સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો : સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
-
(1) ભારતમાં વેદો કેટલા છે અને ક્યા ક્યા છે તે સમજાવો.
'વેદ' શબ્દનો અર્થ 'જ્ઞાન' થાય છે. ભારતમાં કુલ ચાર વેદો છે:
- ઋગ્વેદ: તે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. તેમાં કુલ 1028 ઋચાઓ (સ્તુતિઓ) છે, જે 10 ભાગમાં વહેંચાયેલી છે. આ ઋચાઓ મોટેભાગે દેવોને લગતી સ્તુતિઓ છે જે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તે સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોના રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનનું વર્ણન કરે છે.
- સામવેદ: તે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. તેના શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, તેથી તેને 'સંગીતની ગંગોત્રી' કહેવામાં આવે છે.
- યજુર્વેદ: આ વેદ 'યજ્ઞનો વેદ' કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ સમયે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે.
- અથર્વવેદ: આ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
-
(2) તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.
તક્ષશિલા વિદ્યાપીઠ પ્રાચીન ભારતનું એક વિશ્વવિખ્યાત શિક્ષણ કેન્દ્ર હતું.
- સ્થાન: તે હાલના પાકિસ્તાનમાં રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
- શિક્ષણ: આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા.
- વિષયો: અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું.
- વિદ્યાર્થીઓ: વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવાં દૂરનાં નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લેવા આવતા. વારાણસીના રાજકુમારો અને કૌશલના રાજા પ્રસેનજિતે પણ અહીં શિક્ષણ લીધું હતું.
- પ્રખ્યાત આચાર્યો અને વિદ્યાર્થીઓ: ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનિ, રાજનીતિજ્ઞ કૌટિલ્ય (ચાણક્ય) અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે પણ અહીં જ શિક્ષણ લીધું હોવાનું મનાય છે.
-
(3) મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.
મધ્યકાલીન યુગ દરમિયાન ભારતના સાહિત્યમાં સંસ્કૃત, પ્રાદેશિક ભાષાઓ અને ફારસી ભાષાનો નોંધપાત્ર વિકાસ થયો હતો.
- ઉત્તર ભારત: શરૂઆતમાં સંસ્કૃત ભાષા મુખ્ય રહી. કશ્મીરમાં સોમદેવનો 'કથાસરિતસાગર' અને કલ્હણનો 'રાજતરંગિણી' ગ્રંથ રચાયો. 'રાજતરંગિણી' એ કશ્મીરનો ઇતિહાસ આલેખતો, ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ જ સમયે જયદેવનું 'ગીત ગોવિંદ' પણ રચાયું, જે સંસ્કૃતનું સુંદર કાવ્ય ગણાય છે.
- અપભ્રંશ અને હિન્દી: અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાઈ રચિત 'પૃથ્વીરાજ રાસો' હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જેણે વીરગાથા યુગનો પ્રારંભ કર્યો.
- દક્ષિણ ભારત: દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. જૈન ધર્મની અસર હેઠળ કન્નડ સાહિત્યમાં કવિ પંપાએ 'આદિપુરાણ', પોન્નાએ 'શાંતિપુરાણ' અને રન્નાએ 'અજીતનાથ પુરાણ'ની રચના કરી. કવિ કમ્બલે તમિલ ભાષામાં 'રામાયણમ્'ની રચના કરી.
- સલ્તનત કાળ: દિલ્લી સલ્તનત કાળમાં હિન્દીના સ્વરૂપો વ્રજ અને ખડીબોલીમાં ભક્તિગીતો રચાયાં. મુલ્લા દાઉદનો ગ્રંથ 'ચંદ્રાયન' અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
- ફારસી સાહિત્ય: ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા બની. ઝિયાઉદ્દીન બરનીએ 'તારીખે ફિરોજશાહી' લખ્યો. આ યુગના સૌથી મહાન સાહિત્યકાર અમીર ખુશરો હતા, જેમણે 'આશિકા', 'નૂર', 'સિપિહર' જેવા ગ્રંથો રચ્યા. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા.
- પ્રાદેશિક ભાષાઓ: ભક્તિ આંદોલનના સંતોએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરની રચનાઓ (સધુકડી બોલી), મલિક મુહમ્મદ જાયસીનું 'પદ્માવત' (અવધી), અને તુલસીદાસનું 'રામચરિતમાનસ' (અવધી) આ સમયના મુખ્ય ગ્રંથો છે. બંગાળમાં કૃતિવાસે બંગાળી રામાયણ, નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવે મરાઠીમાં ભક્તિગીતો રચ્યાં.
- મુઘલ કાળ: મુઘલ શાસનમાં સાહિત્યનો ખૂબ વિકાસ થયો. બાબરે 'તુઝુકે બાબરી' (તુર્કી), ગુલબદન બેગમે 'હુમાયુનામા', અને જહાંગીરે 'તુઝુકે જહાંગીરી' નામની આત્મકથાઓ લખી. અબુલ ફઝલે 'આયને-અકબરી' અને 'અકબરનામા' (ફારસી) લખ્યા. અકબરે મહાભારત, રામાયણ જેવા સંસ્કૃત ગ્રંથોના અનુવાદ માટે અલગ ખાતાની સ્થાપના કરી.
- ઉર્દૂ ભાષા: મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દૂ ભાષાનો જન્મ છે. તેમાં વલી, મીરદર્દ, મીરતકી મીર અને ગાલીબ જેવા મહાન કવિઓ થયા.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
-
(1) વલભી વિદ્યાપીઠની માહિતી આપો.
વલભી વિદ્યાપીઠ ઈ.સ.ના સાતમા શતકમાં ગુજરાતનું અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું.
- તેના વિકાસમાં મૈત્રક વંશના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.
- વલભી તે સમયે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું મુખ્ય કેન્દ્ર હતું, જ્યાં સ્થિરમતિ અને ગુણમતિ જેવા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો અગ્રણી આચાર્યો હતા.
- ગંગા-યમુનાના મેદાન જેવા દૂરના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલભી, પૂર્વ ભારતની પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરતી.
- વલભી માત્ર એક વિદ્યાધામ જ નહિ, પણ એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું (ઈ.સ. 480 થી 775).
- અહીં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતાં.
- ઈ.સ. 775માં આરબોના આક્રમણને કારણે મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી.
-
(2) નાલંદા વિદ્યાપીઠ વિશે માહીતી આપો.
નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ પાસે આવેલી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ અને વિશ્વવિદ્યાલય હતું.
- તે બૌદ્ધ અને જૈન પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી તે જૈન તીર્થ પણ બન્યું હતું.
- પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યા બાદ તેની પ્રસિદ્ધિમાં વધારો થયો.
- અહીં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર ધરાવતું વિશાળ ગ્રંથાલય હતું, જે વિસ્તાર 'ધર્મગંજ' તરીકે ઓળખાતો.
- દેશ-પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન ચીની મુસાફર યુઅન-શ્વાંગ (હ્યુ-એન-ત્સાંગ) પણ અહીં અભ્યાસ માટે આવ્યો હતો.
- વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો, વ્યાખ્યાન માટેના 300 ખંડો અને વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો હતા.
- વિદ્યાપીઠના નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યાં હતાં, જેની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરાં પડાતાં.
- આજે આ મહાન વિદ્યાપીઠના માત્ર ખંડેરો જ જોવા મળે છે.
૩. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો:
-
(1) યજુર્વેદ વિશે સમજૂતી આપો.
યજુર્વેદને 'યજ્ઞનો વેદ' કહેવાય છે, જે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. -
(2) અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?
અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો (ધાર્મિક વિધિઓ) અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. -
(3) શ્રીમદ્ ભગવદ્ગીતામાં ક્યા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે ?
શ્રીમદ્ ભગવદ્ગીતામાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ મુખ્ય દાર્શનિક સિદ્ધાંતો – જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ – નું વિવેચન કરવામાં આવ્યું છે.
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
-
(1) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ .......... છે.
(A) ઋગ્વેદ -
(2) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?
(A) પાલી -
(3) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?
(A) તમિલ -
(4) કવિ ચંદબરદાઈનો ક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?
(A) પૃથ્વીરાજરાસો -
(5) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે ?
(A) અષ્ટાધ્યાયી