સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 15 સરકાર - સ્વાધ્યાય
ધોરણ 6: સામાજિક વિજ્ઞાન
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
(૧) સરકારની જરૂર શા માટે છે?
જવાબ: દેશના સંચાલન અને નિર્ણયો લેવા માટે સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખીને કાયદા બનાવવા, તેમાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
(૨) સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા-કયા છે?
જવાબ: દુનિયામાં સરકારના સંદર્ભે મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે:
- લોકશાહી સરકાર
- સામ્યવાદી સરકાર
- રાજાશાહી સરકાર
(૩) દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે?
જવાબ: દુનિયામાં સરકારના મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર.
(૪) આપણા દેશમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે?
જવાબ: આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતમાં સંસદીય લોકશાહી છે.
(૫) રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટાઓ કયા નામે ઓળખાય છે?
જવાબ: રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટાઓ ઝીબ્રા ક્રોસિંગ તરીકે ઓળખાય છે, જેને રાહદારી ક્રોસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨. યોગ્ય જોડકાં જોડો:
- (૧) રાજ્ય સરકાર - (d) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.
- (૨) સ્થાનિક સરકાર - (c) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
- (૩) રાષ્ટ્રીય સરકાર - (b) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
- (૪) રાજાશાહી સરકાર - (a) એક જ વ્યક્તિ શાસન કરે છે.
૩. યોગ્ય કારણ આપો:
(૧) લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
જવાબ: લોકશાહી શાસનવ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. 'સરકાર'નું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી અથવા આડકતરી રીતે લોકો જ કરે છે. લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
(૨) લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.
જવાબ: રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. અહીં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે અને એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારીને જ મહત્ત્વ આપવામાં આવે છે. આથી, લોકોના અધિકારો જળવાતા નથી.
(૩) સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
જવાબ: સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમય અને સમાજની જરૂરિયાત મુજબ સરકાર કાયદામાં સુધારા કરી શકે છે અને તેનો અમલ પણ કરે છે. જો લોકોને લાગે કે કાયદાનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી, તો તેઓ અદાલતમાં પડકારી શકે છે.
(૪) બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહિં.
જવાબ: બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરવાથી ડ્રાઇવરનું ધ્યાન વિચલિત થઈ શકે છે. આના કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે અને મુસાફરોની સલામતી જોખમાય છે. તેથી, મુસાફરી દરમિયાન શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે.
૪. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
- (૧) લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.
જવાબ: ખરું. - (૨) રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.
જવાબ: ખરું. - (૩) અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.
જવાબ: ખરું. - (૪) ટ્રાફિક લાઈટમાં લાલ લાઈટ આગળ વધવાનો સંકેત છે.
જવાબ: ખોટું. લાલ લાઈટ થોભો અને લીલી લાઈટ આગળ વધવાનો સંકેત આપે છે. - (૫) સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
જવાબ: ખરું.