સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 18 સંચાર-માધ્યમ અને જાહેરાત : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 18 સંચાર-માધ્યમ અને જાહેરાત : સ્વાધ્યાય


1. ખાલી જગ્યા પૂરો :

  • (1) મિત્રને શુભેચ્છા આપવા ............ કાર્ડનો ઉપયોગ થાય છે.

    ગ્રીટિંગ
  • (2) ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ............ વર્ષમાં થઈ હતી.

    1850
  • (3) રેડિયો ............ પ્રકારનું માધ્યમ છે.

    શ્રાવ્ય
  • (4) મનોરંજન માટેનું લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય સાધન ............ છે.

    ટેલિવિઝન
  • (5) પૃથ્વીના પેટાળમાં રહેલાં ખનીજોની માહિતી મેળવવા ............ ખૂબ જ ઉપયોગી માધ્યમ છે.

    કૃત્રિમ ઉપગ્રહ

2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

  • (1) રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે.

    ખોટું
  • (2) ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે.

    ખરું
  • (3) વોકીટોકીનો ઉપયોગ પોલીસ કરે છે.

    ખરું
  • (4) જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે.

    ખોટું
  • (5) મોબાઈલ ફોન સંચાર-માધ્યમનું ઉત્તમ સાધન છે.

    ખરું

3. નીચેના પ્રશ્નોનાં એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) પોસ્ટઑફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય?

    પોસ્ટઑફિસ દ્વારા પૈસા મનીઓર્ડર દ્વારા મોકલી શકાય છે.
  • (2) જાહેરાત પ્રસારણ માટેનાં કોઈ પણ બે માધ્યમો જણાવો.

    જાહેરાત પ્રસારણ માટેનાં બે માધ્યમો ટેલિવિઝન અને અખબારો છે.
  • (3) સંચાર-માધ્યમ એટલે શું?

    એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે.
  • (4) જાહેરાતના બે ફાયદાઓ જણાવો.

    જાહેરાત દ્વારા વસ્તુ પર છાપવામાં આવેલી કિંમત જાણી શકાય છે અને વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે.
  • (5) સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ-કઈ જાહેરાતો કરે છે?

    સરકાર સામાજિક જાગૃતિ માટે બાળલગ્ન ન કરવા, આરોગ્ય, વસ્તી-નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે જેવી જાહેરાતો કરે છે.

4. ટૂંક નોંધ લખો :

  • (1) જાહેરાતના ગેરફાયદા

    જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, જેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ પોતે જે વસ્તુનો પ્રચાર કરે છે તે કદાચ વાપરતા પણ ન હોય. જાહેરાતના આધારે ખરીદી કરવાથી ગ્રાહક છેતરાઈ પણ શકે છે. ઘણીવાર જાહેરાતો જોઈને મનમાં ક્ષોભ થાય છે, કારણ કે દરેક વસ્તુ ખરીદી શકાતી નથી. તેનાથી દેખાદેખીનું ચલણ પણ વધી જાય છે.

  • (2) કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ

    સંચાર-માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ ખૂબ ઉપયોગી છે. તે માનવસર્જિત છે અને તેને અવકાશમાં મૂકવામાં આવે છે. તેના દ્વારા પૃથ્વી પરના રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી અને વિવિધ કાર્યક્રમો ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવાં સાધનો પર પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી અને ખનીજ ભંડારની માહિતી પણ તેનાથી મળે છે. તે દેશના સંરક્ષણ ક્ષેત્રે પણ ખૂબ ઉપયોગી છે.

  • (3) મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ

    મોબાઈલ ફોન સંચારનું અગત્યનું સાધન છે. તેના દ્વારા એક વ્યક્તિ કોઈ પણ સ્થળેથી બીજી વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે. તેમાં ઘડિયાળ, વિડિયો-ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. તેનાથી રેલવે, બસ અને સિનેમાની ટિકિટ પણ બુક કરાવી શકાય છે. મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી પ્રાપ્ત કરી શકાય છે.


5. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) લોકશાહીમાં સંચાર-માધ્યમો કેમ ઉપયોગી છે?

    લોકશાહીમાં સંચાર-માધ્યમો લોકોના જીવનધોરણમાં પરિવર્તન લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતાં કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડે છે. સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવાં કાર્યોની માહિતી સંચાર-માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિરોધ પક્ષો પણ સરકારની કામગીરીમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે, જેનાથી લોકશાહી મજબૂત બને છે.

  • (2) સંચાર-માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો?

    સંચાર-માધ્યમોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવાં સામાજિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવું જોઈએ. મોબાઇલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ અને તેમાં આવતી ગેમ્સ અને ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ કરવો જોઈએ, જેથી સમય અને શિક્ષણ પર વિપરીત અસર ન થાય.

  • (3) સિનેમાથી જાગૃતિ આવે છે. સમજાવો.

    સિનેમા મનોરંજનની સાથે-સાથે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપે છે. ફિલ્મ દ્વારા લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં પરિવર્તન આવે છે. તે કેટલાક રીતરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. આ રીતે, સિનેમા સમાજમાં જાગૃતિ લાવવાનું એક લોકપ્રિય માધ્યમ છે.

  • (4) ટીવીના ફાયદાઓ જણાવો.

    ટેલિવિઝન એક લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તે સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો અને શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કરે છે. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ તેના પર જોઈ શકાય છે.