોરણ પર કેવી અસર થઈ છે?

જવાબ: સરકારે સિંચાઈ અને કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવીને 'હરિયાળી ક્રાંતિ' ના મંડાણ કર્યા, જેથી અન્નના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બન્યું. સહકારી ક્ષેત્રે પશુપાલન અને દૂધ-ઉત્પાદનને પ્રોત્સાહન આપીને 'શ્વેતક્રાંતિ' ના મંડાણ કર્યા, જેને ભારે સફળતા મળી છે. આ પ્રયત્નોથી ખેતીની સ્થિતિ સુધરતા ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું છે.

૩. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન (Special Industrial Zone) માં ઉદ્યોગ શરૂ કરવાથી કયા લાભો મળે છે?

જવાબ: સરકાર દ્વારા આર્થિક ઉત્થાન માટે કેટલાક વિસ્તારોમાં 'સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન' બનાવવામાં આવ્યા છે. ત્યાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગ માટેની પાયાની સુવિધાઓ વાજબી ભાવમાં પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, તેમાં કેટલાક સમય સુધી જુદા-જુદા કરવેરામાંથી (ટેક્સમાંથી) પણ મુક્તિ આપવામાં આવે છે.

૪. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારે કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે?

જવાબ: સરકાર દ્વારા દરેક ગામમાં શાળાઓ સ્થાપીને પ્રાથમિક શિક્ષણનો વ્યાપક પ્રસાર કરવામાં આવ્યો છે. લોકો માટે આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને અકસ્માત કે આકસ્મિક બીમારી સમયે 108 નંબર પર ફોન કરી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સુવિધા મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે.

૫. માર્ગ અકસ્માત થવા પાછળનાં મુખ્ય કારણો કયા-કયા છે?

જવાબ: માર્ગ અકસ્માતો પાછળ વધુ ઝડપે બેફામ ડ્રાઇવિંગ કરવું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું, થાક કે દારૂના નશામાં વાહન ચલાવવું વગેરે જવાબદાર છે. રાહદારીઓની બેદરકારી, ખોટી જગ્યાએ રસ્તો ઓળંગવો અને વાહનોની બ્રેક કે સ્ટીયરિંગની નિષ્ફળતા જેવા કારણોથી પણ અકસ્માત થાય છે. આ ઉપરાંત, ક્ષતિગ્રસ્ત માર્ગો, ખાડાઓ અને ખરાબ હવામાન (ધુમ્મસ,ભારે વરસાદ) પણ અકસ્માત નોતરે છે.

૬. માર્ગ અકસ્માત નિવારવા માટે સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે?

જવાબ: ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા રસ્તા સુધારવા, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય રસ્તાઓનું નિર્માણ કરવા પગલાં લેવાયાં છે. વધુ ટ્રાફિકવાળા રસ્તા પર સિગ્નલો અને બેફામ દોડતા વાહનોને પકડવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જનતા ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે નિયમો બનાવી તેનો ભંગ કરનારને દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે.

૭. માર્ગ સલામતી માટે વાહન ચલાવનારની વ્યક્તિગત જવાબદારીઓ કઈ-કઈ છે? (કોઈપણ ચાર)

જવાબ:
  • ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા.
  • ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો અને નશાની હાલતમાં વાહન ન ચલાવવું.
  • ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અને કાર ચલાવતી વખતે સીટબેલ્ટ અવશ્ય પહેરવો.
  • રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ અને નિયત ગતિ મર્યાદાનું પાલન કરવું.

૮. સરકારની આવકના સ્રોત કયા છે? સરકાર આ આવકનો ક્યાં ઉપયોગ કરે છે?

જવાબ: સરકાર દેશના નાગરિકો માટે પરિવહન,શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા જેવી વિવિધ લોકકલ્યાણની પાયાની સુવિધાઓ પાછળ ઘણો ખર્ચ કરે છે. આ ખર્ચને પહોંચી વળવા સરકાર લોકો પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ (કરવેરા) ઉઘરાવીને આવક ઊભી કરે છે. આમ, લોકો પાસેથી ઉઘરાવેલો ટેક્સ એ સરકારની આવકનો મુખ્ય સ્રોત છે.