વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 6 સજીવોમાં શ્વસન - સ્વાધ્યાય
સ્વાધ્યાય (પ્રશ્ન ૧ થી ૯)
૧. દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે?
દોડવા જેવી ભારે શારીરિક કસરત દરમિયાન શરીરને વધુ શક્તિની જરૂર પડે છે. આ શક્તિ ખોરાકના દહનથી મળે છે, જેના માટે વધુ ઓક્સિજન જરૂરી છે. શરીરની ઓક્સિજનની વધેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે, રમતવીર ઝડપી અને ઊંડા શ્વાસ લે છે. આમ કરવાથી વધુ ઓક્સિજન કોષો સુધી પહોંચે છે, જે ખોરાકના વિઘટનને ઝડપી બનાવી વધુ શક્તિ મુક્ત કરે છે.
૨. જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી કરો.
સમાનતા:
- બંને પ્રક્રિયાઓમાં ખોરાક (ગ્લુકોઝ) તૂટે છે અને શક્તિ મુક્ત થાય છે.
- બંને પ્રક્રિયાઓ સજીવના કોષોમાં થાય છે.
અસમાનતા:
| જારક શ્વસન (Aerobic Respiration) | અજારક શ્વસન (Anaerobic Respiration) |
|---|---|
| આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે. | આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. |
| તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે. | તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય છે. |
| અંતિમ નીપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. | અંતિમ નીપજ તરીકે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ (યીસ્ટમાં) અથવા લેક્ટિક એસિડ (સ્નાયુઓમાં) ઉત્પન્ન થાય છે. |
| તેમાં વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. | તેમાં પ્રમાણમાં ઓછી શક્તિ મુક્ત થાય છે. |
૩. જ્યારે આપણે ક્યારેક ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે છીંક આવે છે?
જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે હવામાં રહેલા ધૂળ જેવા બિનજરૂરી ઘટકો આપણા નાસિકાકોટરમાં રહેલા વાળમાં ભરાઈ જાય છે. પરંતુ ક્યારેક આ કચરો પસાર થઈને અંત્યગુહામાં પહોંચી જાય છે, જે ત્યાં અજંપો પ્રેરે છે. આ પ્રતિભાવ રૂપે આપણને છીંક આવે છે, જેના દ્વારા આ કચરો દબાણપૂર્વક બહાર ફેંકાઈ જાય છે.
૪. ત્રણ કસનળી લો. ત્રણેયને ૩/૪ પાણીથી ભરો. તેને A, B અને C થી નોંધો. કસનળી A માં ગોકળગાય, કસનળી B માં જલીય વનસ્પતિ અને કસનળી C માં ગોકળગાય અને વનસ્પતિ બંને મૂકો. કઈ કસનળીમાં CO₂ નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે?
કસનળી A માં CO₂ નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે.
કારણ: કસનળી A માં ગોકળગાય શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ (CO₂) મુક્ત કરશે. કસનળી C માં ગોકળગાય દ્વારા મુક્ત થયેલો CO₂ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ માટે વાપરી લેશે. આથી, માત્ર ગોકળગાય ધરાવતી કસનળી A માં જ CO₂ નું પ્રમાણ સૌથી વધુ જમા થશે.
૫. સાચો વિકલ્પ પસંદ કરો :
(a) વંદામાં હવા (iii) શ્વસનછિદ્રો દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
(b) ભારે કસરત દરમિયાન, પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં (ii) લૅક્ટિક ઍસિડ નો ભરાવો થાય છે.
(c) આરામદાયી સ્થિતિમાં પુખ્તવયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસનદર (ii) 15-18 હોય છે.
(d) ઉચ્છ્વાસ દરમિયાન, પાંસળીઓ (ii) નીચે તરફ જાય છે.
૬. કૉલમ-1 માં આપેલી વિગતોને કૉલમ-II સાથે જોડોઃ
| કૉલમ-1 | કૉલમ-II |
|---|---|
| (a) યીસ્ટ | (iii) આલ્કોહોલ |
| (b) ઉરોદરપટલ | (iv) ઉરસગુહા |
| (c) ત્વચા | (i) અળસિયું |
| (d) પર્ણ | (v) પર્ણરંધ્ર |
| (e) માછલી | (ii) ઝાલરો |
| (f) દેડકો | (vi) ફેફસાં અને ત્વચા |
૭. સાચા વિધાનમાં 'T' અને ખોટાં વિધાનમાં 'F' સામે નિશાની કરો.
(i) ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસનદર ઘટે છે. (F)
(ii) વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને માત્ર રાત્રિ દરમિયાન શ્વસન કરે છે. (F)
(iii) દેડકામાં ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસનક્રિયા થાય છે. (T)
(iv) માછલીમાં શ્વસન માટે ફેફસાં હોય છે. (F)
(v) શ્વાસ દરમિયાન ઉરસગુહાનું કદ વધે છે. (T)
૮. નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસનતંત્રને લગતાં શબ્દો શોધો.
- (i) કીટકમાં હવાની નળી - TRACHEA
- (ii) ઉરસગુહાની આજુબાજુનું કંકાલ - RIBS
- (iii) ઉરસગુહાના તળિયે આવેલ સ્નાયુઓ - DIAPHRAGM
- (iv) પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો - STOMATA
- (v) કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો - SPIRACLES
- (vi) મનુષ્યમાં આવેલ શ્વસનાંગ - LUNGS
- (vii) જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે - NOSTRILS
- (viii) એક અજારક સજીવ - YEAST
- (ix) શ્વાસનળી ધરાવતું એક સજીવ - ANT
૯. પર્વતારોહકો તેમની સાથે ઑક્સિજન લઈ જાય છે કારણ કે,
જવાબ: (b) વ્યક્તિ માટે ઉપલબ્ધ હવાનું પ્રમાણ હોય છે તે જમીનની હવા કરતાં ઓછું હોય છે.
વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ
-
માછલીઘરમાં માછલીનું અવલોકન:
માછલીની શ્વસન પ્રક્રિયાનું અવલોકન કરવું. માછલીના માથાની બંને બાજુએ આવેલા ઝાલર-ઢાંકણના એકાંતરે ખુલવા અને બંધ થવાની ક્રિયા દ્વારા તે કેવી રીતે શ્વસન કરે છે તે સમજવું. -
ધૂમ્રપાનની હાનિકારક અસરો:
ધૂમ્રપાનની સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે જાગૃતિ કેળવવી. સ્થાનિક ડૉક્ટર પાસેથી અથવા અન્ય સ્રોત પાસેથી ધૂમ્રપાનથી ફેફસાંને થતા નુકસાન અને રોગો વિશે માહિતી એકત્રિત કરવી. -
કૃત્રિમ શ્વસન:
ડૉક્ટરની મુલાકાત લઈ કૃત્રિમ શ્વસનની જરૂરિયાત અને પ્રક્રિયા વિશે જાણકારી મેળવવી, જેમ કે તે ક્યારે જરૂરી બને છે અને તેમાં ઓક્સિજનનો પુરવઠો ક્યાંથી મળે છે. -
શ્વસનદરનું માપન:
જુદી-જુદી ઉંમર અને જાતિના લોકોના શ્વસનદરમાં તફાવત છે કે કેમ તે ચકાસવું. પરિવારના સભ્યો અને મિત્રોનો આરામદાયી સ્થિતિમાં શ્વસનદર માપીને તફાવત નોંધવો.
નોંધ : આપેલ જવાબમાં કે વિગતોમાં કોઇ ભૂલ હોય તો અમારો સંપર્ક trhelpmail@gmail.com પર કરો.