સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ: સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
-
(1) સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. તેના ખતપત્રમાં દર્શાવેલ મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:
- (1) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવા, દૂર કરવા અને આક્રમણનાં કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવાં.
- (2) દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો.
- (3) આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વશાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવાં.
- (4) આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો.
- (5) જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો.
- (6) આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદાં જુદાં રાષ્ટ્રોનાં કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રિય સંસ્થા તરીકેનું કાર્ય કરવું.
-
(2) બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો.
બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ અમેરિકા અને સોવિયત રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું અને લશ્કરી જૂથોમાં જોડાવાની હોડ શરૂ થઈ.
આ પરિસ્થિતિમાં વિશ્વમાં કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં નહિ જોડાયેલ રાષ્ટ્રો 'બિનજોડાયેલા' તરીકે ઓળખાયા, અને તેમણે અપનાવેલી વિદેશનીતિ 'બિનજોડાણવાદી' નીતિ તરીકે ઓળખાય છે. આ નીતિનો અર્થ એ છે કે, વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રહીને પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવો.
ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું આ નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું હતું.
-
(3) “ઠંડા યુદ્ધ”નાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.
બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ અમેરિકા અને સોવિયત રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. બંને મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહેતાં સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું, જેને 'ઠંડું યુદ્ધ' કહેવામાં આવે છે. તેનાં મુખ્ય પરિણામો નીચે મુજબ છે:
- (1) વિશ્વનું દ્વિધ્રુવીકરણ: સત્તાનું બે ધ્રુવો (અમેરિકા અને રશિયા)માં કેન્દ્રીકરણ થયું, જેને દ્વિધ્રુવી વિશ્વવ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે.
- (2) લશ્કરી જૂથોમાં વિભાજન: સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી 'નાટો' (NATO)ની રચના થઈ. તેની સામે રશિયાએ 'વૉર્સો કરાર' નામે સૈનિક સંગઠનની રચના કરી. મધ્યપૂર્વના દેશોમાં 'સેન્ટો' (CENTO) જૂથની રચના થઈ.
- (3) શસ્ત્ર સ્પર્ધા: બંને મહાસત્તાઓ વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ.
- (4) ક્યુબાની કટોકટી: 1961-62 દરમિયાન ક્યુબાની નાકાબંધી જાહેર થતાં બંને મહાસત્તાઓ પરમાણુ યુદ્ધની ધમકી આપવા લાગ્યા, પરંતુ છેવટે સોવિયત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળતાં યુદ્ધની ઘટના ટળી. આ ઘટનાને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
- (5) જર્મનીના ભાગલા: યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને ચાર વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. બર્લિનની દીવાલથી પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થઈ.
-
(4) જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો.
દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીનો ધ્વંસ થયો અને તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને ચાર વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું.
જર્મનીના ભાગલા:
- (1) પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો, અને ત્યાં પૂતળા સરકાર સ્થાપી દીધી.
- (2) જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીકના પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, અને બેલ્જિયમને અડીને આવેલા વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો.
- (3) અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી 'ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની' તરીકે નિર્માણ કર્યું.
- (4) સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી અને પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિમી લાંબી દીવાલ બનાવવામાં આવી.
જર્મનીનું એકીકરણ:
- (1) 1990 સુધીમાં ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા અને સોવિયત સંઘનું વિઘટન થયું.
- (2) પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે વાટાઘાટો થઈ, જેના પરિણામે બંને જર્મનીનું એકીકરણ 3 ઑક્ટોબર 1990ના રોજ થયું.
- (3) જર્મન પ્રજાના દુઃખ, વિયોગ અને ક્રૂરતાભર્યા જોરજુલમના પ્રતીકરૂપે રહેલી બર્લિનની દીવાલને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી.
- (4) સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી અને યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું.
-
(5) ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ભારત અને સોવિયત યુનિયન (રશિયા) વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે, જે નીચે મુજબ છે:
- (1) ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, તેમજ સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનિકી મદદ કરી છે.
- (2) કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયને હંમેશા ભારતનો પક્ષ લીધો છે.
- (3) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે રશિયાએ ઘણીવાર 'વીટો' સત્તાનો ઉપયોગ કર્યો છે.
- (4) કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે.
- (5) સોવિયત યુનિયનના વિઘટન પછી પણ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ રહ્યા છે, અને બંને દેશો વચ્ચે સહકાર અને મિત્રતાનો સંબંધ જળવાઈ રહ્યો છે.
-
(6) ‘લશ્કરી જૂથો', 'નાટો', 'સિઆટો' અને 'વૉર્સો' વિશે માહિતી આપો.
બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ વચ્ચે સત્તાની ખેંચતાણ અને ઠંડા યુદ્ધને કારણે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું, જેના પરિણામે વિશ્વમાં લશ્કરી જૂથો રચાયાં.
- લશ્કરી જૂથો: આ એવા સૈન્ય સંગઠનો હતા, જેમાં કોઈ એક જૂથ પર હુમલો થાય તો તે સમગ્ર જૂથ પરનો હુમલો ગણાય છે. આ જૂથોમાં જોડાઈને દેશોએ એકબીજાને સૈન્ય સહાય અને સંરક્ષણની ખાતરી આપી હતી.
- નાટો (NATO - North Atlantic Treaty Organization): સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા માટે અમેરિકાની પ્રેરણાથી ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોનું આ સંગઠન એપ્રિલ 1949માં રચાયું.
- સિઆટો (SEATO - South East Asia Treaty Organization): દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે અમેરિકાની પ્રેરણાથી આ લશ્કરી જૂથની રચના ઈ.સ. 1945માં કરવામાં આવી.
- વૉર્સો કરાર: અમેરિકાના સૈનિક સંગઠનોની સામે રશિયાએ વળતો જવાબ આપવા માટે 'વૉર્સો કરાર' નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના સભ્યોમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલૅન્ડ, રૂમાનિયા અને રશિયાનો સમાવેશ થતો હતો.
૨. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
-
(1) બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો શાથી તણાવપૂર્ણ બન્યા ?
બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની નેતાગીરી અમેરિકા અને સોવિયત રશિયાએ લીધી. યુદ્ધમાં મિત્ર હોવા છતાં, યુદ્ધ પૂરું થયા પછી રશિયાની સામ્યવાદી શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લૅન્ડ રશિયાથી અલગ પડ્યા. બંને મહાસત્તાઓ વિશ્વરાજકારણમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કરવા લાગી અને સત્તા માટે ખેંચતાણ થતાં સંબંધો તણાવપૂર્ણ બન્યા. -
(2) પંડિત જવાહરલાલ નેહરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા ?
પંડિત જવાહરલાલ નેહરુ બિનજોડાણની નીતિને પ્રબળ સમર્થન આપતા હતા. તેઓ માનતા હતા કે, કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની માન્યતા હતી કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો અને લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વશાંતિ માટે ખતરારૂપ છે. -
(3) પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું ? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી ?
પરમાણુ બિનપ્રસાર સંધિ: આ સંધિ હેઠળ અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ, ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા હતા. આ સંધિને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારત દ્વારા હસ્તાક્ષર ન કરવાનું કારણ: ભારતે આ સંધિઓ આવકારી છે, પરંતુ 'સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ' અને 'સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ' પર હસ્તાક્ષર કર્યા નથી. કારણ કે ભારત આ બંને સંધિઓને ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાનકર્તા માને છે. ભારત હંમેશા પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે.
૩. નીચેના પર ટૂંક નોંધ લખો:
-
(1) શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ
શસ્ત્રીકરણ: ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ. આ સ્પર્ધાને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે શસ્ત્ર સ્પર્ધા અને શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ, જેને શસ્ત્રીકરણ કહેવાય છે. અમેરિકાએ 1945માં હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબૉમ્બ ફેંકીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી, જેના ચાર વર્ષમાં સોવિયત યુનિયને પણ અણુઅખતરો કરીને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. આ શસ્ત્ર સ્પર્ધાએ વિશ્વને વિનાશના જોખમ નીચે મૂકી દીધું.
નિઃશસ્ત્રીકરણ: ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતાં, બંને મહાસત્તાઓ વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થઈ. આને કારણે પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. આ શસ્ત્ર સ્પર્ધા ઘટાડવાના પ્રયાસને નિઃશસ્ત્રીકરણ કહેવાય છે. ભારતે આ સંધિઓને આવકારી છે અને હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે. ભારત માને છે કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ ન થાય, ત્યાં સુધી વિશ્વ આ જોખમમાંથી મુક્ત થઈ શકશે નહીં.
-
(2) ક્યુબાની કટોકટી
ક્યુબાની કટોકટી એ ઠંડા યુદ્ધનો સૌથી તણાવપૂર્ણ પ્રસંગ ગણાય છે. તે ઈ.સ. 1961-62 દરમિયાન સર્જાઈ હતી.
- (1) અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસનપ્રથા ધરાવતા ક્યુબાની અમેરિકાએ નાકાબંધી જાહેર કરી.
- (2) અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળાં વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા.
- (3) બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી, જેનાથી ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાઈ.
- (4) છેવટે, અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર 'હૉટ લાઈન' પર વાત થઈ અને સોવિયત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળવાનો વિચાર કરી વહાણ પાછાં વાળ્યાં. આ રીતે યુદ્ધની ઘટના ટળી ગઈ.
આ ઘટનાને 'ક્યુબાની કટોકટી' તરીકે ઓળખવામાં આવે છે. આ કટોકટી બાદ બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો અને તેને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
-
(3) સોવિયત યુનિયનનું વિઘટન
વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ મિખાઈલ ગૉર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વરાજકારણની શકવર્તી ઘટના ગણાવી શકાય.
- (1) મિખાઈલ ગૉર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા (1985માં). તેઓ ઉદારમતવાદી વલણ ધરાવતા હતા.
- (2) ગોર્બોચોવની 'ગ્લાનોસ્ત' (ખુલ્લાપણું) અને 'પેરેસ્ટ્રોઈકા' (આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ) નીતિઓને કારણે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગી.
- (3) સોવિયેત સંઘનાં ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યાં.
- (4) ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી.
- (5) ઈ.સ. 1990માં વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને છેવટે દેશનાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં ડિસેમ્બર 1991માં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.
-
(4) બર્લિનની નાકાબંધી
દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે વિજેતા રાષ્ટ્રોએ જર્મનીને ચાર વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું હતું. જર્મનીની રાજધાની બર્લિનનું પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું હતું.
- (1) અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કર્યું, તેમજ પશ્ચિમ બર્લિનના ત્રણ વિભાગોને એક કરવામાં આવ્યા.
- (2) આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયત યુનિયને એપ્રિલ 1948માં બર્લિનની નાકાબંધી જાહેર કરી.
- (3) પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
- (4) આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિમી લાંબી દીવાલ બનાવવામાં આવી.
- (5) પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલમી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત વાતાવરણમાં નાસી જવા મરણિયા પ્રયાસો કરતા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવાં ક્રૂરતાભર્યા પગલાં લેતી.
બર્લિનની દીવાલ જર્મન પ્રજાના દુ:ખ, વિયોગ અને ક્રૂરતાભર્યા જોરજુલમનું પ્રતીક બની રહી હતી, જે 1990માં જર્મનીના એકીકરણ સાથે તોડી પાડવામાં આવી.
૪. નીચેનાં વિધાનોનાં કારણો આપો:
-
(1) સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે, કારણ કે:
- (1) સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના દ્વિતીય વિશ્વયુદ્ધની ભયાનકતાના અનુભવમાંથી થઈ. તેણે યુદ્ધને તિલાંજલિ આપીને ચિરશાંતિ સ્થાપવાનું ધ્યેય રાખ્યું.
- (2) સંયુક્ત રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનો, તથા આક્રમણનાં કૃત્યોને દબાવી દેવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવાનો હેતુ રાખ્યો.
- (3) તેના ખતપત્ર દ્વારા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાનો હેતુ સિદ્ધ થયો.
- (4) તેણે જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ અને માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવાનું કાર્ય કર્યું.
આમ, સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વને શાંતિ, સહકાર અને સહઅસ્તિત્વના માર્ગે દોરીને એક નૂતન વિશ્વ વ્યવસ્થા સ્થાપવાનો પાયો નાખ્યો.
-
(2) ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
ક્યુબાની કટોકટી 1961-62 દરમિયાન અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચેના સીધા સંઘર્ષની સ્થિતિ હતી, જે ત્રીજું વિશ્વયુદ્ધ થવાના આરે હતી. આ ઘટનાને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે, કારણ કે:
- (1) ક્યુબાની કટોકટીમાં બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી, પરંતુ અંતે સોવિયત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળ્યાં અને યુદ્ધ ટળી ગયું.
- (2) આ ઘટનાથી બંને મહાસત્તાઓને પરમાણુ યુદ્ધનું જોખમ સમજાયું અને તેઓ માનવ કલ્યાણનું કાર્ય કરવા તરફ વળ્યા.
- (3) બંને મહાસત્તાઓ વચ્ચે પહેલીવાર 'હૉટ લાઈન' પર વાત થઈ અને પરસ્પર સંદેશાની આપ-લે શરૂ થઈ, જેનાથી ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો.
- (4) આ કટોકટીના ઉકેલ બાદ બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કરવા સહમત થયા.
આમ, આ ઘટનાએ ઠંડા યુદ્ધની તીવ્રતાને ઘટાડીને સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ કરી, જે ઠંડા યુદ્ધના અંતના આરંભનું સૂચક બની.
૫. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
-
(1) સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે. ?
(B) આમુખથી -
(2) ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડાયુદ્ધની શરૂઆત માને છે ?
(A) બર્લિનની નાકાબંધી -
(3) સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા ?
(C) સામ્યવાદી -
(4) ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા ?
(C) પંડિત જવાહરલાલ નેહરુ -
(5) આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે ?
(A) બિનજોડાણવાદની નીતિએ
આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.