સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 13 માનવ-સંસાધન : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 13 માનવ-સંસાધન : સ્વાધ્યાય


1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

  1. વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે ?

    વસ્તીને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન માનવામાં આવે છે. લોકો તેમની જરૂરિયાતો અને યોગ્યતાઓને આધારે કુદરતી ભેટોને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાત મુજબ સંસાધનોનો વિકાસ કરે છે, તેથી માનવ-સંસાધન જ અંતિમ સાધન છે.

  2. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો કયાં છે ?

    વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન છે. તેના કારણોમાં ભૌગોલિક અને આર્થિક પરિબળોનો સમાવેશ થાય છે. ભૌગોલિક પરિબળોમાં મેદાની વિસ્તારો, અનુકૂળ આબોહવા, ફળદ્રુપ જમીન, અને પાણીની ઉપલબ્ધતાવાળા પ્રદેશો ગીચ વસ્તી ધરાવે છે. જ્યારે આર્થિક પરિબળોમાં ઔદ્યોગિક વિસ્તારો અને રોજગારીની તકોવાળા સ્થળો વધુ વસ્તીને આકર્ષે છે.

  3. વસ્તી-ગીચતાનો અર્થ શું છે ?

    વસ્તી-ગીચતા એટલે પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રફળમાં વસવાટ કરનારા લોકોની સંખ્યા. તેને સામાન્ય રીતે પ્રતિ ચોરસ કિલોમીટરમાં વ્યક્તિઓની સંખ્યા તરીકે દર્શાવવામાં આવે છે.

  4. વસ્તી-વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો.

    1. પ્રાકૃતિક રચના:

    માનવી હંમેશાં પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે આ વિસ્તારો ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે વધુ ઉપયોગી હોય છે. ગંગાના મેદાની વિસ્તારો વિશ્વમાં સૌથી વધુ ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે હિમાલય જેવા પર્વતીય વિસ્તારોમાં ઓછી વસ્તી વસવાટ કરે છે.

    2. જળ:

    વસ્તી એવા ક્ષેત્રોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટક્ષેત્ર ધરાવે છે. રણવિસ્તારોમાં પાણીની અછતને કારણે ત્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

2. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

  1. વસ્તી-વિતરણ શબ્દનો અર્થ છે.
    કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે.
  2. એ ત્રણ મુખ્ય પરિબળો કયાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે ?
    જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
  3. ઈ.સ. 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી ?
    6 અબજ

3. સંકલ્પના સમજાવો :

  1. જાતિ-પ્રમાણ

    જાતિ-પ્રમાણ એટલે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યા. ભારતમાં 2011ના વર્ષ પ્રમાણે આ પ્રમાણ દર 1000 પુરુષે 943 સ્ત્રીઓનું હતું. કેરળ રાજ્ય અને પુડુચેરીમાં આ પ્રમાણ મહિલાઓના પક્ષમાં છે.

  2. સાક્ષરતા

    સાક્ષરતા એટલે 7 વર્ષ કે તેથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી, લખી અને સમજી શકતી હોય. સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે શાળાએ જવા સાથે હોય છે. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં સાક્ષરતાનો દર 74.04% હતો. કેરળ રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધુ 93.91% છે.

  3. વસ્તી-ગીચતા

    વસ્તી-ગીચતા એટલે પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રફળમાં વસવાટ કરનારા લોકોની સંખ્યા, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી-ગીચતા 382 વ્યક્તિ હતી. વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા 54 વ્યક્તિની હતી.

4. ખાલી જગ્યા પૂરો :

  1. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ............. ક્રમે છે.
    બીજા
  2. ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ ............. છે.
    943 (દર 1000 પુરુષે)
  3. ભારતમાં ............. રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે.
    કેરળ
  4. ગુજરાતમાં વસ્તી-ગીચતાનું પ્રમાણ ............. છે.
    308 (વર્ષ 2011 મુજબ)