સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 2 દિલ્લી સલ્તનત : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 2 દિલ્લી સલ્તનત : સ્વાધ્યાય


૧. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો:

  • (1) દિલ્લી સલ્તનતના 'ચેહલગાન' (ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી?

    (D) ઇલ્તુત્મિશ
  • (2) દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?

    (A) રઝિયા સુલતાના
  • (3) દિલ્લીના કયા શાસકની યોજના ‘તરંગી યોજના’ તરીકે ઓળખાય છે?

    (C) મુહમ્મદ તુગલક
  • (4) વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

    (B) હરિહરરાય અને બુક્કારાય

૨. ખાલી જગ્યા પૂરો:

  • (1) ઢાઈ દિનકા ઝોંપડા ............ શહેરમાં આવેલ છે.

    ઢાઈ દિનકા ઝોંપડા અજમેર શહેરમાં આવેલ છે.
  • (2) દિલ્લી સલ્તનતની શાસન-વ્યવસ્થાના કેન્દ્રમાં ............ હતો.

    દિલ્લી સલ્તનતની શાસન-વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો.
  • (3) દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક ............ હતો.

    દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહીમ લોદી હતો.
  • (4) સીરી નગર ............ એ વસાવ્યું હતું.

    સીરી નગર અલાઉદ્દીન ખલજી એ વસાવ્યું હતું.

૩. નીચેના પ્રશ્નોના એક-બે શબ્દમાં ઉત્તર લખો:

  • (1) કુતુબમિનાર ક્યાં આવેલ છે?

    કુતુબમિનાર દિલ્લીમાં આવેલો છે.
  • (2) પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું?

    પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું.
  • (3) અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું?

    અલાઈ દરવાજાનું નિર્માણ ખલજીવંશના શાસક અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું.
  • (4) બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

    બહમની રાજ્યની સ્થાપના ઝફરખાને કરી હતી.

૪. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

  • (1) તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ ક્યાં-ક્યાં શહેરો વસાવવામાં આવ્યાં?

    તુગલક શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. આ સમયગાળામાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર અને ફતેહાબાદ જેવાં નગરો પણ વસાવવામાં આવ્યાં હતાં.

  • (2) સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.

    દિલ્લી સલ્તનતની સ્થાપના સાથે ભારતમાં ઇસ્લામિક શૈલીનાં સ્થાપત્યોનું નિર્માણ શરૂ થયું. આ સમયગાળામાં કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ જેવી કૃતિઓનું નિર્માણ થયું. કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ મસ્જિદ અને કુતુબમિનારનું નિર્માણ કરાવ્યું. તેણે અજમેરમાં 'ઢાઈ દિનકા ઝોંપડા' નામની મસ્જિદ પણ બનાવી. ઇલ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમામસ્જિદનો સમાવેશ થાય છે. ખલજીવંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા, સીરી નામનો કિલ્લો અને નગર, તથા હોજ-એ-ખાસનું નિર્માણ કરાવ્યું. સૈયદ અને લોદીવંશ દરમિયાન બંદેખાનનો ગુંબજ, બડાગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવાં સ્થાપત્યો બન્યા.

  • (3) કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.

    કૃષ્ણદેવરાય તુલુવવંશના અને સમગ્ર વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક હતા. તેમનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર વીતવા છતાં, તેમણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નહોતી. તેમણે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી. તેમણે કેટલાક અયોગ્ય વેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. તેઓ પોતે વિદ્વાન હતા અને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. સાહિત્ય અને કલાના ઉત્તેજનને કારણે તેઓ 'આંધ્રના ભોજ' તરીકે ઓળખાયા.