સ્થાનિક સરકાર - સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 16 સ્થાનિક સરકાર - સ્વાધ્યાય

ધોરણ 6: સામાજિક વિજ્ઞાન


૧. ખાલી જગ્યા પૂરો:

(૧) આપણે પંચાયતીરાજ્યનું ______ સ્તરનું માળખું સ્વીકારેલ છે.

જવાબ: ત્રણ.

(૨) ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ______ ની નિમણૂક કરવામાં આવે છે.

જવાબ: તલાટી-કમ-મંત્રી.

(૩) તાલુકાના વહીવટી વડાને ______ કહે છે.

જવાબ: તાલુકા વિકાસ અધિકારી (T.D.O.).

(૪) સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ______ પંચાયત છે.

જવાબ: જિલ્લા.

(૫) ગ્રામપંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ______ વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.

જવાબ: બે.


૨. ટૂંકમાં ઉત્તર લખો:

(૧) મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે?

જવાબ: મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.

(૨) જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?

જવાબ: જિલ્લાના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) હોય છે.

(૩) મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે?

જવાબ: મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે.

(૪) મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે?

જવાબ: મહાનગરપાલિકામાં ૫૦% મહિલા અનામત સભ્યો હોય છે.

(૫) મેયર પોતાના હોદા પર કેટલી મુદત માટે રહી શકે છે?

જવાબ: મેયર પોતાના હોદા પર અઢી વર્ષ માટે રહી શકે છે.


૩. ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો:

૧) ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.

જવાબ: ગ્રામપંચાયતનાં કાર્યોમાં ઘર નંબર આપવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામના રોડ-રસ્તા બનાવવા અને તેની સફાઈ કરવી, ગંદા પાણીનો નિકાલ કરવો, જાહેર મિલકતની જાળવણી કરવી, ગામમાં આરોગ્યવિષયક જાળવણી અને દીવાબત્તીની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણનો ફેલાવો કરવો, ગ્રામવિકાસનું આયોજન કરવું અને જન્મ-મરણનું રજિસ્ટર નિભાવવું વગેરેનો સમાવેશ થાય છે.

૨) સ્થાનિક સરકાર એટલે શું? સમજાવો.

જવાબ: સ્થાનિક સરકાર એટલે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે અને તેમના દ્વારા જ વહીવટ થાય. તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.

૩) તલાટી કમ-મંત્રી કયાં-ક્યાં કાર્યો કરે છે?

જવાબ: તલાટી-કમ-મંત્રી સરકાર તરફથી નિમણૂક પામે છે અને વહીવટી કાર્ય સંભાળે છે. તેઓ કરવેરાની વસૂલાત કરે છે, ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરે છે, અને તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ગ્રામપંચાયતનું કાર્યાલય 'ગ્રામ સચિવાલય' તરીકે પણ ઓળખાય છે.


૪. ટૂંક નોંધ લખો:

૧) મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.

જવાબ: મહાનગરપાલિકા નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરે છે. તેના મુખ્ય કાર્યો નીચે મુજબ છે:

  • જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી.
  • પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ કરવું.
  • ગટરવ્યવસ્થા, સાફસફાઈ અને ગંદા કચરાનો નિકાલ કરવો.
  • રસ્તાઓ બનાવવા અને તેની જાળવણી કરવી.
  • રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી.
  • પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી.
  • પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ-બગીચા બનાવવા.
  • ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી.
  • જન્મ-મરણ અને લગ્નની નોંધણી કરવી.

૨) સામાજિક ન્યાય સમિતિ

જવાબ: સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક-આર્થિક સગવડ મળી રહે તે માટે યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ, એટલે કે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ, આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. તાલુકા અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. આ સમિતિનું મુખ્ય કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે.

૩) પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા

જવાબ: પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. જિલ્લા સ્તરે, તેઓ તમામ વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે. તેઓ જિલ્લા આયોજન સમિતિના સચિવ હોય છે. કલેક્ટર ગ્રામપંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે, અનામત બેઠકોની ફાળવણી કરે છે, અને અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે.