સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

  • (1) બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો.

    ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. નાગરિકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના અને ઉચ્ચ આદર્શો પ્રત્યે જાગ્રતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાના હેતુથી 1976માં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીને 'મૂળભૂત ફરજ દિન' તરીકે ઊજવવાનું નક્કી થયું છે. મુખ્ય મૂળભૂત ફરજો નીચે મુજબ છે:

    • (1) બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો.
    • (2) સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું.
    • (3) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું.
    • (4) જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું.
    • (5) ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો.
    • (6) રાષ્ટ્રના સમૃદ્ધ અને સમનિવિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
    • (7) જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી.
    • (8) વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો.
    • (9) જાહેર માલ-મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો.
    • (10) વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થનાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિનાં સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે.
    • (11) મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા-પિતાની ફરજ રહેશે.
  • (2) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો.

    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. તેનું મહત્ત્વ નીચે મુજબ છે:

    • (1) નીતિઘડતર: આ સિદ્ધાંતો વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે.
    • (2) કલ્યાણરાજ: તેમનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજરચનાની સ્થાપના કરવાનો છે.
    • (3) સામાજિક લોકશાહી: આ સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે, જે રાજકીય લોકશાહીને અધૂરી થતી અટકાવે છે.
    • (4) પાયારૂપ: ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતાં તેને 'દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે' એવું જણાવ્યું હતું.
    • (5) સત્તાનો વિસ્તાર: મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે આ સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે, જેથી રાજ્ય કલ્યાણકારી યોજનાઓનો અમલ કરી શકે.

    રાજ્ય આ સિદ્ધાંતોનો અમલ કરવા બંધાયેલું નથી, પરંતુ નીતિઘડતરમાં તેને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.

  • (3) મૂળભૂત હકોની અગત્ય સમજાવો.

    મૂળભૂત હકો વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ થાય છે. તેની અગત્ય નીચે મુજબ છે:

    • (1) સર્વાંગી વિકાસ: મૂળભૂત હકો નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે અનિવાર્ય છે.
    • (2) રક્ષણ: આ હકો રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે જરૂરી છે.
    • (3) લોકશાહીની ઓળખ: આ પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે.
    • (4) ગૌરવપૂર્ણ જીવન: ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે.
    • (5) કાયદાકીય પીઠબળ: આ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા છે અને તેના ભંગ બદલ સીધા સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગી શકાય છે.

    આ હકો વ્યક્તિને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં જીવવા માટેનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે, તેની ખાતરી આપે છે.

  • (4) વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું ?

    ભારતીય બંધારણ દ્વારા નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ (જેમ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા) બક્ષવામાં આવી છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે કે સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહિ.

    • વાજબી નિયંત્રણો: રાજ્ય સમાજના વ્યાપક હિતમાં, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે.
    • મર્યાદાઓ: આ મર્યાદાઓમાં ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેરવ્યવસ્થા, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં, અદાલતી તિરસ્કાર, બદનક્ષી અને હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

    આમ, સ્વતંત્રતાઓનો ઉપયોગ નિયત મર્યાદામાં રહીને જ કરવાનો છે અને કઈ મર્યાદાઓ વાજબી છે તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે.

  • (5) નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.

    નિવારક અટકાયત એટલે જ્યારે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, તો સાવચેતીનાં પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે.

    • હેતુ: આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે.
    • સમયગાળો: આ કાયદા હેઠળ અટકાયતીને ત્રણ માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી.
    • મુક્તિ: વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે, અને કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે.
  • (6) ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો.

    ભારતના બંધારણમાં નાગરિકોને નીચે મુજબ છ મૂળભૂત હકો આપવામાં આવ્યા છે:

    • (1) સમાનતાનો હક.
    • (2) સ્વતંત્રતાનો હક.
    • (3) શોષણ સામેનો હક.
    • (4) ધાર્મિક સ્વાતંત્ર્યનો હક.
    • (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો.
    • (6) બંધારણીય ઈલાજોનો હક.
  • (7) લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો.

    બંધારણમાં લઘુમતીઓને નીચે મુજબના સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો બક્ષવામાં આવ્યા છે:

    • (1) ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગસમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે.
    • (2) કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાંટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી શકાશે નહિ.
    • (3) કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે.
    • (4) આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઇચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે.

૨. ટૂંક નોંધ લખો:

  • (1) સમાનતાનો હક

    સમાનતાનો હક બંધારણમાં સમાવિષ્ટ એક મુખ્ય મૂળભૂત હક છે, જેમાં 'કાયદા સમક્ષ સમાનતા' અને 'કાયદાનું સમાન રક્ષણ' આ બે ખ્યાલોનો સમાવેશ થાય છે.

    • કાયદા સમક્ષ સમાનતા: કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે જવાબદાર રહેશે.
    • કાયદાનું સમાન રક્ષણ: સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહિ.
    • ભેદભાવ નિષેધ: વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણનાં કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહિ. દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનનાં સ્થળો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એકસરખી સમાન તક આપવામાં આવી છે.
    • અપવાદ: સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ, અનુસૂચિત જાતિ, જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે અનામત બેઠકોની જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહિ.
    • અસ્પૃશ્યતા નાબૂદી: અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને તે શિક્ષાપાત્ર ગુનો બને છે.
  • (2) બંધારણીય ઇલાજનો હક

    બંધારણીય ઇલાજોનો હક એ મૂળભૂત હકોનો યોગ્ય રીતે અમલ થાય તેની ખાતરી આપે છે. આ હક અનુસાર, મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે.

    • આત્મા સમાન: ડૉ. બાબાસાહેબ આંબેડકરે 'આ હકને બંધારણના આત્મા સમાન' કહ્યો છે.
    • અદાલતની સત્તા: સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા બજાવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામાં (જેમ કે બંદી પ્રત્યક્ષીકરણ) કાઢવાની વિશાળ સત્તા ધરાવે છે.
    • રક્ષક-વાલી: મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતાં રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ, સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક-વાલી તરીકેની ફરજો અદા કરે છે.

    આ હક નાગરિકોને તેમના હકોનું રક્ષણ મેળવવાનો કાયદેસર અધિકાર આપે છે.

  • (3) સ્વતંત્રતાનો હક્ક

    સ્વતંત્રતાનો હક ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, તેમજ લોકશાહીના સુચારુ સંચાલન માટે મહત્ત્વનો છે. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે:

    • (1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
    • (2) શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા.
    • (3) મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા.
    • (4) ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા.
    • (5) ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા.
    • (6) ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા.

    નિયંત્રણો: કોઈ પણ વ્યક્તિ આ સ્વતંત્રતાનો મનસ્વીપણે કે બેફામપણે ઉપયોગ કરી શકે નહિ. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે, જેમ કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવવાના સંદર્ભમાં.

    શિક્ષણનો હક: 6થી 14 વર્ષ સુધીની ઉંમરનાં તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર પણ આમાં સમાવિષ્ટ છે.

  • (4) શોષણ સામેનો હક્ક

    શોષણ સામેનો હક બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે, જેનો હેતુ કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપના કરવાનો છે.

    • (1) મનુષ્યનો વેપાર: મનુષ્યનો વેપાર (ખરીદ-વેચાણ), વેઠપ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે.
    • (2) બાળમજૂરી: ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી-ગલ્લા કે ઘરનોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહિ. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે.
    • (3) વેઠપ્રથા: વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠપ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે લઘુતમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે.

    જોકે રાજ્યને જાહેરહેતુઓ માટે, લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજસેવાના કોઈ ક્ષેત્રમાં ભેદભાવ રાખ્યા વિના, ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે.

  • (5) આર્થિકનીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો

    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે:

    • (1) સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું.
    • (2) સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે.
    • (3) પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે.
    • (4) કામનાં સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. આર્થિક મજબૂરીના કારણે કુમળી વયનાં બાળકોનું આરોગ્ય કથળે એવા જોખમી કાર્યો કરવા ન પડે.
    • (5) ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે.
    • (6) કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવો તથા ગાયો, વાછરડાંઓ અને અન્ય દુધાળાં પ્રાણીઓની કતલ અટકાવવા પ્રયાસ કરવો.
  • (6) રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો

    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજકીય અને વિદેશી નીતિઓ સંબંધી નીચેના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે:

    • (1) સ્થાનિક સ્વરાજ્ય: રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો આપશે.
    • (2) ન્યાયતંત્ર: રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય આપી શકે.
    • (3) વિદેશ નીતિ: આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે, રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે પ્રયત્ન કરવો.
    • (4) વિવાદ નિરાકરણ: આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે.

૩. નીચેનાં વિધાનો કારણો આપી સમજાવો:

  • (1) મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે.

    મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે, કારણ કે આ હકોને બંધારણમાં કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું છે. જો કોઈ નાગરિકના મૂળભૂત હકોનો ભંગ થાય તો તે નાગરિક બંધારણીય ઇલાજોના હક અનુસાર સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગી શકે છે. અદાલતને આ હકોના રક્ષણ માટે યોગ્ય આદેશો, સૂચના કે હુકમનામાં કાઢવાની વિશાળ સત્તા છે. આથી, આ હકોનું રક્ષણ કરવા માટે ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે.

  • (2) બંધારણીય ઇલાજોનો હક ‘બંધારણના આત્મા' સમાન છે.

    બંધારણીય ઇલાજોનો હક 'બંધારણના આત્મા' સમાન છે, કારણ કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે.

    • (1) આ હક અન્ય તમામ મૂળભૂત હકોને વ્યવહારમાં અમલી બનાવવા માટેની જોગવાઈ પૂરી પાડે છે.
    • (2) જો આ હક ન હોય, તો અન્ય મૂળભૂત હકોની જોગવાઈનો કોઈ અર્થ સરતો નથી, કારણ કે તેનો અમલ કરવાની ખાતરી મળતી નથી.
    • (3) આ હક નાગરિકોને તેમના મૂળભૂત હકોનો ભંગ થતો હોય તો અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે.

    આમ, આ હક વિના અન્ય હકોને રક્ષણ ન મળતું હોવાથી તે બંધારણનો આત્મા સમાન છે.

  • (3) સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.

    સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને કે સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહિ.

    • (1) જો સ્વતંત્રતાઓ અમર્યાદિત હોય, તો વ્યક્તિ અન્ય વ્યક્તિઓની સ્વતંત્રતાનો ભંગ કરી શકે છે.
    • (2) રાજ્ય સમાજના વ્યાપક હિતમાં, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે.
    • (3) આ મર્યાદાઓ ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, જાહેરવ્યવસ્થા, નીતિમત્તા, શિષ્ટતા અને અદાલતી તિરસ્કાર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે.

    આમ, સ્વતંત્રતાઓ નિયંત્રિત હોવી જરૂરી છે, જેથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે અને અન્ય નાગરિકોના હકોનું રક્ષણ થાય.

  • (4) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે.

    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે, કારણ કે:

    • (1) મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.
    • (2) માત્ર રાજકીય સમાનતા (મૂળભૂત હકો દ્વારા) પૂરતી નથી. જો નાગરિકોને આર્થિક અને સામાજિક ન્યાય (માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા) ન મળે, તો તેઓ રાજકીય હકોનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતા નથી.
    • (3) માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા રાજ્ય કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને સમાજમાં ગરીબ-તવંગરના ભેદો દૂર કરવા અને જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે.

    જ્યારે નાગરિકો આર્થિક અને સામાજિક રીતે સદ્ધર અને સમાન હશે, ત્યારે જ તેઓ સ્વતંત્રતા અને સમાનતા જેવા મૂળભૂત હકોનો યોગ્ય અને અર્થપૂર્ણ ઉપયોગ કરી શકશે. તેથી આ સિદ્ધાંતો હકોના ઉપયોગ માટેનું જરૂરી સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે.

  • (5) માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.

    માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે, કારણ કે:

    • (1) વિરોધ નથી: મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે (કલ્યાણકારી કાર્યો માટે). આ બંને વિરોધી નહીં, પણ એકબીજાના કાર્યક્ષેત્રનું વિભાજન કરે છે.
    • (2) પૂરકતા: મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપીને મૂળભૂત હકોના ઉપયોગ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.
    • (3) સંતુલન: માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને આર્થિક સમાનતા અને સામાજિક ન્યાયના ઉદ્દેશો તરફ દોરીને સમાજમાં સમતામૂલક વ્યવસ્થા સ્થાપિત કરવાનો આદેશ આપે છે, જેના પરિણામે મૂળભૂત હકો વધુ અર્થપૂર્ણ બને છે.

    આમ, બંને એકબીજાના સહયોગી બનીને લોકશાહીના આદર્શોને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.

  • (6) શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.

    શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે, કારણ કે:

    • (1) બંધારણ દ્વારા 'શોષણ સામેનો હક' આપવામાં આવ્યો છે. આ હકનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપના કરવાનો છે.
    • (2) બંધારણ મનુષ્યનો વેપાર, વેઠપ્રથા, દાસત્વ, બળજબરીથી કરાવાતી મજૂરી અને સદીઓથી ચાલી આવેલ વેઠપ્રથાનો અંત લાવવા માંગે છે.
    • (3) ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને જોખમી વ્યવસાયમાં કામે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.

    આમ, બંધારણની જોગવાઈઓ દ્વારા દરેક વ્યક્તિને ગૌરવપૂર્વક અને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર મળે અને શોષણથી મુક્ત થાય તે માટે શોષણમુક્ત સમાજની રચના મુખ્ય ધ્યેય છે.

  • (7) હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.

    હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે, કારણ કે:

    • (1) હકો અને ફરજો પરસ્પર જોડાયેલા છે. એક નાગરિકને મળેલા હક સાથે બીજા નાગરિકની ફરજ જોડાયેલી છે, અને એક નાગરિકની ફરજ બીજા નાગરિકના હકનું રક્ષણ કરે છે.
    • (2) જો નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તો સાથે જ તેમણે રાષ્ટ્ર પ્રત્યેની અને સમાજ પ્રત્યેની કેટલીક મૂળભૂત ફરજોનું પાલન પણ કરવું જોઈએ.
    • (3) જેમ કે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા (હક) ભોગવતી વખતે અન્ય નાગરિકોની ગરિમા જાળવવી (ફરજ) જરૂરી છે.

    આમ, ફરજોનું પાલન કરીને જ નાગરિકોને તેમના હકોનો યોગ્ય રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉપયોગ કરી શકાય છે. તેથી, આ બંને એકબીજા વિના અધૂરાં છે.

  • (8) બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.

    બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ કે:

    • (1) ભારતીય બંધારણમાં 'શોષણ સામેનો હક' આપવામાં આવ્યો છે, જે અંતર્ગત બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
    • (2) ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે ઘરનોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહિ.
    • (3) બાળમજૂરી એ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

    બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ આ કૃત્ય કરનારને સજાની જોગવાઈ છે, જેથી તે શિક્ષાપાત્ર ગુનો ગણાય છે.

  • (9) માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.

    માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી, કારણ કે:

    • (1) આ સિદ્ધાંતો માર્ગદર્શક છે અને તેનો અમલ કરવા માટે રાજ્ય સરકારો બંધાયેલી નથી.
    • (2) આ સિદ્ધાંતોનો અમલ કરવો કે ન કરવો તે રાજ્યની આર્થિક સદ્ધરતા અને અનુકૂળ સંજોગો પર આધાર રાખે છે.
    • (3) બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ નથી.

    આ મૂળભૂત સિદ્ધાંતોથી નાગરિકોને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. જોકે, રાજ્યનીતિના ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની રાજ્યની નૈતિક ફરજ છે.

  • (10) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.

    માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે, કારણ કે:

    • (1) ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતાં તેને 'દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે' એવું જણાવ્યું હતું.
    • (2) આ સિદ્ધાંતો વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપે છે.
    • (3) તેમનો મુખ્ય ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજરચનાની સ્થાપના કરવાનો છે.
    • (4) રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે.

    આમ, આ સિદ્ધાંતો કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટે પાયાનું દિશાસૂચન કરે છે.

  • (11) આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.

    આ વિધાનનું કારણ એ છે કે ભારતના બંધારણના ઘડવૈયાઓ માનતા હતા કે માત્ર પુખ્તવય મતાધિકારથી પ્રાપ્ત થતી રાજકીય લોકશાહી પૂરતી નથી.

    • (1) જો સમાજમાં આર્થિક અસમાનતા અને સામાજિક ભેદભાવ પ્રવર્તતા હોય, તો સામાન્ય અને ગરીબ નાગરિકો સમાનતા અને સ્વતંત્રતા જેવા રાજકીય હકોનો સંપૂર્ણ અને અર્થપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી.
    • (2) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના કરવાનો છે.

    જ્યારે ગરીબી, શોષણ અને અસમાનતા દૂર થશે, ત્યારે જ દરેક નાગરિક ગૌરવપૂર્ણ જીવન જીવી શકશે અને રાજકીય લોકશાહીના મીઠાં ફળ ભોગવી શકશે. આથી, સામાજિક અને આર્થિક ન્યાય વિના રાજકીય લોકશાહી અધૂરી છે.

  • (12) સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે.

    સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે, કારણ કે:

    • (1) રાષ્ટ્રના સમૃદ્ધ અને સમનિવિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે.
    • (2) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ જણાવે છે કે રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ અને ઈમારતોનું લૂંટફાટ, બગાડ કે નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે.

    આ વારસો આપણી ઓળખ અને ગૌરવ છે, અને તેને ભવિષ્યની પેઢીઓ માટે સાચવવો એ દેશના દરેક નાગરિકનું કર્તવ્ય છે.


૪. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:

  • (1) ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

    (D) બંધારણીય ઇલાજોનો હક
  • (2) કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા રૂપ સિદ્ધાંતો છે ?

    (D) ડૉ. બાબાસાહેબ આંબેડકર
  • (3) પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે ?

    (C) 3 માસ
  • (4) કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે ?

    (A) 6 થી 14 વર્ષનાં
  • (5) કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ ?

    (A) 14 વર્ષથી નીચેનાં
  • (6) કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય ?

    (A) અસ્પૃશ્યતા

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.