સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો - સ્વાધ્યાય
૧. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
૧) સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાં સ્થળેથી મળી આવ્યા?
જવાબ: (A) હડપ્પા. ઈ.સ. ૧૯૨૧માં હડપ્પામાંથી સિંધુખીણ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા.
૨) હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું?
જવાબ: (C) કાલિબંગાન. રાજસ્થાનનું કાલિબંગાન નગર હડપ્પીય સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્ય મથક હતું.
૩) ઋગ્વેદમાં કેટલાં મંડળો છે?
જવાબ: (C) ૧૦. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં ૧૦ મંડળોમાં ૧૦૨૮ પ્રાર્થનાઓ (સૂક્ત)નો સમાવેશ થાય છે.
૨. ટૂંકમાં ઉત્તર આપો:
૧) હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો.
જવાબ: હડપ્પીય સભ્યતાના નગરોના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગો હતા, જેમાંથી એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો. મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય તે રીતે રસ્તાઓ અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિપ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે.
૨) 'હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.' વિધાન સમજાવો.
જવાબ: સિંધુખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાંનો સમાવેશ થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતાં રમકડાં પણ જોવા મળે છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી તેમનાં રમકડાંમાં વ્યક્ત થાય છે.
૩) લોથલ વિશે નોંધ લખો.
જવાબ: લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીં ઇંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, જેને ધક્કો (Dock yard) માનવામાં આવે છે. આ માળખું અહીં આવતાં વહાણોને લાંગરીને માલસામાન ચઢાવવા-ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત, અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. જેના પરથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે.
૩. ખાલી જગ્યા પૂરો:
- ૧) કાલિબંગાન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે.
- ૨) હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ મોહેં-જો-દડો નગરમાં આવેલ છે.
- ૩) ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે.
૪. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
- ૧) હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે.
જવાબ: ખરું. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવસમાજની મહાન સભ્યતાનાં દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવજીવનને પ્રેરણા પૂરી પાડે છે. - ૨) ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.
જવાબ: ખરું. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. - ૩) ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે.
જવાબ: ખોટું. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં (દ્વિસ્તરીય) વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં (ત્રિસ્તરીય) છે. - ૪) વેદ મુખ્યત્વે સાત છે.
જવાબ: ખોટું. વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.