સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન - સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન - સ્વાધ્યાય

ધોરણ 6: સામાજિક વિજ્ઞાન


૧. જોડકાં જોડો:

  • (૧) એકશિંગી ભારતીય ગેંડા - (c) અસમ
  • (૨) સમુદ્રના કાચબા - (a) ઑડિશાનો સમુદ્રકિનારો
  • (૩) યાયાવર પક્ષીઓ - (b) જળપ્લાવિત ક્ષેત્ર

૨. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

  • (૧) સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે.
    જવાબ: ખોટું. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જ જોવા મળે છે.
  • (૨) પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે.
    જવાબ: ખરું. પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે.
  • (૩) કાવેરી નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
    જવાબ: ખોટું. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખત્રિકોણ પ્રદેશની રચના કરી છે.

૩. એક-બે વાક્યમાં ઉત્તર આપો:

  • (૧) હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે?
    જવાબ: હિમાલયની દક્ષિણે આવેલ વિશાળ મેદાન ગંગા, સતલુજ, યમુના, અને બ્રહ્મપુત્ર જેવી નદીઓએ ઠાલવેલા કાંપથી બન્યું છે.
  • (૨) ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે?
    જવાબ: ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળસરોવર, ખીજડિયા, થોળ, અને છારીઢંઢ (કચ્છ) જેવા જળપ્લાવિત વિસ્તારોમાં આવે છે.

૪. ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર આપો:

૧) મેગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો?

જવાબ: મેગ્રુવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. આ પ્રકારનાં જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન-નિકોબારના ટાપુઓના સમુદ્રકિનારે આવેલાં છે. ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન પણ આ પ્રકારનું જંગલ છે, જ્યાં સુંદરી નામનાં વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્રકિનારે ચેરનાં વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે.

૨) પર્વતીય જંગલ વિશે માહિતી આપો.

જવાબ: પર્વતીય જંગલો પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઊગે છે. સમુદ્રસપાટીથી ૧૫૦૦ મીટરથી ૨૫૦૦ મીટર સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડાં ધરાવતી હોય છે, જેને શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, અને પાઈન જેવાં વૃક્ષો આ પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે.


૫. શબ્દ-સમજૂતી આપો:

૧) યાયાવર પક્ષીઓ

જવાબ: યાયાવર પક્ષીઓ એટલે એવાં પક્ષીઓ જે ઠંડા પ્રદેશોમાંથી શિયાળામાં બચ્ચાં ઉછેરવા માટે દૂર-દૂરના જળાશયો કે જળપ્લાવિત વિસ્તારોમાં આવે છે. શિયાળો પૂરો થતાં તેઓ પોતાના વતનમાં પરત જાય છે.

૨) પાનખર ઋતુ

જવાબ: પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો તેમનાં પાંદડાં ખેરવે છે. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં આ ઋતુ સ્પષ્ટ જોવા મળે છે, જેથી તેને ખરાઉ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે.


૬. ટૂંક નોંધ લખો:

૧) જંગલોના પ્રકાર

જવાબ: ભારતની આબોહવામાં રહેલી ભિન્નતાને કારણે જંગલોના મુખ્ય પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે:

  • ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો: આ જંગલો ભારે વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી. આ જંગલો વર્ષભર લીલાંછમ રહે છે, કારણ કે પાનખર અલગ-અલગ સમયે આવે છે.
  • ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો: ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારનાં જંગલો આવેલાં છે. આ જંગલો ઓછાં ઘટાદાર હોય છે અને પાનખર ઋતુમાં વૃક્ષો પાંદડાં ખેરવે છે, તેથી તેને ખરાઉ મોસમી જંગલો પણ કહે છે.
  • સૂકાં ઝાંખરાંવાળાં જંગલો: આ જંગલો ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. અહીંના વૃક્ષો કાંટાળા હોય છે, જેમ કે થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે.
  • પર્વતીય જંગલો: આ જંગલો પર્વતીય વિસ્તારમાં ઊંચાઈ પ્રમાણે જોવા મળે છે. ઊંચાઈ વધતાં વનસ્પતિનો આકાર બદલાય છે. ૧૫૦૦ થી ૨૫૦૦ મીટરની ઊંચાઈ પર શંકુદ્રુમ વનસ્પતિ જોવા મળે છે.
  • મેગ્રુવ જંગલો: આ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે અને સમુદ્રકિનારાના વિસ્તારોમાં જોવા મળે છે, જેમ કે સુંદરવન અને ગુજરાતના દરિયાકાંઠે.

૨) ભારતની આબોહવા અને ઋતુઓ

જવાબ: ભારતમાં વાતાવરણમાં થતા ફેરફારોના આધારે મુખ્ય ચાર ઋતુઓ અનુભવાય છે. હવામાનની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવાય છે.

  • શિયાળો (ડિસેમ્બરથી ફેબ્રુઆરી): આ ઠંડીની ઋતુ છે. સૂર્યનાં કિરણો ત્રાંસાં પડવાથી તાપમાન નીચું રહે છે. દિવસો ટૂંકા હોય છે.
  • ઉનાળો (માર્ચથી મે): આ ગરમ ઋતુ છે. સૂર્યનાં કિરણો લગભગ સીધાં પડતાં હોવાથી તાપમાન ઊંચું જાય છે. બપોરે ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે, જેને 'લૂ' કહે છે.
  • ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર): આ વરસાદની ઋતુ છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આવતા પવનો ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની છે.
  • પાછા ફરતા મોસમી પવનોની ઋતુ (ઑક્ટોબરથી નવેમ્બર): આ શરદ ઋતુ કે નિવર્તન ઋતુ છે. પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે અને સૂકા હોય છે. બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બનીને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ આપે છે.