સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

  • (1) ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો.

    ઉદારીકરણનો અર્થ:

    આર્થિક ઉદારીકરણ એટલે એવી નીતિ કે જેમાં સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે.

    ઉદારીકરણના લાભો:

    આર્થિક ઉદારીકરણની નીતિથી થયેલા મુખ્ય લાભો નીચે મુજબ છે:

    • ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેનાથી ઉત્પાદનમાં વધારો થયો.
    • વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ.
    • વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થયો.
    • ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો.
  • (2) ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો.

    ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે.

    ખાનગીકરણના લાભો:

    • ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો છે.
    • મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
    • જાહેર ક્ષેત્રનાં એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રનાં એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

    ખાનગીકરણના ગેરલાભો:

    • ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે.
    • નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે.
    • ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ છે.
  • (3) પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાંઓ જણાવો.

    વૈશ્વિક ધોરણે અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલાં મુખ્ય પગલાં નીચે મુજબ છે:

    • પૃથ્વી પરિષદ: સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ૧૯૭૨માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’નું આયોજન થયું હતું.
    • પ્રદૂષણ માહિતી: દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે.
    • નિયંત્રણ બોર્ડ: પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.
    • વિશ્વ પર્યાવરણ દિન: વિશ્વભરમાં ૫મી જૂનને ‘પર્યાવરણ દિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
    • વાયુ પ્રદૂષણ ધારો: ૧૯૮૧માં ભારત સરકારે ‘વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.
    • વૈશ્વિક સમજૂતીઓ: ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે.
  • (4) ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો.

    ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)ની વ્યાખ્યા મુજબ, “ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.” આ વિકાસ માટેની મુખ્ય વ્યૂહરચનાઓ નીચે મુજબ છે:

    • પુનઃઉપયોગમાં લઈ શકાય તેવાં સંસાધનો: ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ જેવાં સાધનોનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો.
    • એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં સંસાધનો: કોલસો, પેટ્રોલિયમ, ખનીજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
    • પર્યાવરણ મિત્ર ટેક્નોલોજી: વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં તથા ઉદ્યોગોમાં ‘પર્યાવરણ મિત્ર ટેક્નોલોજી’નો ઉપયોગ વધારવો.
    • બહુવિધ ઉપયોગ: જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવાં હોય તેમને મહત્તમ ઉપયોગમાં લેવાં (દા.ત. સિંચાઈ યોજનાઓનો ઉપયોગ વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ અને વાહન વ્યવહાર માટે કરવો).
    • દુરુપયોગ પર નિયંત્રણ: પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે પર નિયંત્રણો મૂકવાં.
    • બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ: ઉત્પાદનનાં તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઊર્જા જેવી બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :

  • (1) વૈશ્વિકીકરણના લાભો જણાવો.

    વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે મુજબ છે:

    • દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
    • વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે.
    • ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
    • વસ્તુઓ, સેવાઓ, ટેક્નોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય છે.
  • (2) વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો.

    વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ની સ્થાપના ૧ જાન્યુઆરી, ૧૯૯૫થી કરવામાં આવી હતી. તેના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છે:

    • વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
    • વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
    • વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું.
    • વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું.
  • (3) ખાનગીકરણના લાભો જણાવો.

    ખાનગીકરણની નીતિના મુખ્ય લાભો નીચે મુજબ છે:

    • ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
    • મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
    • જાહેર ક્ષેત્રનાં એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રનાં એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

૩. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો :

  • (1) વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.

    વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેક્નોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય.

  • (2) ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો ?

    ભારતમાં ૧૯૯૧ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક સુધારાઓનો અમલ થયો.

  • (3) વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ ?

    વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ની સ્થાપના ૧ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ થઈ.

  • (4) ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.

    ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.


૪. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :

  • (1) વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?

    (B) જીનીવા
  • (2) પર્યાવરણીય જાગૃતિ અંગે ‘પૃથ્વી પરિષદ' કઈ સાલમાં યોજવામાં આવી ?

    (A) 1972
  • (3) વિશ્વમાં ક્યા દિવસને 'વિશ્વ પર્યાવરણ દિન' તરીકે ઊજવવામાં આવે છે ?

    (C) 5 જૂન
  • (4) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે...

    (B) વૈશ્વિકીકરણ