સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 12 વાતાવરણની સજીવો પર અસરો : સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
-
(1) ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે?
ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. -
(2) ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં રોઝવુડ, અબનૂસ અને મહોગની જેવાં વૃક્ષો જોવા મળે છે. -
(3) શંકુદ્રુમનાં જંગલોમાં કયાં પ્રાણીઓ વધુ જોવા મળે છે?
શંકુદ્રુમનાં જંગલોમાં વાંદરાં, ધ્રુવીય રીંછ, કસ્તૂરી મૃગ અને યાક જેવાં પ્રાણીઓ વધુ જોવા મળે છે. -
(4) રણ પ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે?
ગરમ રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. -
(5) નૈઋત્યના પવનો કોને કહેવાય છે?
ઉનાળામાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનોને નૈઋત્યના પવનો કહેવાય છે.
૨. ટૂંક નોંધ લખો :
-
(1) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશોમાં જોવા મળે છે. અહીં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં પણ આ પ્રકારનું ઘાસ થાય છે.
-
(2) ભૂમધ્ય સાગરનાં જંગલો
ભૂમધ્ય સાગરનાં જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં આવેલા છે, જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક હોય છે, જ્યારે શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. અહીં ખટાશવાળાં ફળોની વનસ્પતિઓ, જેમ કે સંતરા, અંજીર, ઓલિવ (જૈતુન) અને દ્રાક્ષ મુખ્યત્વે જોવા મળે છે.
-
(3) સમતાપ આવરણ
સમતાપ આવરણ ક્ષોભ-સીમાથી ઉપરનું આવરણ છે, જે આશરે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. આ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાન વધે છે. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઊડી શકે છે. આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરે છે.
-
(4) વાતાવરણનું દબાણ
પૃથ્વીની આસપાસ રહેલી હવાના સ્તરને વજન હોય છે, અને આ વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે અને પૃથ્વીસપાટીથી ઊંચાઈ તરફ જતાં તે ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર ગતિ કરે છે અને હલકું દબાણ રચે છે, જે વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડું હોય છે, તેથી ત્યાં ભારે દબાણ હોય છે.
૩. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
-
(1) આબોહવા એટલે શું? આબોહવાની માનવજીવન પર થતી અસરો જણાવો.
સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહે છે.
આબોહવાની માનવજીવન પર થતી અસરો:
- આબોહવાની અસર ખોરાક, પોશાક અને રહેઠાણ પર જોવા મળે છે.
- વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરાં તીવ્ર ઢોળાવવાળા હોય છે.
- જે પ્રદેશમાં જે ખેતીપાકો થાય છે તે ત્યાંના લોકોના ખોરાકનો મુખ્ય ભાગ હોય છે.
- ઠંડીવાળા પ્રદેશમાં લોકો ગરમ ઊની વસ્ત્રો પહેરે છે, જ્યારે ગરમ આબોહવાવાળા પ્રદેશમાં સુતરાઉ અને ખુલ્લાં વસ્ત્રો પહેરાય છે.
- ગરમ રણપ્રદેશના લોકો માથે રૂમાલ કે કપડું વીંટાળે છે.
- ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવસ્વભાવ આળસુ હોય છે, જ્યારે ખુશનુમા આબોહવાવાળા પ્રદેશમાં લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે.
-
(2) ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલો વિશે જણાવો.
ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોને વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. અહીંની આબોહવા ગરમ અને ભારે વરસાદને કારણે આખું વર્ષ ભેજવાળી રહે છે. આ જંગલોની વનસ્પતિના પાંદડાં એકસાથે ખરતા ન હોવાથી તે બારેમાસ લીલાં રહે છે. આ જંગલોમાં રોઝવુડ, અબનૂસ અને મહોગની જેવાં વૃક્ષો થાય છે. ભારતમાં આ પ્રકારનાં જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં જોવા મળે છે.
૪. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો :
-
(1) રેડિયો-તરંગોનું પરાવર્તન ............ આવરણને આભારી છે.
આયનાવરણ -
(2) પશ્મિનો બકરી ............ માં જોવા મળે છે.
કશ્મીર -
(3) ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ............ હોય છે.
ઠંડા