વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 13 દૂષિત પાણીની વાર્તા - સ્વાધ્યાય
સ્વાધ્યાય (પ્રશ્ન ૧ થી ૧૨)
૧. ખાલી જગ્યા પૂરો:
(a) પાણીના શુદ્ધીકરણની પ્રક્રિયા એ પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે.
(b) ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ સુએઝ (ગંદું પાણી) કહેવાય છે.
(c) સુકાયેલ કાદવ એ ખાતર તરીકે ઉપયોગી છે.
(d) ગટરોની પાઇપલાઇન ખાદ્યતેલો અને ચરબી દ્વારા બંધ થઈ શકે છે.
૨. સુએઝ શું છે? સારવાર ન પામેલ સુએઝને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે?
સુએઝ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો અને અન્ય જગ્યાઓએથી મુક્ત થતું દૂષિત પાણી છે. તે એક જટિલ પ્રવાહી કચરો છે જેમાં દ્રાવ્ય અને નિલંબિત અશુદ્ધિઓ, રોગકારક બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો હોય છે.
સારવાર ન પામેલ સુએઝને નદી કે દરિયામાં છોડવું હાનિકારક છે કારણ કે તે પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. આ પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ અને કમળા જેવા પાણીજન્ય રોગો ફેલાઈ શકે છે.
૩. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો.
તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં ન છોડવા જોઈએ કારણ કે તે પાઈપમાં જામીને તેને સખત બનાવી બંધ કરી શકે છે. જો આવા પદાર્થો ખુલ્લી ગટરમાં નાખવામાં આવે, તો તે જમીનના છિદ્રોને બંધ કરી દે છે, જે પાણીની ગાળણ પ્રક્રિયાની અસરકારકતા ઘટાડે છે.
૪. ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો.
ગંદા પાણીની સારવાર (વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ) ના મુખ્ય તબક્કાઓ નીચે મુજબ છે:
- બાર સ્ક્રીન: સૌપ્રથમ, પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરી ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિક જેવી મોટી વસ્તુઓ દૂર કરાય છે.
- કાંકરી અને રેતી દૂર કરવાનો ટાંકો: પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી રેતી, કાંકરી જેવા પદાર્થો તળિયે બેસાડાય છે.
- અવસાદન ટાંકો: મળ જેવા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે જેને "કાદવ" (Sludge) કહે છે અને તેલ જેવી તરતી અશુદ્ધિઓને દૂર કરાય છે.
- વાયુમિશ્રણ: પાણીમાં હવા ઉમેરી જારક બેક્ટેરિયાની વૃદ્ધિ કરાય છે, જે બાકી રહેલા કાર્બનિક કચરાનું વિઘટન કરે છે.
- જંતુનાશક પ્રક્રિયા: અંતમાં, પાણીને ક્લોરિન કે ઓઝોન જેવા રસાયણો વડે જંતુરહિત બનાવવામાં આવે છે.
૫. કાદવ એ શું છે? તેની સારવાર (શુદ્ધ) કેવી રીતે કરાય છે તે સમજાવો.
ગંદા પાણીની સારવાર દરમિયાન, અવસાદન ટાંકામાં મળ જેવા જે ઘન પદાર્થો તળિયે એકઠા થાય છે, તેને કાદવ (Sludge) કહે છે.
તેની સારવાર માટે, કાદવને એક અલગ ટાંકામાં લેવામાં આવે છે જ્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી ઉત્પન્ન થતો બાયોગેસ બળતણ તરીકે અને સુકાયેલો કાદવ ખાતર તરીકે ઉપયોગી છે.
૬. “સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે” સમજાવો.
સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે કારણ કે તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ બંને ફેલાવી શકે છે. આ મળમાં રોગકારક સૂક્ષ્મજીવો હોય છે. જ્યારે આ મળ પાણીના સ્ત્રોતો સાથે ભળે છે, ત્યારે તે પાણીને પ્રદૂષિત કરે છે, જેનાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો અને ઝાડા જેવા ગંભીર રોગો ફેલાઈ શકે છે.
૭. પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતાં બે રસાયણોના નામ આપો.
પાણીને બિનચેપી (જંતુરહિત) બનાવવા માટે ક્લોરિન અને ઓઝોન જેવા રસાયણો વપરાય છે.
૮. વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતાં બાર સ્ક્રીનનાં કાર્યો સમજાવો.
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બાર સ્ક્રીન એ પ્રાથમિક તબક્કામાં વપરાતું એક યાંત્રિક ફિલ્ટર છે. તેનું મુખ્ય કાર્ય ગંદા પાણીમાંથી મોટી વસ્તુઓ જેવી કે ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, ડબ્બા વગેરેને ગાળીને દૂર કરવાનું છે, જેથી તે આગળના પ્લાન્ટના સાધનોમાં ફસાઈને નુકસાન ન પહોંચાડે.
૯. સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો.
સ્વચ્છતા અને રોગો વચ્ચે સીધો સંબંધ છે. નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ રોગોના મુખ્ય કારણ છે. ખુલ્લી ગટરો અને ગંદકીવાળા વિસ્તારો માખીઓ, મચ્છરો અને અન્ય રોગકારક જીવજંતુઓ માટેના પ્રજનન સ્થાન બને છે. ખુલ્લામાં મળત્યાગ કરવાથી પાણીના સ્ત્રોત પ્રદૂષિત થાય છે, જેનાથી પાણીજન્ય રોગો ફેલાય છે. આમ, સારી સ્વચ્છતા જાળવવાથી ઘણા રોગોને ફેલાતા અટકાવી શકાય છે.
૧૦. સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો.
એક જાગૃત નાગરિક તરીકે, સ્વચ્છતા જાળવવા માટે નીચે મુજબનો ફાળો આપી શકાય છે:
- કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાખવો.
- તેલ અને ચરબી જેવી વસ્તુઓને ગટરમાં ન નાખવી.
- ખુલ્લી ગટરોને ઢાંકવા માટે ગ્રામપંચાયત કે મ્યુનિસિપાલિટીમાં જાણ કરવી.
- અન્ય લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવીને જાગૃત કરવા.
૧૧. અહીં ક્રોસવર્ડ પઝલ (કોયડો) આપેલ છે. આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો.
આડી ચાવી:
- 3. પ્રવાહી કચરો - SEWAGE
- 4. સુએઝ ટ્રીટમેન્ટમાં ઘન કચરો - SLUDGE
- 6. સ્વચ્છતાને લગતો શબ્દ - SANITATION
- 8. માનવ શરીરમાંથી બહાર ફેંકાતો કચરો - EXCRETA
ઊભી ચાવી:
- 1. વપરાયેલ પાણી - WASTEWATER
- 2. સુએઝ લઈ જતી પાઇપ - SEWER
- 5. સૂક્ષ્મજીવો જે કૉલેરા માટે જવાબદાર છે - BACTERIA
- 7. પાણીને બિનચેપી બનાવતું રસાયણ - OZONE
૧૨. ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો:
જવાબ: (ii) (b) અને (c)
વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ
- તમારો પોતાનો ક્રોસવર્ડ કોયડો:
પ્રકરણના પારિભાષિક શબ્દોનું પુનરાવર્તન કરવા માટે પોતાની શબ્દ ચાવીઓ બનાવીને એક નવો ક્રોસવર્ડ કોયડો રચવો. - પછી અને અત્યારે: સુએઝ નિકાલ પ્રણાલી:
ઘરના વડીલો સાથે વાતચીત કરી તેમના સમયમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કેવી હતી તે જાણવું અને વર્તમાન વ્યવસ્થા સાથે સરખાવીને એક ટૂંકો અહેવાલ બનાવવો. - સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત:
શિક્ષકની મદદથી નજીકના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયાને પ્રત્યક્ષ રીતે સમજવી અને નોંધ તૈયાર કરવી.
નોંધ : આપેલ જવાબમાં કે વિગતોમાં કોઇ ભૂલ હોય તો અમારો સંપર્ક trhelpmail@gmail.com પર કરો.