સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

  • (1) યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. – વિધાન સમજાવો.

    પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિને કારણે વિશ્વમાં જાણીતું હતું. ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી હતી.

    ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીનમાર્ગે તેમજ જળમાર્ગે થતો હતો, જેનું કેન્દ્રસ્થાન તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ (કૉન્સ્ટેન્ટિનોપલ) હતું.

    ઈ.સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જેના કારણે યુરોપવાસીઓ માટે કૉન્સ્ટેન્ટિનોપલ થઈને ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો.

    યુરોપવાસીઓને મરી-મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. આ સંજોગોને કારણે જ વિશ્વમાં ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો.

  • (2) ડેલહાઉસીએ કયા કયા સુધારવાદી કાર્યો કર્યા ?

    ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હોવા છતાં તે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં નીચે મુજબના સુધારાવાદી કાર્યો થયા હતા:

    • (1) ભારતમાં પ્રથમ રેલવે લાઈન ઈ.સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ.
    • (2) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તાર વ્યવહાર (ટેલિગ્રાફ)ની શરૂઆત થઈ.
    • (3) જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી.
    • (4) અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત થઈ.
    • (5) તેના સમયમાં વિધવા પુનર્વિવાહ ધારો અને બાળલગ્ન પ્રતિબંધક ધારો પસાર થયા.
  • (3) વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી ?

    ગવર્નર જનરલ વેલેસ્લીએ કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવા માટે "સહાયકારી સૈન્યની યોજના" દાખલ કરી હતી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી:

    • (1) કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે.
    • (2) આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે.
    • (3) તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો.
    • (4) કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે.
    • (5) રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો.
    • (6) અન્ય કોઈ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં.
  • (4) ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત કયાં કયાં રાજ્યો ખાલસા કર્યાં ?

    ડેલહાઉસીએ તેની "જીત, જપ્તી અને ખાલસાનીતિ" દ્વારા ભારતીય રાજ્યોને નીચે મુજબ ખાલસા કર્યા હતા:

    • યુદ્ધ દ્વારા ખાલસા: પંજાબ, પેગુ (નીચલું બર્મા).
    • રાજા અપુત્ર અવસાન પામતાં ખાલસા: સતારા, જૈતપુર, સંબલપુર, ઉદેપુર (મ.પ્ર.), ઝાંસી, બઘાત, નાગપુર.
    • ગેરવહીવટના બહાના નીચે ખાલસા: અવધ.
    • કરજની ઉઘરાણી તળે ખાલસા: નિઝામનો વરાડ પ્રાંત.
    • નામમાત્રની સત્તાનો અંત લાવી ખાલસા: કર્ણાટક, તાંજોર.

૨. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો:

  • (1) પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો.

    બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલાના શાસનકાળમાં આ યુદ્ધ થયું. અંગ્રેજોએ નવાબની પરવાનગી વિના કોલકાતામાં કિલ્લેબંધી કરી, જે નવાબે તોડી પાડી. આથી મદ્રાસથી રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું.

    ક્લાઇવે દગાખોરીનો આશરો લઈ નવાબના સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. કંપનીએ નવાબ કનડગત કરે છે તેવા બહાના હેઠળ 23 જૂન, 1757ના રોજ પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું.

    પૂર્વ યોજના મુજબ, સેનાપતિ મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, જેથી નવાબ સિરાજ-ઉદ્-દૌલાની હાર થઈ. ક્લાઇવના ષડયંત્રથી આ યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું.

    યુદ્ધના પરિણામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળના ચોવીસ પરગણાની જાગીર મળી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ, ઈ.સ. 1757માં ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો.

  • (2) કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો.

    કંપની શાસનની ભારત પર નીચે મુજબની આર્થિક અસરો થઈ:

    • (1) કંપની શાસનના 100 વર્ષના સમયગાળામાં ભારત દેશ ઇંગ્લૅન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તૈયાર માલ માટે બજારની ગરજ સારનારો દેશ બની ગયો.
    • (2) દ્વિમુખી શાસનપદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ.
    • (3) કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો.
    • (4) અંગ્રેજ સરકારે ઇંગ્લૅન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી અને ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતરસમ અપનાવી.
    • (5) ભારતના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો.
    • (6) કંપનીના વ્યાપારીઓ કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને ઇન્કાર કરનારને સજા થતી.
    • (7) કંપનીના આગમન પહેલાં સ્વાવલંબી અને સમૃદ્ધ એવાં ભારતનાં ગામડાં, અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યાં.
  • (3) કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો.

    કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે મુજબ હતી:

    • (1) બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી.
    • (2) સમાજમાં પ્રવર્તતા સતીપ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળલગ્ન જેવા કુરિવાજો દૂર કરવા માટે રાજા રામ મોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કાયદા કરાવ્યા.
    • (3) ભારતમાં વહીવટી માળખાના અંગ્રેજીકરણને કારણે અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ, પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો.
    • (4) ચાર્લ્સવુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ.
    • (5) અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં એક એવો વર્ગ ઊભો થયો જેણે સુધારાવાદી માગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો.

૩. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

  • (1) ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?

    (C) વાસ્કો-દ્-ગામા
  • (2) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

    (B) ડેલહાઉસી
  • (3) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

    (C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
  • (4) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ?

    (A) વૉરન હેસ્ટિંગ્સ
  • (5) અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો ?

    (A) ટીપુ સુલતાન

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.