સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:

  • (1) પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની-કોની વચ્ચે થયું હતું?

    પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ, 1526ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું.
  • (2) શેરશાહનાં સ્થાપત્યો વિશે જણાવો.

    શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી હતી.
  • (3) અકબરના સમયના મહાન સંગીતજ્ઞ-ગાયકનું નામ આપો.

    અકબરના સમયના મહાન સંગીતજ્ઞ-ગાયક તાનસેન હતા.
  • (4) જહાંગીરના ચિત્રકારોનાં નામ જણાવો.

    જહાંગીરના સમયમાં મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો.
  • (5) છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?

    છત્રપતિ શિવાજીનો જન્મ ઈ.સ. 1627 કે 1630માં શિવનેરીના કિલ્લામાં થયો હતો.

૨. માંગ્યા મુજબ ઉત્તર લખો:

  • (1) મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો.

    મુઘલ વહીવટીતંત્રની સ્થાપના અકબરે કરી હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. તેમને સલાહ આપવા માટે એક મંત્રીપરિષદ હતી. વહીવટીતંત્ર અને બાદશાહ વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી, જેને દીવાન-એ-વઝીરે-કુલ કહેવાતો. તે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવાતો, જે સેનાની ભરતી કરતો. ગુપ્તચરો 'વાકિયાનવીસ' તરીકે ઓળખાતા. બાદશાહની અંગત જરૂરિયાતો માટે મીર-એ-સામાન નામનો વિભાગ હતો. ન્યાયવ્યવસ્થાનો વડો કાઝી હતો. અકબરે મનસબદારી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેમાં મહેસૂલ વાર્ષિક ઉપજના એક તૃતીયાંશ ભાગ જેટલું હતું.

  • (2) મુઘલ સ્થાપત્યકલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો.

    મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓ બનાવ્યા હતા. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા હતા. શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્રીમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ જેવા બાંધકામો કરાવ્યા. જહાંગીરના સમયમાં બાંધકામમાં આરસપહાણનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંના સમયને મુઘલ સ્થાપત્યનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહાલ અને મોતીમસ્જિદ તેમજ દિલ્લીમાં લાલકિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ-દૌરાનનો મકબરો બનાવ્યો હતો.

  • (3) છત્રપતિ શિવાજીનાં વિજયો વિશે નોંધ લખો.

    છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમણે નાની જાગીરમાંથી મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા માટે 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. તેમણે મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરીને વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈ.સ. 1665માં મુઘલ સમ્રાટ સામે તેમની હાર થતાં તેમણે સંધિ કરી. ઔરંગઝેબે તેમને જેલમાં પૂર્યા હતા, પરંતુ તેઓ ચાલાકીથી છટકી ગયા અને ફરીથી મોરચો માંડી વિજયો મેળવ્યા. ઈ.સ. 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા.

  • (4) અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.

    અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. તેણે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી અને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી. તેણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને 'દીન-એ-ઈલાહી' નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. તેણે બાળલગ્ન અને સતીપ્રથાનો વિરોધ કર્યો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો.

  • (5) શેરશાહના સુધારાની ચર્ચા કરો.

    શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. તેણે ડાકુ અને લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. તેણે નવી ટપાલ-વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે એક મહાન રાજમાર્ગ, ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો.


૩. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો:

  1. પાણીપતનું બીજું યુદ્ધ ............ અને ............ વચ્ચે થયું હતું.

    (B) અકબર-હેમુ
  2. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો?

    (A) અકબર
  3. દિલ્લીનો લાલકિલ્લો ............ એ બનાવડાવ્યો હતો.

    (D) શાહજહાં
  4. અકબરનો જન્મ ............ નામના સ્થળે થયો હતો.

    (A) અમરકોટ