સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:

  • (1) બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો.

    બ્રિટિશ શાસન સમયે વાઇસરૉય કર્ઝન દ્વારા 'ભાગલા પાડો અને રાજ કરો'ની કૂટનીતિના ભાગરૂપે બંગાળના ભાગલા (16 ઑક્ટોબર, 1905) પાડવામાં આવ્યા. આ ભાગલાનો ઉગ્ર વિરોધ કરવા માટે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ શરૂ થઈ, જે ભારતીય રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્ત્વનો બનાવ હતો.

    ચળવળનું સ્વરૂપ:

    બંગાળના ભાગલાના અમલનો દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં 'રાષ્ટ્રીય શોક દિન' તરીકે મનાવાયો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન અપાયું. આ આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતાં:

    • (1) સ્વદેશી અપનાવવું.
    • (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો.
    • (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.

    બંગાળી પ્રજા જ નહીં, પણ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે આ વિભાજન રાષ્ટ્રવાદના જુવાળને રોકવા માટે કરાયું છે. તે દિવસે હિન્દુઓ-મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિનાં દર્શન કરાવ્યાં. આ લડત બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ, મુંબઈ, મદ્રાસ અને ગુજરાત સહિતના અન્ય પ્રાંતોમાં પણ પ્રસરી.

    ચળવળનાં પરિણામો:

    • (1) સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો.
    • (2) માન્ચેસ્ટરથી આવતું કાપડ, ઇંગ્લેન્ડથી આયાત થતાં ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી.
    • (3) ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું અને સ્વદેશી માલ બનાવવાનાં કારખાનાં શરૂ થયાં.
    • (4) આ આંદોલનનો પડઘો બ્રિટિશ પાર્લમેન્ટમાં જબરદસ્ત પડ્યો, જેના પરિણામે માત્ર છ વર્ષ બાદ (ઈ.સ. 1911) બંગાળના ભાગલા રદ કરવા પડ્યા.
    • (5) બંગાળના ભાગલા રદ થવા એ હિન્દવાસીઓનો એક યાદગાર વિજય અને સંગઠન શક્તિનો વિજય હતો. તે અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગ્રત થયેલી નવી ચેતનાનો નોંધપાત્ર વિજય હતો.
  • (2) ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો.

    ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ નીચે મુજબ થયો:

    ઉદ્ભવનાં કારણો:

    • (1) બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન.
    • (2) સુરતના કોંગ્રેસ અધિવેશન (1907)માં 'જહાલ' (ગરમ) અને 'મવાળ' (નરમ) જૂથ એમ બે ભાગલા પડ્યા.
    • (3) કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ.

    લાલ-બાલ-પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવીને હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ' એવું ઉગ્ર ભાષામાં જાહેર કર્યું, જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો.

    વિકાસ:

    • ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.
    • દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર, વીર સાવરકર, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ 'બિસ્મિલ', અશફાક ઉલ્લાખાઁ, ચંદ્રશેખર 'આઝાદ', ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક ક્રાંતિવીરોએ આ જ્યોત જલતી રાખી.
    • આ ક્રાંતિકારીઓએ શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોનું સંગઠન કર્યું અને અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી.
    • આ ચળવળો મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત સહિતના ભારતમાં પ્રસરી હતી.
    • તેઓએ 'મિત્રમેળા સોસાયટી', 'અભિનવ ભારત સમાજ', 'અનુશીલન સમિતિ', 'અંજુમન-એ-મુહિલ્લાને વતન', 'ઇન્ડિયન પેટ્રિઓટ્સ ઍસોસિયેશન' જેવી સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો.
    • પ્રથમ તબક્કો (બંગાળના ભાગલા પછી): 'સંધ્યા', 'યુગાંતર', 'નવશક્તિ', 'વંદેમાતરમ્', 'કેસરી', 'મરાઠા' જેવાં વર્તમાનપત્રો અને સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના કેસો થયા. દિલ્લીમાં વાઇસરૉય હાર્ડિજ પર બૉમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો.
    • બીજો તબક્કો (1920-42): 'કાકોરી લૂંટ કેસ', 'લાહોર હત્યાકાંડ' અને કેન્દ્રીય ધારાસભા (દિલ્લી)માં બૉમ્બ નાખવાના બનાવો બન્યા.
    • આ ક્રાંતિવીરો માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસતે મુખે બલિદાનો આપવા તત્પર હતા અને 'ઇન્કિલાબ ઝિંદાબાદ' અને 'વંદે માતરમ્'ના ગગનભેદી નારા સાથે ફાંસીના માંચડે ચડી જતા.
  • (3) અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો.

    અસહકારના આંદોલનને ડિસેમ્બર, 1920માં નાગપુર અધિવેશનમાં બહાલી મળી. કોંગ્રેસે હવે 'સ્વશાસન'ને બદલે 'સ્વરાજ્ય'ની માગણી કરી. આ આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીજીએ કર્યું હતું.

    અસહકાર આંદોલનના કાર્યક્રમો:

    આ આંદોલનના કાર્યક્રમોને બે ભાગમાં વહેંચી શકાય:

    • રચનાત્મક પાસું (હકારાત્મક):
      • (1) હિન્દુ-મુસ્લિમ એકતા દૃઢ બનાવવી.
      • (2) 'સ્વદેશી' ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો.
      • (3) ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા અને ખાદીનો પ્રચાર કરવો.
      • (4) 'ટિળક સ્વરાજ્ય ફંડ'માં એક કરોડ રૂપિયા એકઠા કરવા.
      • (5) અસ્પૃશ્યતા નિવારણ અને દારૂબંધી.
      • (6) રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ કરવો.
    • ખંડનાત્મક પાસું (નકારાત્મક):
      • (1) સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા-કૉલેજોનો ત્યાગ કરવો.
      • (2) સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામાં આપવાં.
      • (3) વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો.
      • (4) સરકારી સમારંભો, ઇલકાબો (ખિતાબો) વગેરેનો ત્યાગ કરવો.

    ચૌરી-ચૌરાનો બનાવ અને આંદોલન મોકૂફ:

    ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામે (5 ફેબ્રુઆરી, 1922) નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવના સમાચાર મળતાં ગાંધીજીએ અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને 'હિમાલય જેવડી મોટી ભૂલ' કરી છે તેમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી.

    આંદોલનની અસરો:

    • (1) આંદોલન તેના હેતુઓ પ્રાપ્ત કરવામાં સંપૂર્ણ સફળ ન થયું, પરંતુ લોકોમાં તેમના અધિકારો પ્રત્યે સભાનતા આવી.
    • (2) લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની, અને ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી.
    • (3) લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રસેવામાં આગળ આવ્યાં અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની.
    • (4) દેશમાં કાશી, બિહાર, જામિયા-મિલિયા, ગૂજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ અને અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું.
    • (5) આ આંદોલન ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું, જે અત્યાર સુધી શહેરો પૂરતું સીમિત હતું.

૨. ટૂંક નોંધ લખો:

  • (1) વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ

    ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. ભારતની આ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઇંગ્લૅન્ડ, કૅનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, સિંગાપુર, અફઘાનિસ્તાન જેવા દેશોમાં પ્રસાર પામી હતી.

    વિદેશમાં સક્રિય ક્રાંતિકારીઓ અને પ્રવૃત્તિઓ:

    • શ્યામજીકૃષ્ણ વર્મા: તેઓ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા ગણાય છે.
    • ઇંગ્લૅન્ડ: ઇંગ્લૅન્ડથી છૂપી રીતે રસોઇયાના બિસ્તરામાં પિસ્તોલો ભારત મોકલતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી.
    • અમેરિકા: 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં 'ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'ની સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે 'ગદર પાર્ટી' નામ આપ્યું. ચાર ભાષાઓમાં 'ગદર' સાપ્તાહિક શરૂ કરાયું. તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયેલા હતા.
    • જર્મની: ચંપક રમણ પિલ્લાઈએ 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કરી. ઈરાકને વડુંમથક બનાવી, ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી (ઈ.સ. 1907).
    • મેડમ કામા: જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
    • અફઘાનિસ્તાન: રાજા મહેન્દ્ર પ્રતાપના 'રાષ્ટ્રીય પ્રમુખ' પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસ કર્યો.
    • અન્ય પ્રવૃત્તિઓ: બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. કામાગાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાએ પણ ક્રાંતિકારીઓને પ્રેરકબળ પૂરું પાડ્યું.

    આમ, 18થી 24 વર્ષની વયના યુવાનોએ મોતને મુઠ્ઠીમાં લઈ, સાહસ અને રોમાંચક કાર્યો પાર પાડ્યા અને વીરગતિ પામ્યા, જે યુવાપેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે.

  • (2) રૉલેટ ઍક્ટ

    બ્રિટિશ સરકારે ઈંગ્લૅન્ડના કાયદાખાતાના પ્રધાન રૉલેટના અધ્યક્ષ પદે ઈ.સ. 1919માં 'રૉલેટ ઍક્ટ' ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો, તેથી તે 'કાળા કાયદા' તરીકે ઓળખાયો.

    કાયદાની મુખ્ય જોગવાઈઓ:

    • (1) આ કાયદો વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખનારો હતો.
    • (2) આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી.
    • (3) ધરપકડ કરાયેલ વ્યક્તિ પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી હતી.

    ગાંધીજીએ આ કાયદાને 'કાળો કાયદો' કહ્યો. મોતીલાલ નેહરુના મતે, આ કાયદાથી 'દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર' લઈ લેવામાં આવ્યો હતો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ, તેથી નેતાઓ અને પ્રજાએ ઠેર-ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાળોનું આયોજન થયું. ગાંધીજીની દિલ્લીમાં ધરપકડ કરાઈ અને પંજાબમાં ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલૂની ધરપકડ થતાં આંદોલન ઉગ્ર બન્યું.

  • (3) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

    પંજાબમાં અમૃતસરમાં લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલૂની ધરપકડના વિરોધમાં 13 એપ્રિલ, 1919ના રોજ વૈશાખીના તહેવારના દિવસે જલિયાંવાલા બાગમાં એક સભાનું આયોજન થયું હતું.

    લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનીલ ડાયર ત્યાં પહોંચી ગયો. બાગની ચારે બાજુએ ઊંચી દીવાલો, વચ્ચે અવાવરુ કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હતો. જનરલ ડાયરે કોઈ જ પૂર્વચેતવણી આપ્યા વગર મશીનગનમાંથી નિર્દોષ પ્રજા પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો, જેનાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા.

    સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 ઘવાયા, જ્યારે કોંગ્રેસે નીમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો માર્યા ગયેલા.

    બ્રિટિશ સરકારે તપાસ માટે 'હંટર કમિશન' નીમ્યું, જેણે જનરલ ડાયરનો બચાવ કર્યો અને આ કૃત્યને 'અજાણતાં થઈ ગયેલી પ્રામાણિક ભૂલ' તરીકે ક્ષમ્ય ગણ્યું. બીજી તરફ, ડાયર ઇંગ્લૅન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું.

    આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીસહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી.

  • (4) સ્વરાજ્ય પક્ષ

    લોકોમાં આવેલી રાજકીય જાગ્રતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફ થયા બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. તેમનો મુખ્ય હેતુ ધારાસભાઓમાં પ્રવેશીને સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો.

    સ્વરાજ્ય પક્ષની કામગીરી:

    • (1) પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ-મુસ્લિમ એકતા, રેંટિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કર્યો.
    • (2) નવેમ્બર, 1923માં યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ભાગ લીધો અને કેન્દ્રીય ધારાસભા તથા કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્પષ્ટ બહુમતી મળી.
    • (3) કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં ચિત્તરંજન દાસની વરણી થઈ.
    • (4) સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરીને સરકારી અન્યાયી નીતિરીતિનો વિરોધ કર્યો.
    • (5) પક્ષની કામગીરીને કારણે જ સરકારને 'સાયમન કમિશન' બે વર્ષ વહેલું નીમવું પડ્યું.
    • (6) ધારાસભામાં પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, જેનાથી બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત થયું કે ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ શાસન ચલાવવાની ક્ષમતા છે.

    જોકે, જૂન, 1925માં ચિત્તરંજનદાસનું અવસાન થતાં 'સ્વરાજ્ય પક્ષ' નબળો પડ્યો. કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપવાનું શરૂ કર્યું અને કેટલાકે નવો પક્ષ સ્થાપ્યો, જેનાથી પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ અને ઈ.સ. 1926ની ચૂંટણીમાં તેને ભારે પરાજય સાંપડ્યો. આમ છતાં, સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો.


૩. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

  • (1) બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા ? શા માટે ?

    ક્યારે અને કોણે પાડ્યા: બંગાળના ભાગલા ઈ.સ. 1905માં વાઇસરૉય કર્ઝને પાડ્યા હતા.

    શા માટે: અંગ્રેજોની કૂટનીતિ 'ભાગલા પાડો અને રાજ કરો' (Divide and Rule) ના પરિણામરૂપ આ ભાગલા પાડવામાં આવ્યા હતા.

    • (1) તે સમયે બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું, અને રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો.
    • (2) અંગ્રેજો હિંદુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા.
    • (3) વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડવામાં આવ્યા, પરંતુ મુખ્ય હેતુ કોમવાદને ઉત્તેજન આપીને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને નબળી પાડવાનો હતો.
  • (2) ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો.

    ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. તેમના ભાઈ બારીન્દ્રકુમાર ઘોષ (ઈ.સ. 1902)માં ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગમાં ફરી વળ્યા. તેમને શ્રી છોટુભાઈ અને શ્રી અંબુભાઈ પુરાણી તેમજ સાકરિયા સ્વામી જેવા સાથીઓ મળ્યા.

    બારીન્દ્રકુમારે વડોદરા, ચરોતર (ખેડા), અમદાવાદ, મહેસાણા જેવાં સ્થળોએ મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરૉય મિન્ટોની બગી પર બૉમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો.

    અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી, જેનો ગુજરાતીમાં અનુવાદ કરાયો અને 'દક્ષિણા' સામયિકમાં છપાયો. ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે 'દેશી વનસ્પતિ દવાઓ', 'નહાવાના સાબુ બનાવવાની રીત', 'કસરત', 'ગુલાબનો કિસ્સો' વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેમાં બૉમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ-કરનાળી પાસે 'ગંગનાથ વિદ્યાલય'ની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી.

  • (3) રૉલેટ ઍક્ટને ગાંધીજીએ ‘કાળો કાયદો' શા માટે કહ્યો ?

    બ્રિટિશ સરકારે ઘડેલો ઈ.સ. 1919નો રૉલેટ ઍક્ટ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો.

    • (1) આ કાયદો વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો હતો.
    • (2) આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી હતી.
    • (3) આ કાયદામાં દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હતો.

    બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળતી હોવાથી અને ન્યાયિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોવાથી ગાંધીજીએ આ કાયદાને 'કાળો કાયદો' કહ્યો હતો.

  • (4) અસહકારનું આંદોલન (1920-22) શા માટે મોકૂફ રાખવામાં આવ્યું ?

    અસહકારનું આંદોલન (1920-22) મુખ્યત્વે અહિંસક રીતે ચાલી રહ્યું હતું, પરંતુ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામે 5 ફેબ્રુઆરી, 1922ના રોજ હિંસક બનાવ બન્યો:

    • (1) ચૌરીચૌરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો.
    • (2) પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા.
    • (3) ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા.

    આ હિંસક બનાવના સમાચાર મળતાં જ ગાંધીજીએ જણાવ્યું કે, "અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે." મહાત્મા ગાંધીજી સત્યાગ્રહમાં હિંસાની સખત વિરુદ્ધમાં હોવાથી, તેમણે આ હિંસક બનાવને કારણે અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી, જેનાથી આંદોલન મોકૂફ રહ્યું.

  • (5) 'સ્વરાજ્ય પક્ષ'ની પ્રતિષ્ઠા કયાં કારણોથી ઓછી થઈ હતી ?

    સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાનાં મુખ્ય કારણો નીચે મુજબ હતાં:

    • (1) જૂન, 1925માં સ્વરાજ્ય પક્ષના સ્થાપક અને મુખ્ય નેતા ચિત્તરંજનદાસનું અવસાન થતાં પક્ષ નબળો પડ્યો.
    • (2) પક્ષના કેટલાક સભ્યોએ સરકારને સહયોગ આપવાનું વલણ અપનાવ્યું.
    • (3) કેટલાક સભ્યોએ 'નેશનલ પાર્ટી' નામનો નવો પક્ષ સ્થાપ્યો.
    • (4) પરિણામે, ઈ.સ. 1926ની ચૂંટણીમાં મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો.
    • (5) બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનરજી જેવા નેતાઓએ પક્ષની કામગીરીની આકરી ટીકા કરી.

    આ તમામ કારણોથી 'સ્વરાજ્ય પક્ષ'ની પ્રતિષ્ઠા ઓછી થઈ હતી.


૪. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

  • (1) બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો ?

    (A) રાષ્ટ્રીય શોકદિન
  • (2) કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં ?

    (D) મોર્લે-મિન્ટો
  • (3) ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી ?

    (D) અરવિંદ ઘોષ
  • (4) પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો ?

    (C) મેડમ ભિખાઈજી કામા

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.