સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 14 વિવિધતામાં એકતા - સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 14 વિવિધતામાં એકતા - સ્વાધ્યાય

ધોરણ 6: સામાજિક વિજ્ઞાન


૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

(૧) દેશમાં કઈ-કઈ ભાષાઓ બોલાય છે?

જવાબ: આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે.

(૨) આપણા દેશના લોકો કયા-કયા ધર્મો પાળે છે?

જવાબ: આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી (પારસી) અને યહૂદી ધર્મો પાળે છે.

(૩) આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે?

જવાબ: આપણા દેશમાં સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો જેવી ભૌગોલિક બાબતોના કારણે તેમજ ખાન-પાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત-રિવાજ વગેરેમાં રહેલી ભિન્નતાઓને કારણે તે વિવિધતાવાળો દેશ બન્યો છે.

(૪) રાષ્ટ્રીય એકતા કોને કહેવાય?

જવાબ: જુદા-જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને ત્યાગની ભાવના એક સમાનભાવે અનુભવે, તેને રાષ્ટ્રીય એકતા કહે છે.


૨. ટૂંકમાં ઉત્તર આપો:

૧) લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા

જવાબ: ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત-રિવાજ અને તહેવારો જેવી અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન હોવા છતાં, દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવનાથી રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

૨) વિવિધતા અને સમાનતાના પ્રયાસો

જવાબ: આપણા દેશમાં અમીર-ગરીબ, છોકરા-છોકરી, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવો જોવા મળે છે. આ ભેદભાવો દૂર કરવા માટે દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળ્યું છે, જેથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. સૌને સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાથી સૌને પ્રાથમિક શિક્ષણની તકો મળી છે. ઉપરાંત, ગ્રામીણ સડકો, આરોગ્ય કેન્દ્રો, વીજળી અને પાણીની સુવિધાઓ વધારવામાં આવી છે. સ્ત્રીઓને સમાન તક આપવા માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે અને ચૂંટણીઓમાં બેઠકો અનામત રાખવામાં આવી છે.


૩. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

  • (૧) આઝાદી પછીનાં વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે.
    જવાબ: ખરું.
  • (૨) આપણો દેશ શહેરોનો બનેલો છે.
    જવાબ: ખોટું. આપણા દેશમાં ગામડાં અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે.
  • (૩) ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી.
    જવાબ: ખોટું. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામપંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.

૪. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો:

૧) છોકરા-છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો.

જવાબ: સ્ત્રી-પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. મોટાભાગનાં કુટુંબોમાં મહિલાઓ ઘરકામ અને બાળઉછેર કરે છે. તેમને કુટુંબવિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્ય, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડાં, રમતો, અભ્યાસની તકો, હરવા-ફરવા અને વિચાર-વ્યવહાર જેવી બાબતોમાં પણ છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, દહેજપ્રથા અને અન્ય કુરિવાજોનો ભોગ બને છે.

૨) ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો.

જવાબ: ભારત બિનસાંપ્રદાયિક દેશ છે કારણ કે અહીં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે છે. ભારત ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને પોતાની વિવિધતાનું સંવર્ધન અને જતન કરે છે.


૫. ખાલી જગ્યા પૂરો:

  • (૧) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ______ ભાષા બોલે છે.
    જવાબ: મરાઠી.
  • (૨) પંજાબના લોકો ______ નૃત્ય માટે જાણીતા છે.
    જવાબ: ભાંગડા.
  • (૩) મહાવીરજયંતીનો ઉત્સવ ______ ધર્મ સાથે સંકળાયેલો છે.
    જવાબ: જૈન.
  • (૪) ભારતમાં ______ રાજ્યના રાસ-ગરબા જાણીતા છે.
    જવાબ: ગુજરાત.