પ્રકરણ 14: આપણી આસપાસની આર્થિક પ્રવૃત્તિઓ
પાઠમાં આપેલ પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પાઠના અંતમાં આપેલ પ્રશ્નો, પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટનું સૉલ્યુશન
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
૧. પેજ 195: મહત્ત્વપૂર્ણ પ્રશ્નો
૧. આર્થિક પ્રવૃત્તિઓ કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે ?
જવાબ: આર્થિક પ્રવૃત્તિઓને તેમના સ્વરૂપ, કામગીરી અને તેમાં કુદરતી સંસાધનોના થતા ઉપયોગના આધારે મુખ્ય ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
૨. આ પ્રવૃત્તિઓને વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે વર્ગીકૃત કરશો ?
જવાબ: આ આર્થિક પ્રવૃત્તિઓને નીચે મુજબ ત્રણ વિવિધ ક્ષેત્રોમાં વર્ગીકૃત કરી શકાય:
- પ્રાથમિક ક્ષેત્ર: આ ક્ષેત્રમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેમાં જમીન, પાણી કે જંગલ જેવા કુદરતી સંસાધનોનો સીધો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે છે (દા.ત. ખેતી, માછીમારી, પશુપાલન).
- દ્વિતીય (ગૌણ) ક્ષેત્ર: આ ક્ષેત્રમાં પ્રાથમિક ક્ષેત્રમાંથી મળતા કાચા માલ પર મશીનો દ્વારા પ્રક્રિયા કરી તેમાંથી નવી મૂલ્યવર્ધિત વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે (દા.ત. કાપડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, ફર્નિચર બનાવવું).
- તૃતીય ક્ષેત્ર (સેવા ક્ષેત્ર): આ ક્ષેત્ર વસ્તુઓનું સીધું ઉત્પાદન કરતું નથી, પરંતુ પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રને મદદરૂપ થતી સેવાઓ પૂરી પાડે છે (દા.ત. માલસામાનનું પરિવહન, બેન્કિંગ, વ્યાપાર, છૂટક વેચાણ).
૩. ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલાં છે ?
જવાબ: આર્થિક પ્રવૃત્તિનાં ત્રણેય ક્ષેત્રો એકબીજા પર સંપૂર્ણપણે નિર્ભર છે અને સાંકળની જેમ જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, જો ખેડૂત (પ્રાથમિક ક્ષેત્ર) કપાસ ન ઉગાડે, તો કારખાના (દ્વિતીય ક્ષેત્ર) માં કાપડ બની શકે નહીં. તેવી જ રીતે, કારખાનામાં બનેલું કાપડ જો ટ્રક (તૃતીય ક્ષેત્ર - પરિવહન) દ્વારા બજાર સુધી પહોંચાડવામાં ન આવે, તો તે ગ્રાહક સુધી પહોંચી શકતું નથી. આમ, એક ક્ષેત્રનો વિકાસ બીજા ક્ષેત્ર પર આધારિત છે અને કોઈ એકના અભાવે આખી આર્થિક પ્રક્રિયા અટકી જાય છે.
૨. પેજ 199 પરની પ્રવૃત્તિ: ચાલો, વિચારીએ
પ્રશ્ન: શું તમે જોયેલી કોઈપણ પ્રાથમિક પ્રવૃત્તિઓ વિશે વિચારી શકો છો ? આ પ્રવૃત્તિઓમાં કુદરતી સંસાધનનો ઉપયોગ ક્યાં થાય છે ? તેમાંથી કોઈપણ બેનાં નામ આપો અને તમારા મિત્રો સાથે તમારા અનુભવોની ચર્ચા કરો.
જવાબની રૂપરેખા: હા, આપણી આસપાસ ઘણી પ્રાથમિક પ્રવૃત્તિઓ જોવા મળે છે.
- ખેતી (કૃષિ): આમાં પાક ઉગાડવા માટે જમીન, પાણી અને સૂર્યપ્રકાશ જેવા કુદરતી સંસાધનોનો સીધો ઉપયોગ થાય છે.
- માછીમારી: આમાં માછલીઓ પકડવા માટે નદી, તળાવ કે દરિયા જેવા જળ સંસાધનોનો ઉપયોગ થાય છે.
(વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પોતાના અનુભવો જેમ કે ખેતરની મુલાકાત કે દરિયાકિનારે માછીમારોને જોયા હોય તેની ચર્ચા કરવી.)
૩. પેજ 200 પરની પ્રવૃત્તિ: ચાલો, શોધીએ
પ્રશ્ન: હવે જ્યારે આપણે દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓનાં કેટલાંક ઉદાહરણો જોયા છે, ત્યારે શું તમે તે ક્ષેત્રની વધુ બે આર્થિક પ્રવૃત્તિઓનાં નામ આપી શકશો?
જવાબ: હા, દ્વિતીય (ગૌણ) ક્ષેત્રની અન્ય બે પ્રવૃત્તિઓ નીચે મુજબ આપી શકાય (જેમાં કાચા માલ પર પ્રક્રિયા કરી નવી વસ્તુ બનાવાય છે):
- કપાસમાંથી કાપડ બનાવવાનો ઉદ્યોગ.
- શેરડીમાંથી ખાંડ કે ગોળ બનાવવાનો ઉદ્યોગ.
૪. પેજ 205 પરની પ્રવૃત્તિ: ચૂકશો નહીં
પ્રશ્ન: અમૂલની જેમ... અન્ય ઘણી દૂધ સહકારી સંસ્થાઓ છે. તમે તમારી આસપાસ એક એવી સહકારી સંસ્થાનું નામ આપો કે જેણે ખેડૂતો, વિકલાંગ વ્યક્તિઓ અને મહિલાઓ જેવાં જૂથોને સંગઠિત કરવામાં મદદ કરી છે અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવી છે.
જવાબની રૂપરેખા (પ્રોજેક્ટ-શોધખોળ): વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારમાં આવેલી સ્થાનિક સહકારી ડેરી અથવા મંડળીનું નામ શોધવું.
ઉદાહરણ તરીકે જવાબ: અમારા વિસ્તારની આસપાસ 'સુમુલ ડેરી' (સુરત) / 'બનાસ ડેરી' (બનાસકાંઠા) / 'સાબર ડેરી' (સાબરકાંઠા) આવેલી છે. આ સંસ્થાઓએ પશુપાલકો અને ખાસ કરીને ગામડાની મહિલાઓને સંગઠિત કરી, દૂધ એકત્રીકરણ દ્વારા તેમને આર્થિક રીતે પગભર કર્યા છે.
૫. પેજ 207 પરની પ્રવૃત્તિઓ
પ્રશ્ન (ચાલો, વિચારીએ): આકૃતિ 14.1માં પાના નં.-206 પર દર્શાવેલી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓનું અવલોકન કરો અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો.
પ્રવૃત્તિની રૂપરેખા: વિદ્યાર્થીઓએ પાના 206 પર આપેલા ચિત્રોની ચર્ચા કરવી, જેમાં ક્રમશઃ: જંગલમાંથી લાકડું કાપવું, મશીનથી ટ્રકમાં ભરવું, કારખાનામાં લાવી તેમાંથી કાગળનું ઉત્પાદન કરવું, કાગળ પર પ્રિન્ટિંગ કરવું અને અંતે સ્ટેશનરીની દુકાને ગ્રાહકોને કાગળ/પુસ્તક વેચવા સુધીની આખી સફર દર્શાવી છે.
પ્રશ્ન (ચાલો, શોધીએ): પાના નં.-206 પર આકૃતિ 14.1માં દર્શાવેલા આકૃતિની નીચે આપેલ ખાલી જગ્યામાં તેની પ્રવૃત્તિ મુજબ લાગુ પડતાં ક્ષેત્રોના નામ લખો.
જવાબ: આ ચિત્રની પ્રક્રિયાને આપણે આ રીતે ક્ષેત્રોમાં વહેંચી શકીએ:
- પ્રાથમિક ક્ષેત્ર: જંગલમાંથી વૃક્ષો/લાકડા કાપવાની પ્રવૃત્તિ.
- દ્વિતીય ક્ષેત્ર: લાકડામાંથી મશીનો દ્વારા કાગળ બનાવવાની અને તેના પર છાપકામ (પ્રિન્ટિંગ) કરવાની પ્રવૃત્તિ.
- તૃતીય ક્ષેત્ર: માલસામાનનું ટ્રકોમાં પરિવહન કરવું અને દુકાનદાર દ્વારા ગ્રાહકને વેચાણ કરવું.
વિચારવા માટેનો પ્રશ્ન (ચિત્ર સાથે આપેલ): એવી કઈ જુદી જુદી રીતો છે કે જેના દ્વારા આપણે શાળાના વર્ગખંડો અને ઓફિસોમાં કાગળનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ ?
જવાબ:
- કાગળની બંને બાજુએ લખવા કે પ્રિન્ટ કરવા માટે આગ્રહ રાખવો.
- રફ કામ માટે એકબાજુ વપરાયેલા અને બીજી બાજુ કોરા હોય તેવા જૂના કાગળોનો ઉપયોગ કરવો.
- બિનજરૂરી પ્રિન્ટ કાઢવાનું ટાળવું અને બની શકે ત્યાં સુધી ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવો.
- નકામા કાગળને કચરામાં ફેંકવાને બદલે તેનું રિસાયકલિંગ કરવું (જેથી વૃક્ષો બચાવી શકાય).
૬. પેજ 208 પરના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ (સ્વાધ્યાય)
પ્રશ્ન (ચાલો, શોધીએ/પ્રોજેક્ટ): તમારી આસપાસની આર્થિક પ્રવૃત્તિઓની યાદી બનાવો અને તેમને યોગ્ય રીતે પ્રાથમિક, દ્વિતીય (ગૌણ) અથવા તૃતીયક્ષેત્ર તરીકે નોંધ કરો. તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલાં છે તે દર્શાવો. તેઓ કઈ રીતે એકબીજા પર નિર્ભર છે ? જો એક પ્રવૃત્તિનું અસ્તિત્વ ન રહે તો શું થાય?
પ્રોજેક્ટની રૂપરેખા:
- યાદી અને વર્ગીકરણ: (૧) ખેડૂત, માછીમાર (પ્રાથમિક ક્ષેત્ર). (૨) કડિયાકામ, સિલાઈકામ, કારખાનાનો મજૂર (દ્વિતીય ક્ષેત્ર). (૩) દુકાનદાર, શિક્ષક, બસ ડ્રાઇવર, બેન્ક કર્મચારી (તૃતીય ક્ષેત્ર).
- જોડાણ અને નિર્ભરતા: ત્રણેય ક્ષેત્રો સાંકળની જેમ જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, ખેડૂત શેરડી પકવે છે (પ્રાથમિક), ખાંડનું કારખાનું તેમાંથી ખાંડ બનાવે છે (દ્વિતીય) અને દુકાનદાર તે ગ્રાહક સુધી પહોંચાડે છે (તૃતીય).
- એક પ્રવૃત્તિ ન હોય તો: જો પરિવહન (તૃતીય ક્ષેત્ર) અસ્તિત્વમાં ન હોય, તો કારખાનાનો માલ બજાર સુધી પહોંચી જ ન શકે અને આર્થિક વ્યવહાર અટકી જાય. દરેક ક્ષેત્ર એકબીજાના અસ્તિત્વ માટે જરૂરી છે.
૧. પ્રાથમિક ક્ષેત્ર શું છે ? તે દ્વિતીય (ગૌણ) ક્ષેત્રથી કેવી રીતે અલગ છે ? બે ઉદાહરણ આપો.
જવાબ: પ્રાથમિક ક્ષેત્ર એટલે એવી આર્થિક પ્રવૃત્તિઓ કે જેમાં જમીન, પાણી કે જંગલ જેવા કુદરતી સંસાધનોનો સીધો ઉપયોગ કરીને વસ્તુઓ મેળવવામાં કે ઉત્પાદન કરવામાં આવે છે.
તફાવત: તે દ્વિતીય ક્ષેત્રથી અલગ છે, કારણ કે પ્રાથમિક ક્ષેત્ર કાચો માલ પૂરો પાડે છે, જ્યારે દ્વિતીય ક્ષેત્ર એ કાચા માલ પર યાંત્રિક પ્રક્રિયા કરી તેમાંથી નવી (મૂલ્યવર્ધિત) વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
ઉદાહરણ: ખેતી કરવી અને પશુપાલન કરવું એ પ્રાથમિક ક્ષેત્રનાં બે ઉદાહરણ છે.
૨. દ્વિતીય (ગૌણ) ક્ષેત્ર તૃતીયક્ષેત્ર પર કેવી રીતે નિર્ભર છે ? થોડાં ઉદાહરણો સાથે સમજાવો.
જવાબ: દ્વિતીય ક્ષેત્રમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે, પરંતુ તે ઉત્પાદન થયેલી વસ્તુઓને બજાર કે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે તૃતીય ક્ષેત્રની સેવાઓ અનિવાર્ય છે.
ઉદાહરણ: કારખાનામાં તૈયાર થયેલો માલ (જેમ કે કપડાં કે વાસણો) ફેક્ટરીમાં જ પડી રહે તો તેનું કોઈ મૂલ્ય નથી. તેને બજારમાં લઈ જવા માટે ટ્રક કે રેલવે (પરિવહન સેવા) જોઈએ. કારખાનું ચલાવવા પૈસા માટે બેન્કિંગ સેવા જોઈએ, અને માલ વેચવા માટે વેપારીઓ જોઈએ. આ તમામ પરિવહન, બેન્કિંગ અને વ્યાપાર એ તૃતીય ક્ષેત્ર છે. આમ, દ્વિતીય ક્ષેત્ર પોતાના અસ્તિત્વ અને વિકાસ માટે તૃતીય ક્ષેત્ર પર સંપૂર્ણપણે નિર્ભર છે.
૩. પ્રાથમિક, દ્વિતીય (ગૌણ) અને તૃતીયક્ષેત્રો વચ્ચે પરસ્પર નિર્ભરતાનું ઉદાહરણ આપો. તેને ક્રમિક રીતે દર્શાવો.
જવાબ: આર્થિક પ્રવૃત્તિનાં ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા છે.
ક્રમિક ઉદાહરણ (દૂધ સહકારી ડેરી મોડલ):
- પ્રાથમિક ક્ષેત્ર: ખેડૂતો ગામડામાં ગાય-ભેંસનું પાલન કરીને દૂધ મેળવે છે અને ડેરીમાં આપે છે.
- દ્વિતીય ક્ષેત્ર: એકઠું થયેલું દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટમાં (દા.ત. અમૂલ) જાય છે, જ્યાં મશીનો દ્વારા દૂધ પર પ્રક્રિયા કરી દૂધનો પાવડર, માખણ કે ચીઝ જેવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે.
- તૃતીય ક્ષેત્ર: આ તૈયાર થયેલા ઉત્પાદનોને યોગ્ય તાપમાને જાળવી રાખતા ટેન્કરો દ્વારા પરિવહન કરીને રિટેલ દુકાનો મારફતે દેશભરના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે.
આ દર્શાવે છે કે જો પ્રાથમિક ક્ષેત્ર કાચો માલ ન આપે, તો દ્વિતીય ક્ષેત્રમાં પ્રક્રિયા ન થાય અને જો તૃતીય ક્ષેત્ર ન હોય, તો ઉત્પાદનો બજાર સુધી પહોંચી ન શકે. આમ ત્રણેય એકબીજા પર આધારિત છે.