સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 16 આબોહવા: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 16 આબોહવા: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

  • (1) “હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે” કઈ રીતે ?

    હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે, કારણ કે:

    • (1) હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે.
    • (2) આના કારણે ભારત સખત ઠંડીથી બચી જાય છે.
    • (3) તે ભેજવાળી હવાને ઊંચે ચડાવી ઠંડી બનાવી વરસાદ લાવવામાં મદદ કરે છે.
  • (2) “વ્યાપારી પવનો' વિશે સમજ આપો.

    ભારત ઉત્તર-પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલું છે.

    • (1) આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુદાબપટના ભારે દબાણ પટાઓ દ્વારા સર્જાય છે.
    • (2) આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે.
    • (3) ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો તેથી તેને 'વ્યાપારી પવનો' કહે છે.
    • (4) આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
  • (3) ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા-કયા વિભાગમાં વહેંચણી કરી છે ?

    ભારત સરકારની દિલ્લી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ચાર ઋતુઓમાં વહેંચણી કરી છે :

    • (1) શીતઋતુ – શિયાળો — ડિસેમ્બરથી ફેબ્રુઆરી
    • (2) ઉષ્ણઋતુ - ઉનાળો - માર્ચથી મે
    • (3) વર્ષાઋતુ - ચોમાસું - જૂનથી સપ્ટેમ્બર
    • (4) નિવર્તન ઋતુ - પાછા ફરતાં મોસમી પવનોની ઋતુ - ઑક્ટોબરથી નવેમ્બર
  • (4) નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ? કયા-કયા ?

    દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્યકોણીય મોસમી પવનો ભારતમાં બે ભાગમાં વહેંચાઈ જાય છે :

    • (1) અરબ સાગર પરથી આવતા મોસમી પવનો
    • (2) બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો

૨. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:

  • (1) સમુદ્રસપાટીથી ઊંચાઈ વધતાં હવામાનમાં શું ફેરફારો થાય છે ?

    સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતાં હવામાનમાં નીચે મુજબ ફેરફારો થાય છે:

    • (1) જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે.
    • (2) સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1° સે અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5° સે તાપમાન ઘટે છે.
    • (3) ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે.
    • (4) ભેજવાળી હવા ઊંચે ચડતાં ઠંડી બને છે અને વરસાદ આપે છે.
  • (2) 'ઑક્ટોબર હીટ' એટલે શું ?

    ઑક્ટોબર-નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. આ સમયે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને 'ઑક્ટોબર હીટ' કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ 'ભાદરવી તાપ' નામે જાણીતી છે.

  • (3) બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા-ક્યા પ્રદેશોમાં વરસાદ લાવે છે ?

    બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો ભારતના નીચેના પ્રદેશોમાં વરસાદ લાવે છે:

    • (1) પ્રારંભ: સૌપ્રથમ પશ્ચિમ બંગાળામાં પ્રવેશ કરે છે અને મેઘાલય સુધી પહોંચે છે. અહીં ગારો, ખાસી અને જૈન્તિયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે.
    • (2) પશ્ચિમ તરફ: પશ્ચિમ તરફ ફંટાતા પવનો પશ્ચિમ બંગાળા, બિહાર, ઉત્તરપ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે.
    • (3) સંયુક્ત પ્રવાહ: આ પવનો આગળ જતાં અરબ સાગર ઉપરથી આવતા પવનો સાથે ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે.
  • (4) ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ-કઈ ઘટના અસર કરે છે ?

    ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની નીચે મુજબની ઘટનાઓ અસર કરે છે:

    • (1) જૅટ સ્ટ્રીમ (Jet Stream)
    • (2) પશ્ચિમી વિક્ષોભ (Western Disturbances)
    • (3) અલ–નીનો (El-Nino)
    • (4) આઈ.ટી.સી. ઝોન (ITCZ - Inter Tropical Convergence Zone)

૩. નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો:

  • (1) ઋતુ–પરિવર્તનની ઘટના કયાં-કયાં કારણોથી થાય છે ?

    ઋતુ-પરિવર્તનનાં મુખ્ય કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

    • (1) પૃથ્વીનું પરિક્રમણ: પૃથ્વીનું સૂર્યની ચારેબાજુ પરિક્રમણ.
    • (2) પૃથ્વીની ધરીનું નમન: પૃથ્વીની ધરીનું નમન (23.5° નમેલી) પણ ભાગ ભજવે છે.
    • (3) સૂર્યપ્રકાશ: પૃથ્વીનાં ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે.
    • (4) કિરણોની અસર: 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો મકરવૃત્ત પર લંબ પડતાં દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યનાં લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતાં દિવસ લાંબો બને છે.
  • (2) આબોહવાને અસર કરતાં પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો.

    ભારતની આબોહવાને અસર કરતાં મુખ્ય પરિબળો નીચે મુજબ છે:

    • (1) અક્ષાંશ: આબોહવામાં તત્ત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. ભારત ઉષ્ણ કટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાયેલો છે.
    • (2) સમુદ્રથી અંતર: સમુદ્ર કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર વિષમ આબોહવા અનુભવાય છે.
    • (3) સમુદ્ર સપાટીથી ઊંચાઈ: જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે.
    • (4) વાતાવરણીય દબાણ અને પવનો: હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે.
  • (3) ભારતની શીતઋતુ – શિયાળા વિશે નોંધ લખો.

    ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.

    • તાપમાન: આ ઋતુમાં સૂર્યનાં ત્રાંસાં કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. ઉ.પ. ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. દિલ્લીનું તાપમાન 10° સે કરતાં પણ નીચું જાય છે.
    • પવનો: મધ્ય એશિયામાંથી ભારત તરફ દ.પૂ. દિશાના પવનો વાય છે, જે સૂકા અને ઠંડા હોય છે.
    • હિમવર્ષાની અસર: હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતનાં મેદાન તરફ ધસી આવે છે, પરિણામે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળે છે.
    • રક્ષક દીવાલ: હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકીને ભારતને સખત ઠંડીથી બચાવે છે.
    • વરસાદ: ઉ.પૂ.ના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લાવે છે, જે કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવીપાક માટે અનુકૂળ બને છે.
  • (4) આબોહવાની માનવજીવન પર થતી અસરો વર્ણવો.

    ભારતની મોસમી આબોહવાની અનિયમિતતા અને અનિશ્ચિતતાની ઘેરી અસરો માનવજીવન પર થાય છે:

    • (1) ખેતી અને પાક: વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતાં, સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે.
    • (2) સમાપ્તિની અનિશ્ચિતતા: વર્ષાઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. અતિવૃષ્ટિ થવાથી પાક નાશ પામે છે અને જમીન ધોવાણ થાય છે.
    • (3) સ્થળાંતર: વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે, જેથી ઘણા ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે.
    • (4) ઉદ્યોગો: ખેતી આધારિત ઉદ્યોગોમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી મુશ્કેલી ઊભી થાય છે.
    • (5) જીવનશૈલી: આબોહવાની ગાઢ અસર માનવજીવનનાં ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે.

૪. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નની સામે આપેલ માં તેનો ક્રમ લખો:

  • (1) કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ?

    (B) ઉષ્ણઋતુ
  • (2) ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે ?

    (D) મૌસીનરમ
  • (3) શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે ?

    (A) હિમવર્ષા
  • (4) મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે ?

    (C) આમ્રવર્ષા
  • (5) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

    (B) ઑક્ટોબર-નવેમ્બર
  • (6) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

    (C) શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રી લાંબી હોય છે.

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.