સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 8 કુદરતી સંસાધનો : સ્વાધ્યાય
૧. નીચેના સવાલોના સવિસ્તર જવાબ લખો:
-
(1) સંસાધન એટલે શું ? અને તેના ઉપયોગો વર્ણવો.
સંસાધનનો અર્થ:
કુદરતમાં હજારો તત્ત્વો પડેલાં છે, પરંતુ તે તત્ત્વો ત્યારે જ સંસાધન કહેવાય છે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન-કૌશલ્ય વડે તેને ઉપયોગમાં લે. અર્થાત્, જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેવી કોઈપણ વસ્તુ સંસાધન બની જાય છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ, ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે.
સંસાધનોના ઉપયોગો:
સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવજીવનના દરેક તબક્કે, ખેતીથી લઈને ઉદ્યોગ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. તેના મુખ્ય ઉપયોગો નીચે મુજબ છે:
- ખોરાક તરીકે: માનવીની ખોરાકની જરૂરિયાત કુદરતી સંસાધનો દ્વારા જ પૂરી થાય છે. જેમ કે, કુદરતી ફળો, ખેતી દ્વારા મળતા ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓથી મળતું દૂધ, માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરેનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ થાય છે.
- કાચા માલનો સ્રોત: અનેક ઉદ્યોગો માટે કાચો માલ સંસાધનોમાંથી મળે છે. દા.ત., જંગલોમાંથી મળતી ચીજો, ખેતીમાંથી ઉપલબ્ધ સામગ્રી, પશુઓમાંથી પ્રાપ્ત ઊન, ચામડાં અને ખનીજ અયસ્ક વગેરે.
- શક્તિ સંસાધન તરીકે: આપણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો ઉદ્યોગોમાં અને ઘરોમાં બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રમોજાં અને જળધોધ જેવાં સંસાધનો થકી પણ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે.
-
(2) ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.
ભૂમિ સંરક્ષણનો અર્થ:
ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તેનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જો ભૂમિનું સંરક્ષણ ન કરવામાં આવે, તો પૂરની શક્યતાઓ વધે છે, જેનાથી જાનમાલની સલામતી સામે જોખમ ઊભું થાય છે. આથી, ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે.
ભૂમિ સંરક્ષણના ઉપાયો:
- જંગલોના આચ્છાદનને કારણે વૃક્ષોનાં મૂળ જમીનના કણોને જકડી રાખે છે, તેથી નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ.
- રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા (શેલ્ટર બેલ્ટ) ઉગાડવી, જે રણને આગળ વધતું અટકાવશે.
- નદીઓનાં પૂરને અન્ય સૂકી નદીઓમાં વાળીને અથવા અન્ય નદીઓમાં પાણી પહોંચાડીને પૂરને અંકુશમાં લેવાં જોઈએ.
- પહાડો પર અનિયંત્રિત પશુ ચરાણથી જમીનનું સ્તર ઢીલું પડે છે, તેથી આવી પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ.
- ઢોળાવવાળી જમીનો પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવી અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જેથી પાણીનો વેગ ઘટે.
- જે જમીનોએ પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે, તેમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો (જૈવિક ખાતર) ઉમેરવા જોઈએ.
૨. નીચેના સવાલોના મુદ્દાસર જવાબ લખો:
-
(1) જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.
જમીન નિર્માણની પ્રક્રિયા:
જમીન એ પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ છે, જે ખનીજો, ભેજ, હ્યુમસ (સેન્દ્રિય તત્ત્વો) અને હવાથી બનેલું છે. જમીનનું નિર્માણ તેના મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. આ પ્રક્રિયામાં માતૃખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડીને બારીક ભૂકો બનાવે છે. આ ભૂકામાં વનસ્પતિ અને જીવજંતુઓના સડવાથી કે વિઘટનથી બનેલા સેન્દ્રિય તત્ત્વો ઉમેરાય છે, જે વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આબોહવાની અસર જમીન નિર્માણ પર વ્યાપક હોય છે, જેના કારણે જુદી જુદી આબોહવામાં એક જ પ્રકારના માતૃખડકમાંથી અલગ અલગ પ્રકારની જમીન બને છે.
જમીનના પ્રકાર પાડવાના આધારો:
જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, તેની કણરચના (પોત) અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે.
-
(2) કાંપની જમીન વિશે નોંધ લખો.
કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ભાગમાં ફેલાયેલી છે. આ જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત (પાથરવામાં આવેલા) કાંપને કારણે થાય છે.
- વિસ્તાર: આ જમીન પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં તથા દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશો અને મુખત્રિકોણ પ્રદેશોમાં જોવા મળે છે.
- ગુણધર્મો: આ જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ (સેન્દ્રિય તત્ત્વો) ની માત્રા ઓછી હોય છે.
- પાક: આ જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી તેમાં ઘઉં, ચોખા (ડાંગર), શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં જેવા પાકો લેવાય છે. જો તેમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે, તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.
-
(3) કાળી જમીન વિશે નોંધ લખો.
કાળી જમીન, જે 'રેગુર' નામે પણ ઓળખાય છે, તે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% વિસ્તારમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ મુખ્યત્વે દખ્ખણના લાવાના પથરાવાથી અને લાવાયિક ખડકો તથા આબોહવાની અસરથી થયો છે.
- વિસ્તાર: આ જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ગુજરાતમાં તે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આવેલી છે.
- ગુણધર્મો: તેમાં લોહતત્ત્વ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે ફળદ્રુપ ગણાય છે. તેની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે આ જમીનમાંથી ભેજ સુકાય છે, ત્યારે તેમાં ઊંડી ફાટો કે તિરાડો પડી જાય છે.
- પાક: આ જમીન કપાસના પાક માટે વિશેષ અનુકૂળ હોવાથી 'કપાસની કાળી જમીન' તરીકે પણ જાણીતી છે. આ ઉપરાંત તેમાં અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો પણ લેવાય છે.
૩. નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો.
-
(1) જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.
જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયોમાં જમીન પર થતી પશુ ચરાણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાં (કોન્ટૂર ફાર્મિંગ) પદ્ધતિથી વાવેતર કરવું, પડતર જમીનમાં વૃક્ષો વાવવા, પાણીના વહેળા પર આડબંધ બાંધવા અને ઢાળવાળા ખેતરમાં પાણીનો વેગ ધીમો પાડવા ઊંડી ખેડ કરવી વગેરેનો સમાવેશ થાય છે. -
(2) પર્વતીય જમીનો કોને કહેવાય ?
પર્વતીય જમીનો હિમાલયની ખીણો અને ઢોળાવો પર, 2700 થી 3000 મીટર સુધીની ઊંચાઈએ જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. આ જમીનો અસમ, દાર્જીલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કશ્મીરમાં આવેલી છે. -
(3) રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો.
રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, તથા તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. તે મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ અને ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
૪. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો:
-
(1) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન ..........
(D) એકલ સંસાધન -
(2) જમીનનું નિર્માણ મૂળ ખડકોના .......... મળવા વાળા પદાર્થોથી થાય છે.
(A) ખવાણ અને ઘસારાથી -
(3) પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?
(B) લેટેરાઈટ જમીન -
(4) હાલમાં ભારતીય કૃષિ .......... સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય .......... પ્રકારોમાં વહેંચવામાં આવી છે.
(D) આઠ