સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર: સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
-
(1) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાતો જણાવો.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિમાં નીચેની લાયકાતો હોવી જોઈએ:
- (1) તે ભારતની નાગરિક હોવી જોઈએ.
- (2) ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછાંમાં ઓછાં પાંચ (5) વર્ષ સુધી સેવા બજાવી હોય.
- (3) અથવા, કોઈ પણ વડી અદાલતમાં ઓછાંમાં ઓછાં દસ (10) વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય.
- (4) અથવા, રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ્ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ.
- (5) તે વ્યક્તિ 65 (પાંસઠ) વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ.
-
(2) સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો.
સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર (મૌલિક હકૂમત) હેઠળની સત્તાઓમાં નીચેના વિવાદોનો નિર્ણય કરવાની સત્તા અન્ય કોઈ અદાલતોને નથી:
- (1) સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે.
- (2) એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, અને બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારોનો ઉકેલ લાવવાની સત્તા.
- (3) બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે.
- (4) સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે.
- (5) નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે.
-
(3) સર્વોચ્ચ અદાલતના અધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.
સર્વોચ્ચ અદાલતની હકૂમત (અધિકારક્ષેત્ર) બહારની વિગતો નીચે મુજબ છે:
- (1) રાજ્યો-રાજ્યો વચ્ચેના, કે રાજ્યો-રાજ્ય વચ્ચેના નદીના પાણીની વહેંચણી અને ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકૂમત બહાર છે.
- (2) આ વિવાદો માટે અલગ 'પાણી ન્યાયપંચ' (ટ્રિબ્યુનલો) ચુકાદા આપે છે.
-
(4) મહાભિયોગની કાર્યવાહી સમજાવો.
ન્યાયાધીશને તેમની અયોગ્યતા સાબિત થવાથી, ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે, અથવા ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર પદ પરથી દૂર કરવા માટે સંસદમાં 'મહાભિયોગ' (Impeachment)ની કાર્યવાહી ચલાવવામાં આવે છે.
- (1) આ કાર્યવાહી સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલ હોય ત્યારે શરૂ થાય છે.
- (2) સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવે છે.
- (3) આ કાર્યવાહી પૂર્ણ થયેથી રાષ્ટ્રપતિના હુકમના આધારે ન્યાયાધીશને હોદા પરથી દૂર કરી શકાય છે.
-
(5) ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો.
ફોજદારી દાવા (Criminal Cases) અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ નીચે મુજબ છે:
- (1) નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય, ત્યારે અપીલ થઈ શકે છે.
- (2) વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછી લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે, ત્યારે અપીલ થઈ શકે છે.
આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન (પુનઃસમીક્ષા) કરી શકે છે.
-
(6) વડી અદાલતોના ન્યાયાધીશોની લાયકાતનાં ધોરણો વર્ણવો.
બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિમાં નીચેની લાયકાતો હોવી જોઈએ:
- (1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
- (2) ભારતનાં રાજ્યોમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતમાં ઓછાંમાં ઓછાં 10 (દસ) વર્ષ સુધી તેણે ન્યાયિક હોદો ધારણ કરેલ હોવો જોઈએ.
- (3) અથવા, તેણે વડી અદાલતમાં ઓછાંમાં ઓછાં 10 (દસ) વર્ષ સુધી વકીલાત કરી હોય.
- (4) અથવા, રાષ્ટ્રપતિની દૃષ્ટિએ તે ન્યાયવિદ્ કે નિષ્ણાત બંધારણવિદ્ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ.
- (5) તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ.
-
(7) તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો.
વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ તાબાની (અધીનસ્થ) અદાલતોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- (1) જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો (દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતો).
- (2) ફોજદારી અદાલતો: સેશન્સ કોર્ટ, ફર્સ્ટક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટ.
- (3) સ્મોલ કોઝ કોર્ટ અને ફેમિલી કોર્ટ.
- (4) મજૂર અદાલત (લેબર કોર્ટ).
- (5) વિશિષ્ટ અદાલતો (ટ્રિબ્યુનલો): વાહન-અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા-રિકવરી માટેની ટ્રિબ્યુનલો.
- (6) ગ્રાહક સુરક્ષા માટે 'ગ્રાહક તકરાર નિવારણ ફોરમ'.
- (7) ફાસ્ટ ટ્રેક કોર્ટ અને પોટા અદાલતો.
૨. નીચેનાં વિધાનો સમજાવો:
-
(1) ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે, કારણ કે:
- (1) તે બંધારણનું રક્ષણ કરે છે અને તેની સર્વોપરિતાને જાળવી રાખે છે.
- (2) તે ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરે છે.
- (3) તે નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા માટેની બાંયધરી આપે છે.
- (4) સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર જ નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય પૂરો પાડી શકે છે, જેનાથી લોકશાહીનો હેતુ સરે છે.
-
(2) સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષક-વાલી છે.
સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષક-વાલી છે, કારણ કે:
- (1) બંધારણની સર્વોપરિતા: સંઘ સરકારના કોઈ પણ કાયદાની કે બંધારણીય કાયદેસરતાને લગતા પ્રશ્નો અંગે ચુકાદા આપવાનો અધિકાર તે ધરાવે છે.
- (2) હકોનું રક્ષણ: નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ (રીટ) બહાર પાડી શકે છે.
- (3) ગેરબંધારણીય ઠેરવવું: કારોબારીનાં કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા તે ધરાવે છે.
- (4) બંધારણીય ઇલાજ: બંધારણીય ઇલાજોના હકનું રક્ષણ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે.
-
(3) વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે.
વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે, કારણ કે ભારતના ન્યાયતંત્રની સુગ્રથિત પિરામિડ સ્વરૂપની વ્યવસ્થામાં તે વચલી કડીરૂપ મહત્ત્વની રાજ્યસ્તરે આવેલ અદાલત છે.
- (1) તે ટોચ પર રહેલી સર્વોચ્ચ અદાલત અને તેના તાબા હેઠળની જિલ્લા અને તાલુકા સ્તરની અદાલતો વચ્ચે જોડાણનું કાર્ય કરે છે.
- (2) તે નીચલી અદાલતોના ચુકાદાઓ સામેની અપીલ સાંભળે છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓનું પાલન કરાવે છે.
- (3) વડી અદાલત તાબાની અદાલતો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે.
-
(4) લોકઅદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે.
લોકઅદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે:
- (1) તે ગરીબો અને સમાજના નબળા વર્ગોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડે છે.
- (2) ન્યાયમાં થતો વિલંબ નિવારવામાં મદદરૂપ થાય છે અને વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ થાય છે.
- (3) લોકઅદાલતોમાં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ અને સુલેહ માટે સમાધાન થાય છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી.
- (4) આમાં નાણાંનો અને સમયનો બચાવ થાય છે.
- (5) લોકઅદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે.
-
(5) ધારાસભા અને કારોબારી બેજવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે.
ધારાસભા અને કારોબારી બેજવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે, કારણ કે:
- (1) કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તેમજ ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગ્રત ન્યાયતંત્ર ન્યાયિક સક્રિયતા દર્શાવીને બંધારણના ઉદ્દેશોને જાળવી રાખે છે.
- (2) સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા કે જાહેર હિતના પ્રશ્નોના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે.
- (3) આ સક્રિયતા દ્વારા નાગરિકોના હકો અને કલ્યાણકારી હેતુઓનું રક્ષણ થાય છે, જે લોકશાહી માટે આશીર્વાદરૂપ ગણાય છે.
-
(6) સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત ગણાય છે.
સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) ગણાય છે, કારણ કે:
- (1) નઝીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે.
- (2) સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય ગણાય છે.
- (3) આ ચુકાદાઓનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે.
- (4) તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે.
-
(7) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ કોઈ પણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી, કારણ કે:
- (1) આ જોગવાઈ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશો નીડરતાથી, પ્રમાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે તે છે.
- (2) જો ન્યાયાધીશ નિવૃત્તિ બાદ વકીલાત કરી શકે, તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા જોખમાય તેવી સંભાવના રહે છે.
- (3) ન્યાયાધીશોની નિવૃત્તિ બાદ વકીલાત ન કરવાની શરતો તેમના પગારભથ્થાં, નોકરીની શરતો વગેરેમાં સમાવિષ્ટ હોય છે, જેથી તેમને નુકસાન ન થાય.
૩. ટૂંક નોંધ લખો:
-
(1) ન્યાયતંત્રની સ્વતંત્રતા
ભારતીય બંધારણમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કાર્ય કરવાનું સુનિશ્ચિત કર્યું છે, જે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને ન્યાય સ્થાપવા માટે જરૂરી છે.
સ્વતંત્રતા જાળવવા માટેની મુખ્ય જોગવાઈઓ:
- (1) નિમણૂક અને મુદત: ન્યાયાધીશોની નિમણૂક ચોક્કસ મુદત માટે કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદા પરથી દૂર કરી શકતી નથી.
- (2) પગાર અને શરતો: તેમનાં પગારભથ્થાં, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો વગેરેમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી.
- (3) સંસદમાં ચર્ચા નિષેધ: ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમનાં વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી.
- (4) વકીલાત પર પ્રતિબંધ: ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી.
- (5) નિર્ભીકતા: આ તમામ જોગવાઈઓ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશો નીડરતાથી, પ્રમાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે તે છે.
-
(2) વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર
વડી અદાલતના કાર્યક્ષેત્રમાં, રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે, તેને 'અપીલી ક્ષેત્રાધિકાર' કહે છે.
મુખ્ય જોગવાઈઓ:
- (1) નીચલી કોર્ટના ચુકાદા: વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે.
- (2) સેશન્સ કોર્ટના ચુકાદા: જિલ્લાની ફોજદારી અદાલતો (સેશન્સ કોર્ટ)ના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ ચાર વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય, તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે.
- (3) મૃત્યુદંડ: સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે.
- (4) ટ્રિબ્યુનલો: ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે.
-
(3) નઝીરી અદાલત
નઝીરી અદાલત (Court of Records) એટલે એવી અદાલત કે જેનું રેકર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત બંને નઝીરી અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે.
મુખ્ય લક્ષણો:
- (1) કાયમી દસ્તાવેજો: તેના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે.
- (2) શિરોમાન્ય: તેના ચુકાદાઓ સર્વેને શિરોમાન્ય ગણાય છે.
- (3) સંદર્ભ: તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે.
- (4) સજા: તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે.
- (5) સંગ્રહ: વડી અદાલત તેના ચુકાદાઓ, નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે.
-
(4) લોકઅદાલતો અને જાહેર હિતના દાવાઓ
લોકઅદાલતો:
ગરીબો અને સમાજના નબળા તથા શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તેમજ ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌપ્રથમવાર લોકઅદાલતની રચના કરવામાં આવી છે.
- (1) તે રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મુખ્ય મથકે યોજવામાં આવે છે.
- (2) અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ, સુલેહ માટે સમાધાન થાય છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી.
- (3) લોકઅદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે.
જાહેર હિતના દાવાઓ:
જાહેર હિતના દાવાઓ (Public Interest Litigation - PIL) એ ન્યાયતંત્રની સક્રિયતાનું ઉદાહરણ છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના પ્રશ્નો કે મહત્ત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે, જેનાથી ન્યાયતંત્રની સક્રિયતા સાબિત થાય છે.
-
(5) તાબાની અદાલતો
રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો, ફાસ્ટટ્રેક કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતોનો સમાવેશ 'તાબાની (અધીનસ્થ) અદાલતો'માં થાય છે.
પ્રકારો અને કાર્યો:
- (1) દીવાની અદાલતો: જિલ્લા ન્યાયાધીશ દ્વારા ચલાવાય છે. લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે.
- (2) ફોજદારી અદાલતો: સેશન્સ ન્યાયાધીશ દ્વારા ચલાવાય છે. હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મટીપની, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે.
- (3) મહેસૂલ અદાલત: જમીન-મહેસૂલના કેસો માટે.
- (4) વિશેષ અદાલતો: મજૂર અદાલત, ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને પોટા અદાલતોનો સમાવેશ થાય છે.
૪. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:
-
(1) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિવય છે.
(D) 65 અને 62 (સર્વોચ્ચ અદાલત: 65, વડી અદાલત: 62) -
(2) જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે.
(B) સાત વર્ષ (ઓછામાં ઓછા) -
(3) મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે ?
(C) અસમ (આસામ વડી અદાલતની હકૂમત આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરે છે) -
(4) મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે ?
(C) અમદાવાદ (કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના ઉપક્રમે કાર્ય કરે છે) -
(5) સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશની નિમણૂક કોણ કરે છે ?
(B) રાષ્ટ્રપતિ -
(6) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?
(C) ગ્રાહક ફોરમ (ગ્રાહક તકરાર નિવારણ ફોરમ)
આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.