સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 8 ભારતવર્ષની ભવ્યતા - સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 8 ભારતવર્ષની ભવ્યતા - સ્વાધ્યાય

ધોરણ 6: સામાજિક વિજ્ઞાન


૧. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો:

૧) નિદર્શન કલામાં...... અને......નો સમાવેશ થાય છે.

જવાબ: નૃત્ય, નાટક.

૨) દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય...... છે.

જવાબ: સંગમ સાહિત્ય.

૩)......ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલચી હતો.

જવાબ: મૅગેસ્થનિસ.

૪) મધ્યપ્રદેશમાં......સ્થળેથી પાષાણયુગનાં ચિત્રો મળી આવેલ છે.

જવાબ: ભીમબેટકા.

૫) ઈ.સ. પૂર્વે પાંચમી સદીના સિક્કાને......તરીકે ઓળખવામાં આવે છે.

જવાબ: પંચમાર્ક કૉઈન.


૨. ટૂંકમાં ઉત્તર આપો:

૧) વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.

જવાબ: ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો અને ૧૦૮ જેટલા ઉપનિષદો પણ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે.

૨) પ્રાચીન ભારતમાં કયા-કયા વિદેશી મુસાફરો/પ્રવાસીઓ આવ્યા હતા?

જવાબ: પ્રાચીન ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલચી મૅગેસ્થનિસ હતો. ગ્રીક નાવિક ટોલેમીએ પણ ભારતનાં બંદરો વિશે લખ્યું છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીનનો મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુઅન શ્વાંગ ભારત આવ્યા હતા.

૩) સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો.

જવાબ:
સ્તૂપ: સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું (અંડાકાર) સ્થાપત્ય. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરીરૂપે સ્તૂપનિર્માણ શરૂ થયું. જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતાં.
ચૈત્ય: ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, અને વિશાળ પ્રાર્થનામંડપ કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો. તેનો ઉપયોગ પ્રાર્થનાગૃહ તરીકે થતો હતો.

૪) તક્ષશિલામાં કયા-કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?

જવાબ: તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિંદુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. પાણિનિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, અને જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શૈક્ષણિક સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા.

૫) ગુપ્તવંશના કયા-કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે?

જવાબ: ગુપ્તકાળના સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ મળી આવ્યા છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમના સિક્કાઓ, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા-રાણીના અને ગરુડના સિક્કાઓ, અને ચંદ્રગુપ્ત દ્વિતીયના (વિક્રમાદિત્ય) સિંહવિક્રમ અને ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવેલા છે.


૩. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

  • ૧) ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે.
    જવાબ: ખોટું. ઉપનિષદોમાં માંડુક્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે, જ્યારે મત્સ્યપુરાણ એ એક અલગ ગ્રંથ છે.
  • ૨) ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા “ઇન્ડિકા' નામના ગ્રંથમાંથી ભારતનાં બંદરો વિશેની માહિતી મળે છે.
    જવાબ: ખોટું. ગ્રીક એલચી મૅગેસ્થનિસે "ઈન્ડિકા" નામનો ગ્રંથ લખ્યો છે, જ્યારે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતનાં બંદરો વિશેની માહિતી મળે છે.
  • ૩) ઈલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતકકથાઓનાં ચિત્રો જગવિખ્યાત છે.
    જવાબ: ખોટું. અજંતા-ઇલોરાનાં ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં અજંતાના ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. ઇલોરામાં શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું છે.
  • ૪) ગાંધારશૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો.
    જવાબ: ખરું.
  • ૫) પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી.
    જવાબ: ખોટું. નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવેલી હતી.

૪. ટૂંક નોંધ લખો:

૧) ધર્મેતર સાહિત્ય

જવાબ: ધર્મેતર સાહિત્ય એટલે એવા સાહિત્યિક ગ્રંથો જેની વિષયવસ્તુ ધર્મની બહારની હોય. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો કાયદાગ્રંથ ગણાય છે, અને યાજ્ઞવલ્ક્યસ્મૃતિ અને નારદસ્મૃતિ જેવી અન્ય સ્મૃતિઓ પણ હતી. કૌટિલ્ય રચિત ‘અર્થશાસ્ત્ર’માં મૌર્ય સામ્રાજ્યના રાજનીતિ, કાયદો, અર્થનીતિ, વહીવટ, કર, સમાજ-વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ વગેરેનો ઉલ્લેખ છે. મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, અને ભારવિ જેવા મહાન સાહિત્યકારોએ નાટકો અને કાવ્યોની રચના કરી હતી. દક્ષિણ ભારતમાં 'સંગમ સાહિત્ય'ની રચના થઈ હતી, જેમાં વીરકાવ્યોનો સમાવેશ થાય છે. પાણિનિનું ‘અષ્ટાધ્યાયી’ સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે.

૨) પ્રાચીન ભારતનાં સ્થાપત્યો

જવાબ: પ્રાચીન ભારતમાં સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના જોવા મળે છે. હડપ્પીય સભ્યતાનું આયોજનબદ્ધ નગરરચના તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્થાપત્યોમાં ગુફા-સ્થાપત્ય, મંદિર-સ્થાપત્ય અને મહેલોનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા-સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકની ગુફાશિલ્પો, અજંતા-ઈલોરા અને અમરાવતીનાં ગુફાશિલ્પો અગત્યના છે. ભારતીય શિલ્પકલામાં ગાંધાર અને મથુરા શૈલીનો વિકાસ થયો હતો. બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. અશોકનો સાંચીનો સ્તૂપ અને ભજ તથા કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે.

૩) પ્રાચીન ભારતની ખેતી

જવાબ: પ્રાચીન ભારતમાં ખેતીનું વિશેષ મહત્વ હતું. તે સમયે ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા જેવા પાકોની ખેતી થતી હતી. હડપ્પા સંસ્કૃતિમાં હળ આકારનું રમકડું મળ્યું છે, જે દર્શાવે છે કે તેઓ હળનો ઉપયોગ કરતા હતા. આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં લોખંડનાં સાધનો જેવા કે કુહાડીઓ, હળના ફણાં, દાતરડું અને કુહાડાનો ઉપયોગ વધતો ગયો. ખેતીના વિકાસ માટે સિંચાઈ પણ ખૂબ જ મહત્વની હતી. આ સમયે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા.

૪) ગ્રામીણ અને નગરજીવન

જવાબ: પ્રાચીન ભારતમાં ગ્રામીણ અને નગરજીવન અલગ-અલગ હતું. ઉત્તર ભારતના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો, જેનું પદ વંશપરંપરાગત હતું. તે મોટાભાગે ગામનો સૌથી મોટો જમીનમાલિક હતો અને કરવેરા ઉઘરાવવાનું તેમજ કાયદા-વ્યવસ્થા જાળવવાનું કામ કરતો. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીનવિહોણા મજૂર (દાસ). નગરજીવનમાં, શહેરો મહાજનપદોની રાજધાનીઓ હતા અને કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. શહેરોમાંથી મળેલા વલયકૂપ કૂવા, શૌચાલય કે કચરાપેટી તરીકે વપરાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદિ તથા માંસ-માછલીનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ બે વસ્ત્રો પહેરતાં: નીચેના ભાગનું વસ્ત્ર ‘નિવિ’ અને ઉપરના ભાગનું વસ્ત્ર ‘વાસ’ કહેવાતું.