સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 19 ભારત : લોકજીવન: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 19 ભારત : લોકજીવન: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો:

  • (1) ભારતના લોકોમાં કેવી-કેવી ભિન્નતા જોવા મળે છે ?

    ભારત આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતાભર્યો દેશ છે, તેથી તેમાં વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો અને તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં, ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે.

  • (2) દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે ? દરેક રાજ્યોમાં બોલાતી ભાષાઓ લખો.

    દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડકુળની ભાષા તરીકે ઓળખાય છે.

    • (1) આંધ્રપ્રદેશ અને તેલંગણામાં તેલુગુ
    • (2) કર્ણાટકમાં કન્નડ
    • (3) તમિલનાડુમાં તમિલ
    • (4) કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે.
  • (3) બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો.

    બિહારની મુખ્ય ભાષા હિન્દી છે. આ ઉપરાંત, મૈથિલી, ભોજપુરી અને માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી મુખ્ય બોલીઓ છે.


૨. નીચેના પર ટૂંક નોંધ લખો:

  • (1) પૂર્વભારતનાં રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ

    પૂર્વભારતનાં રાજ્યો: પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે. આ પ્રદેશના લોકો ખોરાકમાં મુખ્યત્વે ભાતનું પ્રમાણ વધારે રાખે છે.

    પહેરવેશ:

    • (1) બંગાળી પુરુષો: પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભા પહેરે છે.
    • (2) બંગાળી સ્ત્રીઓ: સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે.
    • (3) બિહારના લોકો: બિહારના પુરુષો ધોતિયું, ઝભ્ભો, ખભે ખેસ, માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે.
  • (2) પશ્ચિમ ભારતના તહેવારો-ઉત્સવો

    પશ્ચિમ ભારતમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગોવા વગેરે છે. આ પ્રદેશના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ધામધૂમથી ઊજવે છે.

    • (1) રાજસ્થાન: અહીં હોળી તથા ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઊજવાય છે. ઘુમ્મર, કચ્ચીઘોડી, કાલબેલિયા જેવાં લોકનૃત્યો જાણીતાં છે.
    • (2) ગુજરાત: ગુજરાત રાસ-ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. દિવાળી અને નવરાત્રી મુખ્ય તહેવારો છે. કાર્તિક પૂર્ણિમાએ સિદ્ધપુરનો મેળો અને તરણેતરનો મેળો જાણીતો છે.
    • (3) મહારાષ્ટ્ર: અહીં ગણેશચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રનું લાવણીનૃત્ય ખૂબ જ જાણીતું છે. નાસિક કુંભ-અર્ધકુંભ મેળા માટે જાણીતું છે.
    • (4) સામાન્ય તહેવારો: પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ, બુદ્ધજયંતી વગેરે તહેવારો ઊજવે છે.

૩. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો:

  • (1) કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે ?

    (A) વધુ
  • (2) ઊંટના ચામડામાંથી બનેલાં પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે ?

    (B) રાજસ્થાન
  • (3) ગોવામાં કઈ ભાષા બોલાય છે ?

    (D) કોંકણી
  • (4) કયા રાજ્યના લોકો જાત-જાતના પરોઠા આરોગે છે ?

    (D) પંજાબ
  • (5) માઘ મેળો ક્યાં ભરાય છે ?

    (C) અલાહાબાદ
  • (6) 'પોંગલ' કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

    (B) તમિલનાડુ
  • (7) ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે ?

    (B) પર્વતીય

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.