સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 11 ભૂમિસ્વરૂપો - સ્વાધ્યાયો
ધોરણ 6: સામાજિક વિજ્ઞાન
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
૧) ભૂમિસ્વરૂપ કોને કહેવાય?
જવાબ: જ્યારે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે, ત્યારે તેને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે.
૨) પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે?
જવાબ: સમુદ્રસપાટીથી લગભગ ૯૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. નિર્માણક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત.
૩) ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.
જવાબ:
ઉચ્ચપ્રદેશ: સમુદ્રસપાટીથી આશરે ૧૮૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે.
મેદાન: સમુદ્રસપાટીથી ૧૮૦ મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે.
૨. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો:
- ૧) ભારતનો સાતપુડા ______ પ્રકારનો પર્વત છે.
જવાબ: (B) ખંડ. - ૨) ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને ______ ઉચ્ચપ્રદેશ કહે છે.
જવાબ: (A) આંતરપર્વતીય. - ૩) સરેરાશ સમુદ્રસપાટીથી ______ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.
જવાબ: (D) આશરે ૧૮૦ મીટર સુધીની. - ૪) હવાંગહોનું મેદાન ______ પ્રકારનું મેદાન છે.
જવાબ: (B) નિક્ષેપણનું.
૩. મને ઓળખી કાઢો:
- ૧) હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું.
જવાબ: અખાત. - ૨) મારો છેડો જળભાગમાં અમૂક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે.
જવાબ: ભૂશિર. - ૩) હું ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છું.
જવાબ: ટાપુ. - ૪) હું બે જળવિસ્તારોને જોડું છું.
જવાબ: સામુદ્રધુનિ. - ૫) મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે.
જવાબ: દ્વીપકલ્પ.
૪. ટૂંક નોંધ લખો:
૧) ખંડપર્વત
જવાબ: ખંડપર્વતનું નિર્માણ ભૂગર્ભિક બળોને કારણે થાય છે. જ્યારે બે ભૂમિસ્તરો પર ખેંચાણબળ લાગે છે, ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે, જેને ખંડપર્વત કહેવાય છે. નીચે બેસી જતા ભાગમાં ફાટખીણની રચના થાય છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, આથી ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નિલગીરી, સાતપુડા, અને વિંધ્યાચલ પર્વતો ખંડ પર્વતનાં ઉદાહરણો છે.
૨) ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ
જવાબ: ઉચ્ચપ્રદેશો આર્થિક અને પ્રાકૃતિક રીતે ખૂબ જ મહત્વના છે. ઉચ્ચપ્રદેશની લાવાની બનેલી ફળદ્રુપ જમીન કપાસની ખેતી માટે અનુકૂળ છે. અહીંના પ્રાચીન નક્કર ખડકોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કીમતી ખનિજો મળે છે. ઉદાહરણ તરીકે, ભારતનો છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ ખનિજોનો ભંડાર છે. આ ઉપરાંત, ઉચ્ચપ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી છે. તે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આકર્ષક સ્થળો છે.
૩) નિક્ષેપણનું મેદાન
જવાબ: નિક્ષેપણનાં મેદાનનું નિર્માણ નદી, હિમનદી, પવન જેવા પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી થાય છે. જ્યારે સરોવર કે સમુદ્ર જેવા કોતરો આ કાંપથી ભરાઈ જાય છે ત્યારે આવા મેદાનો બને છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ગંગા-યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, અને ઇટાલીમાં પૉ નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન તેનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. જ્યારે આ મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે, ત્યારે તેને 'સરોવરના મેદાન' કહે છે, જેમ કે કશ્મીરની ખીણો.
૪) મેદાનનું મહત્ત્વ
જવાબ: મેદાનો માનવજીવન અને આર્થિક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ મહત્વના છે. વિશ્વની મોટાભાગની માનવવસાહતો અને વેપાર-વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાયેલાં છે. સપાટ મેદાનો સડકમાર્ગ અને રેલમાર્ગના નિર્માણ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. આ વિસ્તારોમાં ગીચ વસતી ધરાવતાં શહેરો આવેલાં છે. મેદાનોની ફળદ્રુપ જમીન ખેત-ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે, અને આ ખેતપેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.