સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 19 માનવવિકાસ : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 19 માનવવિકાસ : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

  • (1) માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ?

    માનવ વિકાસ આંક (HDI)ની વિભાવના ભારતીયમૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ (HDR) પ્રકાશિત કરવામાં આવે છે.

    માનવ વિકાસ આંકના નિર્દેશકો:

    વર્ષ ૨૦૧૦થી HDI ની ગણતરી માટે નીચે મુજબના ત્રણ મુખ્ય નિર્દેશકો અને તેના પેટા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે:

    • (૧) અપેક્ષિત આયુષ્ય આંક (LEI) - (આરોગ્ય): આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલાં વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષા. (મહત્તમ ૮૩.૬ વર્ષ અને ન્યૂનતમ ૨૦ વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે.)
    • (૨) શિક્ષણ આંક (EI) - (જ્ઞાન): આના બે પેટા નિર્દેશકો છે:
      1. શાળાકીય સરેરાશ વર્ષો (MYS): ૨૫ વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં સરેરાશ વર્ષો. (ઉચ્ચત્તમ ૧૩.૩ વર્ષ).
      2. અપેક્ષિત શાળાકીય વર્ષો (EYS): ૫ વર્ષનું બાળક પોતાના જીવનનાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. (ઉચ્ચતમ ૧૮ વર્ષ).
    • (૩) આવક આંક (II) - (જીવન ધોરણ): જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (GNI) નો ઉપયોગ કરવામાં આવે છે. આની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં (સમખરીદશક્તિ - PPP) તરીકે ગણવામાં આવે છે.

    ગણતરીની રીત:

    માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો HDI ક્રમ નિર્ધારિત થાય છે. તેનું મૂલ્ય ૦ થી ૧ની વચ્ચે હોય છે. કોઈપણ દેશ માટે HDI મહત્તમ ૧ મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે.

  • (2) માનવ વિકાસ સામેના પડકારો જણાવો.

    માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે, જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

    • (૧) સ્વાસ્થ્ય (આરોગ્ય): વિકસતા દેશોમાં વસતીવૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, ચેપી રોગો, માનસિક રોગો, પાણીજન્ય રોગો અને શ્વસન રોગોએ વસતી માટે મુશ્કેલી ઊભી કરી છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્ત્વોની ખામી મોટો પડકાર છે.
    • (૨) લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા): ભારતનું બંધારણ સમાનતાની બાંહેધરી આપે છે, તેમ છતાં સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. સ્ત્રીઓને કુટુંબમાં નિર્ણય લેવાની સત્તા નહિ, આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. સંસદમાં મહિલા પ્રતિનિધિત્વનું પ્રમાણ ઓછું છે.
    • (૩) મહિલા સશક્તિકરણ: મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને સમાન દરજ્જો અપાવવા માટે હજુ ઘણા પ્રયાસોની જરૂર છે. આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે, કારણ કે મહિલાઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે.
  • (3) ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?

    ભારતમાં બંધારણની સમાનતાની જોગવાઈઓ હોવા છતાં, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી મહિલાઓ સાથે નીચે મુજબના ભેદભાવ જોવા મળે છે:

    • કુટુંબમાં ભેદભાવ: મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળઉછેરનું કાર્ય કરે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
    • નિર્ણય લેવાની સત્તા: સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહિ, આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.
    • સમાજમાં કુરિવાજો: મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનતી આવી છે.
    • લૈંગિક ભેદભાવ: ભ્રૂણહત્યા, નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓએ અન્યાયનો ભોગ બનવું પડે છે.
    • વ્યાવસાયિક અસમાનતા: ઉચ્ચપદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ પણ ઘણું ઓછું (માત્ર ૧૨.૨%) છે.
  • (4) ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.

    ભારતમાં આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી મુખ્ય કામગીરી નીચે મુજબ છે:

    • બાળ રસીકરણ કાર્યક્રમ: પોલિયો (OPV), ક્ષય (BCG), હીપેટાઇટીસ-બી, ડીપીટી, ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ મૃત્યુદરમાં ઘણો સુધારો લાવી શકાયો છે.
    • પોષક તત્ત્વોની ઊણપ સામે ઝુંબેશ: આયોડિન, વિટામિન અને લોહતત્ત્વની ઊણપ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
    • રોગોનું નિર્મૂળન: ભારતમાં પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયોનું નિર્મૂળન કરી શકાયું છે.
    • રોગો પર નિયંત્રણ: ઓરી, અછબડા, મલેરિયા, ડેંગ્યુ, કમળો, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), કેન્સર અને હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શકાયું છે.
    • સરેરાશ આયુષ્યમાં વધારો: ઉપરોક્ત સુધારાઓના પરિણામે જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે અને સરેરાશ આયુષ્યમાં વધારો થયેલ છે.
  • (5) ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે ? સમજાવો.

    ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે શૈક્ષણિક સશક્તિકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચે મુજબની યોજનાઓ અમલમાં મૂકેલ છે:

    • કન્યા કેળવણીને પ્રોત્સાહન: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી, જેનાથી શાળાઓમાં ૧૦૦% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો થયો છે.
    • વિદ્યાલક્ષ્મી બોન્ડ: ૩૫ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતાં ગામોની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે આ બોન્ડ આપવામાં આવે છે.
    • સરસ્વતી સાધના યોજના: દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો આપવામાં આવે છે. તેમજ બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.
    • સરકારી નોકરીઓમાં અનામત: મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં ૩૩% અનામતની જોગવાઈ કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ અનામત ૫૦% કરવામાં આવેલ છે.
    • મિશન મંગલમ્ યોજના: મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર આર્થિક સહાય કરે છે.
    • અભયમ્ યોજના (૧૮૧): મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓ તેમજ માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
    • ઈ-મમતા કાર્યક્રમ: સગર્ભા માતાની નોંધણી કરીને મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવેલ છે.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.

  • (1) માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ?

    માનવ વિકાસને માનવ જીવનની માત્ર આર્થિક બાબત જ નહિ, પરંતુ નીચેની બાબતો સાથે સંબંધ છે:

    • ક્ષમતાનું નિર્માણ: માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ અને સ્વાતંત્ર્યના વિકાસ સાથે.
    • સાર્થક જીવન: માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ-ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બનવા સાથે.
    • આરોગ્ય: માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે તે સાથે.
    • જ્ઞાન અને જીવનધોરણ: માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. આર્થિક ઉપાર્જનની તકો અને ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને તે સાથે.
    • સુરક્ષા અને અધિકારો: વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય અને માનવ અધિકારોનો ઉપયોગ કરે તે સાથે.
    • સામાજિક-સાંસ્કૃતિક પાસાં: માનવજીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાંનો સમાવેશ થાય છે.
  • (2) ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો.

    ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે ૧૯૮૦થી મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મુકાયા છે:

    • ૧૯૮૦ના દાયકામાં: મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત યોજનાઓ શરૂ કરવામાં આવી.
    • ૧૯૯૨: રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.
    • ૨૦૦૧: મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ જાહેર કરવામાં આવી, જેમાં સામથ્ર્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન અને કલ્યાણ પર ભાર મૂકાયો.
    • ૨૦૦૨: આ વર્ષને “મહિલા સશક્તિકરણ” વર્ષ તરીકે ઉજવવામાં આવેલ.
    • પછીના વર્ષોમાં: અભયમ્ હેલ્પલાઈન (૧૮૧), નારી અદાલતો, મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના અને જાતીય સતામણી ના થાય તે માટે સંસદે કાયદો પસાર કરીને સુરક્ષા બક્ષી છે.

    (નોંધ: યુનાઇટેડ નેશન્સે ૧૯૭૫ના વર્ષને “મહિલાવર્ષ” અને ૧૯૭૫-૧૯૮૫ના દશકાને “મહિલા દશકા” તરીકે જાહેર કરેલ.)

  • (3) “અભયમ્ યોજના' શું છે ? સમજાવો.

    “અભયમ્ યોજના” (૧૮૧ મહિલા હેલ્પલાઈન) એ મહિલા સુરક્ષા અંતર્ગત શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ છે.

    • હેતુ: વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
    • કાર્ય: આ હેલ્પલાઈન દ્વારા મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સહાય અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.
    • વ્યાપ: આ યોજના સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૪x૭ (ચોવીસ કલાક) કાર્યરત છે.
  • (4) આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે ?

    આપણી આસપાસમાં જોવા મળતી નીચેની બાબતો દેશના માનવ વિકાસ આંક (HDI)ને સીધી અસર કરે છે:

    • આરોગ્ય સંબંધી બાબતો: કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહિ મળતું હોય, ઓછા વજનવાળા બાળકનો જન્મ થયો હોય, બાળક કુપોષણવાળું હોય, કોઈ ગંભીર બીમારીનો ભોગ બને કે અકસ્માતને લીધે કોઈનું અકાળે મૃત્યુ થાય.
    • શિક્ષણ સંબંધી બાબતો: બાળક આંગણવાડી કે શાળાએ ના જતું હોય, શાળામાં ભણતા બાળકને વાંચતાં-લખતાં ના આવડતું હોય, અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ના કરાવતા હોય.
    • આવક સંબંધી બાબતો: યુવાનોને રોજગારી ન મળતી હોય.
    • સામાજિક ભેદભાવ: સ્ત્રી-પુરુષ વચ્ચેનો લૈંગિક ભેદભાવ (જેમ કે દીકરીને જુદી શિખામણ), સ્ત્રીઓને નિર્ણય લેવાની સત્તા ન મળવી.

    આ બધી બાબતો આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ (આવક) જેવા HDIના મુખ્ય નિર્દેશકો પર નકારાત્મક અસર કરે છે.


૩. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

  • (1) માનવ વિકાસ એટલે શું ?

    માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તે માત્ર આવક નહીં, પરંતુ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ અને સ્વાતંત્ર્યના વિકાસનો સંકેત આપે છે.

  • (2) માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં ક્યા ક્યા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે ?

    માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિ (૨૦૧૦થી) માં નીચેના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ થાય છે: (૧) અપેક્ષિત આયુષ્ય આંક (આરોગ્ય), (૨) શિક્ષણ આંક (જ્ઞાન) અને (૩) આવક આંક (જીવન ધોરણ).

  • (3) માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને ક્યા ક્રમે છે ?

    માનવ વિકાસ અહેવાલ ૨૦૧૫ મુજબ ભારતનો માનવ વિકાસ આંક ૦.૬૦૯ છે અને તે ૧૮૮ દેશોમાં ૧૩૦મા ક્રમે છે. (એટલે કે ભારત મધ્યમ માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.)

  • (4) ભારતના ક્યા પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે ?

    ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન અને માલદીવ માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે.

  • (5) બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ-કઈ રસી આપવામાં આવે છે ?

    બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયો (OPV), ક્ષય (BCG), હીપેટાઇટીસ-બી, ડીપીટી (ડીપ્થેરીયા-મોટી ઉધરસ-ધનુર), ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસી આપવામાં આવે છે.


૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

  • (1) માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે ?

    (D) UNDP
  • (2) નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ ક્યો છે ?

    (C) નોર્વે
  • (3) નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે ?

    (C) શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ
  • (4) ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ક્યા વર્ષને ઉજવવામાં આવેલ ?

    (B) 2002
  • (5) ભારતીય મૂળના ક્યા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે ?

    (B) અમર્ત્ય સેન