સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો:

  • (1) પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો.

    યુરોપનાં રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશલાલસાને કારણે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યાં અને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. પશ્ચિમ યુરોપના આ સંસ્થાનભૂખ્યા દેશોએ એશિયા-આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું.

    પશ્ચિમ યુરોપમાં સંસ્થાનવાદ:

    સામ્રાજ્યવાદી લાલસામાં યુરોપના રાષ્ટ્રોએ તેમનાં પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યાં નહોતાં. સ્પેનનો કબજો નેધરલૅન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર હતો. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતાં, લોહીના સંબંધે પોર્ટુગલ પણ સ્પેનના રાજા હસ્તક આવ્યું, જેને કારણે છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશભૂખનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યાં હતાં.

    એશિયામાં સંસ્થાનવાદ:

    • ઇંગ્લૅન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું.
    • ઇંગ્લૅન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારને કારણે ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે 'અફીણ વિગ્રહો' થયા (1839–42). આમાં ચીનનો પરાજય થવાથી ઇંગ્લૅન્ડની સત્તામાં વધારો થયો.
    • ચીનની નબળાઈનો લાભ લઈને જાપાન, રશિયા, જર્મની, ફ્રાંસ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા.
    • પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા. ઇંગ્લૅન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બેહરિનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાનો પ્રયાસ કર્યો હતો.

    આફ્રિકામાં સંસ્થાનવાદ:

    • આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લૅન્ડે કૅપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં વેપારી મથકો સ્થાપ્યાં હતાં.
    • ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકા વધુ અનુકૂળ જણાતાં યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી.
    • બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લૅન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનાં મથકો સ્થાપ્યાં.
    • ફ્રાંસે ટ્યુનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલી, સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા.
    • પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી (1884-85), જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ રીતે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું.
  • (2) પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો.

    પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) માટે નીચે મુજબનાં પરિબળો જવાબદાર હતાં:

    • આર્થિક પરિબળ: 19મી સદીમાં ઇંગ્લૅન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવીને આર્થિક શોષણ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાનાં બજારોમાં ઇંગ્લૅન્ડ તથા ફ્રાંસની તુલનામાં સસ્તો માલ આપી હરીફાઈ શરૂ કરી. જેના પરિણામે જર્મની અને ઇંગ્લૅન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા ઊભી થઈ.
    • લશ્કરવાદ: યુરોપનાં રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટેની હરીફાઈને કારણે લશ્કરી બળનું મહત્ત્વ વધ્યું. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, રશિયા જેવાં રાષ્ટ્રોએ સૈન્ય તાકાત વધારવા માંડી. જાપાન, ઈટાલી, જર્મની જેવાં રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ અને સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ, આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરણ ઉગ્ર બન્યું.
    • જૂથબંધી–ગુપ્ત સંધિઓ: વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મોટો ભાગ ભજવ્યો. યુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું: (1) જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ અને (2) ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા-કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ.
    • ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના: ઇટાલી અને જર્મનીના એકીકરણ પછી યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપનાં અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી 'વિશ્વ પ્રભુત્વ'ની નીતિમાં માનતો હતો.
    • વર્તમાનપત્રોનો ફાળો: યુરોપનાં રાષ્ટ્રોનાં વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠાં લખાણોએ પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તાસ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા પ્રયત્ન પણ ન કરી શકે.
    • યુદ્ધ અંગેનું તત્ત્વજ્ઞાન: યુરોપમાં "યુદ્ધ એ જ કલ્યાણ" નીતિએ જોર પકડ્યું. જર્મન લેખકોએ "શક્તિમાનને જ જીવવાનો હક છે" તથા "યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે" જેવા સિદ્ધાંતો પ્રચલિત કર્યા.
    • તાત્કાલિક કારણ (ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા): ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્નીની 'બ્લેક હેન્ડ' નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. ઓસ્ટ્રિયાએ આ ઘટના માટે સર્બિયાને જવાબદાર ગણી 48 કલાકમાં ગુનેગારને હાજર કરવાનું આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતાનો હાથ હોવાનો ઇનકાર કરતા, ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું, અને આ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.
  • (3) પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો લખો.

    પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોને મુખ્યત્વે તાત્કાલિક અને દૂરગામી પરિણામોમાં વહેંચી શકાય છે:

    તાત્કાલિક પરિણામો:

    • જાનમાલની હાનિ: લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો અને હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા પણ ઘણી વધારે હતી.
    • સામાજિક પરિવર્તન: યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. સ્ત્રીઓએ ઘરની બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. આનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો અને સમાનતાની લાગણી જન્મી, જેના પરિણામે સ્ત્રી-મતાધિકારની માંગ ઊઠી. જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટવાથી અછત, બેકારી, ભૂખમરો જેવી સમસ્યાઓ ઊભી થઈ.
    • વર્સેલ્સની સંધિ (જૂન 1919): યુદ્ધના અંતે પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે 'વર્સેલ્સની સંધિ' તરીકે ઓળખાઈ. આ સંધિમાં પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો, નિઃશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ જેવી જોગવાઈઓ હતી. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણીને તેના પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના રુર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા અને મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવાયાં. આ સંધિ જર્મની પાસે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી, જેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી.

    દૂરગામી પરિણામ:

    • દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ: યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથેની સંધિઓમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં કાયમી શાંતિ સ્થાપી શકાઈ નહિ. વર્સેલ્સની સંધિની જોગવાઈઓમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બીજ રોપાઈ ગયાં હતાં.

૨. ટૂંક નોંધ લખો:

  • (1) રશિયન ક્રાંતિ

    ઈ.સ. 1917માં થયેલી રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. વંશપરંપરાગત આવનાર બધા ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા, અને અધિકારની માગણી કરનાર વ્યક્તિ પર અત્યાચાર અને દમન ગુજારવામાં આવતો અથવા સાઈબિરિયાની કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી.

    રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરો પુષ્કળ કામ કરવા છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું, જેના કારણે તેમની સ્થિતિ કંગાળ બની હતી.

    લોહિયાળ રવિવાર: 22મી જાન્યુઆરી, 1905ના રોજ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે નિઃશસ્ત્ર લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો, આ દિવસને ઇતિહાસમાં 'લોહિયાળ રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.

    રશિયા-જાપાન યુદ્ધ (1904-05)માં રશિયાની હાર થવાથી ઝારશાહીની નબળાઈઓ છતી થઈ અને પ્રજા ઉશ્કેરાઈ. પ્રજાનો રોષ શાંત કરવા માટે ઝારે વર્ષોથી નહિ બોલાવેલી ડુમા (ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી, જોકે તે પ્રજાને સંતોષ આપી શકી નહીં.

    ક્રાંતિ અને સત્તા પરિવર્તન: 8મી માર્ચ, 1917ના દિવસે પેટ્રોગાર્ડના કામદારોએ હડતાળ પાડી, જેને દબાવવા માટે મોકલેલા લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો અને ઝારશાહીનું પતન થયું. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્ત્વ હેઠળ મેન્શેવિક પક્ષ (લઘુમતી)ના હાથમાં સત્તા આવી.

    લેનિન કાર્લમાર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. તેણે બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરીને નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે 'સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ' તરીકે ઓળખાઈ. આમ, ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો.

  • (2) પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ

    પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઑગસ્ટ, 1914ના રોજ થયો. આ યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ ભાગ લીધો.

    • જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા અને ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાંખી.
    • જર્મનીએ ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્રરાષ્ટ્રોનાં અનેક જહાજો ડુબાડી દીધાં.
    • ટાંકો અને ઝેરી ગેસ જેવા શસ્ત્રોના ઉપયોગથી લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ થઈ.
    • ઈ.સ. 1917માં રશિયામાં ક્રાંતિ થતાં તે યુદ્ધમાંથી ખસી ગયું.
    • જર્મનીએ એક અમેરિકન સ્ટિમર 'લ્યુસિટાનિયા'ને ડુબાડી દીધી, જેમાં 147 અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા. આ ઘટનાને કારણે એપ્રિલ 1917માં અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું.
    • અમેરિકાના જોડાવાથી મિત્રરાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો અને સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં.
    • બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યાં.
    • જર્મન સમ્રાટ કૈસર રાજસત્તા છોડીને ભાગી ગયો.
    • છેવટે, જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર, 1918ના રોજ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારીને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
  • (3) રાષ્ટ્રસંઘના ઉદેશો

    પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને શાંતિની અનિવાર્યતા સમજાવતા, વિશ્વશાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. આથી, અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સનના વિશેષ યોગદાનથી 10 જાન્યુઆરી, 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. તેના ઉદ્દેશો નીચે મુજબ હતા:

    • (1) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી.
    • (2) દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી.
    • (3) યુદ્ધનીતિનો ત્યાગ કરવો.
    • (4) આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા.
    • (5) આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો.
    • (6) જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો તેને 'બળવાખોર' રાષ્ટ્ર જાહેર કરવું.

૩. કારણો આપો:

  • (1) પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.

    પ્રથમ વિશ્વયુદ્ધ એ આધુનિક વિશ્વની સૌથી હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાંની એક હતી. આ યુદ્ધમાં મોટા પાયે જાનમાલની હાનિ થઈ, જેમાં લગભગ 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા અને 2 કરોડ ઘવાયા.

    યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો અને હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા પણ ઘણી હતી, અને યુદ્ધનો કુલ ખર્ચનો આંકડો ઘણો વધારે હતો. યુદ્ધના ભયાનક પરિણામોએ વિશ્વના દેશોને સમજાવ્યું કે આવા વૈશ્વિક વિનાશને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સંગઠન હોવું અનિવાર્ય છે. આથી, ભવિષ્યમાં વિશ્વશાંતિ અને સલામતી જાળવવાના હેતુથી, આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતાં, વિશ્વશાંતિની દિશામાં સક્રિયપણે પ્રયાસ કરવાની ફરજ પડી. આ કારણોસર, અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સનના વિશેષ યોગદાનથી 10 જાન્યુઆરી, 1920ના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.

  • (2) 22મી જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો ‘લોહિયાળ રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.

    ઈ.સ. 1905માં રશિયાની પ્રજા ઝારશાહીના અનિયંત્રિત અને અત્યાચારી શાસન હેઠળ દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ ભોગવી રહી હતી. ખેડૂતો, ખેતદાસો અને મજૂરોની સ્થિતિ કંગાળ બની હતી.

    ઝારના શાસન સામે પોતાના અધિકારોની માંગ કરવા માટે 22મી જાન્યુઆરી, 1905ના રોજ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન 'વિન્ટરપેલેસ' ગયા. આ લોકો નિઃશસ્ત્ર હતા અને કેટલાકના હાથમાં ઝારની છબી હતી, જેમાં "રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો" જેવાં સૂત્રો લખેલાં હતાં.

    આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કરે અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ગોળીબારને કારણે સેન્ટ પિટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો હતો. આ દિવસ રવિવારનો હતો, તેથી આ માનવસંહારની ઘટનાને ઇતિહાસમાં 'લોહિયાળ રવિવાર' તરીકે ઓળખવામાં આવે છે.


૪. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

  • (1) પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં રોપાયાં હતાં ?

    (B) ફ્રેન્કફર્ટ
  • (2) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી ?

    (A) વર્સેલ્સની સંધિ
  • (3) ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા ?

    (B) આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.