સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 19 બજાર : સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોનાં એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
-
(1) બજાર એટલે શું?
બજાર એટલે જ્યાં ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો હોય તે સ્થળ, અથવા જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. -
(2) ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી?
ગુજરી બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે જેવો ખર્ચ થતો નથી. -
(3) નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે?
ખેડૂતોનું શોષણ અટકાવવા, તેમના ખેત-ઉત્પાદનના વાજબી ભાવો ઊપજે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે નિયંત્રિત બજારની વ્યવસ્થા કરવામાં આવી છે. -
(4) ખાદ્યપદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ?
ખાદ્યપદાર્થોની ખરીદી વખતે તે 'એગમાર્ક' અને 'fssai' લોગોવાળા જ છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ. ઉપરાંત, પૅકિંગ, કંપની, બ્રાન્ડ, બેચ નંબર, ઉત્પાદન અને એક્સપાયરી ડેટ જેવી વિગતોની ખરાઈ પણ કરવી જોઈએ. -
(5) ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ-કોણ વળતર મેળવે છે?
ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને પરિવહન સેવા સાથે જોડાયેલા દરેકને ઓછાવત્તા પ્રમાણમાં વળતર મળે છે.
2. મુદ્દાસર ઉત્તર આપો :
-
(1) બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાતો સમજાવો.
બજારના મુખ્ય પ્રકારો આ મુજબ છે:
- મહોલ્લા બજાર: આ બજાર આપણા ઘરની આસપાસ જ હોય છે. આપણે દિવસ દરમિયાન ગમે ત્યારે અહીંથી ખરીદી કરી શકીએ છીએ. દુકાનદારો તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે.
- ગુજરી કે સાપ્તાહિક બજાર: આ બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે. અહીં જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી વગેરે ખર્ચ થતો ન હોવાથી તેઓ સસ્તા ભાવે વસ્તુઓ વેચી શકે છે.
- શૉપિંગ કૉમ્પ્લેક્સ અને મોલ: આ બજારો મોટા શહેરોમાં હોય છે. એક જ બિલ્ડિંગમાં વિવિધ પ્રકારની અનેક દુકાનો હોય છે. અહીં વિવિધ બ્રાન્ડની વસ્તુઓ એકસાથે ઉપલબ્ધ હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક મળે છે.
- નિયંત્રિત બજાર (માર્કેટિંગ યાર્ડ): આ બજારની સ્થાપના ખેડૂતોનું શોષણ અટકાવવા માટે થઈ છે. અહીં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ થાય છે, જેથી તેમને વાજબી ભાવો મળે છે.
- ઓનલાઇન બજાર: હવેના સમયમાં ઓનલાઇન શોપિંગનું પ્રમાણ વધ્યું છે. બજારમાં ગયા વિના જ કમ્પ્યુટર કે મોબાઇલથી સીધી ખરીદી કરી શકાય છે.
-
(2) ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો.
ગ્રાહક એટલે નાણાં આપી બદલામાં ચીજવસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ. ગ્રાહકના છ મુખ્ય અધિકારો છે: (1) સલામતીનો અધિકાર: નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ સામે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. (2) માહિતી મેળવવાનો અધિકાર: વસ્તુ ખરીદતી વખતે તેના સંબંધિત તમામ જરૂરી જાણકારી મેળવવાનો અધિકાર. (3) પસંદગી કરવાનો અધિકાર: વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર. (4) રજૂઆત કરવાનો અધિકાર: પોતાના હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર. (5) ફરિયાદ નિવારણનો અધિકાર: ખામીયુક્ત માલ કે છેતરામણીના કિસ્સામાં નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર. (6) ગ્રાહકશિક્ષણ મેળવવાનો અધિકાર: જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર.
-
(3) ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ? સમજાવો.
ખરીદી કરતી વખતે ગ્રાહકે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. તેણે જી.એસ.ટી.વાળા પાકા બિલનો આગ્રહ રાખી તે સાચવવું જોઈએ. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ 'આઈ.એસ.આઈ.' માર્કાવાળી જ ખરીદવી જોઈએ. સોના-ચાંદી જેવી વસ્તુઓ 'હૉલમાર્ક'વાળી જ ખરીદવી. ખાદ્યપદાર્થો 'એગમાર્ક' કે 'fssai' લોગોવાળા જ ખરીદવાનો આગ્રહ રાખવો અને તેની ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ વગેરે ચકાસવું. દવાની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરવી અને જેનરિક દવાઓ ખરીદવાને પ્રાધાન્ય આપવું. બિલમાં તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહિ તેની પણ ચોકસાઈ કરવી.
-
(4) કાપડની ઉત્પાદન-પ્રક્રિયાને વર્ણવો.
કાપડના ઉત્પાદનની પ્રક્રિયા કપાસના વાવેતરથી શરૂ થાય છે. ખેતરમાં કપાસના છોડ ઊગે છે અને તેના પર ફૂલ અને પછી જીંડવાં આવે છે. જીંડવાંમાંથી રૂ બહાર આવે છે, જેને વીણીને ગાંસડીઓ બનાવવામાં આવે છે. આ કપાસને જીનિંગ મિલમાં લઈ જઈ કપાસિયાં અલગ કરવામાં આવે છે. રૂની ગાંસડીઓને સ્પિનિંગ મિલમાં મોકલીને તેનામાંથી દોરા કાંતવામાં આવે છે. આ દોરામાંથી કાપડ મિલમાં કાપડ વણવામાં આવે છે. તૈયાર થયેલ કાપડને ડાઈંગ મિલમાં કલર કરવામાં આવે છે. ત્યારબાદ, આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં કટિંગ, સિલાઈ અને લેબલ લગાવીને તૈયાર વસ્ત્રો બનાવવામાં આવે છે, જે પછી જથ્થાબંધ વેપારીઓ દ્વારા છૂટક વેચાણ માટે બજારમાં પહોંચાડવામાં આવે છે.
3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં સામે આપેલ ( ) માં કે X ની નિશાનીથી દર્શાવો :
-
(1) ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે.
ખોટું (X) -
(2) જથ્થાબંધ માલસામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે.
ખોટું (X) -
(3) ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે.
ખરું (✓)
4. મને ઓળખો :
- ISI: ઘર-વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ
- fssai: ખાદ્યપદાર્થો
- WOOLMARK: ઊનની બનાવટો
- AGMARK: ખાદ્યપદાર્થો
- HALLMARK: સોના-ચાંદી
5. ખાલી જગ્યા પૂરો:
-
(1) કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ............ બજાર કહે છે.
સાપ્તાહિક -
(2) ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ............ માં થાય છે.
માર્કેટિંગ યાર્ડ -
(3) સોના-ચાંદીના દાગીના ............ માર્કાવાળા જ ખરીદવા જોઈએ.
હોલમાર્ક -
(4) કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ ............ છે.
કપાસ -
(5) વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ............ છે.
બજાર