સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 7 સ્વાતંત્ર્યોત્તર ભારત: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 7 સ્વાતંત્ર્યોત્તર ભારત: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

  • (1) દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો.

    ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ સમક્ષ મુખ્ય પ્રશ્ન હતો કે હિંદની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતાં તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. આઝાદી સમયે દેશી રાજ્યો-રિયાસતોની સંખ્યા 562 હતી.

    તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેઓ તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં પોતાનાં રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગ્રત કરી અને તેમના હકો તથા હિતોના રક્ષણની ખાતરી આપી. સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનની સહાયથી 'જોડાણખત' અને 'જૈસે થે કરાર'નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો.

    હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાય તમામ (559) રાજ્યોએ આ મુસદ્દો સ્વીકારી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધાં. આ ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દૃઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો. સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે સૌપ્રથમ 'જવાબદાર સરકાર'નો શુભારંભ કર્યો, જેનાથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ.

  • (2) હૈદરાબાદ અને જૂનાગઢનાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો.

    હૈદરાબાદનું જોડાણ:

    • (1) દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે 15 ઑગસ્ટ, 1947ના રોજ પોતાના રાજ્યને સ્વતંત્ર જાહેર કર્યું.
    • (2) તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતાં, તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલું હોવાથી સ્વતંત્ર રહી શકે તેમ નહોતું.
    • (3) નિઝામ ભારતીય સંઘમાં જોડાવા તૈયાર નહોતો. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું.
    • (4) સ્થિતિ અસહ્ય બનતાં ભારત સરકારે પોલીસ પગલું ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું.
    • (5) નિઝામે શરણાગતિ સ્વીકારી અને કનૈયાલાલ મુનશીએ આમાં અગત્યની ભૂમિકા ભજવી.

    જૂનાગઢનું જોડાણ:

    • (1) જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું, જેને પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી.
    • (2) મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે 'આરઝી હકૂમત'ની સ્થાપના કરી.
    • (3) સૌરાષ્ટ્રનાં લગભગ તમામ રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો.
    • (4) માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઇચ્છા જાહેર કરતાં ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો.
    • (5) જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા (9 નવેમ્બર, 1947) અને ભારતે જૂનાગઢનો કબજો લીધો.
    • (6) ત્યારબાદ લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરી. આમ, સરદાર પટેલની કુનેહ અને લોકઇચ્છાથી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું.
  • (3) દિવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો.

    ઈ.સ. 1947 સુધીમાં દેશી રાજ્યો-રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું, પરંતુ ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા.

    • (1) 15મી ઑગસ્ટ, 1947 પછી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કરીને 'ગોવામુક્તિ આંદોલન' ચલાવ્યું.
    • (2) પોર્ટુગીઝ સત્તાવાળાઓએ આ આંદોલનને કચડી નાખવાના પ્રયાસો કર્યા અને તેમની અત્યાચાર નીતિ વધી ગઈ, જેનાથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની.
    • (3) છેવટે, ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ 'ઑપરેશન વિજય' શરૂ કર્યું. ભારતીય લશ્કરી દળોએ 18 ડિસેમ્બર, 1961ના રોજ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો.
    • (4) પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછેહઠ કરતી ગઈ અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિ-સિલ્વાએ 19મી ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી.
    • (5) આમ, ગોવા, દીવ, દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો.
    • (6) ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ આ પ્રદેશોને ભારતીય સંઘમાં જોડીને 'ભારતીય સંઘપ્રદેશ'નો દરજ્જો અપાયો.

૨. નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો:

  • (1) દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી ?

    સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓ-નવાબોને અપીલ કરી હતી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગ્રત કરી અને તેમના હકો તેમજ હિતોના રક્ષણની ખાતરી આપી હતી.

  • (2) હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું ?

    હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું કારણ કે, નિઝામ ભારત સંઘમાં જોડાવા તૈયાર નહોતો અને તેના અધિકારીઓ તથા સેનાએ રાજ્યની પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું હતું. સ્થિતિ અસહ્ય બનતાં અને નિઝામને સમજાવવાની વાટાઘાટો નિષ્ફળ જતાં, પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે સપ્ટેમ્બર 1948માં પોલીસ પગલું ભર્યું.

  • (3) ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ ?

    ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ કારણ કે, ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની ભારતીય સંઘ સાથે ભળી જવાની તીવ્ર ઇચ્છા હતી. લોકોએ સ્વતંત્ર થવા માટે લડતો ચલાવી અને પુડુચેરીમાં વિશાળ સભા યોજીને 'ભારત છોડો'નું એલાન આપ્યું. ફ્રાન્સે લોકોનો મિજાજ અને સમયને પારખી લઈને, શાંતિમય સમાધાન માટે વાટાઘાટો કરીને સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું.

  • (4) “ઑપરેશન વિજય' એટલે શું ? તે શા માટે કરવામાં આવ્યું ?

    ‘ઑપરેશન વિજય' એ ભારતીય લશ્કરી દળો દ્વારા ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવા માટે શરૂ કરાયેલું અભિયાન હતું.

    તે શા માટે કરવામાં આવ્યું: પોર્ટુગીઝ સત્તાવાળાઓ ગોવામુક્તિ આંદોલનને કચડી નાખવા માટે અત્યાચારની નીતિ અપનાવી રહ્યા હતા અને પરિસ્થિતિ સ્ફોટક બની હતી. પોર્ટુગીઝોએ શાંતિમય રીતે વસાહતો સોંપવાનો ઇનકાર કરતાં, ભારત સરકારે આ પ્રદેશોને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવા માટે 18 ડિસેમ્બર, 1961ના રોજ આ લશ્કરી પગલું ભર્યું હતું.


૩. નીચેના પર ટૂંક નોધ લખો:

  • (1) દેશી રાજ્યો-રિયાસતોનાં એકીકરણમાં સરદાર પટેલનો ફાળો

    ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ 562 દેશી રાજ્યો-રિયાસતોને ભારતીય સંઘમાં જોડીને અખંડ ભારતની રચના કરવાનું 'ભગીરથ કાર્ય' તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું.

    સરદાર પટેલનો મુખ્ય ફાળો:

    • (1) અપીલ અને ખાતરી: તેમણે દેશી રાજાઓને તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં સ્વૈચ્છાએ જોડાવા માટે અપીલ કરી. તેમણે રાજાઓને તેમના હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી.
    • (2) યોજના અને મુસદ્દો: સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનની સહાયથી 'જોડાણખત' અને 'જૈસે થે કરાર'નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. આ મુસદ્દો સ્વીકારીને 559 રાજ્યોએ ભારતીય સંઘમાં વિલીનીકરણ કરી દીધું.
    • (3) મુત્સદ્દીગીરી: તેમણે દૃઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે મોટા ભાગના રાજ્યોનું અહિંસક ક્રાંતિ દ્વારા એકીકરણ સિદ્ધ કર્યું.
    • (4) જૂનાગઢનું જોડાણ: નવાબ પાકિસ્તાન સાથે જોડાવા છતાં, સરદાર પટેલની કુનેહ અને લોકમત દ્વારા જૂનાગઢને ભારતીય સંઘમાં જોડ્યું.
    • (5) હૈદરાબાદનું જોડાણ: નિઝામના અસહકાર છતાં, તેમણે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું.
    • (6) કાશ્મીરનું જોડાણ: પાકિસ્તાનના આક્રમણ સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહને તાત્કાલિક જોડાણખત પર સહી કરવા જણાવીને, ભારતીય લશ્કર મોકલીને તેનું રક્ષણ કર્યું.

    આમ, સરદાર પટેલે સ્વતંત્ર ભારતને રાજકીય એકતા અને અખંડિતતા પ્રદાન કરી. તેમના આ કાર્યને જવાહરલાલ નેહરુએ 'સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ' ગણાવ્યું હતું.

  • (2) ભારતનો ટેક્નોલૉજી ક્ષેત્રે વિકાસ

    વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લા અડધી સદીમાં ટેક્નોલૉજીના વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. મર્યાદિત સાધનો અને ઓછી સાક્ષરતા છતાં ભારતીય વૈજ્ઞાનિકો અને નેતૃત્વના પ્રયાસોથી આ વિકાસ શક્ય બન્યો.

    ટેક્નોલૉજી ક્ષેત્રે મુખ્ય વિકાસ:

    • (1) કૃષિ ક્ષેત્ર: હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતે સ્વાવલંબન મેળવ્યું. બહુહેતુક બંધો, જળાશયો, નેહરો, જળસંચય, કૃષિ વૈજ્ઞાનિકોનાં સંશોધનો અને કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપનાએ આ વિકાસમાં ફાળો આપ્યો.
    • (2) પરમાણુ વિજ્ઞાન: પરમાણુ વિજ્ઞાનનો શાંતિમય ઉપયોગ કરવા માટે સંશોધન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન કેન્દ્ર દ્વારા પરમાણુ મથકો દ્વારા ઊર્જાની માંગ પૂરી કરવામાં સફળતા મળી છે. રાજસ્થાનના પોખરણમાં બે વખત અણુ ધડાકા કરીને સંરક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવી.
    • (3) અવકાશ સંશોધન: ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે GSLV અને PSLV જેવા પ્રક્ષેપણ વાહનો વિકસાવ્યા. આર્યભટ્ટ (1975), ભાસ્કર (1979), રોહિણી (1979) જેવા ઉપગ્રહો છોડ્યા. મંગળગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન સફળ બનાવ્યું અને ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન મેળવ્યું. આ સિદ્ધિ માટે ઈસરો (ISRO) ની ભૂમિકા નોંધપાત્ર રહી છે.
    • (4) સંદેશાવ્યવહાર: ટેલિફોન, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, મોબાઇલ ફોન, સ્માર્ટફોન, ઈ-મેઇલ વગેરે ક્ષેત્રોના વિકાસથી ભારત વિશ્વના પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે.
    • (5) નવી પહેલો: બાયોટેક્નોલૉજીનો ઉપયોગ ઉદ્યોગો, ઊર્જા, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રોમાં વધી રહ્યો છે. 'ડિજિટલ ઈન્ડિયા' અને 'મેઈક ઇન ઇન્ડિયા'નાં સૂત્રો વિશ્વપ્રસિદ્ધ બન્યાં છે.
  • (3) હરિયાળી ક્રાંતિ

    સ્વતંત્રતા સમયે ભારત અનાજ માટે પરાવલંબી હતું. પરંતુ આઝાદી પછી વસ્તીવધારો થવા છતાં ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ 'હરિયાળી ક્રાંતિ'ના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા વધારવાનો હતો.

    હરિયાળી ક્રાંતિ માટેનાં મુખ્ય પગલાં:

    • (1) બહુહેતુક યોજનાઓ: બહુહેતુક બંધો બાંધવા, જળાશયો અને નેહરોનું નિર્માણ કરવું, અને જળસંચયની વ્યવસ્થા કરવી.
    • (2) ટેક્નોલૉજીનો ઉપયોગ: કૃષિ ક્ષેત્રે આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો.
    • (3) સંશોધન: કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થવાથી સતત સંશોધનો કરવા.
    • (4) ઉત્પાદકતા: બિયારણ, ખાતર, સિંચાઈ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન વધારવું.

    આ પગલાંઓને કારણે દેશમાં અનાજનું ઉત્પાદન વધ્યું અને ભારત ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રે મજબૂત બન્યું, જે રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે.

  • (4) પ્રદેશવાદ

    ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય, ત્યારે તેઓમાં પોતાનાપણાની એક ભાવાત્મક લાગણી ઉદ્ભવે છે, જેને પ્રદેશવાદની ભાવના કહીએ છીએ. ભાષા, ધર્મ, રીતરિવાજો, જીવનશૈલી અને ઐતિહાસિક પરંપરાઓ મળતી આવતી હોવાથી એક જ વિસ્તારના લોકોની આત્મીયતા વધુ મજબૂત બને છે.

    પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસનાં પરિબળો:

    • (1) ભાષા: ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિનહિન્દી ભાષી પ્રદેશવાદની માગણી તીવ્ર બનાવે છે. ભાષાવાર રાજ્યોની પુનઃરચના થયા પછી આ ઉગ્રતા વધુ જોવા મળી.
    • (2) ધર્મ અને જાતિ: કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાના માટે અલગ પ્રદેશની માગણી કરે છે, જેમ કે આસામમાં બોડો જાતિના લોકોએ અલગ પ્રદેશ માટે આંદોલન ચલાવ્યું. આના કારણે પંજાબ-હરિયાણા, બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવાં રાજ્યોની રચના થઈ.

    પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનારાં અને તેને ઉત્તેજિત કરનારાં પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે. પોતાના પ્રદેશનો વિકાસ સાધવા મહત્ત્વાકાંક્ષા રાખવી સારી છે, પરંતુ તે રાષ્ટ્રીય એકતાને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું જોઈએ.

  • (5) પ્રાદેશિક અસમાનતા

    પ્રાદેશિક અસમાનતાનો અર્થ એ છે કે દેશમાં જુદા જુદા પ્રદેશો વચ્ચે આર્થિક વિકાસ અને માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ મોટો તફાવત જોવા મળે છે.

    પ્રાદેશિક અસમાનતાનાં કારણો:

    • (1) ઐતિહાસિક: વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ ન થાય ત્યાં વિકાસાત્મક કાર્યો કર્યા નહીં, જેના પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી.
    • (2) યોજનાકીય: ભારત સ્વતંત્ર બન્યા પછી આયોજન પંચનો મુખ્ય હેતુ સમતોલ વિકાસ સાધવાનો હતો, પરંતુ પ્રદેશવાદનાં દબાણો, રાજકીય કારણો અને સ્રોતોની ખેંચતાણને કારણે સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તતી જોવા મળી.

    પ્રાદેશિક અસમાનતાનું સ્વરૂપ:

    • (1) દેશમાં વિકસિત, મધ્યમવિકસિત અને અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે.
    • (2) કેટલાક રાજ્યોના આંતરિક-પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. દા.ત., મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે, પરંતુ વિદર્ભ અને મરાઠવાડા જેવા વિસ્તારો પછાત છે.
    • (3) કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાંક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે.

    આ અસમાનતાને કારણે પ્રદેશવાદ જન્મે છે. બે પડોશી રાજ્યો વચ્ચે પણ સરહદી-જમીન સંબંધમાં કે જળની વહેંચણી અને ખનિજ જેવા સ્રોતોના લાભ મેળવવા માટે વિવાદો ચાલી રહ્યા છે. આ સંકુચિત ભાવના રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે છે.


૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

  • (1) સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

    (C) સરદાર વલ્લભભાઈ પટેલ
  • (2) નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?

    (B) હિમાચલ પ્રદેશ
  • (3) હાલ ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ?

    (C) 28 રાજ્યો
  • (4) ઈ.સ. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું ?

    (C) તેલંગાણા
  • (5) ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું ?

    (B) બિહાર
  • (6) નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટર્સમાંનું એક નથી ?

    (D) ઉત્તરાખંડ, ઝારખંડ
  • (7) નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી ?

    (C) દિલ્લી
  • (8) ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન કયો છે ?

    (B) 1 મે, 1960
  • (9) ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી ?

    (C) આયોજનપંચની

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.