સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 10 ભારત : કૃષિ : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 10 ભારત : કૃષિ : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

  • (1) કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.

    ભારતમાં સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના મુખ્ય પ્રકારો નીચે મુજબ પાડવામાં આવે છે:

    1. જીવનનિર્વાહ ખેતી: આ પ્રકારની ખેતીમાં ખેડૂત નાના કદનાં ખેતરોમાં, મોંઘાં બિયારણો કે ખાતરોનો ઉપયોગ કર્યા વિના, માત્ર પોતાના પરિવારના ભરણપોષણ પૂરતું જ અનાજ ઉત્પન્ન કરી શકે છે. આ ઉત્પાદન કુટુંબના ઉપયોગમાં જ વપરાઈ જાય છે, તેથી તેને 'આત્મનિર્વાહ ખેતી' પણ કહે છે.
    2. સૂકી ખેતી: જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડ નથી, ત્યાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે વર્ષમાં એક જ પાક લેવાય છે, તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા ઓછાં પાણીએ થતા પાક લેવાય છે.
    3. આર્દ્ર ખેતી: જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની પણ સગવડ છે, તેવા વિસ્તારોમાં 'ભીની' એટલે કે આર્દ્ર ખેતી થાય છે. અહીં વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમ કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી.
    4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી: આ ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપી, તેને સળગાવીને જમીન સાફ કરી ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતાં (બે-ત્રણ વર્ષે) તે વિસ્તાર છોડીને બીજી જગ્યાએ એ જ પદ્ધતિથી ખેતી શરૂ કરાય છે. તેને 'ઝૂમ ખેતી' પણ કહે છે. તેમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે.
    5. બાગાયતી ખેતી: આ એક ખાસ પ્રકારની ખેતી છે જેમાં ખૂબ માવજત સાથે પાક ઉગાડાય છે. તેમાં રબર, ચા, કૉફી, કોકો, નાળિયેર તેમજ સફરજન, કેરી, સંતરાં, દ્રાક્ષ જેવાં ફળોની ખેતી થાય છે. આ ખેતીમાં વધુ મૂડી, કુશળતા, તકનીકી જ્ઞાન અને યંત્રોની જરૂર પડે છે.
    6. સઘન ખેતી: જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતી થાય છે, તેને સઘન ખેતી કહે છે. તેમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે અને હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ વધારે હોય છે. આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને 'વ્યાપારી ખેતી' પણ કહે છે.
  • (2) ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

    ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારાઓને સંસ્થાનગત સુધારા ગણવામાં આવે છે, જે નીચે મુજબ છે:

    • જમીનદારી પ્રથા નાબૂદી: સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે.
    • 'ખેડે તેની જમીન' કાયદો: આ કાયદા દ્વારા જમીન ખેડનારને જ જમીનનો માલિકી હક્ક આપવામાં આવ્યો છે.
    • જમીન ટોચ મર્યાદા: આ કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
    • કૃષિ ધિરાણ: કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા ખેડૂતોને સસ્તું કૃષિ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
    • સરકારી સહાય: બિયારણ, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર સબસિડી અને આર્થિક મદદ આપે છે.
    • પાક વીમા યોજના: 'પ્રધાનમંત્રી પાક વીમા યોજના' દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદથી પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર આર્થિક સહાય પણ કરે છે.
    • માર્કેટ યાર્ડ: માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીની પ્રક્રિયાને કાયદાકીય જોગવાઈથી વ્યાપક બનાવી છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે.
    • સહકારી સંસ્થાઓ: ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘો, ગોદામો, શીતગૃહો અને પરિવહનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
    • ટેકાના ભાવે ખરીદી: NAFED, GROFED અને NDDB જેવી સંસ્થાઓ દ્વારા સરકાર ખેડૂતો પાસેથી નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી કરે છે.
  • (3) “વિશ્વ બજાર અને ભારતની ખેતી' વિશે નોંધ લખો.

    ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે. વૈશ્વિકીકરણની ભારતીય ખેતી પર થયેલી મુખ્ય અસરો (લાભ અને ગેરલાભ) નીચે મુજબ છે:

    અસરો અને પરિવર્તનો:

    • ખેતી પાકોની આયાત-નિકાસ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ ચીનના બજારમાં વેચાય છે, તો વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં ઉપલબ્ધ બન્યાં છે.
    • બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઇડ (બી.ટી.) બિયારણો ભારતમાં આવ્યાં. આનાથી ખેતી ખર્ચાળ બની છે, જોકે કપાસ અને મકાઈ જેવા પાકોમાં ઉત્પાદન વધ્યું છે.
    • આયાત સરળ થવાથી, આપણા સ્થાનિક કૃષિ ઉત્પાદનોને ઘર આંગણે જ વિદેશી ઉત્પાદનો સાથે સ્પર્ધાનો સામનો કરવો પડે છે.
    • આંતરરાષ્ટ્રીય બજાર મળતાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશો માટે 'પેટન્ટ' રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે.

    પડકારો:

    ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં ટકી રહેવા માટે નવી ટેક્નોલૉજી અપનાવીને ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમજ ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધારવા માટે આયોજનબદ્ધ પગલાં ભરવાની જરૂર છે.

  • (4) ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.

    ડાંગર પછી ઘઉં એ ભારતનો બીજો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. તે દેશના ઉત્તર-પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક છે. ભારતમાં ત્રીજા ભાગની ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.

    • પાકનો પ્રકાર: ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય 'રવી પાક' (શિયાળુ પાક) છે.
    • જરૂરી અનુકૂળતાઓ: તેને કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. જો વરસાદ ઓછો હોય (100 સેમીથી ઓછો), તો સિંચાઈની મદદથી તે ઉગાડી શકાય છે.
    • ઉત્પાદન: હરિયાળી ક્રાંતિ પછી ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ (ટ્રેક્ટર, હાર્વેસ્ટર) થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે.
    • ઉત્પાદક રાજ્યો: પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે (કુલ ઉત્પાદનના બે તૃતીયાંશ ભાગ). પંજાબમાં નહેરોના પાણીને લીધે વિપુલ પાક થવાથી તેને 'ઘઉંનો કોઠાર' કહે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ ઘઉંનું વાવેતર થાય છે.
    • ગુજરાતમાં: ગુજરાતમાં ભાલ વિસ્તારમાં 'ભાલિયા ઘઉં' (ચાસિયા ઘઉં) પ્રખ્યાત છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડામાં પણ ઘઉં થાય છે.
    • ઉપયોગ: ઘઉં સર્વપ્રકારના અનાજમાં શ્રેષ્ઠ અને પૌષ્ટિક છે, તેથી તેને 'અનાજનો રાજા' ગણાય છે. તેમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાડુ, કેક, બિસ્કીટ જેવી અનેક વાનગીઓ બને છે.
  • (5) 'ભારતના તેલીબિયાં પાક' વિશે સવિસ્તર જણાવો.

    મગફળી, તલ, સોયાબિન, એરંડા (દિવેલા), સરસવ, સૂર્યમુખી અને અળસી ભારતના મુખ્ય તેલીબિયાં પાક ગણાય છે. ભારતીય ભોજનમાં ખાદ્યતેલનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે.

    મુખ્ય તેલીબિયાં પાક:

    1. મગફળી: તેલીબિયાં પાકમાં તે સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેને કાળી, કસવાળી, ગોરાડુ જમીન અને 50-70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે, જ્યારે ભારતમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.
    2. તલ: ઉત્તર ભારતમાં તે ખરીફ પાક છે, જ્યારે દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે વવાય છે. બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. ગુજરાત, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાત તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં દેશમાં પ્રથમ ક્રમે છે.
    3. સરસવ: તે ઉત્તર ભારતનો મહત્ત્વનો રવી પાક છે. તેના તેલનો ઉપયોગ ઔષધીય અને ખાદ્યતેલ તરીકે થાય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
    4. નાળિયેર: તે દરિયા કિનારાની ગરમ, ભેજવાળી અને ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે. ભારતમાં કર્ણાટક, કેરલ, તમિલનાડુ અને અંદમાન-નિકોબારમાં તેના બગીચા છે. દક્ષિણ ભારતમાં કોપરેલનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે.
    5. એરંડા (દિવેલા): તે ખરીફ અને રવી બંને પાક છે. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ભારતના કુલ ઉત્પાદનમાંથી લગભગ 80% ઉત્પાદન એકલું ગુજરાત કરે છે.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો.

  • (1) જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?

    રાસાયણિક ખાતર અને કીટનાશકોના અતિશય વપરાશને કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થવા લાગી, પર્યાવરણને નુકસાન થયું અને જમીનની ફળદ્રુપતા પણ ઘટવા લાગી. આ નુકસાનકારક અસરોને કારણે, આજે જૈવિક (સજીવ) ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.

    સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે; તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે; અને તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો હોય છે. આ જૈવિક પેદાશોની માંગ વિશ્વભરમાં વધવાથી ખેડૂતોને સારું આર્થિક વળતર પણ મળે છે, આથી પણ જૈવિક ખેતી તરફનું વલણ વધ્યું છે.

  • (2) તફાવત આપો : ખરીફ પાક - રવિ પાક.

    મુદ્દો ખરીફ (ચોમાસુ) પાક રવી (શિયાળુ) પાક
    ઋતુ ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવી પાક કહે છે.
    પાકનો સમય જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. ઑક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે.
    મુખ્ય પાકો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને મગ. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી.
  • (3) ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.

    ખેતી એ ભારતમાં મુખ્ય વ્યવસાય છે અને ભારતીય અર્થતંત્રમાં તેનું યોગદાન અત્યંત મહત્ત્વનું છે:

    • તે દેશના લગભગ અડધોઅડધ લોકોને રોજગારી પૂરી પાડે છે (આશરે 60% શ્રમશક્તિ).
    • કૃષિ ક્ષેત્ર દેશની કુલ ઘરેલુ પેદાશ (GDP) નો લગભગ 17% હિસ્સો ધરાવે છે.
    • ભારતની મુખ્ય કૃષિ પેદાશો જેવી કે કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ વગેરેની નિકાસમાંથી દેશને વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે (નિકાસમાં લગભગ 18% હિસ્સો).
    • સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ અને તેલ જેવા અનેક ઉદ્યોગોને કાચો માલ ખેતીમાંથી જ મળે છે.
    • કૃષિ ભારતના કરોડો લોકોને ખોરાક પૂરો પાડે છે, આમ તે દેશની અન્ન સુરક્ષાનો આધારસ્તંભ છે.
    • ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારત વિશ્વભરમાં બીજા સ્થાને છે.
  • (4) ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો.

    ડાંગર (ચોખા) એ ભારતનો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે, કારણ કે ભારતની લગભગ અડધી વસ્તી અને વિશ્વની મોટાભાગની વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.

    ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે. તેને ગરમ અને ભેજવાળી આબોહવા, 20° સે. લઘુત્તમ તાપમાન, નદીઓની કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર પડે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર અને ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.


૩. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.

  • (1) મકાઈનો ઉપયોગ જણાવો.

    મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોના લોકોનો મુખ્ય ખોરાક છે. મકાઈનો ઉપયોગ પશુઆહાર, ધાણી અને મકાઈના તેલ તરીકે થાય છે. તેમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયો-ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં પણ ઉપયોગ વધી રહ્યો છે.
  • (2) કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.

    કૉફીના પાકને 150 થી 200 સેમી વરસાદ, 15° થી 28° સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. તેના છોડને સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે છે.
  • (3) ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને ક્યો પાક લેવાય છે ?

    ગુજરાતના ભાલ પ્રદેશમાં 'સૂકી ખેતી' પદ્ધતિથી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં (ભાલિયા ઘઉં) અને ચણાનો પાક લેવામાં આવે છે.
  • (4) હરિયાળી ક્રાંતિ એટલે શું ?

    બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા અને સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા જેવા પરિબળોથી ભારતમાં કૃષિ ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો, તેને 'હરિયાળી ક્રાંતિ' તરીકે ઓળખવામાં આવે છે.
  • (5) કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનાં નામ લખો.

    કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત મુખ્ય સંસ્થાઓ ICAR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ) અને DARE (ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ એન્ડ ઍજ્યુકેશન) છે.

૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

  • (1) નીચેનામાંથી કઈ ખેતીમાં હૅક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ?

    (B) ઝૂમ ખેતી
  • (2) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?

    (A) સજીવ ખેતી
  • (3) મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે ?

    (D) ગુજરાત
  • (4) ચૉકલેટ શાનામાંથી બને છે ?

    (B) કોકો
  • (5) નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?

    (A) ઈસબગુલ
  • (6) નીચેનામાંથી ક્યું કઠોળ રવી પાક છે ?

    (C) ચણા