સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 20 આપત્તિ-વ્યવસ્થાપન: સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો:
-
(1) પૂર સમયે શું કરવું જોઈએ ?
પૂર સમયે નીચે મુજબની બાબતો કરવી જોઈએ:
- (1) સલામત સ્થળે પોતાની કીમતી તથા અંગત જરૂરિયાતની વસ્તુઓ લઈ આશ્રય લેવો.
- (2) પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબીમાં ભેજ ના લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી.
- (3) બાળકોને ભૂખ્યા રાખશો નહિ.
- (4) પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું.
- (5) રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા.
- (6) સાપથી સાવધાન રહેવું. તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી.
-
(2) ત્સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.
સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને 'ત્સુનામી' કહે છે.
- (1) ઉત્પત્તિ: તેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગર તળમાં સાત કે તેથી વધુ રીક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા, સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરનાં સાગરીય ભૂસ્ખલનથી થાય છે.
- (2) શાબ્દિક અર્થ: ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં 'વિનાશક મોજાં' એવો થાય છે.
- (3) પ્રભાવ: ઊંડા સમુદ્રોમાં તે ઓછી ઊંચાઈને કારણે નજરે પડતાં નથી પણ કિનારાની નજીક આવતાં વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે.
- (4) ભૂતકાળની ઘટના: 26 ડિસેમ્બર, 2004ના રોજ હિંદ મહાસાગરમાં આવેલ મહાવિનાશક ત્સુનામીએ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો.
-
(3) ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ ?
ગેસ ગળતર સમયે નીચે મુજબની બાબતો ન કરવી જોઈએ:
- (1) બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ.
- (2) ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહિ.
- (3) બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહિ.
-
(4) વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો.
વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્ત્વનો ઉપાય ચેપ ના લાગે તે અંગે સાવચેતી રાખવાનો છે. તેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે:
- (1) રોગોથી બચવા માટે ચેપ ના લાગે તે અંગે સાવચેતી રાખવી.
- (2) પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને રોગ થવાનાં કારણો, પરિણામો તથા બચાવથી વાકેફ કરવા જોઈએ.
- (3) તેના માટેની રોગપ્રતિકારક રસી લેવી.
- (4) દર્દીઓની સારવાર માટે અલાયદા વૉર્ડના પ્રબંધનની વ્યવસ્થા કરવી જોઈએ.
- (5) આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવાં જોઈએ.
૨. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો:
-
(1) આપત્તિની માનવજીવન પર અસરો સવિસ્તર વર્ણવો.
આપત્તિઓની અસર વધતેઓછે અંશે બધા લોકો પર પડે છે. માનવજીવન પરની આપત્તિઓની અસરો ચાર પ્રકારોમાં વહેંચી શકાય:
1. આપત્તિઓની ભૌતિક અસરો:
- (1) સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા તો તે નષ્ટ થાય છે.
- (2) રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશાવ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે.
- (3) પૂરને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ લાંબા ગાળે પણ પૂર્તિ ના થઈ શકે એવું નુકસાન છે.
2. જનજીવન પર થતી અસરો:
- (1) અનેક લોકો મોતને ભેટે છે તો કેટલાક કાયમી વિકલાંગ બને છે. સામાન્ય નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે.
- (2) જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે.
- (3) કેટલાંય બાળકો અનાથ અને કેટલાંય વૃદ્ધોનો સહારો છિનવાતાં કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે.
3. આપત્તિઓની આર્થિક અસરો:
- (1) પુનઃનિર્માણ માટે મોટા નાણાભંડોળની વ્યવસ્થા કરવી પડે છે, જેની સીધી અસર ચાલુ વિકાસનાં કામો પર પડે છે.
- (2) ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
- (3) નાણાકીય સંસાધનોની અછત ઊભી થતાં યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય છે.
4. આપત્તિઓની સામાજિક અસરો:
- (1) આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે.
- (2) સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે.
- (3) સામાજિક તાણાવાણામાં પરિવર્તન આવતાં અંતઃ સામાજિક સંસ્થાઓ નબળી પડે છે.
-
(2) આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ કરો.
આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. પુનઃસ્થાપનની મુખ્ય બાબતો નીચે મુજબ છે:
1. માળખાગત અને આર્થિક પુનઃનિર્માણ:
- (1) પુનઃનિર્માણ: ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. માળખાગત સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું.
- (2) રોજગારી: દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડે છે.
- (3) વિકલાંગો: કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને માટે તાલીમ-રોજગારીની ગોઠવણ જરૂરી છે.
2. માનસિક અને સામાજિક પુનઃસ્થાપન:
- (1) માનસિક આઘાત: જે લોકોએ વિનાશ નજરે જોયો છે તે લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર કરવી.
- (2) લોકજાગૃતિ: વિષાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા પર લોકશિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે.
- (3) કૌટુંબિક પુનર્વસન: જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન કરવું.
આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે.
૩. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો:
-
(1) નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?
(D) હુલ્લડ -
(2) મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે ?
(A) નદી -
(3) પૂર ઓસર્યા બાદ પીવા કેવું પાણી વાપરશો ?
(D) ઉકાળેલું -
(4) વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં....…
(D) ટોર્નેડો -
(5) ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં…
(C) વિનાશક મોજાં -
(6) ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ…
(B) મીક
આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.