સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 10 પૃથ્વીનાં આવરણો - સ્વાધ્યાય
ધોરણ 6: સામાજિક વિજ્ઞાન
૧. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો:
(૧) પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં છે?
જવાબ: પૃથ્વીના ચાર મુખ્ય આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ.
(૨) મૃદાવરણ એટલે શું?
જવાબ: મૃદાવરણ એટલે પૃથ્વી ઉપરનો પોપડો, જે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. 'મૃદા' શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે.
(૩) જલાવરણ શેનું બનેલું છે?
જવાબ: જલાવરણ એ પૃથ્વીસપાટીનો પાણીથી ઘેરાયેલો વિસ્તાર છે, જેમાં મહાસાગરોનો સમાવેશ થાય છે.
(૪) વાતાવરણના મુખ્ય વાયુઓ કયા-કયા છે?
જવાબ: વાતાવરણના મુખ્ય વાયુઓમાં નાઈટ્રોજન, ઑક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયૉક્સાઈડ, અને ઓઝોનનો સમાવેશ થાય છે.
(૫) જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે?
જવાબ: જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.
૨. નીચેની ખાલી જગ્યા પૂરો:
- (૧) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો...... આવરણમાં આવેલાં છે.
જવાબ: મૃદાવરણ. - (૨) પૃથ્વીસપાટીથી આશરે...... કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
જવાબ: 800 થી 1000. - (૩) વાતાવરણમાં...... વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે.
જવાબ: નાઇટ્રોજન.
૩. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
- (૧) વાતાવરણમાં ઑક્સિજન ૧૫૦ કિમીની ઊંચાઈ સુધી હોય છે.
જવાબ: ખોટું. - (૨) મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે.
જવાબ: ખરું. - (૩) જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
જવાબ: ખરું. - (૪) પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.
જવાબ: ખરું. - (૫) ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.
જવાબ: ખરું.
૪. ટૂંક નોંધ લખો:
૧) વાતાવરણ
જવાબ: પૃથ્વીની ચારેબાજુ વીંટળાઈને આવેલા ૮૦૦ થી ૧૦૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. તે રંગ, ગંધ અને સ્વાદરહિત તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં નાઇટ્રોજન (૭૮.૦૩%), ઑક્સિજન (૨૦.૯૯%), ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન જેવા વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, અને સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણમાં રહેલો ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઊઠી નાશ પામે છે, જેથી પૃથ્વી માટે તે કુદરતી ઢાલની ગરજ સારે છે.
૨) જલાવરણનું મહત્ત્વ
જવાબ: જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કીમતી ખનીજોનો મોટો જથ્થો આવેલો છે, જેમ કે મેંગેનીઝ, લોખંડ, કલાઈ. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. મહાસાગરોનાં મોજાં, પ્રવાહો અને ભરતીમાં રહેલી શક્તિનો ઉપયોગ કરીને વિદ્યુતશક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળપરિવહનના માર્ગો પણ બન્યા છે, જે વિવિધ દેશોના વેપાર માટે અનુકૂળ છે.
૩) મૃદાવરણનું મહત્ત્વ
જવાબ: મૃદાવરણ એ આપણા અસ્તિત્વનો પાયો છે. મૃદાવરણ પર જ આપણાં ઘર, પાણી, અને ખેતી જેવી પ્રવૃત્તિઓ શક્ય બને છે. આ આવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે. આપણે ખેતી કરીને વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ અને મેદાનપ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ-ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વતપ્રદેશોમાં આવેલાં જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં કહીએ તો, આહારથી માંડીને આવાસ સુધીની જરૂરિયાતો મૃદાવરણ પૂરી પાડે છે.