ધોરણ 6 સામાજિક વિજ્ઞાન : સત્ર 2ની બ્લ્યુપ્રિન્ટ (2025-26) મુજબના પ્રશ્નો

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન : સત્ર 2ની બ્લ્યુપ્રિન્ટ (2025-26) મુજબના પ્રશ્નો

પ્રશ્ન 1 (અ) હેતુલક્ષી પ્રશ્નો (8 ગુણ) સંપૂર્ણપણે પ્રકરણ 5 "શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર"માંથી પૂછાશે.

પ્રશ્ન 1: નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (MCQs)

1. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું?

(A) વર્ધમાન (B) સિદ્ધાર્થ (C) રાહુલ (D) દેવદત્ત

(જવાબ: B. સિદ્ધાર્થ)

2. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?

(A) બોધિગયા (B) સારનાથ (C) કુશીનારા (D) કપિલવસ્તુ

(જવાબ: B. સારનાથ)

3. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?

(A) લુમ્બિની (B) કપિલવસ્તુ (C) કુશીનારા (D) સારનાથ

(જવાબ: C. કુશીનારા)

4. જૈનધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા?

(A) ઋષભદેવ (B) પાર્શ્વનાથ (C) મહાવીર સ્વામી (D) ત્રિશલાદેવી

(જવાબ: A. ઋષભદેવ)

5. મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું?

(A) સિદ્ધાર્થ (B) નંદિવર્ધન (C) વર્ધમાન (D) જિન

(જવાબ: C. વર્ધમાન)

6. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?

(A) ત્રિશલાદેવી (B) માયાદેવી (C) યશોદા (D) યશોધરા

(જવાબ: A. ત્રિશલાદેવી)

7. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?

(A) પાલિ (B) પ્રાકૃત અને અર્ધમાગધી (C) પ્રાકૃત અને પાલિ (D) સંસ્કૃત

(જવાબ: B. પ્રાકૃત અને અર્ધમાગધી)

8. ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું?

(A) છન્ન (B) કંથક (C) નંદિ (D) ચેતક

(જવાબ: B. કંથક)

પ્રશ્ન 2: નીચેની ખાલી જગ્યાઓ પૂરો

1. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધધર્મ વિશે જાણવા માટે આપણને જાતકકથાઓ અને બૌદ્ધ ગ્રંથો ________ માંથી ઘણી માહિતી સાંપડે છે. (જવાબ: ત્રિપિટક)

2. બુદ્ધના પ્રથમ ઉપદેશને ________ કહેવામાં આવે છે. (જવાબ: ધર્મચક્રપ્રવર્તન)

3. ગૌતમ બુદ્ધને ________ પૂર્ણિમાના દિવસે બોધિગયા ખાતે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. (જવાબ: વૈશાખી)

4. મહાવીર સ્વામીએ ________ નદીના કિનારે બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી. (જવાબ: ઋજુપાલિક)

5. મહાવીર સ્વામી જૈન ધર્મના ________ માં તીર્થંકર હતા. (જવાબ: ચોવીસમા)

પ્રશ્ન 3: નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો

1. ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. (જવાબ: ખરું)

2. મહાવીર સ્વામીનો જન્મ પાવાપુરીમાં થયો હતો. (જવાબ: ખોટું - તેમનો જન્મ કુંડગ્રામમાં થયો હતો)

3. બુદ્ધે હિંદુધર્મમાં વ્યાપેલા કર્મકાંડ અને પશુહિંસાનો વિરોધ કર્યો હતો. (જવાબ: ખરું)

4. મહાવીર સ્વામી 80 વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા. (જવાબ: ખોટું - મહાવીર સ્વામી 72 વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા, બુદ્ધ કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા.)

પ્રશ્ન 4: બંધબેસતાં જોડકાં જોડો

વિભાગ અ વિભાગ બ
(1) ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ (a) શુદ્ધોદન
(2) મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ (b) સિદ્ધાર્થ
(3) ગૌતમ બુદ્ધના પિતાનું નામ (c) કુશીનારા
(4) મહાવીર સ્વામીના પિતાનું નામ (d) પાવાપુરી

(સાચા જવાબો: 1 - c, 2 - d, 3 - a, 4 - b)

પ્રશ્ન 2 (અ) હેતુલક્ષી પ્રશ્નો (8 ગુણ) સંપૂર્ણપણે પ્રકરણ 6 "મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક"માંથી પૂછાશે.

પ્રશ્ન 2 (અ): નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો (પ્રકરણ 6 માંથી)

વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો (MCQs):

1. મૌર્યવંશનો સ્થાપક કોણ હતો? (A) બિંદુસાર (B) ચંદ્રગુપ્ત (C) અશોક (D) ધનનંદ

(જવાબ: B. ચંદ્રગુપ્ત)

2. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો? (A) ગુરુ દ્રોણ (B) ગુરુ ચાણક્ય (C) સેલ્યુકસ (D) ગુરુ વિશ્ચામિત્ર

(જવાબ: B. ગુરુ ચાણક્ય)

3. ચાણક્ય દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો હતો? (A) અર્થશાસ્ત્ર (B) ઇન્ડિકા (C) મુદ્રારાક્ષસ (D) દીપવંશ

(જવાબ: A. અર્થશાસ્ત્ર)

4. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરનો રાજદૂત કોણ હતો જે ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યો હતો? (A) ફાહિયાન (B) હ્યુ એન ત્સાંગ (C) મેગેસ્થનિસ (D) યુઅન શ્વાંગ

(જવાબ: C. મેગેસ્થનિસ)

5. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ 'ગ્રાન્ડ ટ્રંક રોડ (GTR)' નું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું? (A) સમ્રાટ અશોક (B) બિંદુસાર (C) ચંદ્રગુપ્ત મૌર્ય (D) શેરશાહ સૂરી

(જવાબ: C. ચંદ્રગુપ્ત મૌર્ય)

6. સમ્રાટ અશોકનું હૃદય-પરિવર્તન કયા યુદ્ધ પછી થયું? (A) કલિંગનું યુદ્ધ (B) મગધનું યુદ્ધ (C) તક્ષશિલાનું યુદ્ધ (D) ઉજ્જૈનનું યુદ્ધ

(જવાબ: A. કલિંગનું યુદ્ધ)

ખાલી જગ્યા પૂરો:

1. મેગેસ્થનિસે લખેલ પુસ્તક ________ માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટની આધારભૂત જાણકારી મળે છે. (જવાબ: ઇન્ડિકા)

2. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુરના ________ માં વિતાવ્યો હતો. (જવાબ: શ્રવણ બેલગોડા)

3. મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રમાં ખેતી વિભાગના ઉપરી (વડા) ને ________ કહેવામાં આવતા. (જવાબ: સીતાધ્યક્ષ)

4. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા ________ અને લિપિ બ્રાહ્મી છે. (જવાબ: પ્રાકૃત)

ખરાં-ખોટાં જણાવો:

1. બિંદુસારના સમયમાં રાજકુમાર અશોકની તક્ષશિલાના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક થઈ હતી. (જવાબ: ખોટું - અશોકની નિમણૂક ઉજ્જૈનના રાષ્ટ્રીય તરીકે થઈ હતી)

2. કલિંગના યુદ્ધ બાદ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. (જવાબ: ખરું)

3. મૌર્ય વંશનો અંતિમ રાજા બૃહદ્રથ હતો. (જવાબ: ખરું)

જોડકાં જોડો:

વિભાગ અ (કૃતિ) વિભાગ બ (લેખક/સ્ત્રોત)
(1) અર્થશાસ્ત્ર (a) વિશાખાદત્ત
(2) ઇન્ડિકા (b) બૌદ્ધ ગ્રંથો (સિલોન)
(3) મુદ્રારાક્ષસ (c) મેગેસ્થનિસ
(4) દીપવંશ અને મહાવંશ (d) ચાણક્ય (કૌટિલ્ય)

(સાચા જવાબો: 1 - d, 2 - c, 3 - a, 4 - b)

પ્રશ્ન 2 (બ) ટૂંક જવાબી - પાત્રપરિચય (6 ગુણ) સંપૂર્ણપણે પ્રકરણ 7 "ગુપ્તયુગ અને અન્ય શાસકો"માંથી પૂછાશે.

પ્રશ્ન 2 (બ): નીચેના ઐતિહાસિક પાત્રોનો પરિચય આપો (પ્રકરણ 7 માંથી - પ્રત્યેકના 2 ગુણ)

1. ચંદ્રગુપ્ત પ્રથમ:

  • મગધના ગુપ્ત વંશનો તે પ્રતાપી રાજા હતો.
  • તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કરી મગધનો વિસ્તાર કર્યો હતો.
  • તેણે 'મહારાજાધિરાજ' જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું.
  • તેના રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો.

2. સમ્રાટ સમુદ્રગુપ્ત:

  • તે ચંદ્રગુપ્ત પ્રથમનો પુત્ર અને મહાન વિજેતા તેમજ સંસ્કારી સમ્રાટ હતો.
  • તેણે અનેક કાવ્યોની રચના કરી 'કવિરાજ'નું બિરુદ મેળવ્યું હતું.
  • સિક્કાઓમાં તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે તેનો સંગીતપ્રેમ દર્શાવે છે.
  • તેના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ (પ્રયાગ-પ્રશસ્તિ)માંથી મળે છે.

3. ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય):

  • તેણે શક-ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણી 'શકારિ' અને 'વિક્રમાદિત્ય' નું બિરુદ ધારણ કર્યું હતું.
  • તેના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારત આવ્યો હતો.
  • મહાન કવિ કાલિદાસ, વરાહમિહિર, વૈતાલભટ્ટ, અમરકોષના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો.

4. કુમારગુપ્ત પહેલો:

  • તે ચંદ્રગુપ્ત બીજાનો પ્રતાપી પુત્ર હતો.
  • તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી.
  • તેના સમયમાં અજંતાની કેટલીક ગુફાઓ પણ તૈયાર થઈ હતી.

5. સમ્રાટ હર્ષવર્ધન:

  • તે થાણેશ્વરના પુષ્પભૂતિ વંશનો મહાન રાજા હતો.
  • તેણે પોતાની બહેન રાજ્યશ્રીને બચાવી અને કનોજ તથા થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું શાસન શરૂ કર્યું.
  • તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા જેમણે "હર્ષચરિતમ્" અને "કાદંબરી" રચ્યા હતા.
  • તેના સમયમાં ચીની યાત્રી યુઅન શ્વાંગ ભારત આવ્યો હતો.

6. પુલકેશી બીજો:

  • તે દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો.
  • તેણે 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું અને સમ્રાટ હર્ષવર્ધનને યુદ્ધમાં હરાવ્યા હતા.
  • તેણે કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યોને હરાવી 'દક્ષિણપથના સ્વામી'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું.
પ્રશ્ન 3 (અ) હેતુલક્ષી (6 ગુણ) અને પ્રશ્ન 3 (બ) ટૂંક જવાબી (6 ગુણ) એમ બંને પ્રશ્નો સંપૂર્ણપણે પ્રકરણ 8 ("ભારતવર્ષની ભવ્યતા") માંથી પૂછાશે.

પ્રશ્ન 3 (અ): નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો (પ્રકરણ 8 માંથી - 1 ગુણના પ્રશ્નો)

વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો (MCQs):

1. પ્રાચીન ભારતમાં ઉત્તર ભારતના ગામનો વડો કયા નામે ઓળખાતો હતો? (A) ગ્રામપંચ (B)ગ્રામભોજક (C) સરપંચ (D) દાસ

(જવાબ: B. ગ્રામભોજક)

2. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવામાં આવે છે? (A) ત્રિપિટક (B) આગમ ગ્રંથો (C) વેદાંગ (D) ઉપનિષદ

(જવાબ: A. ત્રિપિટક)

3. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ ની રચના કોણે કરી હતી? (A) કૌટિલ્ય (B) બાણભટ્ટ (C) પાણિનિ (D) વિશાખાદત્ત

(જવાબ: C. પાણિનિ)

4. હડપ્પીય સંસ્કૃતિમાં ખેતઓજારોમાં શેના આકારનું રમકડું મળ્યું છે? (A) દાતરડું (B) કુહાડી (C) હળ (D) ટ્રેક્ટર

(જવાબ: C. હળ)

5. ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતની કઈ માહિતી મળે છે? (A) બંદરો વિશેની (B) ખેતી વિશેની (C) રાજાઓ વિશેની (D) સિક્કાઓ વિશેની

(જવાબ: A. બંદરો વિશેની)

નીચેની ખાલી જગ્યાઓ પૂરો:

1. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ________ સાહિત્ય કહેવાય છે. (જવાબ: સંગમ)

2. કૌટિલ્ય રચિત ________ માંથી મૌર્ય સામ્રાજ્યની રાજનીતિ અને વહીવટની માહિતી મળે છે. (જવાબ: અર્થશાસ્ત્ર)

3. ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમને ________ કલાશૈલી કહેવામાં આવે છે. (જવાબ: ગાંધાર)

4. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈ.સ. પૂર્વે પાંચમી સદીના ________તરીકે ઓળખાય છે. (જવાબ: પંચમાર્ક કોઈન)

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવા અને તળાવો બનાવવામાં આવ્યાં હતાં. (જવાબ: ખરું)

2. જૈન ધર્મના પ્રાચીન સાહિત્યને 'ત્રિપિટક' કહેવામાં આવે છે. (જવાબ: ખોટું - જૈન ધર્મના ગ્રંથોને 'આગમ ગ્રંથો' કહેવાય છે)

3. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણયુગના 500 કરતાં વધારે ચિત્રો મળી આવેલ છે. (જવાબ: ખરું)

બંધબેસતાં જોડકાં જોડો:

વિભાગ અ વિભાગ બ
(1) હર્ષચરિતમ્ (a) પાણિનિ
(2) ઇન્ડિકા (b) હરિષેણ
(3) અષ્ટાધ્યાયી (c) બાણભટ્ટ
(4) પ્રયાગ પ્રશસ્તિ (d) મેગેસ્થનિસ

(સાચા જવાબો: 1 - c, 2 - d, 3 - a, 4 - b)

પ્રશ્ન 3 (બ): નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (પ્રકરણ 8 માંથી - 2 ગુણના પ્રશ્નો)

1. પ્રાચીન ભારતમાં ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવતી હતી?

જવાબ: સમૃદ્ધ ગામડાંઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું, તેથી સિંચાઈવ્યવસ્થા ઘણી ઉપયોગી સાબિત થઈ. પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યાં હતાં.

2. સ્તૂપ એટલે શું?

જવાબ: સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું (અંડાકાર) સ્થાપત્ય. જેના મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતાં હતા.

3. ગાંધારકલા શૈલી વિશે ટૂંકમાં જણાવો.

જવાબ: ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમને 'ગાંધારકલા' કહેવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલાશૈલીના અનેક નમૂના મળ્યા છે, જેમાં બુદ્ધની મૂર્તિઓ મોટાપ્રમાણમાં બની હતી.

4. ધર્મેતર સાહિત્ય એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે?

જવાબ: જે સાહિત્યિક ગ્રંથોની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા ગ્રંથો 'ધર્મેતર સાહિત્ય' તરીકે ઓળખાય છે. તેમાં મોટેભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે.

5. સંગમ સાહિત્ય વિશે માહિતી આપો.

જવાબ: દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય 'સંગમ સાહિત્ય' કહેવાય છે. તેની રચના ઈ.સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી, જેમાં મદુરાઈમાં ત્રણ સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી હતી. શિલપ્પદિકારમ્ અને મણિમેખલાઈ તેના ખૂબ જ અગત્યના ગ્રંથો છે.

6. પ્રાચીન ભારતમાં ચિત્રકલાના અગત્યના નમૂનાઓ ક્યાંથી મળી આવ્યા છે?

જવાબ: મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણયુગના સમયની આદિમ જનજાતિએ દોરેલાં 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે. આ સિવાય અજંતા, ઈલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલાં ચિત્રો મોટાપ્રમાણમાં મળી આવે છે.

પ્રશ્ન ક્રમાંક 4 (અ) ટૂંક જવાબી (10 ગુણ): આ પ્રશ્નો સંપૂર્ણપણે પ્રકરણ 11 "ભૂમિસ્વરૂપો” માંથી પૂછાશે (પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ)

પ્રશ્ન ક્રમાંક 4 (બ) હેતુલક્ષી - નકશાપૂર્તિ કરો (6 ગુણ): આ નકશાપૂર્તિ સંપૂર્ણપણે પ્રકરણ 13 "ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન" માંથી પૂછાશે (પ્રત્યેક વિગતના 1 ગુણ).

પ્રશ્ન 4 (અ): નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (પ્રકરણ 11 માંથી - પ્રત્યેકના 2 ગુણ)

1. ભૂમિસ્વરૂપ કોને કહેવાય?

જવાબ: પૃથ્વીસપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે.

2. પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે?

જવાબ: સમુદ્રસપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવતાં વિસ્તારને ‘પર્વત’ કહે છે. પર્વતોના મુખ્ય ચાર પ્રકાર છે: (1) ગેડ પર્વત (2) ખંડ પર્વત (3) જ્વાળામુખી પર્વત (4) અવશિષ્ટ પર્વત.

3. ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો.

ઉચ્ચપ્રદેશ મેદાન
1) સમુદ્રસપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. 1) સમુદ્રસપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે.

4. પર્વતોનું મહત્ત્વ ટૂંકમાં જણાવો.

જવાબ: પર્વતો દેશની સીમા-સરહદ અને કુદરતી દીવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. પર્વતો નદીઓનાં ઉદ્ગમસ્થાન છે, તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. ઉપરાંત તે જંગલસંપત્તિ, ખનિજસંપત્તિ અને પ્રાણીસંપત્તિના ભંડાર છે.

5. મેદાનોનું મહત્ત્વ શું છે?

જવાબ: માનવવસાહતો અને વ્યાપાર-વાણિજ્યનાં સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડકમાર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી છે. ગીચવસ્તી ધરાવતાં શહેરો મેદાનોમાં આવેલાં છે અને તેની ફળદ્રુપ જમીન ખેત-ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે.

6. ટાપુ (Island) કોને કહેવાય? ઉદાહરણ આપો.

જવાબ: જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે: લક્ષદ્વીપ,અંદમાન-નિકોબાર, શંખાદ્વાર (બેટ દ્વારકા), પિરોટન વગેરે.

7. અખાત (Gulf) અને દ્વીપકલ્પ (Peninsula)એટલે શું?

જવાબ:
  • અખાત: જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. દા.ત. ખંભાતનો અખાત અને કચ્છનો અખાત.
  • દ્વીપકલ્પ: જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દા.ત. દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર.

8. સામુદ્રધુનિ (Strait) અને સંયોગીભૂમિ (Isthmus)વચ્ચે શું તફાવત છે?

સામુદ્રધુનિ (Strait) સંયોગીભૂમિ (Isthmus)
1) બે જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુનિ કહે છે (દા.ત. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુનિ). 1) બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગીભૂમિ કહે છે (દા.ત. પનામા).

પ્રશ્ન 4 (બ): હેતુલક્ષી - નકશાપૂર્તિ કરો (પ્રકરણ 13 માંથી - પ્રત્યેકનો 1 ગુણ)

આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓને ભારતનો રેખાંકિત નકશો આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલી ભૂગોળિક બાબતો યોગ્ય સ્થાને અને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની રહેશે. પરીક્ષાની તૈયારી માટે નીચે મુજબની વિગતો નકશામાં દર્શાવવાની પ્રેક્ટિસ કરવી:

નકશામાં દર્શાવવા માટેની અગત્યની વિગતો:

1. પર્વતો અને પર્વતમાળાઓ:

  • હિમાલયની પર્વતમાળા (ઉત્તર ભારતમાં)
  • અરવલ્લી પર્વતમાળા (રાજસ્થાન પાસે)
  • વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળા (મધ્ય ભારતમાં)
  • પશ્ચિમઘાટ અને પૂર્વઘાટ (દક્ષિણ ભારતના બંને કિનારે)

2. મુખ્ય નદીઓ:

  • ગંગા નદી
  • નર્મદા નદી (મધ્ય પ્રદેશ થી ગુજરાત તરફ)
  • તાપી નદી
  • ગોદાવરી, કૃષ્ણા, મહાનદી અને કાવેરી નદી (દક્ષિણ ભારતમાં)
  • બ્રહ્મપુત્ર નદી (પૂર્વ ભારતમાં)

3. રણ અને મેદાનો:

  • ભારતીય મહામરુસ્થલ / થરનું રણ (રાજસ્થાન)
  • ગંગાનું મેદાન
  • પૂર્વ કિનારાનું મેદાન અને પશ્ચિમ કિનારાનું મેદાન

4. સાગર અને મહાસાગર:

  • અરબ સાગર (પશ્ચિમ કિનારે)
  • બંગાળનો ઉપસાગર (પૂર્વ કિનારે)
  • હિંદ મહાસાગર (દક્ષિણ દિશામાં)

5. ટાપુઓ:

  • અંદમાન-નિકોબાર ટાપુઓ (બંગાળના ઉપસાગરમાં)
  • લક્ષદ્વીપ ટાપુઓ (અરબ સાગરમાં)

6. વનસ્પતિ/જંગલોના પ્રકાર:

  • મેન્ગૃવ જંગલો (પશ્ચિમ બંગાળમાં સુંદરવનનો મુખત્રિકોણ પ્રદેશ)
  • ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (પશ્ચિમઘાટ અને અંદમાન-નિકોબાર વિસ્તાર)

વિદ્યાર્થીઓએ પ્રકરણ 13 ના પાના નંબર 81 અને 82 પર આપેલા નકશાઓનો અભ્યાસ કરી આ વિગતો રેખાંકિત નકશામાં જાતે દોરવાનો મહાવરો કરવો.

પ્રશ્ન 5 (અ) રૂઢ સંજ્ઞાઓ દોરો/ઓળખો (3 ગુણ) અને પ્રશ્ન 5 (બ) પૃથ્વીના ગોળાના ચિત્રમાં દર્શાવો (3 ગુણ) એમ બંને પ્રશ્નો સંપૂર્ણપણે પ્રકરણ 12 "નકશો સમજીએ" માંથી પૂછાશે.

પ્રશ્ન 5 (અ): રૂઢ સંજ્ઞાઓ ઓળખો અથવા દોરો (પ્રકરણ 12 માંથી - પ્રત્યેકનો 1 ગુણ)

આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓને કાં તો સંજ્ઞા દોરેલી આપી હશે અને તેનું નામ લખવાનું હશે, અથવા નામ આપેલું હશે અને તેની સંજ્ઞા દોરવાની રહેશે. અહીં પ્રેક્ટિસ માટે કેટલીક અગત્યની રૂઢ સંજ્ઞાઓ આપેલી છે:

1. નીચે આપેલી વિગતો માટે નકશામાં કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે તે જણાવો:

  • પોસ્ટઑફિસ: PO
  • પોલીસ-સ્ટેશન: PS
  • સર્કિટહાઉસ: CH
  • પોસ્ટ અને તારઑફિસ: PTO
  • દેશની રાજધાની: ◉ (ગોળ કુંડાળાની અંદર ઘાટું મીંડું)
  • રાજ્યનું પાટનગર: ⦾ (ડબલ ગોળ કુંડાળું)
  • જિલ્લાનું મથક: ◯ (એક મોટું ગોળ કુંડાળું)
  • શહેર: ◦ (નાનું ગોળ મીંડું)
  • નકશાની ઉત્તર દિશા: ⬆ (તીરની નિશાની અને ઉપર 'ઉ' લખેલો)

2. નીચે આપેલી રેખાઓ (સીમાઓ) માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે?

  • આંતરરાષ્ટ્રીય સરહદ: ➖ · ➖ · ➖ (જાડી ડેશ અને ટપકું)
  • રાજ્યની સીમા: - - - - (તૂટક રેખા)
  • જિલ્લાની સીમા: —— (સળંગ રેખા)

3. નકશામાં રંગોનો ઉપયોગ (રંગસ્તર સંકેત - યોગ્ય રંગના નામ આપો):

  • જળ-સ્વરૂપ (નદી, તળાવ, સમુદ્ર): વાદળી રંગ
  • વનસ્પતિ પ્રદેશ (જંગલો): લીલો રંગ
  • ભૂમિ-સ્વરૂપ (પર્વતો, ઉચ્ચપ્રદેશ): કથ્થઈ કે બદામી રંગ
  • ખેતી: પીળો રંગ
  • રેલમાર્ગ: કાળો રંગ
  • જમીનમાર્ગ (સડક): લાલ રંગ

(નોંધ: વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના પાના નંબર 75પર આપેલ કોષ્ટક 12.9 માંથી પર્વત, ટેકરી, શિખર, ઘાટ, નદી, નદીઓનો સંગમ, બંધ, દીવાદાંડી વગેરેની આકૃતિઓ (ચિત્રો) દોરવાની પ્રેક્ટિસ જાતે કરી લેવી.)

પ્રશ્ન 5 (બ): પૃથ્વીના ગોળાના ચિત્રમાં કે વિશ્વના નકશામાં દર્શાવો (પ્રકરણ 12 માંથી - પ્રત્યેકનો 1 ગુણ)

આ પ્રશ્નમાં બ્લુપ્રિન્ટની અધ્યયન નિષ્પત્તિ (SS605)મુજબ, વિદ્યાર્થીઓએ પૃથ્વીના ગોળા પર અથવા વિશ્વના નકશા પર અક્ષાંશ-રેખાંશ, ધ્રુવો, આવરણો, ભારતના પડોશી દેશો વગેરે દર્શાવવાના રહેશે.
વિદ્યાર્થીઓએ નીચે મુજબની વિગતો પૃથ્વીના ગોળાના કે વિશ્વના ખાલી નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાની પ્રેક્ટિસ કરવી:

1. પૃથ્વીના ગોળા પર દર્શાવવાની અગત્યની વિગતો:

  • વિષુવવૃત્ત (0° અક્ષાંશ): પૃથ્વીના ગોળાની બરાબર મધ્યમાંથી પસાર થતી આડી રેખા.
  • કર્કવૃત્ત (23.5° ઉત્તર અક્ષાંશ): વિષુવવૃત્તથી ઉપર ઉત્તર તરફ અને ભારતની લગભગ મધ્યમાંથી પસાર થતી રેખા.
  • ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ: ગોળાની બરાબર ઉપરની ટોચ (ઉત્તર ધ્રુવ) અને નીચેની ટોચ (દક્ષિણ ધ્રુવ).

2. ખંડો અને મહાસાગરો દર્શાવવા (આકૃતિ 12.4 વિશ્વના નકશા મુજબ):

  • ખંડો: એશિયા (ભારત જ્યાં આવેલું છે), યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા.
  • મહાસાગરો: પેસિફિક મહાસાગર, ઍટલૅન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર (ભારતની દક્ષિણે).

3. ભારત અને તેના પડોશી દેશો (આકૃતિ 12.2 અને 12.11 મુજબ દર્શાવવા):

  • ભારતનું સ્થાન: એશિયા ખંડના દક્ષિણ ભાગમાં.
  • પડોશી દેશો:
    • ઉત્તર-પશ્ચિમમાં: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન.
    • ઉત્તર-પૂર્વમાં: ચીન, નેપાળ, ભૂતાન.
    • પૂર્વમાં: બાંગ્લાદેશ અને મ્યાનમાર.
    • દક્ષિણમાં: શ્રીલંકા.

વિદ્યાર્થીઓએ પ્રકરણ 12 ના પાના નંબર 71, 72 અને 77 પર આપેલા નકશાઓનો અભ્યાસ કરી આ વિગતો ખાલી નકશામાં/ગોળામાં જાતે દર્શાવવાનો મહાવરો કરવો.

પ્રશ્ન 6 નિબંધાત્મક પ્રશ્નો સંપૂર્ણપણે પ્રકરણ 16 "સ્થાનિક સરકાર"માંથી પૂછાશે અને તેમાં 3 ગુણના 3 પ્રશ્નો (કુલ 9 ગુણ) લખવાના રહેશે.

પ્રશ્ન 6: નીચેના પ્રશ્નોના સવિસ્તાર (નિબંધાત્મક) ઉત્તર આપો (પ્રકરણ 16 માંથી - પ્રત્યેકના 3 ગુણ)

1. ગ્રામપંચાયતના કાર્યો સવિસ્તાર જણાવો.

જવાબ: ગ્રામપંચાયતે ગામના વિકાસ અને સુવિધા માટે નીચે મુજબના કાર્યો કરવાના હોય છે:
  • ઘરમાં નંબર આપવા અને ઘરવપરાશ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
  • ગામના રોડ-રસ્તા બનાવવા, રસ્તાની સફાઈ કરવી અને ગંદા પાણીનો નિકાલ કરવો.
  • જાહેર મિલકતની જાળવણી કરવી અને ગામમાં આરોગ્યવિષયક જાળવણી કરવી.
  • ગામમાં દીવાબત્તી (લાઇટ)ની વ્યવસ્થા કરવી.
  • ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણની સુવિધા ઊભી કરવી અને જાગૃતિ ફેલાવવી.
  • ગ્રામવિકાસનું આયોજન કરવું, ખેતરોના પાકની સંભાળ રાખવી અને ગૌચરની જાળવણી કરવી.
  • જમીન દફતરની જાળવણી કરવી અને જન્મ-મરણનું રજિસ્ટર નિભાવવું.

2. મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો.

જવાબ: શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી માટે મહાનગરપાલિકાએ નીચે મુજબની જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે:
  • જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી.
  • પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ કરવું.
  • ગટરવ્યવસ્થા, સાફસફાઈ અને ગંદા કચરાનો નિકાલ કરવો.
  • રસ્તાઓ બનાવવા, તેની જાળવણી કરવી અને રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી.
  • પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી તથા પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગબગીચા બનાવવા.
  • ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી અને જન્મ-મરણ તથા લગ્નની નોંધણી કરવી.

3. પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા સમજાવો.

જવાબ: પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે:
  • તેઓ જિલ્લા સ્તરે તમામ વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે.
  • સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના તેઓ સચિવ હોય છે.
  • તેઓ ગ્રામપંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે અને તેમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે.
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે.

4. તાલુકા પંચાયતના કાર્યો જણાવો.

જવાબ: તાલુકા પંચાયતના મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
  • તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્યવિષયક સેવાઓ પૂરી પાડવી અને રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી.
  • ગ્રામ્ય માર્ગો બનાવવા તથા તેની જાળવણી કરવી.
  • પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને તેનું સંચાલન કરવું.
  • તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા કરવી અને તેનું આયોજન કરવું.
  • સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી.
  • પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં લોકોને મદદ કરવી.

5. લોકઅદાલત એટલે શું? તેના ફાયદા જણાવો.

જવાબ: ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ કે ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોકઅદાલતો સ્થાપવામાં આવે છે.
  • ફાયદા: બંને પક્ષો સંમત હોય તો જ તેમને લોકઅદાલતમાં બોલાવવામાં આવે છે. આ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં ‘કોઈની ન હાર કોઈની ન જીત’ એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ થાય છે. કેસ લડવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી અને વારંવાર કોર્ટના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે છે. આનાથી બંને પક્ષોને સંતોષકારક અને ઝડપી ન્યાય મળે છે.

6. ટૂંકનોંધ લખો: તીર્થગ્રામ યોજના અને પાવનગ્રામ યોજના.

જવાબ:
  • તીર્થગ્રામ યોજના: ગુજરાતમાં આ યોજના 21 જુલાઈ, 2004-05થી અમલમાં આવી. આ યોજના માટે પસંદ થયેલ ગામને છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ, માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન કે સેવન થતું ન હોવું જોઈએ, ગામમાં સ્વચ્છતા હોવી જોઈએ અને કન્યા-કેળવણીનો ઊંચો દર હોવો જોઈએ.
  • પાવનગ્રામ યોજના: તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લાં ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને 'પાવન ગામ' તરીકે પસંદ કરીને સરકાર દ્વારા રૂપિયા એક લાખ સુધીનું અનુદાન (ગ્રાન્ટ) વિકાસ માટે ફાળવવામાં આવે છે.
પ્રશ્ન ક્રમાંક 7 એ સંપૂર્ણપણે પ્રકરણ 16 ("સ્થાનિક સરકાર") માંથી પૂછાશે. આ પ્રશ્ન 5 ગુણનો છે અને તેમાં 5 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે.

પ્રશ્ન 7: નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપો

વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો (MCQs):

1. પંચાયતીરાજમાં સૌથી પાયાનું એકમ કયું છે? (A) તાલુકા પંચાયત (B) ગ્રામપંચાયત (C) જિલ્લા પંચાયત (D) નગરપાલિકા

(જવાબ: B. ગ્રામપંચાયત)

2. ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ ક્યારથી શરૂ થયો? (A) 1 એપ્રિલ, 1963થી (B) 2 ઑક્ટોબર, 1959થી (C) 15 ઑગસ્ટ, 1947થી (D) 26 જાન્યુઆરી, 1950થી

(જવાબ: A. 1 એપ્રિલ, 1963થી)

3. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? (A) સરપંચ (B) DDO (C) TDO (D) કલેક્ટર

(જવાબ: C. TDO - તાલુકા વિકાસ અધિકારી)

4. મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? (A) પ્રમુખ (B) મ્યુનિસિપલ કમિશનર (C) મેયર (D) સરપંચ

(જવાબ: C. મેયર)

5. ગ્રામપંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તરફથી કોની નિમણૂક કરવામાં આવે છે? (A) ચીફ ઑફિસર (B) તલાટી-કમ-મંત્રી (C) મામલતદાર (D) સરપંચ

(જવાબ: B. તલાટી-કમ-મંત્રી)

નીચેની ખાલી જગ્યાઓ પૂરો:

1. આપણે પંચાયતીરાજનું ________ સ્તરનું માળખું સ્વીકારેલ છે. (જવાબ: ત્રણ)

2. જિલ્લા પંચાયતના વહીવટી વડાને ________ કહે છે. (જવાબ: ડી.ડી.ઓ. / D.D.O.)

3. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે ________ % બેઠકો અનામત હોય છે. (જવાબ: 50)

4. જે ગ્રામપંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી થાય તેને ________ગ્રામપંચાય કહે છે. (જવાબ: સમરસ)

5. નગરપાલિકાના વહીવટી વડા ________ ગણાય છે. (જવાબ: ચીફ ઑફિસર)

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે. (જવાબ: ખરું)

2. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. (જવાબ: ખરું)

3. તાલુકા કક્ષાના મહેસૂલી વડાને કલેક્ટર કહેવામાં આવે છે. (જવાબ: ખોટું - તાલુકા કક્ષાના મહેસૂલી વડા મામલતદાર છે)

4. ગ્રામપંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. (જવાબ: ખરું)

5. લોકઅદાલતમાં કેસ દાખલ કરવા માટે કોર્ટ ફી ભરવી પડે છે. (જવાબ: ખોટું - લોકઅદાલતમાં કેસ દાખલ કરવા કોઈ કોર્ટ ફી ભરવાની રહેતી નથી)

બંધબેસતાં જોડકાં જોડો:

વિભાગ અ (વહીવટી સંસ્થા) વિભાગ બ (વહીવટી વડા)
(1) ગ્રામપંચાયત (a) ડી.ડી.ઓ. (D.D.O.)
(2) તાલુકા પંચાયત (b) મ્યુનિસિપલ કમિશનર
(3) જિલ્લા પંચાયત (c) તલાટી-કમ-મંત્રી
(4) મહાનગરપાલિકા (d) ટી.ડી.ઓ. (T.D.O.)

(સાચા જવાબો: 1 - c, 2 - d, 3 - a, 4 - b)

પ્રશ્ન ક્રમાંક 8 એ 'ટૂંક જવાબી' (એટલે કે પ્રત્યેકના 2 ગુણવાળા) પ્રકારનો છે, 1 ગુણના હેતુલક્ષી પ્રકારનો નહીં. આ પ્રશ્ન સંપૂર્ણપણે પ્રકરણ 17 "જીવનનિર્વાહ" માંથી પૂછાશે, જેમાં 5 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે (કુલ 10 ગુણ).

પ્રશ્ન 8: નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (પ્રકરણ 17 માંથી - પ્રત્યેકના 2 ગુણ)

1. ગામડાના લોકો મુખ્યત્વે કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે?

જવાબ: ગામડાના લોકો મુખ્યત્વે ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત તેઓ પશુપાલન, દરિયાકિનારે માછલી પકડવાનો વ્યવસાય, તેમજ સુથારીકામ કે છૂટક મજૂરી જેવા અન્ય વ્યવસાયો કરીને પોતાનું જીવનનિર્વાહ કરે છે.

2. માછીમારોને ચોમાસાની ઋતુમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?

જવાબ: ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ ખૂબ જ જોખમકારક છે, આથી માછીમારો (જેમ કે રૂડીબહેન અને લખીમા) ચોમાસામાં માછલી પકડવા જઈ શકતા નથી. તે સમયે તેમની પાસે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી, તેથી તેમને પોતાના જીવનનિર્વાહ માટે બીજા પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે.

3. શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે?

જવાબ: શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો આસપાસના ગામડાંઓમાંથી, અન્ય શહેરોમાંથી કે અન્ય રાજ્યોમાંથી આવે છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકાસવાનો બંધારણમાં અધિકાર આપવામાં આવ્યો છે.

4. શહેરમાં લોકો પોતાનું જીવનનિર્વાહ ચલાવવા કયા કયા પ્રકારના વ્યવસાય કરે છે?

જવાબ: શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરે છે. કેટલાક લોકો દુકાન ચલાવે છે, કેટલાક ઑફિસમાં નોકરી કરે છે, તો કેટલાક રોડ ઉપર લારીમાં કે પાથરણાં પાથરીને માલ વેચે છે. આ સિવાય કેટલાક લોકો ફેક્ટરીમાં કામ કરે છે તો કેટલાક ડ્રાઇવિંગ, પંચર બનાવવાનું કે છૂટક મજૂરીનું કામ કરીને રોજગારી મેળવે છે.

5. ખેતમજૂરોને વર્ષના કયા મહિનાઓમાં ખેતરમાં કામ મળતું નથી?

જવાબ: પાઠ્યપુસ્તકમાં આપેલા ચાર્ટ મુજબ, ખેતમજૂરોને લણણીનું કામ પૂરું થયા પછીના મહિનાઓ એટલે કે માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં ખેતરમાં કામ મળતું નથી.

6. સલમાન પોતાનું જીવનનિર્વાહ કેવી રીતે કરે છે?

જવાબ: સલમાન પાસે પોતાનું એક એકર ખેતર છે જેમાં તે જાતે જ ખેતી કરે છે. આ ઉપરાંત તેની પાસે એક ગાય અને બે ભેંસ છે, જેનું દૂધ તે સહકારી મંડળીમાં વેચીને પશુપાલન દ્વારા પણ આવક મેળવે છે. કેટલીક વખત તે પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરીને પણ જીવનનિર્વાહ માટે ખર્ચ ભેગું કરે છે.

7. ઔદ્યોગિક રોજગારી એટલે શું? ઉદાહરણ આપો.

જવાબ: જ્યારે લોકો કોઈ મોટા સંકુલ કે ફેક્ટરીમાં કામ કરીને કમાણી કરે છે, ત્યારે તેને ઔદ્યોગિક રોજગારી કહેવાય છે. ઉદાહરણ તરીકે: શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરીમાં સિલાઈ મશીન પર કામ કરવું અથવા ચોકલેટ બનાવવાની ફેક્ટરીમાં કામ કરવું.

8. રેખાએ પોતાના ગામથી શહેરમાં આવીને રોડ ઉપર લોકોને કયા વ્યવસાયો કરતા જોયા?

જવાબ: રેખાએ શહેરમાં લોકોને રોડ ઉપર શાકભાજી વેચતા, સાઇકલના પંચરની અને રિપેરિંગની દુકાન ચલાવતા, બૂટપૉલિશ કરતા, સોડા-શરબતની દુકાન ચલાવતા, કરિયાણું વેચતા અને હેરકટિંગ સલૂન ચલાવતા જોયા.