પાઠ 15: લોકશાહીમાં સમાનતા

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 15 લોકશાહીમાં સમાનતા : સ્વાધ્યાય


1. ખાલી જગ્યા પૂરો :

  • (1) વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ............ છે.

    ભારત
  • (2) દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ............ કહેવાય.

    બંધારણ
  • (3) ભારતનું બંધારણ વિશ્વનું ............ બંધારણ છે.

    સૌથી મોટું લેખિત

2. ટૂંકમાં ઉત્તર આપો :

  • (1) લોકશાહી કોને કહેવાય છે?

    "લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી". લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે.

  • (2) આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે?

    બંધારણમાં સૌને કાયદા સમક્ષ સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા, જાતિ, ધર્મ, શિક્ષણ અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે.

  • (3) વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે?

    વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે સમાનતાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે, કારણ કે તે સ્વમાનને જાળવી રાખવા માટે પણ જરૂરી છે.


3. એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) મતાધિકાર કોને મળે છે?

    18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે, જે મતદારયાદીમાં નોંધાયેલ હોય.
  • (2) ચૂંટણીપંચ શી કામગીરી કરે છે?

    ચૂંટણીપંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. તે મતનું મહત્ત્વ સમજાવવા અને ડર વગર મતદાન થાય તે માટે વ્યવસ્થા કરે છે.
  • (3) બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ?

    બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે. આ ઉંમરે બાળકોને મજૂરી કરાવવી એ કાયદાનો ભંગ છે.

4. ટૂંક નોંધ લખો :

  • (1) લોકશાહીમાં સમાનતા

    ભારત એક લોકશાહી દેશ છે અને તેનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે, જેનો આશય 'સૌ સમાન, સૌને સન્માન' છે. કાયદા સમક્ષ સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા, જાતિ, ધર્મ, શિક્ષણ અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર સ્વમાનને જાળવી રાખવા અને દેશના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો છે.

  • (2) મતાધિકારમાં સમાનતા

    ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે. મતદારયાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક, ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓને ધ્યાનમાં લીધા વગર, મતદાન કરી શકે છે. ચૂંટણીપંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે વ્યવસ્થા કરે છે. મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ મતદાન મથકો અને સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

  • (3) બાળમજૂરી અને બાળઅધિકાર

    બાળમજૂરી એ અસમાનતાનું એક સ્વરૂપ છે અને તે શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બંધારણ મુજબ, 6 થી 14 વર્ષ સુધીના દરેક બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે. આ ઉંમરે બાળકોને મજૂરી કરાવવી એ કાયદાનો ભંગ છે. ઘણી જગ્યાએ ઓછી મજૂરી આપવા માટે બાળમજૂર રાખવામાં આવે છે, જે એક અન્યાય છે.