સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

  • (1) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.

    ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ (SC) અને અનુસૂચિત જનજાતિઓ (ST)નાં કલ્યાણ અને વિકાસ માટે કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે:

    અ. સામાન્ય જોગવાઈઓ:

    • આર્ટિકલ ૧૫: કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈપણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ, કૂવા, તળાવ, રસ્તાઓ, વગેરેના ઉપયોગ પર કોઈ ગેરલાયકાત, જવાબદારી કે નિયંત્રણ લાદી શકાશે નહીં.
    • આર્ટિકલ ૨૯: (ક) ભારતના પ્રદેશમાં વસતા કોઈપણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. (ખ) રાજ્ય તરફથી નિભાવાતી શિક્ષણની કોઈપણ સંસ્થામાં ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણના આધારે કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવતાં અટકાવી શકાશે નહીં.

    બ. ખાસ જોગવાઈઓ:

    • રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (કલમ ૪૬): રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે.
    • આર્ટિકલ ૧૬(૪): રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે.
    • આર્ટિકલ ૩૩૦, ૩૩૨, ૩૩૪: અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ આ જોગવાઈ લાગુ પડે છે.
    • અન્ય કાર્યક્રમો: જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃતિની યોજના, અને વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
  • (2) આતંકવાદની સામાજિક અસરો જણાવો.

    આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા અને અશાંતિ ઉત્પન્ન કરે છે. આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે મુજબ છે:

    • સમાજનું વિઘટન: આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે.
    • ભય અને સંદેહનું વાતાવરણ: આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિઓ કરીને લોકોમાં સંદેહ અને ભય ઉત્પન્ન કરે છે, જેની અસર નાનાં બાળકોથી લઈને વૃદ્ધો પર થાય છે.
    • શિક્ષણ પર પ્રતિકૂળ અસર: આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચે છે.
    • વિશ્વાસમાં ઘટાડો: આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે અને પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
    • સાંપ્રદાયિક ઝઘડાઓ: ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન બને છે.
    • સામાજિક ઉત્સવોમાં ઘટાડો: આતંકવાદ પ્રભાવી ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઊજવી શકતા નથી.

    આમ, આતંકવાદ સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન કરે છે.


૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો.

  • (1) સાંપ્રદાયિક્તા દૂર કરવાના ઉપાયો જણાવો.

    સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તેને દૂર કરવા માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ:

    • સખ્તાઈપૂર્વકનો સામનો: સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્ત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે.
    • શિક્ષણનું અસરકારક કાર્ય: શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવી. શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરેથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવવો.
    • રાજકીય અંકુશ: સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટેની ખાસ આચારસંહિતાનો અમલ કરવો.
    • માધ્યમોનો સદ્ઉપયોગ: રેડિયો, ટી.વી., સિનેમા જેવા માધ્યમો દ્વારા સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રસાર કરવો અને રાષ્ટ્રીય હિતો તથા રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા.
    • યુવાનોની ભૂમિકા: યુવાનોએ આગળ આવીને સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો કરવા.
    • રાષ્ટ્રહિત સર્વોપરી: ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોમાં કેળવવી.
  • (2) લઘુમતીઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.

    ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવાય છે. ભારતીય બંધારણમાં તેમના કલ્યાણ અને વિકાસ માટે નીચે મુજબની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે:

    • રાષ્ટ્રીય લઘુમતી પંચ: લઘુમતીઓનાં હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે.
    • ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર: લઘુમતીઓને પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા છે. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અધિકાર છે.
    • શૈક્ષણિક અધિકાર: સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે.
    • શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર: સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે.
    • પ્રાથમિક શિક્ષણ: ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે.
  • (3) આતંકવાદની આર્થિક અસરો જણાવો.

    આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે મુજબ છે:

    • વેપાર ઉદ્યોગનો વિકાસ અટકે: આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી, જેથી તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે.
    • સ્થળાંતર: વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર-રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે.
    • નાણાં પડાવવા: કેટલાંક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે.
    • અસામાજિક કાર્યો: આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળાનાણાં વગેરે જેવાં અસામાજિક કાર્યો કરે છે.
    • મિલકતોને નુકસાન: આતંકવાદીઓ રેલવે, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે, જેના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે.
    • વિકાસ કાર્યોમાં ઘટાડો: સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે.
    • પર્યટન ઉદ્યોગને નુકસાન: પરિવહન ઉદ્યોગ અને પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

૩. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

  • (1) આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો.

    આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો મુખ્ય તફાવત નીચે મુજબ છે:

    બળવાખોરી આતંકવાદ
    બળવાખોરી જે તે રાષ્ટ્રની આંતરિક સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. તે એક વૈશ્વિક સમસ્યા છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે.
    તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે.
    બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે. આતંકવાદને આવું કોઈ બંધન હોતું નથી.
  • (2) નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો.

    નક્સલવાદી આંદોલનની શરૂઆત સૌ પ્રથમ ઈ.સ. ૧૯૬૭માં પશ્ચિમ બંગાળમાં થઈ હતી. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળાના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છતીસગઢ, કેરલ, ઓડિશા જેવા પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું હતું. આ આંદોલનનાં મુખ્ય સંગઠનોમાં પિપલ્સ વોર ગ્રૂપ અને માઓવાદી, સામ્યવાદી કેન્દ્ર હતાં.


૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

  • (1) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

    (B) જ્ઞાતિવાદ
  • (2) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે ?

    (D) આમાંનું એક પણ નહિ.
  • (3) બંધારણના ક્યા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?

    (C) આર્ટિકલ 17
  • (4) નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે ?

    (D) આતંકવાદ
  • (5) જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

    (C) 1-C, 2-D, 3-B, 4-A