સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 15 જળ-પરિવાહ: સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:
-
(1) તફાવત આપો : હિમાલયની નદીઓ – દ્વીપકલ્પીય નદીઓ
મુદ્દા હિમાલયની નદીઓ દ્વીપકલ્પીય નદીઓ (1) જળપ્રવાહ જળ પ્રવાહ કાયમી હોય છે, તેમાં બારેમાસ જળપ્રવાહ રહે છે (ચોમાસાનો વરસાદ + બરફ પીગળવાથી). નદીઓ મોસમી છે, કારણ કે જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. (2) લંબાઈ અને ઊંડાઈ તેઓ લાંબો રસ્તો પસાર કરે છે અને ઊંડી હોય છે. લંબાઈ ઓછી છે અને નદીઓ છીછરી છે. (3) નિર્માણ તેઓ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કરે છે. નદીઓ મુખત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) ધરાવે છે. (4) ઉદાહરણ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, તાપી. -
(2) સમજાવો : જળ-પરિવાહ અને જળ વિભાજક
જળ-પરિવાહ: જળ-પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે અને તેનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણપ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી-તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે, તેને નદી-બેસીન કહે છે.
જળ વિભાજક: કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ-પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ-વિભાજક કહે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે.
-
(3) સરોવરોની ઉપયોગિતા જણાવો.
સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે:
- (1) જળસંગ્રહ: જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે.
- (2) ઉપયોગ: સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે તેમજ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે.
- (3) જળવિદ્યુત: માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાંક સરોવરો જળવિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે.
- (4) પ્રવાસન: ઘણાં સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને સહેલગાહ તરીકે વિકસિત થયાં છે.
- (5) આજીવિકા: સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ માટે પણ મહત્ત્વનાં બની રહ્યાં છે.
-
(4) જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે:
- (1) નિયમોનું પાલન: જળ-પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ.
- (2) શુદ્ધીકરણ: રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધીકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ.
- (3) ઔદ્યોગિક નિયંત્રણ: ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ અને રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્ત્વો દૂર કરવાં જોઈએ.
- (4) લોક જાગૃતિ: દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ.
-
(5) “ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે’ કારણ આપો.
ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ કે:
- (1) તેની લંબાઈ લગભગ 1,465 કિમી છે, જે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી લાંબો પ્રવાહન માર્ગ ધરાવે છે.
- (2) દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસીન ક્ષેત્ર સૌથી મોટું (વિસ્તૃત) છે.
- (3) તે પૂર્વમાં વહીને બંગાળાની ખાડીને મળે છે.
ઉત્તર ભારતની પવિત્ર નદી ગંગાની જેમ, દક્ષિણ ભારતમાં ગોદાવરી તેના લાંબા પ્રવાહ અને વિશાળ બેસીન ક્ષેત્રના કારણે 'દક્ષિણની ગંગા' તરીકે ઓળખાય છે.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
-
(1) ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો.
ગંગા નદી પ્રણાલી હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદાના દેવપ્રયાગમાં (ઉત્તરાખંડ) પરસ્પર મળવાથી શરૂ થાય છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે.
મુખ્ય શાખા નદીઓ:
- (1) હિમાલયમાંથી આવતી મુખ્ય નદીઓ યમુના, ઘાધ્રા, ગંડક તથા કોસી ગંગાને મળે છે. યમુના નદી યમનોત્રીમાંથી નીકળી અલાહાબાદ પાસે ગંગામાં ભળી જાય છે.
- (2) ઘાધ્રા, ગંડક તથા કોસીનાં મૂળ નેપાળમાં છે, જેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે.
- (3) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી ચંબલ, બેતવા (યમુનાને) તથા શોણ (ગંગાને) નદીઓ પણ મળે છે.
પ્રવાહ અને ડેલ્ટા:
- (1) ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં 'પદ્મા'ના નામે અને બીજો ફાંટો પશ્ચિમ બંગાળામાં 'ભાગીરથી-હુગલી' નામે ઓળખાય છે.
- (2) બાંગ્લાદેશમાં પદ્મા, બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળીને 'મેઘના'ના નામે ઓળખાય છે.
- (3) ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે, જેને 'સુંદરવન'ના નામે ઓળખવામાં આવે છે.
-
(2) નર્મદા બેસીન વિશે જણાવો.
નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે અને પશ્ચિમ બાજુએ એક ફાટ-ખીણમાં થઈ વહે છે.
- (1) પ્રવાહ: તે જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી તીવ્ર વેગથી વહે છે, જ્યાં 'ધુંઆધાર' નામના જળધોધની રચના થયેલી છે.
- (2) લંબાઈ અને બેસીન: નર્મદા નદીની લંબાઈ લગભગ 1,312 કિમી છે. આ નદીનો બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે.
- (3) શાખા નદીઓ: આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી અને મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે.
- (4) સમાપ્તિ: તે પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળે છે.
-
(3) કૃષ્ણા અને કાવેરી બેસીનની વિસ્તૃત માહિતી આપો.
કૃષ્ણા-બેસીન:
- (1) ઉદ્ગમ: તે મહારાષ્ટ્રના પશ્ચિમઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે.
- (2) લંબાઈ: તે લગભગ 1,400 કિમી લંબાઈ ધરાવે છે.
- (3) શાખા નદીઓ: તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે.
- (4) બેસીન ક્ષેત્ર: તેનું બેસીન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે.
કાવેરી-બેસીન:
- (1) ઉદ્ગમ: કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી નીકળે છે.
- (2) લંબાઈ: તેની લંબાઈ લગભગ 760 કિમી છે.
- (3) શાખા નદીઓ: તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિનિ છે.
- (4) બેસીન ક્ષેત્ર: તેનું બેસીન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે.
- (5) સમાપ્તિ: તે તમિલનાડુના કુડલૂરના દક્ષિણમાં (કાવેરી પટ્ટનમથી) બંગાળાની ખાડીને મળે છે.
૩. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
-
(1) નદીઓના વિસર્પણને કારણે કેવાં સરોવરો રચાય છે ?
(B) ઘોડાની નાળ જેવા -
(2) કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એક બીજાથી અલગ કરે તેને શું કહેવાય ?
(B) જળ વિભાજક -
(3) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી ?
(C) કોસી -
(4) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?
(B) સાંભર -
(5) ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે ?
(A) યમુના, ઘાધ્રા, ગંડક અને કોસી
આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.