સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

  • (1) પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.

    માનવજીવન અને માટી વચ્ચે ખૂબ જ પ્રાચીન સંબંધ રહેલો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ, ત્યારે માનવી મહદ્અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો જ ઉપયોગ કરતો.

    એ સમયમાં માટીના રમકડાં, ઘડા, કુલડી, કોડિયાં, હાંડલા, માટીના ચૂલા તેમજ અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરેનો ઉપયોગ થતો. ઘરોની દીવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવાં પ્રવાહી પણ માટીનાં વાસણોમાં રાખવામાં આવતાં.

    લોથલ, મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલાં, બરણી, રકાબી જેવાં વાસણો મળી આવ્યાં છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.

    આજે પણ નવરાત્રીના તહેવારમાં માટીના કાણાં પાડેલા ઘડા (ગરબા)માં દીવો મૂકી નૃત્ય કરાય છે. દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ (મહેસાણા) માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના અવશેષો દર્શાવે છે કે ભારત કાચી માટી અને તેમાંથી પકવેલા (ટેરાકોટા) વાસણો બનાવવા માટે પ્રાચીન કાળથી જાણીતું છે.

  • (2) 'ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી' છે તે સ્પષ્ટ કરો.

    પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ બાદ, પરંપરાગત રીતે ચામડાને કમાવવામાં (Process) આવતું અને તેને ઉપયોગમાં લેવાતું.

    ચર્મકામના વિવિધ ઉપયોગો નીચે મુજબ છે:

    • ખેતીકામ: ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, તેમજ પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો.
    • સંગીતનાં સાધનો: ઢોલ, નગારાં, તબલાં અને ઢોલક જેવાં સંગીતનાં સાધનો ચામડામાંથી બનાવાતાં.
    • અન્ય ઉપયોગો: લુહારની ધમણો, વિવિધ પ્રકારનાં પગરખાં અને પ્રાણીઓને બાંધવા માટે પણ ચામડું વપરાતું.
    • યુદ્ધમાં ઉપયોગ: યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો.

    આજની તારીખે પણ, ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવે છે. ચામડાની ભરત-ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા, તેમજ ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટેના સાજ, પલાણ, લગામ અને ચાબુકની દોરી પણ ચામડામાંથી બનાવવામાં આવે છે. આ બધી બાબતો સ્પષ્ટ કરે છે કે ચર્મકામ ભારતની ઘણી જૂની અને મહત્ત્વપૂર્ણ કારીગરી રહી છે.

  • (3) સંગીત રત્નાકરનો પરિચય આપો.

    'સંગીત રત્નાકર' એ ભારતીય સંગીતશાસ્ત્રનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રમાણભૂત ગ્રંથ છે. તેની રચના સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે કરી હતી.

    પંડિત સારંગદેવ દોલતાબાદ (દેવગિરિ) ના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, એમ બંને પ્રદેશોના સંગીતથી સુપરિચિત હતા. આ કારણે તેમના ગ્રંથમાં બંને સંગીત પદ્ધતિઓનો સમન્વય જોવા મળે છે.

    પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના જુદા જુદા અંગો અને પાસાઓને વિગતવાર સમજવા માટે આ ગ્રંથ અજોડ અને બેનમૂન ગણાય છે.

  • (4) કથકલી નૃત્ય વિશે સમજ આપો.

    કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત શાસ્ત્રીય નૃત્ય છે. 'કથકલી' શબ્દનો ઉદ્ભવ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત-મલયાલમ મિશ્રિત નાટકો પરથી થયો છે, જે પાછળથી 'કથકલી' કહેવાયા.

    કથકલીની વિશેષતાઓ:

    • વેશભૂષા: આ નૃત્યની વેશભૂષા ખૂબ જ કલાત્મક અને ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે.
    • મુખાકૃતિ (ચિતરામણ): તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (રંગકામ)ને સમજવું પડે છે. આ ચિતરામણ પાત્રના સ્વભાવ અને ગુણોને દર્શાવે છે.
    • રજૂઆત: આ નૃત્યમાં નટ (કલાકાર) કલાત્મક મુકુટ ધારણ કરે છે. રજૂઆત સમયે રંગમંચ પર માત્ર એક જ તેલના દીવાના પ્રકાશનો ઉપયોગ થાય છે. કલાકાર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપે છે અને ત્યારબાદ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાઓ દ્વારા ત્રણેય લોકના પાત્રોને જીવંત કરે છે.

    કેરળના કવિ શ્રી વલ્લથોળ (જેમણે કલામંડળમની સ્થાપના કરી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે મહાન કલાકારોએ આ નૃત્ય શૈલીને દેશ-વિદેશમાં નામના અપાવી છે.


૨. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:

  • (1) નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.

    ભારતીય નૃત્યકલાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. 'નૃત્ય' શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ 'નૃત્' (નૃત્ય કરવું) પરથી થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. ભગવાન શિવ 'નટરાજ' ને નૃત્યકલાના આદિદેવ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે તેને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા.

    ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના મુખ્ય પ્રકારોનો સમાવેશ થાય છે:

    • ભરતનાટ્યમ્: તમિલનાડુના તાંજોર જિલ્લામાં ઉદ્ભવેલું આ નૃત્ય ભરતમુનિના 'નાટ્યશાસ્ત્ર' અને નંદીકેશ્વરના 'અભિનવ દર્પણ' પર આધારિત છે.
    • કુચીપુડી: આંધ્ર પ્રદેશમાં પ્રચલિત આ નૃત્ય શૈલી 15મી સદીમાં વિકસી, જે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત છે.
    • કથકલી: કેરળનું આ નૃત્ય તેની વિશિષ્ટ વેશભૂષા અને ચહેરાના ચિતરામણ માટે જાણીતું છે, જે પૌરાણિક કથાઓ રજૂ કરે છે.
    • કથક: 'કથન કરે સો કથક કહાવે' ઉક્તિ પરથી ઉતરી આવેલું આ નૃત્ય ઉત્તર ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારભક્તિ સાથે વિકસ્યું છે.
    • મણિપુરી: મણિપુરનું આ નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે, જેના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
    • ઓડિસી: ઓડિશા રાજ્યનું આ નૃત્ય પણ એક પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય શૈલી છે.

    આમ, વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ દ્વારા ભારતે નૃત્યકલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને વિશ્વભરમાં આગવી ઓળખ ઊભી કરી છે.

  • (2) ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.

    ગરબા:

    'ગરબો' શબ્દ 'ગર્ભ-દીપ' ઉપરથી બન્યો છે. ગરબો એટલે કોરાવેલો ઘડો (માટીનો) કે જેમાં દીવો મૂકેલો હોય. આ ઘડાને માથે મૂકીને અથવા તેની ચોમેર ગોળાકારે નૃત્ય કરવું, તેને 'ગરબો' કહે છે. ગુજરાતમાં નવરાત્રિ (આસો સુદ ૧ થી ૯) દરમિયાન આદ્યશક્તિ મા જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરબા રમાય છે.

    સામાન્ય રીતે, ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકવામાં આવે છે અને તેને ફરતાં વર્તુળાકારે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. ગરબામાં ગવડાવનાર અને ઝીલનારાં સૌ એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા લેતા હોય છે.

    ગરબી:

    ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી 'ગરબી'નો સંબંધ મહદ્ અંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથેનો છે. ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓની રચના કરીને ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કર્યો હતો.

  • (3) ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી અંગે જણાવો.

    હીરા-મોતીકામ:

    ભારત 7517 કિમી લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી હીરા-મોતીનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. ભારતના કારીગરોએ બનાવેલા હીરા-મોતીના આભૂષણોની વિદેશોમાં ખૂબ માંગ રહેતી. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી જ મળી આવ્યા હતા. ભારતના રાજા-મહારાજાઓ અને શ્રીમંતો સોનાના દાગીના ઉપરાંત હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ જેવાં રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા માટે કરતા.

    ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, બારી, ચાકળા, લગ્નનાં નાળિયેર અને બળદ માટેના મોડિયાં કે ઝૂલ ગૂંથવાની કલા અદ્ભુત છે.

    મીનાકારીગરી:

    દુનિયાભરમાં સોના-ચાંદી અને મીનાકારીગરીની કલામાં ભારત અગ્રિમ સ્થાને છે. મીનાકારીગરી એટલે સોના-ચાંદીના અલંકારો જેવા કે હાર, વીંટી, કંગન વગેરેમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવાની કલા. આ કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદ્રાબાદમાં સવિશેષ જોવા મળે છે.

  • (4) ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.

    ગુજરાતના આદિવાસીઓ હોળી, અન્ય તહેવારો, લગ્નપ્રસંગો, દેવી-દેવતાઓને ખુશ કરવા અને મેળાઓમાં પોતપોતાની પરંપરા મુજબ લોકનૃત્યો કરે છે. આ નૃત્યોની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

    • મોટાભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં કરવામાં આવે છે.
    • તેમાં ઢોલ અને રૂઢિ મુજબનાં વાજિંત્રો જેવાં કે મંજીરાં, થારી, તૂર, પાવરી અને તંબૂરાનો ઉપયોગ થાય છે.
    • નૃત્યની સાથે તેઓ સ્થાનિક બોલીમાં ગાન પણ કરે છે.
    • આવાં નૃત્યોમાં 'ચાળો' નૃત્ય ખૂબ જાણીતું છે, જેમાં કલાકારો મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે.
    • ડાંગ જિલ્લામાં 'માળીનો ચાળો' અને 'ઠાકર્યા ચાળો' જેવા નૃત્યો જોવા મળે છે.
    • ભીલ અને કોળી જાતિના લોકો 'શ્રમહારી ટીપણી નૃત્ય' કરે છે. આ નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી તાલબદ્ધ સમૂહ નૃત્ય કરવામાં આવે છે.

૩. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

  • (1) 'સંગીત રત્નાકર' અને 'સંગીત પારિજાત' ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.

    'સંગીત રત્નાકર' ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી અને 'સંગીત પારિજાત' ગ્રંથની રચના પંડિત અહોબલે કરી હતી.
  • (2) 'કાંતણ' કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

    'કાંતણ' કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવાની સાથે તેમને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
  • (3) લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે ?

    લોથલના કારીગરો ધાતુઓમાંથી તાંબા અને કાંસાનાં ઓજારો જેવાં કે દાતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય બનાવતા હોવાનું જણાયું છે.
  • (4) હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા ?

    હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
  • (5) ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.

    ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની, અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ વિશિષ્ટ નાટ્યકલા છે. તે સસ્તા ખર્ચે, લોકશિક્ષણ સાથે મનોરંજન પૂરું પાડે છે. તેમાં ભૂંગળ વાદ્ય સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ ભજવવામાં આવે છે.

૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

  • (1) નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?

    (C) મેઘદૂતમ્
  • (2) વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે ?

    (D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી
  • (3) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?

    (B) સામવેદ
  • (4) ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ' તરીકે કોણ જાણીતું હતું ?

    (D) અમીર ખુશરો
  • (5) 'ચાળો' નૃત્ય એટલે કયું નૃત્ય ?

    (A) આદિવાસીઓનું નૃત્ય
  • (6) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા ?

    (C) આફ્રિકા
  • (7) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

    (A) 21 જૂન