સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 1 ભારતનો વારસો : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 1 ભારતનો વારસો : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

  • (1) આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.

    આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો નીચે મુજબ છે:

    દ્રવિડ પ્રજા:

    • દ્રવિડોને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે.
    • તેમણે માતા રૂપે દેવી (પાર્વતી) અને પિતા રૂપે પરમાત્મા (શિવ) ની પૂજાની સમજ આપી હતી.
    • ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. તેઓ પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા પણ કરતા હતા.
    • દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.
    • તેઓએ કાંતવું, વણવું, રંગવું, હોડી-તરાપા બનાવવા જેવાં ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપ્યું હતું.
    • આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી દ્રવિડ કુળની ભાષાઓ બોલતા લોકો વસે છે.

    આર્ય પ્રજા:

    • ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા. પ્રાચીન સમયમાં હિંદુઓ આર્ય કહેવાતા.
    • તેમની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને 'આર્યાવર્ત' નામ અપાયું હતું.
    • પ્રાચીન સમયમાં, પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં વસતી હતી, જ્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી તેમણે તેને 'સપ્તસિંધુ' નામ આપ્યું હતું.
    • આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો.
    • આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા-આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ (ઋચાઓ) રચી હતી.
    • સમય જતાં તેમાંથી ધાર્મિક વિધિઓ અને યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ.
  • (2) સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.

    સંસ્કૃતિનો અર્થ ‘જીવન જીવવાની રીત’ એવો થાય છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ જનજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વડે જુદા જુદા સમાજોની સંસ્કૃતિનું ઘડતર થાય છે.

    વધુ વિગતે સમજીએ તો, સંસ્કૃતિ એટલે ‘માનવ મનનું ખેડાણ’. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો ગણી શકાય. તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થતી રહે છે અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થતો રહે છે.

  • (3) “ગુજરાતનો સાંસ્કૃતિક વારસો' સવિસ્તર સમજાવો.

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય અને વૈવિધ્યસભર છે, જેમાં શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક સ્થળો, ઉત્સવો અને મેળાઓનો સમાવેશ થાય છે. તેની વિગતો નીચે મુજબ છે:

    • પુરાતત્ત્વીય સ્થળો: ગુજરાતમાં સિંધુ સભ્યતાના મહત્ત્વના નગરો જેવાં કે લોથલ (ધોળકા), રંગપુર (લીમડી), ધોળાવીરા (કચ્છ) અને રોઝડી (રાજકોટ) આવેલાં છે.
    • ઐતિહાસિક સ્થાપત્યો: ગુજરાતનાં ઐતિહાસિક સ્થાપત્યોમાં વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસીંગના દેરાં, પાટણનું સહસ્રલિંગ તળાવ અને નવસારીની પારસી અગિયારી મુખ્ય છે.
    • ધાર્મિક તીર્થસ્થાનો: ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગદ્ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ ખાતે મહાકાળી માતાજી, મીરાદાતાર (ઉનાવા), ખેડા જિલ્લામાં ડાકોરનું રણછોડરાયજી મંદિર અને અરવલ્લીમાં શામળાજી મંદિરનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લાનું પાલીતાણા જૈનોનું મહાન તીર્થધામ છે.
    • બૌદ્ધ અને જૈન ગુફાઓ: ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, તળાજા, ઢાંક, ઝગડીયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે.
    • મહોત્સવો અને મેળાઓ: ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ તેના ઉત્સવો અને મેળા છે. જેમાં પોળો (વિજયનગર), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ (મોઢેરા) અને કચ્છનો રણોત્સવ પ્રખ્યાત છે. આ ઉપરાંત તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, વૌઠાનો મેળો, શામળાજીનો મેળો, ડાંગ દરબારનો મેળો વગેરે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવે છે.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

  • (1) ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.

    ભારતના બંધારણના અનુચ્છેદ 51(ક) માં ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. તેમાં (છ), (જ) અને (ટ) મુજબ વારસાના જતન અને સંરક્ષણ અંગેની આપણી મુખ્ય ફરજો નીચે પ્રમાણે છે:

    • (છ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવાની ફરજ.
    • (જ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ.
    • (ટ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ.
  • (2) પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

    પ્રાકૃતિક વારસાનો અર્થ:

    પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. તે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે.

    પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો:

    ભારતના પ્રાકૃતિક વારસામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

    • ઊંચા પર્વતો (જેમ કે હિમાલય)
    • નદીઓ, ઝરણાં અને સાગરો
    • લાંબા દરિયાકિનારા
    • વિશાળ ફળદ્રુપ મેદાનો અને ખીણ પ્રદેશો
    • રણ પ્રદેશો
    • વૃક્ષો, વનસ્પતિ અને જીવજંતુઓ
    • ઋતુઓ અને પશુ-પક્ષીઓ
    • વૈવિધ્યપૂર્ણ ભૂમિદૃશ્યો
    • વિવિધ પ્રકારના ખડકો અને ખનીજો
  • (3) ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.

    ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા અને કૌશલ્ય વડે જે કંઈ પ્રાપ્ત કર્યું છે અથવા સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે.

    આર્યોથી શરૂ કરીને શકો, કુષાણ, હૂણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો અને ફ્રેન્ચ જેવી અનેક વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવી. આ તમામ પ્રજાઓ વચ્ચે થયેલા સાંસ્કૃતિક આદાન-પ્રદાનને કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને ભાતીગળ બની છે.

    આપણી શિલ્પ અને સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે, જેના પુરાવા સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવે છે. તેમાં દેવ-દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિનો સમાવેશ થાય છે. એ જ ક્રમમાં, મૌર્યયુગના શિલ્પો, ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ, જૈન તીર્થંકરોની મૂર્તિઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવની લાગણી જન્માવે છે.

    આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, રાજમહેલો, દરવાજા, ઈમારતો અને ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ થાય છે.


૩. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

  • (1) આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે ?

    આર્ય પ્રજા અન્ય 'નોર્ડિક' નામે ઓળખાય છે.
  • (2) નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.

    નેગ્રીટો (હબસી) પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ઇતિહાસકારોના મતે તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. તેઓ શ્યામ વર્ણના, 4થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
  • (3) ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલાં છે ?

    ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ, ઘોડો, હાથી તથા બળદ દર્શાવેલાં છે.

૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

  • (1) 'લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?

    (C) નદીઓ
  • (2) નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

    (C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા
  • (3) દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?

    (A) હિન્દી