સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 11 પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો : સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :
-
(1) પર્યાવરણનાં ઘટકો લખો.
પર્યાવરણનાં મુખ્ય ચાર ઘટકો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. -
(2) મીઠા પાણીના મુખ્ય સ્રોત કયા-કયા છે?
મીઠા પાણીના મુખ્ય સ્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવર, નદીઓ વગેરે છે. -
(3) બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે?
બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12:25 કલાક જેટલો હોય છે. -
(4) ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવજીવન પરની અસર છે?
ચીડિયાપણું ધ્વનિ-પ્રદૂષણની માનવજીવન પરની અસર છે. -
(5) ભૂમિ-પ્રદૂષણ એટલે શું?
વિવિધ કારણોસર જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને ભૂમિપ્રદૂષણ કહે છે.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
-
(1) માનવનિર્મિત પર્યાવરણ એટલે શું?
માનવના બુદ્ધિકૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી જે પર્યાવરણનું નિર્માણ થાય છે તેને માનવનિર્મિત પર્યાવરણ કહે છે. આદિકાળથી મનુષ્યે પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણમાં પરિવર્તન કર્યું છે. ખેતી, પશુપાલન, ચક્રની શોધ, અને ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા થયેલા ઉત્પાદનમાં વધારાથી આ પર્યાવરણનું નિર્માણ થયું છે. તેને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
-
(2) જમીન-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો.
જમીન-પ્રદૂષણ અટકાવવા માટે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલો પડવાશ વાપરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરીને તેનો ફરી ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકના ઘન કચરાનું રીસાયક્લિંગ કરવું જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈપદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
-
(3) હવા-પ્રદૂષણ અટકાવવા કયાં પગલાં લેવા જોઈએ?
હવા-પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણમુક્ત એવા સીએનજી (CNG), પીએનજી (PNG) અને સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી કરવા માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે પીયુસી (PUC) નો કડક અમલ કરાવવો જોઈએ.
-
(4) ધ્વનિ-પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો.
ધ્વનિ-પ્રદૂષણ અટકાવવા માટે સિનેમાઘર અને જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગો, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગોમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો અને વિમાનમથકોની આસપાસ વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે 'નો હોર્ન' અને 'સાઇલેન્સ ઝોન'નો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઇલ ફોનનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. વાહનો અને યંત્રોને સમયાંતરે રિપેર કરાવવા જોઈએ.
૩. કારણો આપો :
-
(1) દરિયામાં ભરતી-ઓટ થાય છે.
દરિયામાં ભરતી-ઓટ થવાનું મુખ્ય કારણ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય કરતાં વધુ અસર કરે છે કારણ કે ચંદ્ર પૃથ્વીની નજીક છે. આ બળના કારણે પૃથ્વી પરના જુદા-જુદા ભાગો સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, જેનાથી અલગ-અલગ સમયે ભરતી-ઓટ આવે છે.
-
(2) અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે.
અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. આ સ્થિતિમાં, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના સંયુક્ત પ્રભાવથી દરિયામાં મોટી ભરતી આવે છે.
૪. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો :
-
(1) વાતાવરણ સૂર્યનાં ............ કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે.
પારજાંબલી -
(2) ધ્વનિ-પ્રદૂષણને ............ પણ કહે છે.
ઘોંઘાટ -
(3) સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ............ કહે છે.
ભરતી